દેશભરમાં સંબીત પાત્રા કલ્ચર પ્રસરી ગયું છે
સામાજિક પરિવર્તનો અનેક સ્તરે થતાં હોય છે. કેટલાક ઊડીને આંખે વળગે એવા હોય છે તો કેટલાકની જાણ બહુ સમય પછી લોકોને થાય છે. ભવિષ્યમાં સમાજશાસ્ત્રની દૃષ્ટિએ ભારતનો ઇતિહાસ લખાશે ત્યારે હાલ જોવા મળેલા પરિવર્તનની અવશ્ય નોંધ લેવામાં આવશે. મોટી ચલણી નોટો પાછી ખેંચવાના સરકારના નિર્ણયને પગલે દેશમાં વિરોધ અને અરાજકતા પેદા થયા. નિર્ણયના પરિણામસ્વરૂપ આવી પ્રતિક્રિયા આવે એ અપેક્ષિત હતું, આ પ્રતિક્રિયાને સરકાર કઇ રીતે ટેકલ કરશે એ પણ અપેક્ષિત હતું, પરંતુ આ પ્રશ્ને દેશ આખો બે ભાગમાં વહેંચાઇ જશે એવું કોઇએ વિચાર્યું નહોતું. આ એક અભૂતપૂર્વ ઘટના છે. અમેરિકામાં ડેમોક્રેટિક અને રિપબ્લિકન એમ બે જ પક્ષો છે એમ ભારતમાં પણ જાણે હવે બીજેપી તથા અન્ય પક્ષોનો સમુહ એ બે પક્ષો હોય એવી સ્થિતિ પેદા થઇ ગઇ છે. કમ સે કમ પ્રજા તો આવા જ બે વિભાગમાં વહેંચાઇ ગઇ છે.
વાત જરા વિગતે સમજીએ. નરેન્દ્ર મોદીના સમર્થકો વડા પ્રધાનના કોઇ પણ પગલાંને હંમેશાં સમર્થન આપે છે એટલું જ નહીં, એનો વિરોધ કરનારની સાથે બાથંબાથ કરવા સજ્જ થઇ જાય છે. સરકાર, નરેન્દ્ર મોદી તથા એમની જમણેરી વિચારધારાના સમર્થકો એવા સમર્પિત હોય છે કે એનાથી વિરુદ્ધનું તેઓ કંઇ જ સાંભળી નથી શકતા. સમર્થકોમાં પણ પાછા પ્રકાર અને પેટા પ્રકારો હોય છે, પરંતુ બધા જ પ્રકારોમાં હવે એક સમાન વિશેષતા જોવા મળે છે અને એ છે સંબીત પાત્રા કલ્ચર. શું છે આ સંબીત પાત્રા કલ્ચર?
થોડું બેકગ્રાઉન્ડ. 2014ની લોકસભાની ચૂંટણીઓમાં વિજય મેળવીને બીજેપીની સરકાર સત્તારૂઢ થઇ એના થોડા સમય પછીની આ વાત છે. સરકારની કેટલીક ભૂલો થઇ, કેટલાક ખોટા નિર્ણયો લેવાયા અને સરકાર સાથે સંકળાયેલા કેટલાક નેતાઓ સામે ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા. સ્વાભાવિકપણે વિરોધ પક્ષોએ વિરોધ કર્યો અને મીડિયાએ પ્રશ્નો પૂછ્યા. (એ સમયે હજુ પ્રશ્નો પૂછવા પર પ્રતિબંધ નહોતો આવ્યો). મને યાદ છે કે એ દિવસોમાં હજુ અર્નબ ગોસ્વામીનો ત્રાસ પણ શરૂ નહોતો થયો. પોતાના કાર્યક્રમ ન્યૂઝ અવરમાં એ બૂમબરાડા કરતો હતો, પરંતુ એણે હજુ ફુલફ્લેજ્ડ તરફદારી શરૂ નહોતી કરી. આથી એ બીજેપીના નેતાઓ તથા પ્રવક્તાઓને પણ પ્રશ્નો પૂછતો હતો. એ સમય દરમિયાન જ આપણે બીજેપીના કેટલાક પ્રવક્તાઓનો પરિચય થયો અને એમાં એક સૌથી મહાન પ્રતિભા સામે આવી. એનું નામ હતું સંબીત પાત્રા. સંબીત પાત્રામાં કઇ વિશેષતા હતી?
