જરૂર છે છપ્પન ઇંચની શાંતિભાવનાની
વીસ વર્ષની ગુરમેહરે એક વાત કહી અને આખા દેશમાં ધમસાણ મચી ગયું. ગુરમેહરે જે કહ્યું એને પગલે અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઇ, પરંતુ ખરેખર જે ચર્ચા શરૂ થવી જોઇતી હતી એ ન થઇ. ગુરમેહરના પિતા લશ્કરી અધિકારી હતા અને કારગીલ યુદ્ધમાં કે અન્ય કોઇ રીતે શહીદ થઇ ગયા હતા. સ્વાભાવિક છે કે આ શહાદત એમણે પાકિસ્તાન અથવા પાકિસ્તાની તત્ત્વો સામે લડતા લડતા વહોરી લીધી હતી. આમ છતાં ગુરમેહરે કહ્યું કે મારા પિતાને પાકિસ્તાને નહીં, પરંતુ યુદ્ધે મારી નાંખ્યા હતા. આમાં પાકિસ્તાનનો બચાવ કરવાનો કોઇ પ્રયાસ નહોતો, પરંતુ યુદ્ધની વિનાશકતાને હાઇલાઇટ કરવાનો પ્રયાસ હતો. ગુરમેહરે પોતાના પિતા ખોયા છે, છતાં એણે આવી પરિપક્વતા બતાવી એ બહુ મોટી વાત ગણાય, કારણ કે લોકો આટલી સરળતાથી મનમાં છૂપાવેલી વેરભાવના કાઢી નથી શકતા. ગુનાખોરીના કેસ ચાલતા હોય ત્યારે ભોગ બનેલી વ્યક્તિના સ્વજનો ખુલ્લેઆમ એવી લાગણી વ્યક્ત કરતા હોય છે કે આરોપીને ખરાબમાં ખરાબ સજા મળવી જોઇએ. આરોપીને આવી સજા મળશે પછી જ અમને શાંતિ મળશે. ચુકાદો જો આરોપીની તરફેણમાં આવે તો આ સ્વજનો હતાશા પણ વ્યક્ત કરતા હોય છે. ટૂંકમાં સ્વજન ગુમાવ્યા પછી એ માટે જવાબદાર વ્યક્તિ કે સંસ્થાને માફ કરવાનું બધા માટે આસાન નથી હોતું. ગુરમેહરે પોતાના પિતાના મૃત્યુ માટે પાકિસ્તાનને માફ કરવાની ઉદારતા તો દાખવી, પરંતુ એ માટે માણસોને બદલે યુદ્ધને જવાબદાર ઠેરવવાનું પસંદ કર્યું. ગુરમેહરની આવી ઉદારદીલી પાછળ એક પરિપક્વ વિચાર છે. એ વિચાર કે યુદ્ધ સૌથી વધુ ખતરનાક અને વિનાશક ઘટના છે, માટે યુદ્ધને કોઇ પણ સંજોગોમાં ટાળવું જોઇએ.
ખરેખર તો ગુરમેહરના નિવેદનને પગલે દેશભરમાં આ વિષય પર ચર્ચા થવી જોઇતી હતી. યુદ્ધ અને એની વિનાશકતા પર ચર્ચા થવી જોઇતી હતી. યુદ્ધની દહેશત કેટલી ખતરનાક છે એ નરેન્દ્ર મોદી અને નવાઝ શરીફ બરોબર જાણતા હશે, છતાં બંને નેતાઓ પર દબાણ એટલું બધું છે કે કોઇ નેતા સ્પષ્ટપણે જાહેર કરી શકતા નથી કે હવે કોઇ પણ સંજોગોમાં બે દેશો વચ્ચે યુદ્ધ નહીં થાય. નવાઝ શરીફ પર પ્રજા કરતા વિશેષ આઇએસઆઇ અને લશ્કરનું દબાણ રહેતું હોય છે, જે એમને ભારત સાથે શાંતિની દિશામાં આગળ વધતા રોકે છે. નરેન્દ્ર મોદીએ સત્તા પર આવવા માટે છપ્પન ઇંચની છાતી રાખીને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાની જે વાત કરી હતી એના કારણે જ દેશના એક નાદાન અને ધર્મઝનૂની વર્ગને ખોટું શૂરાતન ચડ્યું છે. નરેન્દ્ર મોદી તો સાચી વાત સમજી ગયા છે કે છપ્પન શું છાંસઠ ઇંચની છાતી હોય તો પણ યુદ્ધ કરીને પાકિસ્તાનને સીધુંકરી શકાય એમ નથી. આમ છતાં નરેન્દ્ર મોદીએ જે વર્ગને નકલી શૂરાતનનું અફીણ પીવરાવ્યું હતું એ વર્ગ આજે પોતાનો ગુસ્સો બીજી રીતે વ્યકત કરી રહ્યો છે. આ વર્ગ હજુ પણ માને છે કે પાકિસ્તાન પર હુમલો કરીને એને સીધુદોર કરી નાંખવું જોઇએ. નરેન્દ્ર મોદી આ બાબતે કંઇ કરી નથી શકતા એનો ગુસ્સો આ વર્ગ ગુરમેહર જેવી વ્યક્તિઓ પર ઊતારે છે. ખરેખર તો આ નાદાન લોકોને યુદ્ધની નિરર્થકતા વિશે સમજાવવાની જરૂર છે, પણ કોણ કરે આ કામ?
