બાબાસ્વામીઓની માયાવી દુનિયા
બાબા રામ રહીમ ગુરમીત ઇન્સાન વગેરેનો આપણે એક વાતે આભાર માનવો જોઇએ, કારણ કે એના કરતૂતો બદનામ થવાને લીધે આવા બદમાશો દ્વારા થતી અસામાજિક અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ પર હાલ પૂરતી લગામ લાગશે. આવા આશયથી ચાલતા આશ્રમોમાં સાફસૂફી શરૂ થઇ જશે અને નવા આવી રહેલા બાબાસ્વામીઓનો પબ્લિક ઇસ્યુ મોકૂફ રાખવામાં આવશે. બાબા શબ્દ બદનામ થઇ ગયો હોવાથી મોટા ભાગના પાખંડીઓએ પોતાના નામમાંથી બાબા શબ્દ હટાવી લીધો છે, પરંતુ બાબા તો એક નામ છે, એની સાચી ઓળખ એના કામ છે.
દર વખતની જેમ આ વખતે પણ બધા જ બાબા, સ્વામીઓ અને આશ્રમોને એક જ લાકડીએ હાંકવાનો ગાડરિયો પ્રવાહ શરૂ થયો છે. ભગવા વસ્ત્રવાળો દરેક પુરુષ બાબા નથી હોતો, એ અરમાનીનો મોડેલ પણ હોઇ શકે, પરંતુ આપણને બધુ સરળતાથી સમજવાની અને એના વિશે ઝટપટ અભિપ્રાય આપવાની ટેવ છે. શું આ ગુરમીત નવી નવાઇનો છે? આવા કૌભાંડો શું આપણે અગાઉ જોયા નથી? આમાંનું મોટા ભાગનું તરકટ કઇ રીતે અને શા માટે ચાલે છે એનાથી શું આપણે અજાણ છીએ? આપણે એ પણ જાણીએ છીએ કે કોઇ કહેવાતા ધર્મગુરુ, સંત, સ્વામી કે બાબાનો પ્રભાવ ક્યારેય ઓછો થવાનો નથી અને એ ઘેલછા એક નહીં તો બીજા સ્વરૂપે ટકી જ રહેવાની છે. આથી જ સૌથી પહેલા વિચારવાનું છે કે કોણ છે આ બાબાલોગ અને શા માટે તેઓ આવું મેસ્મેરિઝમ ઊભું કરી શકે છે.
સૌથી પહેલા તો આ બાબાઓના પ્રકાર સમજી લેવાની જરૂર છે. બાબાઓ અથવા સ્વામીઓ મૂળભૂત રીતે બે પ્રકારના હોય છે. એક એ જેમણે પોતાના વ્યક્તિત્વ દ્રારા પોતાની આસપાસ અનુયાયીઓનું એક મોટું વર્તુળ ઊભું કર્યું છે અને બીજા એ છે, જેઓ અગાઉ કોઇ પ્રભાવશાળી વ્યક્તિએ ઊભા કરેલા સંગઠન, સામ્રાજ્યના વારસદાર છે. આ ગુરમીત બીજા પ્રકારનો બાબો છે. ડેરા સચ્ચાની સ્થાપના 1948માં મસ્તાના બલુચિસ્તાની નામના એક બાબાએ કરી હતી અને વિશ્વભરમાં આ પંથના છ કરોડ અનુયાયીઓ હોવાનો દાવો કરવામાં આવે છે. ગુરમીત આ સંગઠનનો ત્રીજો વારસદાર છે. જેમ બુદ્ધ પછી એમના ધર્મના મઠોમાં જે સડો પેસી ગયો હતો એમ આવા વારસાગત ધોરણે ચાલતા સંગઠનો અને આશ્રમોમાં પણ મોટો સડો પેસી જતો હોય છે. આથી આ પ્રકારના બાબાઓ અને સ્વામીઓનું નિશ્ચિતપણે અધઃપતન થઇ ગયું હોય છે.
બાબાસ્વામીઓનો બીજો પ્રકાર જરા ઇન્ટરેસ્ટિંગ છે. આ મહાનુભાવો પોતાની કોઇ છટા, લાક્ષણિકતા કે શક્તિ દ્વારા લાખ્ખો લોકોને પ્રભાવિત કરી શકે છે અને એમને પોતાના અનુયાયી બનાવી શકે છે. એમની જે સિદ્ધિ છે એ એમની પોતાની છે. સબ અપને બલબૂત પર. આ કારણસર આવા બાબાસ્વામીઓને બે માર્ક્સ વધુ આપી શકાય, પરંતુ આપણને રસ એ વાત જાણવામાં છે કે કઇ રીતે અને શા માટે તેઓ મોટા સમુદાયને પોતાની તરફ આકર્ષી શકે છે. આપણે તો સાલું, કોઇને કવિતા સંભળાવાની ઇચ્છા વ્યક્ત કરીએ તો જાણે વાઘ આવ્યો એવા ડરથી ભાગી જાય. અને આ લોકોને સાંભળવા લોકો ટ્રકમાં બેસીને બીજા રાજ્યોની મુસાફરી પણ ખેડી નાંખે.
એક વાત આપણે સૌથી પહેલા સમજી લેવી જોઇએ કે આ જગતમાં લાભ વિના કોઇ લાલો લોટતો નથી. દરેક માણસ સ્વાર્થી હોય છે. એને જો કંઇક પ્રાપ્ત થવાની આશા હોય તો જ એ કોઇ ભોગ આપવા તૈયાર થાય. આવા બાબાસ્વામીઓના અનુયાયીઓ ભલે ગમાર અને ભોટ દેખાયા હોય, પરંતુ એમને કંઇક મળવાની આશા હોય તો જ તેઓ બાબાસ્વામીઓ પાછળ દોડતા હોય છે. હવે આપણે જાણીએ છીએ કે બાબાસ્વામીઓ પાસે એવી કોઇ ચમત્કારીક શક્તિ નથી હોતી, છતાં એમનું તિકડમ ચાલતું રહે છે. શું છે આની પાછળનું સાચું કારણ?
આમ જોઇએ તો આ બધાની શરૂઆત રજનીશજી એટલે કે ઓશોથી થઇ. એમના પહેલા જે સંતો કે કહેવાતા ધર્મગુરુઓ હતા એ આદરપાત્ર અને અને ઓછા વિવાદાસ્પદ હતા. રજનીશનું કામકાજ રાજેશ ખન્ના જેવું નીકળ્યું. અધ્યામના ઉદ્યોગમાં એમણે પોતાની જાતને એક સુપરસ્ટાર તરીકે સ્થાપિત કરી. તેઓ લોકપ્રિય પણ ઘણા બન્યા, પૈસા પણ ખૂબ કમાયા અને છેલ્લે કાકાની જેમ અહંકારમાં એમનું પતન પણ થયું.
રજનીશ એવા અધ્યાત્મ ગુરુ હતા, જેમણે સામાન્ય લોકોને પહેલી વાર અધ્યાત્મની સાક્ષાત અનુભૂતી કરાવી. એમણે પહેલી વાર લોકોને ધ્યાન અને એના દ્વારા થતી અનોખી અનુભૂતિનો સ્વાદ ચખાડ્યો. લોકો એમની પાછળ ગાંડા થઇ ગયા. બૌદ્ધિકો બહાવરા બની ગયા. આ ઉપરાંત રજનીશ જ્ઞાની માણસ પણ હતા. એમની પાસે જે વાંચન અને જ્ઞાન હતું એની સામે બીજા બધા અધ્યાત્મ ગુરુઓના જ્ઞાનનો સરવાળો કરીએ તોય એ દશ ગણું વધી જાય એમ હતું. રજનીશમાં બોલવાની છટા પણ હતી અને વિવાદાસ્પદ બનવાની હીંમત પણ હતી. રજનીશ અલબત્ત એક મહાન હસ્તી હતા, પરંતુ એમના જીવન પરથી એક જ વાત શીખી શકાય કે માણસ ભગવાન ક્યારેય નથી બની શકતો.