એટેક ઇઝ બેસ્ટ ડિફેન્સ એ વાક્ય લશ્કરી વ્યૂહના સંદર્ભમાં વપરાય છે. 1799મા જ્યોર્જ વોશિંગ્ટને લખ્યું, 'મેક ધેમ બિલિવ, ધેટ ઓફેન્સિવ ઓપરેશન્સ, ઓફન ટાઇમ્સ, ઇઝ ધ સ્યોરેસ્ટ, ઇફ નોટ ધ ઓન્લી (ઇન સમ કેસીસ) મીન્સ ઓફ ડિફેન્સ.'
કુંગ ફુ માર્શલ આર્ટનો મુખ્ય સિદ્ધાન્ત છે 'ધ હેન્ડ વ્હીચ સ્ટ્રાઇક્સ ઓલ્સો બ્લોક્સ.'
આ બંને ક્વોટ્સનો મર્મ એ જ છે કે આક્રમણ કરવું એ જ સંરક્ષણનો શ્રેષ્ઠ માર્ગ છે. સંબીત પાત્રા નામના બીજેપી પ્રવક્તાએ આ સિદ્ધાંતને સરકારનો બચાવ કરવાની યંત્રણામાં શામેલ કર્યો. જ્યારે પણ વિરોધ પક્ષના કોઇ નેતા કે પ્રવક્તા સરકાર પર આક્ષેપ કરે ત્યારે સંબીત પાત્રા એનો જવાબ આપ્યા વિના વિરોધ કરનાર પર સામો આક્ષેપ કરતા. દા. ત. કોંગ્રેસના કોઇ નેતા પ્રશ્ન કરે કે વસુંધરા રાજેએ લલીત મોદીને કરેલી ફેવરની વિગતો આપો ત્યારે સંબીત પાત્રા સામો પ્રશ્ન કરતા કે ટુજી સ્કેમમાં રાહુલ ગાંધીને કેટલા પૈસા બનાવ્યા એની વિગતો આપો. હવે કોંગ્રેસના નેતાઓ મૂંઝાઇ જતા અને સંબીત પાત્રાના પ્રશ્નનો જવાબ આપવાની મથામણ કરતાં. આ રીતે સરકાર સામેના કોઇ પણ આક્ષેપને લગતો પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે સંબીત પાત્રા સ્વબચાવ કરવાને બદલે સામો પ્રહાર કરતા.
સંબીત પાત્રાએ બીજી એ લાક્ષણિકતા વિકસાવી હતી કે જ્યારે વિરોધ પક્ષના કોઇ નેતા કે પ્રવક્તા મુદ્દાસર વાત કરે, વિગતો વર્ણવે ત્યારે એમણે મોટા અવાજે વચ્ચે બોલવું. આ રીતે વિપક્ષના નેતા ડિસ્ટર્બ થઇ જતાં અથવા ચર્ચાની દિશા સાવ ઊલટે પાટે ચડી જતી.
સંબીત પાત્રાની ત્રીજી વિશેષતા ડિનાયલ મોડની હતી. એટલે કે કોઇ પણ વાતને એક ઝાટકે નકારી કાઢવાની. ગમે એવી દેખીતી વાત હોય તો પણ એનો સીધો ઇનકાર કરી દેવા માટે ઘણી હિંમત જોઇએ, પરંતુ સંબીત પાત્રાએ એ સાબિત કર્યું કે એવી હિંમત કેળવવાથી દરેક પ્રકારની અકળામણોમાંથી મુક્ત થઇ શકાય છે અને જવાબ આપવામાંથી છટકી શકાય છે.
સંબીત પાત્રાએ કાર્યક્રમના એન્કરને ધમકાવવાની એક નવા પ્રકારની અભૂતપૂર્વ લાક્ષણિકતા પણ વિકસાવી. ચર્ચા દરમિયાન જ્યારે બધુ જ અગવડભર્યું બની જાય ત્યારે સંબીત પાત્રા એન્કર પર પ્રહાર કરીને કહેતા કે તમે કોંગ્રેસની ખુલ્લી તરફેણ કરી રહ્યા છો. તમારે ન્યાય કરવો જોઇએ વગેરે. અનેક એન્કરો સત્તાપક્ષના પ્રવક્તાની આવી ધમકીથી ડરી જતા અને સરકાર પ્રત્યેનું વલણ કૂણું પાડી દેતા.
પછી તો સંબીત પાત્રા કલ્ચરના વિવિધ સિદ્ધાંતોના આધારે એમાં માનનારા લોકો માટે એક માર્ગદર્શિકા તૈયાર થઇઃ
1. આક્રમણ. આક્રમણ. આક્રમણ.
2. સરકાર ક્યારેય ખોટું કરી ન શકે.
3. વિરોધ પક્ષોના દરેક આક્ષેપ પાયાવિહોણા અને વાહિયાત હોય છે.
4. આક્રમણ. આક્રમણ. આક્રમણ.
5. વિરોધ પક્ષ કે બીજું કોઇ જ્યારે પ્રશ્ન કરે, જવાબ માગે ત્યારે એમને સામો પ્રશ્ન કરવો.
6. આક્રમણ. આક્રમણ. આક્રમણ.
7. સરકારની ટીકા કરનાર દરેક નાગરિક દેશદ્રોહી છે. આક્રમણ.
આ સિવાય પણ બીજા અનેક નાનાંમોટા સિદ્ધાંતોને શામેલ કરીને સંબીત પાત્રાએ જે લડાકુ કલ્ચર વિકસાવ્યું એનો ધીમે ધીમે બીજેપીની અંદર પ્રસાર થવા માંડ્યો. એ જ સમય દરમિયાન ગૃહ પ્રધાન રાજનાથ સિંહે વસુંધરા રાજે, સુષ્મા સ્વરાજ અને શિવરાજ સિંહ ચૌહાણના સંદર્ભમાં એવું ઐતિહાસિક નિવેદન કર્યું કે અમે કંઇ યુપીએ સરકાર નથી. એટલે રાજીનામાં આપવાનો કોઇ પ્રશ્ન જ નથી ઊભો થતો.
પછી તો સંબીત પાત્રાની આક્રમકતાને બીજેપીના અન્ય નેતાઓ તથા પ્રવક્તાઓએ અપનાવી લીધી. સૌને એ માફક આવી ગયું. સરકાર વિરુદ્ધની વાત કરનાર પર સામો પ્રહાર કરો અને એને દરેક રીતે તોડી પાડો.
ત્યાર બાદ વડાપ્રધાનના સમર્થકો મૂંઝવણમાં મૂકાઇ જાય એવી કેટલીક ઘટનાઓ બની. નરેન્દ્ર મોદી પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફને જન્મદિનની મુબારકબાદી આપવા ઇસ્લામાબાદ દોડી ગયા. છતાં પાકિસ્તાનપ્રેરીત ત્રાસવાદની ઘટનાઓ વધી ગઇ. પઠાણકોટની ઘટના બની. આઇએસઆઇની તપાસ ટીમને પઠાણકોટ આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું. ઉરીની ગમખ્વાર ઘટના બની. સમર્થકો આ સૌથી કપરો કાળ હતો, છતાં સંબીત પાત્રા કલ્ચર એમની મદદે આવ્યું. કોઇ જ શરમ રાખ્યા વિના, આક્રમક બનીને તેઓ સરકારનો બચાવ કરતા રહ્યા.
હવે સંબીત પાત્રા કલ્ચર દેશભરના સમર્થકોમાં વ્યાપી ગયું છે. એક એક સામાન્ય સમર્થક હવે સંબીત પાત્રા બની ગયો છે. નોટબંધીની ઘટનાને પગલે સંબીત પાત્રાઓ સરકારના પગલાંનો બચાવ તો કરી જ રહ્યા છે, સાથો સાથ આ પગલાંનો વિરોધ કરનારા પર પણ પ્રહાર કરી રહ્યા છે. એ જ જૂનો સિદ્ધાંત કે જે લોકો દેશ માટે કોઇ ભોગ આપવા નથી માગતા, જેઓ દેશદ્રોહી છે તેઓ જ બેન્કની બહાર લાઇનમાં ઊભા રહેવાનો વિરોધ કરે છે.
