તુલસી ઇસ સંસાર મેં...
આપણી આસપાસના દરેક માણસ વિશે આપણે મનમાં એક છાપ ધરાવતા હોઇએ છીએ. ભૂતકાળના અનુભવોના આધારે આ છાપ તૈયાર થયેલી હોય છે. નવી વ્યક્તિને મળીએ ત્યારે પણ એની એક છાપ નક્કી કરવાની આપણે કોશિશ કરીએ છીએ અને એ માટે એના શબ્દો તથા એના વર્તન પર ધ્યાન આપીએ છીએ. અન્ય વ્યક્તિ સાથે ડિલ કરતી વખતે આપણે આ છાપને ધ્યાનમાં રાખીએ છીએ અને એ અનુસાર આગળ વધતા હોઇએ છીએ. પછી ઘણી વાર એવું બને છે કે સામી વ્યક્તિ આપણે ધારેલી છાપ અનુસાર વર્તતી નથી. ક્યારેક એ આપણી ધારણા કરતા વધુ સારી રીતે વર્તે છે અથવા ધારણા કરતાં ખરાબ રીતે વર્તે છે. સામી વ્યક્તિ સારું વર્તન કરે ત્યારે આપણે એ વાતને અવગણીએ છીએ, પરંતુ એ ધારણા બહારનું, ખરાબ વર્તન કરે ત્યારે આપણે નારાજ થઇ જઇએ છીએ અને એ વ્યક્તિની છાપને એક સ્તર નીચે લઇ જઇએ છીએ. આપણે ક્યારેય એ નથી વિચારતા કે સામી વ્યક્તિને જજ કરવામાં આપણે થાપ ખાઇ ગયા હતા.
વ્યક્તિની છાપ નક્કી કરવામાં આપણે ભૂલ કરતા હોઇએ એનું એક મુખ્ય કારણ એ છે કે આપણે તૈયાર કરેલી મોટા ભાગની છાપ સ્ટિરિયોટાઇપ્ડ અને બહુ સરળ હોય છે. આપણા હંમેશાં અન્ય લોકોને સ્વાર્થી, લુચ્ચા, નિખાલસ, આખાબોલા, તકવાદી, મીંઢા વગેરે જેવા ચોકઠાંમાં બેસાડવાની કોશિશ કરીએ છીએ. આ રીતે સામેની વ્યક્તિ વિશે અભિપ્રાય બાંધવાનું સરળ બને છે. પરંતુ બધા માણસો સ્ટિરિયોટાઇપ્ડ ચોકઠાંમાં બેસે એવા હોતા નથી. માણસનું વ્યક્તિત્વ બહુ કોમ્પ્લીકેટેડ હોય છે. સ્વાર્થી અને તકવાદી તો બધા હોય છે. કોઇ ઓછા તો કોઇ વધુ. નિખાલસ માણસ કેટલી હદે નિખાલસ છે એનો આપણને અંદાજ નથી હોતો. મોટા ભાગની બાબતોમાં નિખાલસ રહેતો માણસ ખૂબ જ અગત્યની વાતમાં છૂપો રૂસ્તમ નીકળી શકે.
માણસોને પારખવા માટે સ્ટિરિયોટાઇપ્ડ માપદંડનો આધાર લેવાને બદલે માનવ મૂલ્યો સંબંધીત કેટલાક મૂળભૂત પરિમાણોને ધ્યાનમાં રાખવામાં આવે તો કદાચ એમને વધુ સારી રીતે આપણે સમજી શકીએ. પ્રસ્તુત છે આવા જ કેટલાક માપદંડ.
ક્લાસઃ રમતગમતમાં ક્લાસ માટે કહેવાય છે કે ક્લાસ એ પરમેનન્ટ છે, જ્યારે ફોર્મ ટેમ્પરરી હોઇ શકે. ક્લાસ એટલે માણસનું મૂળભૂત પોત, મૂળભૂત કેરેક્ટર. એવા કેટલાય માણસો હોય છે, જેઓ પોતાના ક્ષેત્રમાં સફળ નથી થયા હોતા, કોઇ સંસ્થાઓના હોદ્દેદાર નથી હોતા, પરંતુ એમના વ્યક્તિત્વમાં એક અનોખી આભા જોવા મળતી હોય છે. આ આભા હોય છે ક્લાસની. આવા ક્લાસ માણસો ક્યારેય કોઇ ઝઘડામાં કે તકરારમાં પડેલા દેખાતા નથી. તેઓ ક્યારેય કોઇ ડંફાસ નથી મારતા. ક્યારેય કોઇની ટીકા નથી કરતા. કોઇ વધુ પડતો આંડબર એમનામાં નથી હોતો કે નથી તેઓ કોઇ સંકુચિતતા દાખવતા. આવા માણસો શૂટબૂટમાં સજ્જ હોય એ જરૂરી નથી. ફક્ત પોતાના સંયમીત વ્યક્તિત્વ દ્વારા તેઓ આસપાસના લોકોને પ્રભાવિત કરતા હોય છે. જે માણસમાં ક્લાસ હોય એના વિશે એક વાત નિશ્ચિતપણે ધારી શકાય કે તેઓ ક્યારેય છીછરાપણું નથી દાખવતા. હકીકતમાં છીછરાંપણાંનો અભાવ એ ક્લાસ નક્કી કરવા માટેનો સૌથી મોટો માપદંડ છે.
