લેખકની કોઈ વેલ્યુ કેમ નથી?

10 Aug, 2015
12:00 AM

mamta ashok

PC:

આપણે કોઈ જાણીતી બ્રાન્ડની ટુથપેસ્ટ ખરીદીએ અને એમાંથી કાનખજૂરો નીકળે તો કંપની સામે આપણે કાયદેસર પગલાં લઈ શકીએ, કન્ઝ્યુમર કોર્ટમાં જઈ શકીએ. પરંતુ જો આપણે કોઈ જાણીતા લેખકના નામ પર પુસ્તક, મેગેઝીન કે અખબાર ખરીદીએ અને એમાંથી છછૂંદર નીકળે તો આપણે કંઈ જ ન કરી શકીએ. કન્ઝ્યુમર કોર્ટમાં જઇએ તો આપણને જ ઠપકો મળે.

જોકે વાત આ હદે જતી નથી, કારણ કે ગુજરાતી વાચકો શાણા છે. એ બાબતે કોઈ રિસ્ક લેતા જ નથી. બને ત્યાં સુધી લેખકના નામ પર કોઈ પ્રોડક્ટ ખરીદવાનું તેઓ ટાળે છે. હા, દેખાડો કરવા કે મસ્તી ખાતર એ ક્યારેક પુસ્તકો ખરીદી લે છે, પરંતુ એની સામે કોઈ વિશેષ અપેક્ષા નથી હોતી. મોટે ભાગે તો એ ખરીદેલું પુસ્તક વાંચવાનું પણ ટાળે છે. ગુજરાતી વાચકો અખબાર કે મેગેઝીન ખરીદતી વખતે પણ એવી ગણતરી રાખતા હોય છે કે આખા પરિવારમાંથી કોઈકને ગમે એવું કંઈક એમાંથી મળી રહેશે. અને આમ પણ કિંમત ક્યાં વધારે છે?

વાતનો સાર એ છે કે ગુજરાતી લેખકની કોઈ વેલ્યુ નથી. આનું મુખ્ય કારણ એ છે કે વેલ્યુ ફોર મની લાગે એવા લખાણ લેખકો વાચકોને ઓફર નથી કરતા. લેખકનો અંતિમ ગ્રાહક વાચક છે. વાચક સીધી રીતે લેખકને પૈસા નથી ચૂકવતો, પણ આખરે તો લેખકની આર્થિક સ્થિતિ વાચકના આધારે જ નક્કી થાય છે. જો લેખકમાં દમ હોય, એની પ્રોડક્ટમાં દમ હોય તો એ ખરીદનારા વાચકો મળી જ રહેવાના છે. પણ એવું ખાસ બનતું નથી.

આ વાંચીને ઘણા લેખકોને દુઃખ થશે, પરંતુ હું એટલી સ્પષ્ટતા કરી દઉ કે મને કોઈ અખબારી માલિકો કે પ્રકાશકોએ લેખકોની વિરુદ્ધમાં લખવાના પૈસા નથી આપ્યા. એટલા મૂર્ખ એ લોકો નથી જ.

હવે મૂળ પ્રશ્ન આવે કે, લેખકો પોતાના વાચકોને શું ઓફર કરતા હોય છે અને વાચકોને મન એનું મૂલ્ય શું હોય છે? ચાલો, લેખકો દ્વારા વાચકોને ઓફર થતી કેટલીક પ્રોડક્ટ્સની વિગત સમજવાની કોશિશ કરીએઃ

કવિતાઃ મારા હિસાબે લેખકની આ સારામાં સારી પ્રોડ્કટ છે. મનમાં કંઈક ક્રિયેટ કરવાનું મન થયું અને એ ફટાફટ કાગળ પર ઢાળી દીધું. આ પ્રોડક્ટનું સૌથી મોટું જમા પાસું એ છે કે એમાં લેખક એટલે કે કવિ મહેનતાણાંની, પૈસાની કોઈ અપેક્ષા નથી રાખતો. અમુક કિસ્સામાં તો એ વાચનારને એની કવિતા વાંચવાના પુરસ્કારરૂપે સામેથી પૈસાની ઓફર કરે છે. આ રીતે કવિતા એક નિર્દોષ લેખન ઉત્પાદન છે. એમાં કવિ અને વાચક વચ્ચે પૈસાનું દૂષણ નથી આવતું.

વાર્તા, નવલકથાઃ જે લેખકો વાર્તા કે નવલકથાઓ લખે છે એમાં એમને એટલી મજા આવતી હોય છે કે એના બદલામાં મહેનતાણાંની અપેક્ષા રાખવી એ એક અપરાધ છે. બાકી લેખકના ગાંડાઘેલા પાત્રો, ઢંગધડા વગરની ઘટનાઓ અને હાસ્યાસ્પદ સંવાદોમાં આજકાલ કોને રસ પડે છે. શા માટે લોકો આવી વાર્તાઓ ખરીદે અને વાંચે?

સાહિત્યિક મૂલ્ય ધરાવતી વાર્તાઓઃ આવી વાર્તાઓ ગુજરાતીમાં લખાતી હોવાની અફવા કેટલાક લોકો સમયાંતરે ફેલાવતા રહે છે. કેટલીક વાર્તાઓ વિશે અચાનક ચર્ચા શરૂ થઈ જાય છે અને સાહિત્યમાં રુચિ ધરાવતા લોકો કહેવા લાગે છે કે મેં વાંચી છે, મેં વાંચી છે. જો આવી વાર્તા વાચનારનો કોઈ વર્ગ હોય તો પણ એમાંના મોટા ભાગના પુસ્તક ઉધાર લઈને વાંચનારા હોય છે. માર્કેટની ઈકોનોમી પર એનો કોઈ જ પ્રભાવ નથી હોતો.

માહિતિ લેખઃ ઈન્ટરનેટ અને ગુગલ નહોતા ત્યારે માહિતિ લેખોની વેલ્યુ હતી. બ્રિટનના કોઇ મેગેઝિનમાં છપાયેલો બે જોડિયા ભાઈઓની લાઈફસ્ટાઇલ વિશેનો લેખ તમે ગુજરાતીમાં તરજુમો કરીને છાપી દો તો ઘણા વાચકોને એ વાંચવાની મજા આવતી. પણ હવે તમે ગુગલ પર આવી સર્ચ કરો તો દોઢ લાખ રિઝલ્ટ મળે. એવી કોઈ જ માહિતિ નથી જે ગુગલ પર ઉપલબ્ધ ન હોય અને જે ગુજરાતી લેખક તમને વધુ સારી રીતે પીરસી શકે. તો પછી આવા સેકન્ડ હેન્ડ માહિતિ લેખની વેલ્યુ કેટલી? શા માટે વાચક એના પૈસા ચૂકવે?

ચિંતન લેખોઃ લેખકો પાસે સામાન્ય લોકો કરતાં વધુ સારું જ્ઞાન હોય એવી એક ગેરમાન્યતા પ્રવર્તે છે. ઘણા લોકો એમ માનતા હોય છે કે લેખકો બહુ વાંચતા હોય છે એટલે એમનામાં ડહાપણની માત્રા વધુ હોય છે. વાત ખોટી છે. ખરેખર જો કોઈ લેખક જીવનનો મર્મ પામી ગયા હોય તો એ લેખનકાર્ય બંધ કરીને પાંઉભાજીની લારી શરૂ કરે. પરંતુ ઘણા લેખકો તત્ત્વજ્ઞાન વિશેની પોતાની અંધશ્રદ્ધામાં રાચતા રહે છે અને પ્રેરણાત્મક લેખો લખતા રહે છે. વાચકને એ ફિક્કા જ લાગવાના. બીજું, વ્હોટ્સ એપ પર રોજ ટોપ ક્વોલિટિના પ્રેરણાત્મક સુવાક્યોના ખડકલા થતા હોય છે. હવે તો ગુજરાતી ગૃહિણીઓ પણ મૌલિક સુવાક્યો બનાવતી થઈ ગઈ છે. તો લેખકના ચિંતન લેખનું એક પ્રોડ્કટ તરીકે કેટલું મૂલ્ય ગણાય?

કૉલમ રાઇટિંગઃ વેલ, મુખ્ય બબાલ આની જ છે. કૉલમો લખાય છે, છપાય છે અને થોડીઘણી વંચાય પણ છે. પણ શું કોઈ ખાસ કૉલમ માટે વાચકો અખબાર કે મેગેઝીન ખરીદે એવું બને? શક્યતા ઓછી. કૉલમો મુખ્યત્વે ત્રણ પ્રકારની હોય છે. એક છે મનોરંજક. આવી કૉલમમાં લેખકની શૈલી મજાની હોય છે. લેખક શું કહેવા માગે છે એના કરતાં એ કઈ રીતે લખે છે એ વાચકોને વધુ પસંદ આવે છે. શબ્દોની રમત કે રમૂજ દ્વારા લેખક કોઈ વિષયને ખેડી નાંખે અને મહામહેનતે ટાઈમપાસ જેવું મટિરિયલ તૈયાર કરી દે. ઘણા વાચકો આ સહન કરી લેતા હોય છે.

બીજો પ્રકાર છે માહિતપ્રદ કૉલમનો. આવી કૉલમમાં લેખક દુનિયાના ખૂણેખાંચરેથી કંઈક નવું ઊપાડી લાવે છે. કેટલાક વાચકોને એ પસંદ આવે છે અને એની કદર કરતાં મનમાં ગણગણે છે કે સરસ લાવ્યા. (એટલે કે ક્યાંકથી લાવ્યા?). કૉલમના ત્રીજા પ્રકારમાં લેખક સાંપ્રત સમસ્યાઓ વિશેની છણાવટ કરીને પોતાનો અભિપ્રાય આપે છે. આ પ્રકારની કૉલમ વાચકોને ગમાડવી હોય તો લેખકનો જે તે વિષયનો અભ્યાસ બહુ ઊંડો હોવો જોઇએ, તર્ક માટે આદર હોવો જોઇએ અને રજૂઆત રસપ્રદ હોવી જોઇએ. આ અપેક્ષા વધુ પડતી છે અને એટલે જ મોટા ભાગના લેખકોને આમાં એટીકેટી આવે છે. બીજી તકલીફ એ પણ છે કે મોટા ભાગના સાક્ષરો વિશ્વની દરેક સમસ્યા વિશે પોતાનો આગવો અભિપ્રાય ધરાવતા હોય છે. આવા લોકો લેખકની નબળાઈ શોધવા માટે જ એમની કૉલમ વાચતા હોય છે. કૉલમ વાંચીને તેઓ કહેતા ફરે છે કે એકદમ વાહિયાત. આ લોકો ફેસબુક પર પોતાના અભિપ્રાય મફતમાં મૂકતા હોય છે.

હવે આવા સંજોગોમાં લેખકની ઓછા મહેનતાણાંની કે શોષણની ફરિયાદ કોણ સાંભળવાનું છે? જ્યાં ડિમાન્ડ જ નથી ત્યાં કિંમત વધારવાની વાત કેવી રીતે કરી શકાય? ગુજરાતી લેખક બનવા માગતા યુવાનોએ શોષણ સામે બંડ જરૂર પોકારવું જોઈએ અને એ પછી તરત આ ક્ષેત્રમાં પ્રવેશવાનો નિર્ણય બદલી નાખવો જોઇએ. ક્રિયેટિવિટી બહુ જોર કરતી હોય તો નિજાનંદ માટે કવિતા કે વાર્તા લખી નાંખવી, પણ કરિઅર ઓપ્શન તરીકે આ ક્ષેત્રમાં લાંબા સમય સુધી અચ્છે દિન રહેશે એવું નથી લાગતું.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.