આજે દુનિયાભરમાં યુદ્ધની દહેશત અને એની તૈયારી પાછળ થતાં ખર્ચની સમસ્યા સૌથી મોટી છે. માનવજાતના ઇતિહાસમાં બે દેશો વચ્ચેના તનાવને કારણે અનેક લોકોના જાન ગયા છે, બેસુમાર પાયમાલી થઇ છે અને કેટલીય સંસ્કૃતિઓ ખતમ થઇ ગઇ છે. બીજું વિશ્વયુદ્ધ છ વર્ષ ચાલ્યું અને એમાં છથી સાડા આઠ કરોડ માણસો માર્યા ગયા હોવાનો અંદાજ છે. કોઇ યુદ્ધમાં થયેલી આ સૌથી મોટી ખુવારી ગણાય છે. કોનવે હેન્ડર્સન નામના ઇતિહાસકાર એવો અંદાજ આપે છે કે ઇ.સ. પૂર્વે 3500થી વીસમી સદીના અંત સુધીમાં કુલ 14,500 યુદ્ધો ખેલાયા છે અને એમાં કુલ 3.5 અબજ માણસોએ જાન ગુમાવ્યા છે. એમના કહેવા પ્રમાણે માનવજાત કુલ ફક્ત 300 વર્ષ સુધી યુદ્ધમુક્ત અવસ્થામાં જીવી છે. યુદ્ધની ખુવારીના અંદાજીત આંકડા કદાચ એટલા ચોકસાઇભર્યા નહીં હોય, પરંતુ યુદ્ધને પગલે માનવજાતે જે સહન કરવું પડે છે એ વાતે કોઇ બેમત નથી. ટેકનોલોજી વિકસી છે એમ યુદ્ધની વિનાશક શક્તિ પણ વધી છે. બાયોલોજીકલ અને કેમિકલ વોર્સ તો ખતરનાક બન્યા જ છે, પણ અણુશસ્ત્રોએ આખી માનવજાતની સર્વાઇવલ પર પ્રશ્નાર્થ મૂકી દીધું છે. અણુયુદ્ધની દહેશત વચ્ચે પણ અમુક રાષ્ટ્રો આક્રમકતા દાખવી રહ્યા છે. અણુ બોમ્બ બન્યા પછી આલ્બર્ટ આઇન્સ્ટાઇને કહેલા એક વાક્યમાં વાતનો આખો સાર આવી જાય છે. આઇન્સ્ટાઇને કહ્યું હતું કે ત્રીજા વિશ્વયુદ્ધમાં કયા શસ્ત્રો વપરાશે એની મને ખબર નથી, પરંતુ ચોથું વિશ્વયુદ્ધ લાકડીઓ અને પથ્થરોથી લડાશે. જો ત્રીજુ યુદ્ધ થશે તો સમગ્ર માનવજાત લગભગ નામશેષ થઇ જશે.
યુદ્ધના કારણે ફક્ત જાનહાનિ જ નથી થતી, બીજી અનેક પ્રકારની ખુવારી થતી હોય છે. યુદ્ધ દરમિયાન અને યુદ્ધ પછી સૈનિકો અનહદ માનસિક સંતાપ વેઠતા હોય છે. કેટલાક માનસશાસ્ત્રીઓ તો એવું માને છે કે સૈનિકોને એ માનસિક યાતનાને કારણે જે નુકસાન થાય છે એ દુશ્મનોના હાથે માર્યા જવા કરતાં ઘણું વધુ હોય છે. બ્રિગેડિયર જનરલ એસ.એલ.એ. માર્શલે હાથ ધરેલા અભ્યાસમાં એવું જાણવા મળ્યું કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ફક્ત પંદરથી વીસ ટકા અમેરિકી સૈનિકોએ જ પોતાની રાઇફલ દ્વારા દુશ્મનો પર ગોળીબાર કર્યા હતા. આ પ્રકારના બીજા કેટલાક અભ્યાસોમાં એવું સ્પષ્ટપણે બહાર આવ્યું કે યુદ્ધ સમયે સૈનિકોને પોતાના શસ્ત્રો ચલાવવાનું ગમતું નથી હોતું. એક થિયરી એવી પણ છે કે માણસનો મૂળ સ્વભાવ એને બીજા માણસની હત્યા કરતા રોકી રાખે છે. બીજા વિશ્વયુદ્ધ પછી જીવિત રહેલા અમેરીકી સૈનિકોમાંના મોટા ભાગના માનસિક રીતે બિમાર પડી ગયા હતા.
યુદ્ધને કારણે યુદ્ધ કરનાર દેશના અર્થતંત્રો ખતમ થઇ જતાં હોય છે. પહેલાના સમયમાં જીતેલા પ્રદેશને લૂંટીને પોતાને સમૃદ્ધ બનાવતો. હવે એવું શક્ય નથી. હવે તો યુદ્ધમાં બંને દેશો પાયમાલ થાય છે. પહેલા વિશ્વયુદ્ધ પછી રશિયાનું અર્થતંત્ર એવું પાયમાલ થઇ ગયું કે પરિણામ સ્વરૂપ 1917મા રશિયન ક્રાન્તિનો પ્રારંભ થયો. બીજા વિશ્વયુદ્ધના અંતે યુરોપનું 70 ટકા ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખતમ થઇ ગયું હતું. યુદ્ધને કારણે મોટા પાયે લોકોનું સ્થળાંતર થાય છે અને એમાં દેશની સંસ્કૃતિને ભારે નુકસાન પહોંચે છે.
યુદ્ધ કરવાથી કોઇ ફાયદો નથી છતાં રાષ્ટ્રો શા માટે યુદ્ધે ચડતા હોય છે? આમ તો યુદ્ધ કરવા પાછળનું કોઇ એક કારણ જડતું નથી, પરંતુ એક ઇતિહાસકરે કહ્યું છે કે 'દરેક યુગમાં લોકોના યુદ્ધ કરવા માટેના કારણો આગવા હોય છે. ડચ સાઇકોએનાલિસ્ટ જૂસ્ટ મીરલુએ કહ્યું છે કે ઘણી વાર લોકોના મનમાં એકત્રીત થયેલા આંતરિક રોષ અને માનવજાતનાં આંતરિક ભયના પરિણામે યુદ્ધો થતા હોય છે. આમ યુદ્ધ પાછળનું કારણ એક પ્રકારની હતાશા હોય છે. બીજા કેટલાક સાઇકોએનાલિસ્ટ એવું માને છે કે માણસ મૂળભત રીતે હિંસક છે અને પોતાને જ્યારે તકલીફ પડે ત્યારે એ પોતાની ફરિયાદનો આક્રોશ અન્ય વર્ગ કે પ્રજા પર નફરત વર્ષાવીને વ્યક્ત કરે છે.
યુદ્ધ કરવા પાછળનું કારણ ગમે એ હોય, પરંતુ પ્રજાને ક્યારેય યુદ્ધ પસંદ નથી હોતું. ફક્ત નેતાઓને કારણે જ મોટા ભાગના યુદ્ધો થતા હોય છે. હિટલર અને નેપોલિયન જેવા નેતાઓએ પોતાની માનસિકતાને કારણે યુદ્ધો કર્યા એટલું જ નહીં, પોતાની પ્રજાને યુદ્ધ માટે તૈયાર કરવાનું કામ પણ તેઓ કરી શક્યા.
આજે સમય બદલાયો છે, લોકો પાસે પૂરતી માહિતી છે. દુનિયાભરના લોકો એકબીજા સાથે વિચારોની આપ-લે કરી શકે છે. બે દુશ્મન દેશોની પ્રજા પણ એકબીજા સાથે કમ્યુનિકેટ કરી શકે છે. હવેના નેતાઓ માટે પોતાની પ્રજાને ઊંધે પાટે ચડાવવાનું સરળ નથી. આથી જ એક ગુરમેહર યુદ્ધ વિશે પોતાના વિચાર વ્યક્ત કરીને દેશની નેતાગીરીને પડકાર ફેંકી શકે છે. યુદ્ધની નિરર્થકતા વિશે ચર્ચા થવી જોઇએ. ગાંધીજીના આ દેશમાં શાંતિ અને અહિંસા વિશે ચર્ચા કરવાનો આપણને હક છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર