વેજ કે નોનવેજઃ જોયાનું ઝેર છે

14 Sep, 2015
12:00 AM

mamta ashok

PC:

હમણાં જૈનોના પર્યુષણ પર્વને કારણે માંસના વેચાણ પર મહારાષ્ટ્ર તથા બીજા કેટલાક રાજ્યોમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો એનો મોટો વિવાદ થયો. કેટલાક લોકો કહે છે કે જૈનોએ આવા પ્રતિબંધની માગણી નહોતી કરી, એમના નામે રાજકારણ ખેલાયું છે. જૈન ધર્મમાં અહિંસાનો મહિમા મોટો છે એટલે કતલખાનાં બંધ રાખવાની માગણી તેઓ કરતા રહે છે. પરંતુ નોનવેજ એટલે કે માંસાહારી ખોરાક સામે ફક્ત જૈનોને જ વાંધો છે એવું નથી. બીજી ઘણી કોમના લોકોને આવા ખોરાક સામે સૂગ હોય છે.

માંસાહારી ખોરાક સામે લોકોને બે પ્રકારના વાંધા હોય છે. જૈનોને મુખ્યત્વે જીવદયાના અભિગમ સાથે વાંધો હોય છે અને બાકીનાને ફક્ત માંસાહારી ખોરાક સામે સૂગ હોય છે. ખરેખર તો બંને પ્રકારના વાંધા અવ્યહવારું અને તર્ક વિનાના છે.

પર્યુષણ નિમિત્તે બેચાર દિવસ પ્રાણીઓને મારી નાંખવામાં ન આવે કે માંસ ને વેચાય એનાથી સમગ્ર સૃષ્ટિ પર થતી હિંસામાં કેટલા ટકા ફરક પડે? જો ખરેખર આખી પૃથ્વી પર માંસાહારી ખોરાક પર પ્રતિબંધ લાગી જાય તો અન્નની કેટલી મોટી તંગી ઊભી થાય એનો કોઈને અંદાજ છે ખરો? ઉદ્યોગધંધા પર એની કેવી અસર પડે એની પણ કોઈને કલ્પના નથી. હા, દેરાસર કે ઉપાશ્રયની આજુબાજુમાં માંસ વેચાતું હોય તો એની સામે વાંધો ઊઠાવો એ હજુ વાજબી છે. બાકી, મુંબઈમાં કે મહારાષ્ટ્રમાં પ્રતિબંધ લાદવાથી ધર્મનું કોઈ હિત નથી થતું, ફક્ત અમુક લોકોના અહમ્ સંતોષાય છે.

ક્યારેક તો મનમાં એવો પ્રશ્ન થાય છે કે, ચીનમાં કેટલા જૈનો હશે? અને ત્યાંના ચીની જૈનો જો માંસના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરે તો શું થાય?

માંસાહાર સામેનો બીજો વાંધો જોકે રસપ્રદ છે અને એ છે એની સામેની સૂગનો. મોટા ભાગના શાકાહારી માણસોને માંસાહારી વાનગીને જોઈને સૂગ ચડતી હોય છે, ચીતરી ચડતી હોય છે. કેટલાકના તો માંસાહાર વિશેની વાત સાંભળીને પણ મોઢા બગડી જાય છે. તમે બોલો કે મને ચિકન ન ભાવે એ પહેલા જ તેઓ બોલી ઊઠેઃ છી છી છી.

માંસાહારમાં એવું શું છે કે શાકાહારીઓને એની આટલી ચીડ ચડે છે? એવું તો નથી હોતું કે માંસાહારી વાનગીઓ લોહીમાં લથબથતી પીરસવામાં આવતી હોય. તમે કોઈ રેસ્ટોરાંમાં જાવ અને તમારી બાજુના ટેબલ પર બેઠેલી વ્યક્તિ નોનવેજ ખાતી હોય તો એનાથી તમને કોઈ જ ફરક ન પડે. હા એ ખરું કે કોઈ માણસ ચિકનનો પીસ દાંતથી ખેંચી ખેંચીને ખાતો હોય તો એ દૃશ્ય આંખને ન જચે. પણ એમાં સૂગ ચડવા જેવું કશું નથી. કેટલાય અસભ્ય લોકો શાકાહારી વાનગીઓ પણ એવી જંગલી રીતે ખાતા હોય છે. સભ્ય માણસ પણ સરગવાની શિંગનું શાક ખાતી વખતે શિંગને ચિકનની જેમ ખેંચી ખેંચીને જ ખાતો હોય છે!

માંસાહારી વાનગીની કોઈ વિશેષ એવી વાસ નથી હોતી કે એનાથી તમે દૂર ભાગવા માંડો. કાંદા નોનવેજ નથી છતાં એની વાસ અતિતીવ્ર હોય છે અને એને ખાવાની રીત પણ ખાસ સંસ્કારી નથી હોતી. આમ છતાં માંસાહાર કરતાં કાંદાને નિર્દોષ ગણવામાં આવે છે. શાકાહારીઓને એની સૂગ નથી ચડતી.

હવે રહી વાત સ્વાદની તો જેણે ક્યારેય માંસાહાર ચાખ્યો નથી એને કેવી રીતે ખબર પડે કે માંસાહારનો સ્વાદ ગંદો છે? શાકાહારી લોકોના જે મિત્રો કે સગા માંસાહાર કરતા હોય એ તો એમ જ કહેવાના કે અરે ચિકન તો બહુ જ ટેસ્ટી હોય. મટન કરી જેવી ટેસ્ટી તો કોઈ વાનગી નથી. આમ છતાં શાકાહારી મનમાં ધારી લે છે કે નોનવેજ એટલે નોનવેજ. છી. યક...

માંસાહારીઓના મનમાં શાકાહારીઓએ એવું ગિલ્ટ ભરી દીધું હોય છે કે એ બિચારા ક્યારેય શાકાહારીઓને પોતાને ભાવતી વાનગી ટેસ્ટ કરવાનો આગ્રહ નથી કરતાં. ઊલટું, એક ટેબલ પર બેસીને ખાતા હોય તો પૂછી લે કે તમને વાંધો નથી ને? શાકાહારીઓ ક્યારેય આવો વિવેક નથી બતાવતા કે ભાઈ, હું તારી સામે બેસીને ખીચડી કઢી ખાંઉ તો ચાલશે ને?

માંસાહારનો મામલો એટલો સેન્સિટિવ બની ગયો છે કે કોલેજના યંગસ્ટર્સ પણ આવી બાબતમાં મજાક નથી કરતા. દારૂ ન પીતા ફ્રેન્ડની થમ્સઅપમાં વ્હિસ્કી ભેળવી દેવાની મજાક તેઓ કરે, પણ શાકાહારી ફ્રેન્ડની પ્યોર વેજ આઈટમમાં નોનેવેજ મિક્સ કરવાની મજાક કોઈ ન કરે. જોકે અમારી સાથે ભૂલમાં એવું બન્યું હતું. એક તંત્રી સાથે હું રેસ્ટોરાંમાં ગયો હતો. ડ્રિન્ક્સની સાથે ચખના માટે અમે ચીઝ મંચુરીયન મગાવ્યું. પછી જે આઈટમ આવી એ ચીઝ મંચુરીયન જેવી જ હતી અને અમે ખાધી. બિલ આવ્યું ત્યારે એમાં ચીઝ મંચુરીયનને બદલે ચિકન મંચુરીયનના પૈસા લગાવ્યા હતા. એ વાંચીને અમને બંનેને પેટમાં નાની ચૂંક આવી. વેઈટરને એ વિશે પૂછ્યું તો એણે કહ્યું કે ગલતી સે ચિકન મંચુરીયન લીખા હોગા. હવે ગલતીથી લખ્યું કે ગલતીથી પીરસ્યું એની ખબર અમને છેલ્લે સુધી ખબર ન પડી. અમે એમ જ વિચાર્યું ગલતીથી ચિકન મંચુરીયન લખાયું હશે. તો, હે પ્રિય કટ્ટર શાકાહારી મિત્રો, રેસ્ટોરાંમાં તમે ક્યારેય ચીઝ મંચુરીયન ન મગાવતા. કોઈની પણ ગલતી થઈ શકે છે.

મૂળ વાત એ છે કે સ્વાદથી કોઈ ફરક નથી પડતો. મનમાં વિકસાવેલી સૂગથી જ ફરક પડી શકે અને પેટમાં ચૂંક પણ આવી શકે. ફરક ફક્ત જોયાનો અને જાણ્યાનો છે.

આ સૂગ એવી વિચિત્ર ચીજ છે કે એને તમે જેટલી પંપાળો એટલી એ વધતી જાય. નોનવેજ ખોરાક પ્રત્યે સૂગ હોવી એ એક વાત છે અને એની સાથે સંકળાયેલી તમામ બાબતોમાં સૂગ દાખવવી એ અલગ વાત છે. મારી પત્ની સહિતના અનેક શાકાહારીઓ એવો આગ્રહ રાખતા હોય છે કે શાકાહારી વાનગી એવા વાસણમાં ન બનાવવી, જેમાં માંસાહારી વાનગી બની હોય. એટલે કે માંસાહાર અને શાકાહાર માટે રસોડાં પણ અલગ હોવા જોઈએ. આવા દૂરાગ્રહને કારણે જ મોટા ભાગના શાકાહારી રેસ્ટોરાં ખાસ ‘પ્યોર વેજ’ શબ્દો ખાસ લખે છે. આવો દૂરાગ્રહ રાખનારા પોતાની જાતને જ છેતરતા હોય છે. હકીકતમાં કોઈ પણ રેસ્ટોરાંના રસોડાંની અંદર તમે જાવ તો ત્યાં એટલી ગંદકી જોવા મળે કે વેજ- નોનવેજનો ભેદ ભૂલાઈ જાય. છતાં કટ્ટર શાકાહારીઓને આવી ગંદકી કરતાં માંસાહારની વધુ સૂગ હોય છે. મુંબઈમાં તો ગટરની બાજુમાં ઊભેલી લારીઓ પર શાકાહારીઓ શોખથી પાંઉભાજી, વેજ મંચુરીયન અને ઢોસા ઝાપટતા હોય છે. વાનગી ફક્ત પ્યોર વેજ જોઈએ. પછી ભલે ને બાજુમાં ગટર કેમ ન હોય!

જીવદયાની વાત પર પાછા આવીએ તો પ્રાણી કે માણસને મારી નાંખવા કરતાં એમને રિબાવવાની પ્રક્રિયા ક્યારેક વધુ ક્રૂરતાપૂર્વક આચરવામાં આવતી હોય છે. જીવદયામાં માનતા ધાર્મિક લોકો પણ ધંધાની બાબતે ઘણી વાર નિષ્ઠુર અને દયાહીન બની જતાં હોય છે. પાંચ હજાર રૂપિયા માટે લોકો એવો વર્તાવ કરતા હોય છે કે સામો માણસ ચિત્કારી ઊઠે કે આ તો કસાઈ છે કસાઈ.

મારી પત્ની સાથે હું જીવદયાની વાત કરું ત્યારે એ લગભગ હિંસક બની જાય છે. જીવમાત્ર પર દયા રાખવી જોઈએ એવી દલીલ સાથે શરૂઆત કરીને પછી છેલ્લે એ ગુસ્સાપૂર્વક એવું કહેવા લાગે છે કે પ્રાણીઓની કતલ કરનારાને તો નરકમાં પણ જગ્યા ન મળવી જોIએ. અને છેલ્લે પૂર્ણાહૂતિ કરતાં હું એેને એમ કહું કે જીવદયાની શરૂઆત ઘરથી થવી જોઇએ. તું મારા પર દયા રાખતા શીખ! દરવાજા પાસે ઊભો રહીને છેલ્લે એવો હું ડાયલોગ મારું છું કે, પતિદયા એ જ સાચી જીવદયા છે. અને પછી હિંસાથી બચવા હું ઘરની બહાર નીકળી જાઉં છું.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.