કોન્ફિડેન્ટઃ સફળતા તથા માર્કેટિંગના આ જમાનામાં આત્મવિશ્વાસ બહુ મોટો ગુણ મનાય છે. જે યુવાન આત્મવિશ્વાસથી વાત કરી શકે એનાથી સૌ પ્રભાવિત થતાં હોય છે. માણસમાં આત્મવિશ્વાસ છે કે નહીં એ પારખવાનું સરળ નથી. કેટલાક લોકો બડાશ હાંકીને પોતાનામાં આત્મવિશ્વાસ હોવાનું પુરવાર કરવાની કોશિશ કરે છે. ખરો આત્મવિશ્વાસ ફક્ત શબ્દોથી નહીં, કાર્યોથી આવે છે. હવે તો જોકે કાર્યોમાં પણ ખોટો આત્મવિશ્વાસ દાખવીને લાખના બાર હજાર કરતાં જોવા મળે છે. મોબાઇલ કંપનીઓ કે પ્રાઇવેટ બેન્કોમાં કામ કરતાં કેટલાય નવાસવા યુવાનો-યુવતીઓ પોતાના કામની કોઇ જાણકારી ધરાવતા ન હોવા છતાં આત્મવિશ્વાસ સાથે તમારું કામ હાથમાં લે છે અને પછી કામને વધુ ગૂંચવી નાંખતા હોય છે. કામ બગાડ્યા પછી તેઓ આત્મવિશ્વાસ સાથે એવો દાવો પણ કરી નાંખે છે કે ટેકનિકલ પ્રોબ્લેમને કારણે એ થયું. આ બધા ડુપ્લીકેટ આત્મવિશ્વાસના નમૂના છે. સાચો આત્મવિશ્વાસ માણસને અંદરથી અડગ બનાવતો હોય છે. સાચો આત્મવિશ્વાસ ધરાવનાર વ્યક્તિ પોતે હાથમાં લીધેલા કામને પૂર્ણ થાય ત્યાં સુધી એને વળગી રહે છે અને એમાં સફળતા મેળવે કે તરત બીજું કામ હાથમાં લે છે. એ વ્યક્તિ ક્યારેય સફળતાનું સેલિબ્રેશન નથી કરતી, કારણ કે અંદરના આત્મવિશ્વાસને લીધે એ ધારે ત્યારે સેલિબ્રેટ કરી લેતી હોય છે. ખરો આત્મવિશ્વાસ માણસને કાર્યક્ષમ અને નમ્ર બનાવે છે.
ખાઉધરાઃ સૌને પૈસા, સુખ સગવડો, નામના જોઇતા હોય છે અને એ માટેના તેઓ પ્રયાસો કરતા હોય છે. આમાં કશું ખોટું કે અસામાન્ય નથી, પરંતુ કેટલાક લોકોને હંમેશાં પોતાના હક કરતાં વધુ લેવાની લાય રહેતી હોય છે. પ્રશ્ન સંતોષ કે અસંતોષનો નથી હોતો, મેન્ટાલિટી જ બગડેલી હોય છે. કોઇ ચીજ માંગવા માટેની કે એ માટેના પ્રયાસ કરવાની એક રીત હોય છે. એ માટેનું એક વાજબી કારણ હોય છે, પરંતુ કેટલાક લોકો સાવ બરછટ રીતે બધુ માગ્યા જ કરતા હોય છે અને એ મેળવવાના પ્રયાસો કરતા રહે છે. આવા લોકોનું વલણ એવું હોય છે મને બધું જ મળે અને બીજાને કંઇ ન મળે. આ પ્રકારના લોકો ભૌતિક રીતે ગમે એટલું મેળવી લે તો પણ પોતાની આસપાસના લોકોની નજરમાં સાવ નીચે ઊતરી જાય છે. એમને જ્યારે આવો અનુભવ થાય ત્યારે પાછા તેઓ માનસન્માન મેળવવા માટેના હવાતિયાં પણ મારતા રહે છે. એમની ભૂખ ક્યારેય સંતોષાતી જ નથી. આવા માણસોથી દૂર રહેવામાં જ ભલાઇ.
શાર્પ શૂટરઃ જો તમે ગેંગસ્ટરો વિશેની હિન્દી ફિલ્મો જોઇ હશે તો એમાં તમે એવા શાર્પશૂટરોના પાત્રોથી પરીચિત હશો, જે પૈસા માટે કોઇ પણ પ્રકારની સંવેદના અનુભવ્યા વિના અજાણી વ્યક્તિની હત્યા કરી નાંખે છે. ગુનાખોરીની માનસિકતા ફક્ત ચોરી, લૂંટફાટ, અપહરણ કે હત્યા કરનામાં જ નથી હોતી, પારિવારિક જીવનમાં ઓતપ્રોત માણસ પણ ક્યારેક ગુનાખોરીની માનસિકતા ધરાવતો હોય છે. ગુનો કરવા માટે માણસે પોતાની અંદરના એક આંતરયુદ્ધમાંથી પસાર થવું પડે છે. કાયદાના ડર પહેલા માણસ પોતાના અંતરાત્માનો ડર અનુભવે છે. દરેક સંસ્કારી અને સભ્ય માણસ જાણતો હોય છે કે અમુક વસ્તુ ન જ કરાય. આમ છતાં કેટલાક લોકો અંદરના અવાજને કચડી નાંખવા સક્ષમ હોય છે. કોઇની પીઠ પાછળ ખંજર ભોંકવું કે મિત્રો સાથે દગો કરવાનું સહેલું નથી હોતું. એ માટે અંતરાત્માને ટૂંપો દઇને જાતને તૈયાર કરવી પડે છે. અને એકવાર આ હદ પાર કર્યા પછી માણસ માટે ફરીથી એ કૃત્ય કરવાનું સરળ બની જાય છે. આવી વ્યક્તિ પછી કંઇ પણ કરી શકે છે. સભ્ય સમાજમાં આવા કેટલાય ગુનેગાર માનસિકતાવાળા લોકો ફરતા હોય છે. એમને ઓળખી શકીએ તો ચેતી જવાય અને ભવિષ્યની મુસીબત ટાળી શકાય.
નકારાત્મકઃ થોડા ઘણી ઇર્ષ્યા અને દ્વેષ આપણા સૌમાં હોય છે, પરંતુ કેટલાક લોકોમાં આનું પ્રમાણ એટલુ વધી જાય છે કે તેઓ પોતાની તથા આસપાસના લોકોની જિંદગી હરામ કરી નાંખતા હોય છે. આવા લોકોની સુખની વ્યાખ્યા જ અલગ હોય છે. પોતાને સુખશાંતિ મળે કે ન મળે, પરંતુ જો પોતાની આસપાસની વ્યક્તિને સફળતા મળે તો તેઓ તરત જ ભાંગફોડની પ્રવૃત્તિ શરૂ કરી દે છે. આવા માણસોને પારખવાનું મુશ્કેલ નથી, પરંતુ એમની સાથે ડિલ કરવાનું બહુ જ મુશ્કેલ હોય છે. એમની સાથે કોઇ ગમે એવો સારો વહેવાર કરે તો પણ એમના પર કોઇ શુભ અસર થતી નથી. કોઇ આત્મઘાતી જેહાદીની જેમ તેઓ પોતાના હીતની પરવા નથી કરતા, એમનું મિશન ફક્ત બીજાને નુકસાન પહોંચાડવાનું હોય છે. કમનસીબે જો તમે આવા લોકો સાથે સંકળાયેલા હોવ તો તમારા ભાગનું નુકસાન તમારે વેઠવું જ પડે. તમે જાગ્રત રહીને ફક્ત નુકસાની ઓછી કરી શકો.
સારા કે ખરાબઃ છેવટે તો માણસને ઓળખવા માટેનો આપણો આશય એ જ જાણવાનો હોય છે કે માણસ સારો છે કે ખરાબ. ખરેખર તો બધા માણસો સારા બનવાની જ કોશિશ કરતા હોય છે, પરંતુ જીવન પ્રત્યેનો અભિગમ એમને સારા કે ખરાબ બનાવે છે. વધુ પડતા ઇર્ષ્યા અને દ્વેષના ભાવ રાખવા, ખાઉધરાપણું હોવું, સ્વાર્થ માટે મૂળભૂત સંવેદનાઓને મિટાવી દેવી વગેરે જેવા પરીબળો માણસના વ્યક્તિત્વને ખોટે રવાડે ચઢાવે છે. સારા માણસનો જીવન પ્રત્યેનો અભિગમ બહુ ટૂંકો, ટચ અને સરળ હોય છેઃ જીવો, જીવવા દો અને શક્ય હોય તો કોઇને મદદરૂપ બનો. બીજી કોઇ લપ્પનછપ્પન જ નહીં. આવા માણસો સાથે જ સાચો સંબંધ રાખી શકાય. પણ એમને ઓળખવા પડે. સામી વ્યક્તિ તમારી સાથે જે વર્તન કરે છે એના કરતા એ અન્યો સાથે કેવું વર્તન કરે છે એનું નિરીક્ષણ કરવું જોઇએ. એની વાતચીત પરથી એનો જીવન પ્રત્યેનો અભિગમ સમજવાની કોશિશ કરવી જોઇએ. સ્વાર્થ માટે માણસ કૃત્રિમ વર્તન કરી શકે, પરંતુ જ્યારે એ પોતાના વિચાર વ્યક્ત કરે ત્યારે જીવન પ્રત્યેનો એનો અભિગમ જાણી શકાય છે અને એ રીતે એના સાચા વ્યક્તિત્વને સમજી શકાય.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર