એવોર્ડ વાપસીઃ લેખકે કંઈ જ ગુમાવવાનું નથી

19 Oct, 2015
12:00 AM

mamta ashok

PC:

આજકાલ એવોર્ડ્સ પાછા આપી દેવાનો વાયરો ચાલી રહ્યો છે. રેશનાલિસ્ટ અભિગમ ધરાવતા લેખક એમ. એમ. કલબુર્ગીની હત્યા અને દેશમાં પ્રવર્તમાન એકંદર માહોલના વિરોધમાં સાહિત્યકારો ધડાધડ એવોર્ડ્સ પાછા આપી રહ્યા છે. સરકાર માટે મૂંઝવણભરી સ્થિતિ ઊભી થઈ છે, કારણ કે આ બાબતે એ કંઈ કરી શકે એમ નથી. એવોર્ડ્સ આપવાના હોય તો સરકાર પોતાની મરજી ચલાવી શકે, પણ લેખકો જ્યારે એવોર્ડ્સ પાછા આપી રહ્યા હોય ત્યારે સરકારની મરજી ન ચાલે.

લેખકો માટે એક રીતે વિન-વિન સિચ્યુએશન છે. એવોર્ડ મળ્યા ત્યારે પણ મજા આવી હતી અને પાછા આપવામાં પણ એટલી જ મજા આવી રહી છે. મને એક વાતની મનમાં જિજ્ઞસા છે કે સાહિત્ય અકાદમીનો એવોર્ડ પાછો આપનારા લેખકો એવોર્ડની સાથે મળેલા એક લાખ રૂપિયા પાછા આપી રહ્યા છે કે નહીં. પૈસાની બાબતમાં લેખક કહી શકે કે પૈસા વપરાઈ ગયા. સામે પક્ષે સરકાર એમ કહી શકે કે પૈસા વ્યાજની સાથે પાછા આપો. જોકે સરકાર લેખકોને વધુ છંછેડવાનું પસંદ નહીં કરે.

ખરેખર તો એવોર્ડ એ સન્માનનું એક પ્રતિક છે. એની સાથે પૈસા જોડવાનું પછીથી શરૂ થયું. કોઈ જાહેરમાં સ્વીકારે કે ન સ્વીકારે, પણ એવોર્ડની સાથે સંકળાયેલી રોકડ રકમ સૌને વહાલી લાગે છે. કેટલાકને તો ફક્ત એમાં જ રસ હોય છે. જેમ કે મને! મને જો કોઈ પ્રતિષ્ઠિત એવોર્ડ અને રોકડ રકમ એ બેમાંથી એક આપવાની ઓફર થાય તો હું રોકડ રકમ લેવાનું પસંદ કરું.

પૈસાનું તો એવું છે કે, કેટલાક એવોર્ડ્સ લેવા માટે લોકો સામેથી પૈસા ચૂકવતા હોય છે. નાની મોટી ક્લબો અને સંસ્થાઓમાં આવા એવોર્ડ્સ વેચવાનો ધંધો જોરમાં ચાલતો હોય છે. અનેક શ્રીમંત લોકોને ડાયાબિટીઝ કે બ્લડ પ્રેશરની મુખ્ય તકલીફ નથી હોતી. એ તકલીફો તો તેઓ સહન કરી લે છે, પણ સમાજમાં કોઈ પ્રતિષ્ઠા નહીં હોય એનું દુઃખ એમને સૌથી મોટું હોય છે. આવા, પ્રતિષ્ઠાની દૃષ્ટિએ વાંઝિયા લોકો નાની સંસ્થા કે ક્લબોમાં દાતા, સ્પોન્સર્સ કે ફાયનાન્સર્સ બની જાય છે. એમના માટે સંસ્થાના ચબરાક વહીવટકારો જાતજાતના એવોર્ડ્સની શોધ કરે છે અને પૈસાના બદલામાં એમને કેટલાક એવોર્ડ્સ પધરાવી દે છે. હવે તો મિસ નારણપુરા અને મિસ કાંદીવલીના એવોર્ડ્સની શોધ પણ થઈ છે.

જોકે સાહિત્યકારોને આપવામાં આવતા એવોર્ડ્સનું મૂલ્ય ઘણું વધુ છે. એવોર્ડ ભલે સરકાર દ્વારા આપવામાં આવ્યા હોય, પણ પસંદગી માટે ઊચ્ચ સ્તરે મૂલ્યાંકન થતાં હોય છે. સાહિત્ય અકાદમીના એવોર્ડની તકતીની ડિઝાઈન વિખ્યાત ફિલ્મમેકર સત્યજીત રેએ તૈયાર કરી છે. આજના માહોલનો વિરોધ કરવા માટે સાહિત્યકારોએ એવોર્ડ પાછા આપવા જોઈએ કે નહીં એ ચર્ચાનો પ્રશ્ન છે. અત્યાર સુધીમાં પંદરેક સાહિત્યકારો પોતાના એવોર્ડ્સ પાછા આપી ચૂક્યા છે એટલે વાતમાં દમ તો છે. સરકાર તરફી લોકો આવા સાહિત્યકારોની મજાક કરતાં કહે છે કે, એમણે પોતાના રેશનકાર્ડ્સ અને પાસપોર્ટ્સ પણ પાછા આપી દેવા જોઈએ.

એ ચર્ચામાં આપણે ઊંડા ન ઊતરીએ તો પણ એક સાવ મૂળભૂત વાત સમજી લેવી જોઈએ કે, સાહિત્યકારો કોઈક વાતે પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. સરકાર તરફતી મળેલો એવોર્ડ પાછો આપી દેવો એ એમની રીત છે. મને લાગે છે કે વિરોધ વ્યક્ત કરવા માટે એવોર્ડ પાછો આપી દેવો એ સહેલામાં સહેલી રીત છે. આમાં સાહિત્યકારે કશું જ ગુમાવવાનું નથી. ઊલટું, કંઈક મેળવવાનું છે. એક રીતે જોઈએ તો આ એવોર્ડ લીધા પછી ફરીથી બીજી વાર એવોર્ડ લેવા જેવી વાત છે, કારણ કે એવોર્ડ પાછો આપનાર સાહિત્યકારની પણ આજકાલ એટલી જ વાહ વાહ થઈ રહી છે. એક સાહિત્યકારે સમજો કે એવોર્ડ પાછો આપી દીધો અને બેચાર મહીના કે વર્ષો પછી કોઈ સાથેની વાતચીતમાં એ એવોર્ડનો ઉલ્લેખ આવે તો શી વાત થાય? એવોર્ડ મળ્યો હતો, પણ સરકાર સામેના વિરોધમાં મેં એ પાછો આપી દીધો. શાબાશ. ફરીથી શાબાશ.

ખરેખર તો હવે જે તે એવોર્ડની વિશ્વસનિયતા પણ એવી નથી રહી. એવોર્ડમાં ફિક્સિંગ થતું હોવાનું સૌ સ્વીકારે છે. એવોર્ડ જાહેર થયાં પછી એ ગેરલાયક લોકોને મળ્યાની ફરિયાદો અવારનવાર સાંભળવા મળે છે. એ સાથે જ લાયક વ્યક્તિને એવોર્ડ નહીં મળ્યાની ફરિયાદો પણ થતી હોય છે. સરકાર તરફી લોકો એવી દલીલ કરી રહ્યા છે કે, અત્યારે જે સાહિત્યકારો પોતાના એવોર્ડ્સ પાછા આપી રહ્યા છે એમને યુપીએ સરકાર દ્વારા એવોર્ડ્સ આપવામાં આવ્યા હતા. આથી તેઓ ભાજપ સરકાર સામે વિરોધ વ્યક્ત કરીને પોતાના પરનું ઋણ અદા કરી રહ્યા છે. હવે આમાં એવોર્ડની ગરીમા ક્યાં રહી?  ફિક્સિંગનું નામ પડતાં જ એવોર્ડ કે સન્માન સાથે સંકળાયેલા આદરનો છેદ ઊડી જાય છે. ગાંધીજી જેવા ગાંધીજીને નોબલ શાંતિ પારિતોષિક નહોતું મળ્યું, એનાથી વધુ મોટું ફિક્સિંગ બીજું શું હોઈ શકે?

આજકાલ લેખકો સરકારની નીતિઓ સામે વિરોધ વ્યક્ત કરવા માટે એવોર્ડ્સ પાછા આપી રહ્યા છે, પરંતુ એમણે ઊઠાવેલો મુદ્દો બહુ ગંભીર છે. આ માટે એવોર્ડ પાછો આપવાની હળવાશભરી રીત અપનાવવાના બદલે થોડી કષ્ટદાયક રીત અપનાવવી જોઈએ.

સરકાર સામેના વિરોધમાં લેખક શું કરી શકે? મારા સહિતના અનેક લેખકો અને પત્રકારો સરકારની વિરુદ્ધમાં લખીને પોતાનો વિરોધ વ્યક્ત કરતા હોય છે. આ પણ જોકે સાવ હળવાશભરી રીત છે. આમાં કોઈ જોખમ નથી. કેન્દ્ર અને રાજ્ય સરકારની ટીકા કરવા જેટલી બિનજોખમી પ્રવૃત્તિ બીજી કોઈ નથી. કોઈ એવી દલીલ કરશે કે સરકાર વિરુદ્ધમાં લખીને લેખકો કે પત્રકારો એક તંદુરસ્ત પબ્લિક ઓપિનિયન ઊભો કરી શકે, લોકોમાં જાગૃતિ લાવી શકે. સોરી. નરેન્દ્ર મોદીની તરફેણવાળી અને વિરુદ્ધવાળી છાવણીના લોકો એટલા કટ્ટર છે કે, આવા લખાણોથી કોઈના અભિપ્રાય બદલાતા નથી. ઊલટું, પોતપોતાની માન્યતામાં લોકો વધુ કટ્ટર બને છે.

વિરોધ વ્યક્ત કરવા માટે એવોર્ડ પાછા આપવા કે ટીકાત્મક લખાણો લખવાને બદલે લેખકો જાહેરમાં દેખાવો કે ધરણા યોજી શકે. અસહકારનું આંદોલન કરી શકે, સત્યાગ્રહો કરી શકે અને એ માટે લાઠીમાર ખાવો પડે તો એ પણ ખાઈ શકે. ટૂંકમાં મેદાનમાં આવીને વિરોધ વ્યક્ત કરવાની રીત જરા કષ્ટદાયક છે, પણ એમાં લેખકના કમિટમેન્ટની કસોટી થઈ જાય.

લેખક અને પત્રકારના વિરોધની કસોટી ત્યારે પણ થાય જ્યારે એમની સામે ખરેખર જોખમો ઊભા થાય. મુંબઈના નિખિલ વાગળે નામના એક પત્રકારનું નામ મને અત્યારે યાદ આવે છે. અત્યારે તેઓ ‘લોકમત’ અખબાર સાથે સંકળાયેલા છે, પરંતુ એ પહેલા ‘મહાનગર’ સહિતના અનેક અખબારો સાથે સંકળાયેલા હતા. શિવસેનાની નીતિનો પહેલેથી મક્કમપણે વિરોધ કરનાર નિખિલ વાગળે પર અનેકવાર શારીરિક હુમલા થયા છે. એમના અખબારની ઓફિસમાં અનેક વાર તોડફોડ કરવામાં આવી છે. આમ છતાં નિખિલ વાગળે ક્યારેય ‘ચિકન આઉટ’ નથી થયા. આપણને તો આવા પ્રકારના વિરોધ અર્થપૂર્ણ લાગે. ફક્ત એવોર્ડ પરત કરનારા સાહિત્યકારોથી આપણે પ્રભાવિત નથી થઈ શકતા. સોરી.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.