નોટબંધીને કારણે દેશભરમાં જે અરાજકતા પેદા થઇ છે અને સામાન્ય માણસો જે હાડમારી વેઠી રહ્યા છે એ વાત સ્વીકારવાનો તેઓ ઇનકાર કરે છે. તકલીફ વેઠનારા આમ આદમી ન્યૂઝ ચેનલો પર પોતાની વ્યથા વ્યક્ત કરે તો એને મીડિયાનું જૂઠ્ઠાણું ગણાવવામાં આવે છે. બીજી તરફ સરકાર તરફી મીડિયા સાવ જ ઊલટું ચિત્ર રજૂ કરતા અહેવાલો રજૂ કરે છે. થોડા દિવસ પહેલા મેં ઇન્ડિયા ટીવીમાં એક રિપોર્ટ જોયો, જેમાં એક પરિવારને લગ્ન સમયે નાણાં પ્રધાન અરુણ જેટલીએ કઇ રીતે મદદ કરી અને કઇ રીતે એમનો પ્રસંગ પાર પડ્યો એની વિગતો વર્ણવવામાં આવી હતી. દેશભરમાં જે પરિવારોના લગ્ન પ્રસંગો અટકી પડ્યા છે અથવા તો જેઓ પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે એમની ક્રૂર મજાક આ રિપોર્ટમાં થઇ હતી. સામર્થકોએ તો મનોમન નક્કી જ કરી લીધું છે કે સામાન્ય લોકોને કોઇ જ તકલીફ નથી. સંસદમાં પણ શાસક પક્ષે કહ્યું કે દેશ આખો નરેન્દ્ર મોદીની સાથે છે.
દેશમાં કેવી હાલત છે એ સમજવા માટે ખરેખર તો એક કોમન સેન્સની જરૂર છે. ન્યૂઝ ચેનલોમાં આવતી કઇ વાત સાચી હોઇ શકે અને કઇ ખોટી એ નક્કી કરવા માટે લાંબી બુદ્ધિની પણ જરૂર નથી. છતાં સરકારી પ્રચારમારો ચાલુ છે અને સામાન્ય લોકો પણ એમાં જોડાયા છે. બેન્ક બહારની લાઇનમાં કોઇ મજૂર પોતાની વ્યથા વર્ણવી રહ્યો હોય તો બાજુમાં ઊભેલો કોઇ સમર્થક એને ચૂપ કરી દે છે. ન્યૂઝ ચેનલોમાં થતી ચર્ચામાં સરકારી પ્રવક્તાઓ બેફામ જૂઠ ચલાવે રાખે છે. સોશિયલ મીડિયામાં પણ આ જ આક્રમકતા જોવા મળી રહી છે.
સદનસીબે, દેશમાં આજે જે માહોલ છે એનું દૃશ્ય અસલી છે. કેમેરા એના પર ફરે કે ન ફરે અથવા કયા એંગલથી ફરે એનું મહત્ત્વ નથી. કચકડાના આભાસ ઊભા કરવાથી મૂળ દૃશ્ય બદલાવાનું નથી. ખરી વાસ્તવિકતા જ્યારે સામે આવશે ત્યારે ભલભલાના ડબલા ડૂલ થઇ જશે. પ્રજા જ્યારે ખરેખરી તકલીફ વેઠે છે ત્યારે એની અસર ચૂંટણીઓના પરિણામમાં જરૂર દેખાય છે. આવનારો સમય ખરાખરીનો ફેંસલો કરશે.
સરકાર બદલાય કે ન બદલાય, પણ સરકારની તરફેણ કરીને આક્રમક બનવાનું જે સંબીત પાત્રા કલ્ચર દેશમાં પ્રસર્યું છે એ બહુ જ જોખમી છે. જો બધા જ પક્ષો તથા એના સમર્થકો આવું વલણ અપનાવશે તો લોકશાહીનું ભવિષ્ય ધૂંધળુ બની જશે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર