આ રાજકીય નાટકો જરાય મનોરંજક નથી
‘હૂડનઇટ’ પ્રકારની કોઇ પણ સારી સસ્પેન્સ ફિલ્મમાં ગુનો (મોટે ભાગે ખૂન) થયા પછી થતી તપાસમાં ચાર-પાંચ મુખ્ય શકમંદોની હિલચાલને બારીક રીતે જોવામાં આવે. ખૂન થયું ત્યારે તેઓ ક્યાં હતા ત્યારથી માંડીને પછી એમણે શું કર્યું એની પ્રશ્નોત્તરી થાય. સામે આવતી હકીકતોના આધારે એક પછી એક શકમંદ પરથી શંકાના વાદળો હટતા જણાય. છેલ્લે બે જ મુખ્ય શંકમંદો સામે સોય ચીંધાયેલી રહે. સસ્પેન્સ ખુલવાની તૈયારી હોય ત્યારે ધડાકો થાય. એવી વ્યક્તિનું નામ બહાર આવે જેના પરની શંકા સૌથી પહેલા જ હટી ગઇ હતી.
ગાંધીનગરમાં છેલ્લા એક અઠવાડિયાથી આવું જ કંઇક ચાલ્યું હતું. ફરક ફક્ત એટલો હતો કે આ ફિલ્મ નહીં પણ નાટક હતું. અહીં પણ નવા મુખ્ય પ્રધાન કોણ બનશે એ પ્રશ્ન સૌને મૂંઝવતો હતો અને એ મુદ્દે ભારે ઉત્સુકતા રાજ્યભરમાં પ્રવર્તતી હતી. મુખ્ય પ્રધાનપદના અગ્રણી દાવેદારોમાં વિજય રૂપાણીનું નામ પણ હતું, પરંતુ કોઇક અકળ કારણોસર એમના નામ પર સૌથી પહેલા ચોકડી લાગી ગઇ. ત્યાર પછી જે નામોની ચર્ચા થઇ એમાં નીતિન પટેલ મોખરે હતા અને એમનું નામ છેલ્લી ઘડી સુધી નિશ્ચિત મનાતું હતું, પરંતુ સસ્પેન્સ ખૂલ્યું ત્યારે વિજય રૂપાણીનું નામ જાહેર થયું. કેટલાક લોકોએ આને કોથળામાંથી બિલાડું નીકળ્યાની ઉપમા આપી. એકંદરે તમાશો સારો થયો. આપણે હવે આવા સારા તમાશાથી ટેવાઇ ગયા છીએ. રાજકારણીઓ પણ જાણે છે કે આપણે આનંદપ્રેમી, ઉત્સવપ્રેમી અને તમાશાપ્રેમી પ્રજા છીએ. જો મનોરંજન મળતું હોય તો વાસ્તવિકતાને ભૂલી જઇએ, સમસ્યાઓને ભૂલી જઇએ. હાલત તો એવી થઇ ગઇ છે કે સમસ્યા અને મનોરંજન વચ્ચેનો ફરક જ ભૂલાઇ ગયો છે. એક તરફ મોંઘવારીની વાતો અને લોકોની હાલાકી વિશે ચર્ચા થાય છે અને બીજી તરફ સુલતાન અને કબાલી જેવી ફિલ્મો પાછળ લોકો કરોડો રૂપિયા ખર્ચે છે. આ તો પ્યોર મનોરંજનની વાત થઇ, પરંતુ રાજકારણીઓ દ્વારા પીરસવામાં આવતાં મનોરંજનનું મૂલ્ય ઓછું નથી. હકીકતમાં આપણા રાજકારણીઓ પ્રજાની આ નબળાઇ જાણી ગયા છે. એમણે તો નક્કી કરી લીધું છે કે લોકો બહુ ફરિયાદ કરે ત્યારે એમની ફરિયાદના નિરાકરણરૂપે એમને મનોરંજન પીરસવું. રાજકીય ખેલ કરવા, નૌટંકી કરવી. તરત જ પ્રજાનું ધ્યાન મુખ્ય સમસ્યાઓથી હટી જશે.
ઇન્દિરા ગાંધી વડા પ્રધાન હતા ત્યારથી કદાચ આ ડ્રામેબાજીનો યુગ શરૂ થયો. નાટ્યાત્મક રીતે બનતા રાજકીય બનાવો અને રાજકીય ડ્રામેબાજીમાં એક મોટો ફરક છે. કોઇ પણ દેશ કે રાજ્યના રાજકારણમાં નાટકીય ઘટનાઓ તો બનવાની જ, પરંતુ એને ડ્રામેબાજી ન કહેવાય. રાજનેતાઓ જ્યારે સમજી વિચારીને નાટકો જેવો માહોલ ઊભો કરે ત્યારે નૌટંકી થતી હોય છે. વિના કોઇ કારણ પ્રધાનમંડળમાં ફેરફારો કરવાથી લોકોનું ધ્યાન મુખ્ય સમસ્યા પરથી દૂર હટે છે એ રાજકીય નિયમ ઇન્દિરા ગાંધીએ શોધી કાઢ્યો હતો. એમના સમયમાં ટીવી નહોતું એટલે અખબારોની ગોસિપ રાજકીય વાતાવરણને ગરમ રાખવામાં મદદરૂપ થતી. આ રીતે પ્રધાન મંડળમાં ફેરફાર થશે એવી અફવાથી નાટકની શરૂઆત થતી. કોનું પત્તું કપાશે અને કયા નવા ચહેરા પ્રધાનમંડળમાં શામેલ થશે એની ચર્ચાઓ શરૂ થતી. એમાં દિવસો નીકળી જતા. ત્યાર પછી ખરેખર પ્રધાનમંડળમાં ફેરફારો થતા. નવા પ્રધાનોની કાર્યક્ષમતા અને બિનકાર્યક્ષમતા વિશેની ચર્ચાઓ શરૂ થતી એમાં બીજા કેટલાક દિવસો નીકળી જતા. ઇન્દિરા ગાંધી નાટકને વધુ રસપ્રદ બનાવવા માટે એકાદ મોટા માથાંને જરૂર વાઢી નાંખતા એટલે અખબારી ગોસિપ માટેનો મસાલો લાંબો સમય ટકે.
હકીકતમાં પ્રધાન મંડળના આવા ફેરફારોને સીધી રીતે પ્રજાના કલ્યાણ સાથે કોઇ સંબંધ નહોતો રહેતો, છતાં લોકો હોંશે હોંશે નવાં પ્રધાનો વિશેની વાતો સાંભળતા અને વાંચતા રહેતા. રાજકારણના શોખિનો એની ચર્ચા પણ કરતા. આ રીતે પ્રજા બહુ જ સહજતાથી પોતાની સમસ્યાઓને ભૂલી જતી.
રાજકીય નાટ્યશાસ્ત્રમાં પ્રધાન મંડળના બિનજરૂરી ફેરફારો ઉપરાંત મુખ્ય પ્રધાનોને રાતોરાત પદભ્રષ્ટ કરી નાંખવાની ઘટના પણ ધાર્યું પરિણામ નીપજાવી શકે છે. એ સમયે ઇન્દિરા ગાંધીની એકહથ્થુ સત્તા હતી અને મોટા ભાગના રાજ્યોમાં કોંગ્રેસની સરકાર રાજ કરતી હતી. દરેક રાજ્યના મુખ્ય પ્રધાન કેન્દ્રની કઠપૂતળી જેવા હતા અને ઇન્દિરા ગાંધી એમને પોતાની મરજી પ્રમાણે નચાવતા. જ્યારે તેઓ કોઇ રાજ્યના મુખ્ય પ્રધાનને અચાનક ઊઠાડી મૂકતા ત્યારે પણ નાટ્યાત્મક સ્થિતિ નિર્માણ થતી. ત્યારે પણ દિવસો સુધી દેશભરમાં એ વિશેની ચર્ચા થતી.
ઇન્દિરા ગાંધીના અવસાન પછી કેન્દ્રમાં એવા કોઇ શક્તિશાળી નેતાઓ આવ્યા નહીં, જેઓ પોતાની મરજીથી રાજકીય હલચલ મચાવીને પ્રજાને મનોરંજનના મોડમાં રાખી શકે. આમ છતાં રાજકીય નાટકો દ્વારા પ્રજાનું ધ્યાન બીજે દોરવાની એ કળા ક્યારેય લુપ્ત ન થઇ. ઇન્દિરા ગાંધી પછીની પેઢીઓના દરેક પક્ષના રાજકારણીઓએ આ કળા અપનાવી એટલું જ નહીં, એમાં નિપૂણતા મેળવી.
રાજકીય નાટ્યશાસ્ત્રમાં પ્રધાન પાસે રાજીનામું માગી લેવાની ઘટનાનું વિશેષ મહત્ત્વ છે. એક સમય હતો જ્યારે એક રેલવે અકસ્માતને પગલે લાલ બહાદૂર શાસ્ત્રીએ રેલવે પ્રધાન તરીકે રાજીનામું આપી દીધું હતું. એ રીતે નૈતિક જવાબદારી સમજીને રાજીનામું આપવાનો તો યુગ જ સમાપ્ત થઇ ગયો છે. આમ છતાં હજુય કેન્દ્રમાં અને રાજ્યોમાં પ્રધાનો રાજીનામાં આપતા હોય છે, પરંતુ કોઇ પ્રધાને નૈતિક જવાબદારી સમજીને રાજીનામું આપ્યું હોય એવી ઘટના છેલ્લા કેટલાય વર્ષોથી બની નથી.
પ્રધાનોના રાજીનામાં પાછળનું કારણ ક્યારેય નૈતિક જવાબદારી નથી હોતું. હવે ફકત રાજકીય નાટ્યશાસ્ત્રના નિયમાનુસાર રાજીનામા અપાય છે અને સ્વીકારવામાં આવે છે. ખરેખર વિચારીએ તો રાજીનામાનો અર્થ શો થાય? જ્યારે કોઇ પ્રધાનને પોતાને અથવા એમના ઉપરીઓને એવું લાગે કે પ્રધાન પોતાના સ્થાન માટે યોગ્ય નથી એટલે એમણે એ પદનો ત્યાગ કરવો જોઇએ. જો આ કારણસર પ્રધાન રાજીનામું આપે તો એનો અર્થ એ થયો કે એ પ્રધાન નિષ્ફળ ગયા છે અને એમને એ સ્તરની બીજી કોઇ જવાબદારી ન સોંપી શકાય. પરંતુ હવે તો ઊલટુ જ બનતું હોય છે. નિષ્ફળતાને પગલે રાજીનામું આપનાર પ્રધાનને બીજું વધુ મહત્ત્વનું ખાતું આપવામાં આવે છે અથવા બીજો કોઇ વધુ મહત્ત્વનો હોદ્દો આપવામાં આવે છે. આ રીતે રાજીનામું એક ફારસ બની જાય છે.
ગયા અઠવાડિયે ગાંધીનગરમાં પણ આવું જ નાટક ભજવાઇ ગયું. આનંદીબહેન રાજ્યના મુખ્ય પ્રધાન હતા ત્યાં સુધી પ્રજા મુસીબતોમાં ત્રસ્ત હતી. પહેલા પાટીદારોનું આંદોલન ચાલ્યું, તોફાનો થયા. એ દરમિયાન વારંવાર નેટ પર પ્રતિબંધ આવ્યા અને સામાન્ય લોકો હેરાન થઇ ગયા. ત્યાર પછી ઊનાકાંડ બન્યો અને દલિતો રસ્તા પર ઊતરી આવ્યા. પ્રજાને કોઇ વાતનું સુખ નહોતું, પરંતુ જેવું આનંદીબહેને રાજીનામું આપ્યું કે તરત જાણે પ્રજાની સમસ્યાઓનો અંત આવી ગયો. એમણે શા માટે રાજીનામું આપ્યું એની સમીક્ષાથી માંડીને નવા મુખ્ય પ્રધાન કોણ બનશે એની ઉત્સુકતામાં લોકો મુખ્ય સમસ્યાઓને ભૂલી ગયા. મુખ્ય પ્રધાન નક્કી કરવા માટે અમિત શાહ અને નીતિન ગડકરી આવ્યા. ધારાસભ્યો સાથે કલાકો ચર્ચા ચાલી. કોણ મુખ્ય પ્રધાન બનશે એ વિશેનું સસ્પેન્સ ઊભું કરવામાં આવ્યું, નીતિન પટેલનું નામ મોખરે હોવાની વાતો વહેતી થઇ અને છેવટે વિજય રૂપાણીનું નામ નવા મુખ્ય પ્રધાન તરીકે જાહેર થયું.
આદર્શ સ્થિતિ એ હોય, જેમાં આનંદીબહેને શા માટે રાજીનામું આપ્યું એની પ્રજાને જાણ કરવામાં આવે. તેઓ જે બાબતે નિષ્ફળ ગયા છે એને સુધારવા માટે કયા પગલાં લેવામાં આવશે એની રૂપરેખા આપવામાં આવશે. નવા મુખ્ય પ્રધાનની એવી કઇ વધારાની લાયકાત છે, જે અગાઉના મુખ્ય પ્રધાનમાં નહોતી એની સ્પષ્ટતા કરવામાં આવે અને પ્રજાને નડતી મુખ્ય સમસ્યાઓ પરત્વે તત્કાળ પગલાં ભરવાની બાંહેધરી આપવામાં આવે.
પણ આવું કશું બનતું નથી, કારણ કે આપણે રાજકીય તમાશાથી ખુશ છીએ. નીતિન પટેલનું પત્તું કપાઇ ગયું, અમિત શાહે છેલ્લું અટ્ટહાસ્ય કર્યું, હવે પાટીદારો ફરી આંદોલન કરશે વગેરે જેવી વાહિયાત અટકળોમાં રાચતા રહેવાનું આપણને પસંદ છે. નવા મુખ્ય પ્રધાનનું નામ જાહેર ન થયું ત્યાં સુધી આપણે ફેસબુક પર તુક્કા અને તીર ફેંકતા રહ્યા. ટીવીની સામે ચીટકી રહ્યા. રાજકારણીઓને આપણી આવી જ વૃત્તિને લીધે રાહત મળતી રહે છે. જ્યારે જ્યારે પ્રજા ત્રાસી જાય ત્યારે તેઓ મનોરંજનના નવા ખેલ સાથે હાજર થઇ જાય છે. આપણે તમાશાપ્રેમી પ્રજા છીએ. રાજકારણીઓ માટે કાર્યક્ષમતા દાખવવાનું જરૂરી નથી, તેઓ નાટક કરશે તો ચાલશે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર