લડવું છે, પણ જોખમ લીધા વિના

17 Apr, 2017
12:00 AM

નિખિલ મહેતા

PC: kingofwallpapers.com

આદિમાનવો વચ્ચે લડાઇ ઝઘડા થતાં હશે ત્યારે તેઓ એકબીજાને પથ્થરો જ મારતા હશે, કારણ કે એ સમયે ગાળાગાળી કરવાની ભાષા એમણે વિકસાવી નહીં હોય અને બીજા કોઇ શસ્ત્રો ઉપલબ્ધ નહીં હોય. આધુનિક જગતમાં માણસે લડાઇ કરવા માટે અણુશસ્ત્રો વિકસાવ્યા છે. અલબત્ત, લડાઇમાં આવા અણુંશસ્ત્રોનો ઉપયોગ માણસ ભાગ્યે જ કરે છે. એનો ઉપયોગ મોટે ભાગે એકબીજાને ડરાવવા માટે થાય છે. પથ્થરો અને અણુંબોમ્બની વચ્ચે લડાઇ માટેના શસ્ત્રોની તથા લડાઇ માટેની રીતભાતોની એક આખી રેન્જ ઉપલબ્ધ છે, જેનો ઉપયોગ માણસ પોતપોતાના ભેજાં પ્રમાણે ક્રિએટિવ રીતે કરતો હોય છે.

લડાઇનો મુખ્ય હેતુ આમ તો પોતાનું ધાર્યું કરવા માટે સામી વ્યક્તિને નીચે પછાડી દેવાનો હોય છે. રાજાશાહી હતી ત્યારે સૈનિકો તલવાર અને ભાલાથી દુશ્મન સૈનિકોને મારીને નીચે પછાડી દેતા હતા. હવેના સમયમાં એવા યુદ્ધો નથી થતાં. માણસો વચ્ચેની હવેની મોટા ભાગની લડાઇ સામાજિક અને સાંસારિક હોય છે. પતિપત્ની વચ્ચે, બોસ- કર્માચારી વચ્ચે, પાડોશીઓ વચ્ચે, ગ્રાહક- દુકાનદાર વચ્ચેના લડાઇ ઝઘડા હવે વધુ વ્યાપક બન્યા છે અને એ જંગ ખેલવા માટે માણસે જાતજાતની અહિંસક રીતભાતો વિકસાવી છે.

સમજવા જેવી વાત એ છે કે માણસો એકબીજા સાથે લડતા રહે છે એ ખરું, પણ હકીકતમાં માણસોને લડવાનું પસંદ નથી હોતું, કારણ કે લડાઇમાં હારવાની શક્યતા હોય છે. હારને કારણે શારીરિક કે અન્ય પ્રકારનો માર પડવાની દહેશત પણ હોય છે. લડાઇ કરવી પરંતુ એનાથી ખાસ નુકસાન ન થાય એવા અનેક  વિકલ્પો માણસે વિકસાવ્યા છે. આમાંનો એક વિકલ્પ છે ધમકીનો. લડાઇમાં તો પરિણામ નિશ્ચિત હોય છે અને કંઇ પણ બની શકે છે, જ્યારે ધમકીમાં લડાઇ કર્યા વિના હૂલ આપીને ધાર્યું કામ કરવાનો પાસો ફેંકવાનો હોય છે. જીતવાની એક આશા હોય છે અને જો જીત ન મળે તોય ખાસ નુકસાન ન થાય એની ધરપત હોય છે. ભયંકર ધમકી આપીને પછી એ બૂમરેંગ થાય ત્યારે હું તો મજાક કરતો હતો એવું કહેવાની છટકબારી હંમેશાં રાખી શકાય છે. પારિવારિક ઝઘડાઓમાં આ ધમકીનું શસ્ત્ર વધુમાં વધુ વપરાતું હોય છે. પિયર જવાની દસ ધમકીમાં માંડ એક વાર એ ધમકીનું પાલન થતું હોય છે. બાકીના નવ કેસમાં ધમકીનું શસ્ત્ર ધાર્યું કામ કરી નાંખે છે.

જોખમ લીધા વિના લડાઇ કરવાની બીજી એક રીત છે જાહેરમાં લડાઇ કરવાની. લડાઇ કરીને હરીફ કે દુશ્મનને નીચે પછાડી દેવાની ખ્વાહિશ દરેકના મનમાં હોય છે, પરંતુ પોતે નીચે પટકાઇ જશે એવો ડર પણ સૌના મનમાં હોય છે. આથી જ લડાઇના કલ્પનાશીલ વિકલ્પો માણસ સતત વિકસાવતો રહે છે. આવો બીજો વિકલ્પ છે જાહેરમાં લડવાના એલાન કરવાનો. તમે જ્યારે જાહેરમાં લડવાનું એલાન કરો ત્યારે અન્ય લોકોના મનમાં ઘણી ઉત્સુકતા જાગે છે. એમના માટે મફતના મનોરંજન માટેનો એક તખતો તૈયાર થઇ જાય છે. મોટા ભાગના લોકો માટે અન્ય માણસોના લડાઇ ઝઘડા એ તમાશા જેવા હોય છે અને મનોરંજનના ઉત્તમ સાધન બને છે. આથી જ જ્યાં ઝઘડો થવાની શક્યા જણાય ત્યાં પહેલેથી જ દર્શકો, પ્રેક્ષકોનું ટોળું જમા થઇ જાય છે. એલાન થયા વિના ઝઘડા થાય ત્યારે પણ ટોળું જમા થતાં વાર નથી લાગતી. બે ઝઘડતા માણસો એકબીજાને કેવી કેવી ધમકીઓ આપે છે, કેવી ગાળો બોલે છે એ જાણવામાં ટોળાંને ઘણો રસ હોય છે.

આ ટોળાંની માનસિકતા પણ ગજબની હોય છે. એક તરફ તેઓ ઇચ્છતા હોય છે કે બે માણસો બરોબરનો ઝઘડો કરે, પરંતુ બીજી તરફ ટોળું એક સામાજિક જવાબદારી પણ માથે ઓઢી લેતું હોય છે. આથી જ ઝઘડો થાય ત્યારે ટોળાંમાંના બે-ચાર માણસો લડી રહેલી બે પાર્ટીને ઝઘડો ન કરવા માટે સમજાવવા તત્પર થઇ જાય છે. મોટા મોટા મૂલ્યોની વાતો કરીને આવા સમજાવટબાજો ઝઘડી રહેલા લોકોને છૂટા પાડે છે અને જીવનમાં પ્રેમભાવના મહત્ત્વ વિશેના સુવિચારો પ્રગટ કરે છે. મધ્યસ્થી કરનારા આ સજ્જનો અને સન્નારીઓ પોતે શાંતિપૂર્ણ જીવન જીવતા હોય એ જરૂરી નથી. એમના પોતાના લશ્કર પણ અનેક મોરચે લડતા રહેતા હોય છે, છતાં સમાધાન કરાવનાર મહાનુભાવની ભૂમિકામાં એમણે તદ્દન અલગ જ રીતે વર્તવું પડે છે. પ્રેમ અને ભાઇચારાના મહત્ત્વ વિશે બોલવું પડે છે. અલબત્ત, ટોળાંમાંના મોટા ભાગના લોકોને આવા મધ્યસ્થીઓ પર બહુ ગુસ્સો ચડતો હોય છે, કારણ કે એમનું હાથમાં આવેલું મનોરંજન અચાનક છીનવાઇ જાય છે. 

આપણે મૂળ વાત કરતા હતા જોખમ લીધા વિના ઝઘડો કરનારા લોકોની. આવા લોકો ટોળાંની માનસિકતા બરોબર સમજતા હોય છે. ટોળાંમાંના બેચાર માણસો છોડાવવા માટે જરૂર આવશે એવા વિશ્વાસ સાથે તેઓ જંગનું એલાન કરતા હોય છે. તારામાં તાકાત હોય તો બજારચોક પર આવ(કારણ કે ત્યાં ઘણા લોકો છોડાવવા માટે હાજર હશે), તારા હાડકાં ખોખરાં ન કરી દંઉ તો મારું નામ નહીં. ઝઘડો કરનાર બંને વ્યક્તિ નિશ્ચિત સ્થળે પહોંચે ત્યાં સુધીમાં અનેક લોકો ત્યાં જમા થઇ જાય છે. લડાઇમાં ઊતરનાર બંને પાર્ટીને એકબીજાની નજીક જતાં રોકવા માટેની ખેચમખેચી શરૂ થાય છે અને ફરીવાર ધમકીઓના દેકારા-પડકારા થાય છે. અંતે ખરેખરી લડાઇ થતી નથી અને બંને સમસમીને ચૂપ થઇ ગયા હોવાનો દેખાવ કરે છે. આ રીતે ઝઘડો કરવા ઇચ્છતી બન્ને પાર્ટીનો અહંકાર સંતોષાય છે અને ખરા અર્થમાં બેમાંથી એકેયને કોઇ નુકસાન નથી થતું. 

જોખમ લીધા વિના લડાઇ કરવાની સૌથી વ્યાપક અને સૌથી અસરકારક રીત તો બીજાના ખભા પર બંદૂક રાખીને ફોડવાની છે. લડવાની આ કળામાં માણસ લડે છે ખરો, પરંતુ પોતાના ઝઘડા માટે એ બીજી વ્યક્તિને હાથો બનાવી દે છે. પોતાનો જંગ બીજી કોઇ વ્યક્તિ લડે એવી કરામત એમાં થતી હોય છે. 

પોતાની લડાઇ કરવા માટે બીજાને કન્વીન્સ કરી દેવાની આવડત અનોખી હોય છે અને એ માટે સારું એવું શેતાની દિમાગ માણસમાં હોવું જોઇએ. ઘણા લોકો આ કળામાં પારંગત હોય છે. કોઇ રેસિડેન્સિયલ સોસાયટીમાં મેઇન્ટેનન્સનું બિલ વધુ આવતું હોય તો એનાથી તકલીફ સૌ કોઇને થાય, પરંતુ જે રહેવાસી અન્ય રહેવાસીને આ બાબતે સોસાયટીના સેક્રેટરી સામે ઝઘડો કરવા માટે ઉશ્કેરી શકે એ ખરો ખેલાડી. ફેસબુક પર પણ ઘણીવાર આવા ખેલાડીઓ જોવા મળે છે. કોઇ ટોપિક પર ચર્ચા થઇ રહી હોય અને એક વ્યક્તિ પાસે દલીલો ખૂટી જાય એટલે પોતે જે માનતો હોય એને સમર્થન આપતી કોઇ લિન્ક મૂકી દે. પછી તો તમે લડ્યા કરો લિન્કના ઓરિજિનલ માલિક સાથે. રાજકીય ચર્ચાઓમાં આવું બહુ બનતું હોય છે. આ તો થઇ રાજકીય ચર્ચાની વાત. સાહિત્યની કે અન્ય ચર્ચામાં પણ ઘણી વાર આવું બનતું હોય છે. દલીલો ખૂટી જાય એટલે ખરો ખેલાડી કોઇ મોટા લેખક, ધર્મગુરુ કે અન્ય મહાનુભાવનું ક્વોટ મૂકી દે. એનો અર્થ એમ કે આ મહાન વ્યક્તિ આવું માને છે. હવે જો તમે એ મહાન વ્યક્તિને પડકારો અને એની વિરુદ્ધ દલીલો કરો તો મહાન વ્યક્તિના બીજા અનુયાયીઓ તમારા પર તૂટી પડે અને તમે એમની સાથે લડતા રહો. આ રીતે પેલો મૂળ ખેલાડી ચાલાકીથી છટકી જાય.

આથી જ કોઇ વ્યક્તિ જ્યારે તમને કહે કે તમારી સાથે અન્યાય થઇ રહ્યો છે ત્યારે ડબલચેક કરી લેવું કે એ ભાઇ કે બહેનનો ઉદેશ્ય તમારી સાથે થઇ રહેલા અન્યાય વિશે ખરેખર ચિંતા વ્યક્ત કરવાનો છે કે પછી એમાં એમનો પોતાનો કોઇ સ્વાર્થ છે. શક્ય છે કે જે વાતે તમને અન્યાય થઇ રહ્યો હોવાનું કહેવામાં આવે એમાં એ વ્યક્તિને પોતાને વધુ અન્યાય થતો હોય, પરંતુ એ લડવાની જવાબદારી એ તમારા પર નાંખી દેવા માગતી હોય.

હવેના સમયમાં લડવાનો મામલો બહુ મોંઘો અને તકલીફદાયક બની ગયો છે. ગમે એવો અન્યાય થતો હોય તો પણ લડવાનું સામાન્ય માણસને પરવડે એમ નથી. પોલીસ છે, ન્યાયાલય છે બધુ છે, છતાં ન્યાય માગવા જાવ તો ડગલેને પગલે પૈસાના પાણી થાય. તમારાથી વધુ શક્તિશાળી માણસનો હાથ હંમેશાં તમારા કરતા વધુ મજબૂત જ રહેવાનો છે. આથી જ લડાઇ ઝઘડા માટે એક નિયમ બનાવવો જરૂરી છે કે શક્ય હોય ત્યાં સુધી લડવું નહીં. અને જો લડવું તો છેવટ સુધી લડવું. અને હા, અન્ય કોઇની લડાઇ લડવાની મૂર્ખતા તો ક્યારેય ન કરવી.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.