આમ સૌથી ટોપ પર ઓશોને મૂકીએ તો એમની નીચેની રેન્જમાં બીજા અનેક નાનામોટા આધ્યાત્મિક ગુરુઓ અને સ્વામીબાબાઓ આવે, પરંતુ એ બધાની શક્તિઓ મર્યાદિત. આમ છતાં આ બધા પોતપોતાના અનુયાયીઓનું ટોળું જમા કરી શક્યા. કોઇકે નાનાં આશ્રમ સ્થાપ્યા તો કોઇએ મોટા. દરેકને પોતપોતાના બ્રેડ બટર મળતા રહે છે. આવા ઓર્ડિનરી બાબાઓ પણ શા માટે સફળ થઇ શક્યા? આની પાછળ અનેક કારણો જવાબદાર છે.
એક કારણ એ હોય કે ઘણા બાબાસ્વામીઓ દ્વારા જે સંગઠન કે સંસ્થા ચલાવવામાં આવતી હોય એના દ્વારા એક સોશ્યલ નેટવર્ક ઊભું થતું હોય અને એની સાથે સંકળાયેલા લોકો એકબીજાની સહાયથી તેમ જ સંગઠનના ભંડોળ દ્વારા પોતાના વ્યવસાયને વિકસાવતા હોય છે. આ રીતે સંગઠન અને એની સાથે સંકળાયેલી વ્યક્તિઓનો બંનેનો વિકાસ થતો રહે છે. આમા મોટા ભાગના લોકો આવા સંગઠન સાથે આર્થિક અને સામાજિક લાભ માટે જોડાયેલા હોય છે.
કેટલાક બાબાસ્વામીઓના અનુયાયીઓની સંખ્યા એટલી મોટી બની જાય છે અને એના વડા સ્વામીબાબાની ઇમેજ એટલી મોટી બની જાય છે કે એમાં જોડાતા ભક્તો તાર્કિક રીતે વિચારવાનું બંધ કરી દેતા હોય છે. એમને બાબાસ્વામીઓના ચમત્કારની વાતો અને દંતકથાઓ સાંભળવા મળે છે અને એનાથી તેઓ પ્રભાવિત થઇ જાય છે. કેટલાક લોકો પ્લેસિબો ઇફેક્ટનો ભોગ પણ બનતા હોય છે. જેમ કે બાબાસ્વામીને મળ્યા પછી સંજોગવસાત એમનું કોઇ કામ થઇ જાય તો એનો જશ તેઓ બાબાસ્વામીને આપવા માંડે છે. બાબાસ્વામીના આશ્રમો અને એમના કાર્યક્રમોમાં એવા મોટા ભભકા હોય છે કે અનુયાયીઓની શ્રદ્ધા વધતી જ રહે. બીજી તરફ આવા બાબાસ્વામી એક મોટી મતબેંકના માલિક બની ગયા હોવાથી એમને રાજકીય લાભો મળવાના પણ શરૂ થઇ જાય છે. આ રીતે વગ, પ્રભાવ અને અનુયાયીઓનું પ્રમાણ વધતું જ રહે છે.
મિડિયમ કક્ષાના બાબાસ્વામીઓના કારભારમાં ક્યારેક ગડબડો પ્રવર્તતી હોય છે, કારણ કે જે થાય એ અનુયાયીઓની નજર સામે થાય, ઢીલીપોચી વાત જલદી બહાર આવી જાય. ફાઇનેન્સ એટલું મજબૂત ન હોય અને બાબાસ્વામીઓની ઇમેજ બનાવવા માટે નજીકના વર્તુળના માણસોએ સતત કાર્યરત રહેવાનું હોય. જોકે હવે આ બધા બાબાસ્વામીઓની એક મોડસ ઓપરેન્ડી નક્કી થઇ ગઇ છે. સૌથી પહેલા કોઇ શહેરમાં એમનું એક પ્રવચન યોજવામાં આવે. એમાં બાબાની જયજયકાર બોલાવવામાં આવે, એમની અલૌકિક શક્તિઓની ખોટી વાત ફેલાવવામાં આવે અને કાર્યક્રમને અંતે સૌને બાબાના આશ્રમની મુલાકાત લેવાનું આમંત્રણ લેવામાં આવે. નવા, સંભવિત અનુયાયી આશ્રમની મુલાકાત લે ત્યારે એમને ફસાવવા માટેની અધ્યાત્મિક જાળ બિછાવવામાં આવે. બાબાની શક્તિઓ પર વિશ્વાસ બેસી જાય એવા નાટકો યોજવામાં આવે. ખોટા પ્રભાવથી અંજાઇને નવાંગતુકો અનુયાયી બની જાય. છેવટે નવા અનુયાયીઓ સંગઠનનો એક ભાગ બની જાય અને સંગઠનને વિસ્તારવાના પ્રયાસોમાં લાગી જાય.
અલબત્ત, આ તરકટી અને બનાવટી કારભારથી બધા પ્રભાવિત નથી થતા અને એક વાર પ્રભાવિત થયા પછી કેટલાય અનુયાયીઓ ભ્રમમુક્ત બની જતાં હોય છે, પરંતુ એમની ખાસ કોઇ નોંધ નથી લેતું. કેટલાક વળી સ્વામીબાબાની સામે પડે છે અને મિડિયામાં જઇને એમને બદનામ કરવાની કોશિષ કરે છે, છતાં એકંદરે બાબાસ્વામીઓના ધંધામાં ઓટ નથી આવતી. સબ ચલતા રહેતા હૈ. આશારામ બાપુ અને ગુરમીતના કિસ્સા આ રીતે અલગ પડે છે એટલે એમાં કોઇ અલગ ગણિત હોવાની શંકા પેદા થાય છે.
આવું તિકડમ આપણા દેશમાં જ ચાલે છે એવું નથી. અધ્યાત્મ અને કોઇ ચમત્કારીક શક્તિની ખોજ માટેના અભરખા દુનિયાભરમાં છે. આથી તો ભારતના અનેક અધ્યાત્મ ગુરુઓ વિદેશમાં જઇને સફળ બન્યા છે. બીજી તરફ પશ્ચિમના દેશોમાં પણ પોઝિટિવ થિન્કીંગ અને અધ્યાત્મિક વિષે લખનારાની બોલબાલા વધી છે. આવા પુસ્તકો કરોડોની સંખ્યામાં વેચાય છે ને એના લેખકો આપણા સ્વામીબાબાની જેમ કરોડોની કમાણી કરે છે. આપણા દેશમાં જે આશ્રમોમાં પ્રવચનો અને સત્સંગ યોજાય છે એમા વિદેશમાં સોફિસ્ટિકેટેડ અધ્યાત્મ ગુરુઓ વિવિધ પ્રકારના વર્કશોપ યોજે છે અને વિદેશી ભક્તો એ માટે તગડી ફી પણ ચુકવે છે.
મૂળ સમસ્યા છે માણસની અંદરના લાલચ અને ડરની. આ બે ભાવનાને કારણે માણસ હંમેશાં ઇશ્વરને શોધતો રહે છે. ઇશ્વર તો પોતાની હયાતીની સ્પષ્ટ સાબિતિ આપવાની ચોખ્ખી ના પાડી દે છે એટલે એનો લાભ એના એજન્ટો એટલે કે આવા બાબાસ્વામીઓ લે છે. છેલ્લે, ખૂબ જ ઘસાયેલી રેકર્ડ ફરીથી વગાડીને એટલું જ કહેવાનું કે ઇશ્વર માણસની ભીતરમાં જ છે. જો માણસ પોતાની બહાર ઇશ્વરને શોધવાનું બંધ કરે તો જ એનું કલ્યાણ થાય અને આવા ધતિંગોથી એ બચી શકે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર