શું ઉકાળ્યું ગયા વર્ષે? શું વઘારીશ નવાં વર્ષમાં?
આપણે કોઈ પણ જાતિના હોઈએ, કોઈ પણ કોમના હોઈએ, પરંતુ એક ભારતીય તરીકે આપણા ધર્મમાં 31મી ડિસેમ્બરની ઉજવણીનું જેટલું માહત્મ્ય છે એટલું જ મહત્ત્વ પહેલી જાન્યુઆરીથી શરૂ થતાં નવા વર્ષના નિર્ધાર, રિઝોલ્યુશનનું ગણાવાયું છે. આથી જ આપણે 31મી ડિસેમ્બરની રાતની ધામધૂમથી (અને અમુક કિસ્સામાં ધમાધમથી) ઉજવણી કરીએ છીએ અને પછી બીજા દિવસે જીવનને સુધારવા માટેના સારા સારા રિઝોલ્યુશન્સ કરીએ છીએ. આવતા વર્ષ દરમિયાન વજન ઊતારવું જ છે, સિગરેટ છોડી જ દેવી છે, બાજુની દુકાન ખરીદી લેવી છે, પ્રમોશન લઈને જ જંપીશ, વગેરે.
આશ્ચર્યની વાત એ છે કે આપણા માટે તો દિવાળી પછીનો દિવસ નવાં વર્ષનો પહેલો દિવસ ગણાય છે અને એનું નામ જ બેસતું વર્ષ છે, છતાં આપણે એ દિવસે ભાગ્યે જ કોઈ નિર્ધાર કરતાં હોઈએ છીએ. ખરેખર જો કોઈ માણસ નવા વર્ષ માટેના નિર્ધાર કરવા માંગતો હોય તો એણે આઈડિયલી પોતાના જન્મદિવસે રિઝોલ્યુશન્સ કરવા જોઈએ, કારણ કે એના માટે તો જીવનનું નવું વર્ષ એ જ દિવસે શરૂ થતું હોય છે. જોકે કોઈ પણ પ્રકારના નવા વર્ષના પહેલા દિવસે કરવામાં આવતાં નિર્ધારો વચ્ચે એક સામ્યતા એ હોય છે કે એ કદી પૂરા નથી થતાં. ધૂમ્રપાનની ટેવથી મુક્તિ મેળવવાનો નિર્ધાર કરનાર માણસ બીજા વર્ષના પહેલા દિવસે સિગરેટ પીતાં પીતાં જ પાછો ફરીવાર એ જ નિર્ધાર કરતો હોય છે કે હવે આ વર્ષે તો પાકું છોડવી જ છે. કુટેવો છોડવાની વાત જ નહીં, કંઈક નાની વાત સિદ્ધ કરવામાં પણ માણસે કરેલા નિર્ધાર ટકી શકતા નથી. આથી જ જાન્યુઆરી મહિનો આશાના કિરણ તરીકે અને ડિસેમ્બર મહિનો અરીસા તરીકે ઓળખાય છે. ડિસેમ્બરમાં માણસ પોતાના જીવનની આખા વર્ષની ફિલ્મ ફ્લેશબેકમાં જોઈને પોતાની નિષ્ફળતાઓની ગણતરી કરતો રહે છે. બહુ જ ઓછા લોકો એવા હશે, જેઓ નવા વર્ષ માટે કરેલા નિર્ધારને વળગી રહેવામાં સફળ થયા હશે.
મોટા ભાગના લોકો ધારેલા કામ વર્ષ દરમિયાન પૂરાં કરી શકતા નથી, નક્કી કરેલા ધ્યેય સિદ્ધ કરી શકતા નથી તો શું આ બધા લોકોને નિષ્ફળ ગણી શકાય? શું ચારે તરફ નિષ્ફળતા અને નિરાશા જ છવાયેલી છે? જો તમે સફળતાના પ્રવર્તમાન માપદંડના આધારે વિચારો તો આ વાત સાચી લાગશે, પરંતુ જો તમે માપદંડ બદલી નાંખો તો વાત બદલાઈ જાય અને કદાચ તમારી જિંદગી.
ગયા વર્ષના તમારા પરફોર્મન્સનું તમે અવલોકન અને મૂલ્યાંકન કરો ત્યારે તમે જે સિદ્ધ કર્યું કે ન કર્યું એ વિશે જરા અલગ રીતે વિચારવાની જરૂર છે. મૂળ તો તમે જે કંઈ કર્યું એ સાચું હતું કે ખોટું, એમાં તમે સફળ થયા કે નિષ્ફળ ગયા એ નક્કી માટેના માપદંડ બદલી નાંખવાની જરૂર છે.
હેલ્થ:
હેલ્થ ઈમ્પ્રુવ કરવાની બાબતે આપણે મોટે ભાગે અદ્ધરસદ્ધર અને અવાસ્તવિક લક્ષ્યાંકો બાંધતા હોઈએ છીએ. આવતા વર્ષે સ્ટ્રીક્ટ ડાયેટિંગ અને એક્સરસાઈઝ કરીને વીસ કીલો વજન ઘટાડી નાંખવું છે, રોજનું એક કલાક જોગિંગ કરવું જ છે વગેરે. ક્યારેક વળી બાજુમાં સ્લીમ ભાભી રહેવા આવે તો એને જોઈને પોતાનું વજન ઘટાડવાની ઈચ્છા થઈ જતી હોય છે, આ કેસમાં પતિ અને પત્ની બંનેને. આના બદલે વાસ્તવિક બનવાનું જરૂરી છે. તમારી ઉંમરના હિસાબે તમારું વજન કેટલું હોવું જોઈએ એ નક્કી કરો અને એ પ્રમાણે વજન ઊતારવાનું ધ્યેય રાખો. વર્લ્ડ માસ્ટર્સ એથ્લિટિક્સ એસોશિયેશન દ્વારા 'એજ ગ્રેડિંગ'ની એક પદ્ધતિ વિકસાવવામાં આવી છે, જેના દ્વારા વધતી ઉંમરની સાથે તમારા શરીરની ઘટતી ક્ષમતાનો અંદાજ આપવામાં આવે છે. ટૂંકમાં હેલ્થ બાબતે પ્રવર્તતા જનરલ માપદંડોને છોડીને વાસ્તવિક માપદંડ અપનાવવો.
વ્યાવસાયિક સફળતા:
દરેક વ્યવસાયના સફળતાના માપદંડ બદલાતા રહે છે. પહેલાના સમયમાં સફળ શિક્ષક એ ગણાતા, જેમની પોતાના વિષય પર પક્કડ હોય, જે વિદ્યાર્થીઓને સારી રીતે શીખવી શકે અને એકંદરે જેમના પર સૌને આદર હોય. હવે સફળ શિક્ષક એ ગણાય છે જે વધુ પ્રાઈવેટ ટ્યુશનો મેળવી શકે, જે પોતાના કોચિંગ ક્લાસ શરૂ કરી શકે અથવા એની સાથે સંકળાઈને વધુ પૈસા કમાઈ શકે. જો કોઈ શિક્ષક આ માપદંડથી સફળ થવાને બદલે પોતાના કાર્યમાં મશગૂલ રહ્યો હોય તો એ નિષ્ફળ ન ગણાય. આવી બનાવટી સફળતા મોટે ભાગે તમારા વ્યવસાય સાથે સંકળાયેલા લોકો જ નક્કી કરતાં હોય છે. તમે આગળ નીકળી ગયા કે પાછળ રહી ગયા એ માટે તેઓ ખોટા માપદંડ અપનાવે છે અને તમે પણ એમના અભિપ્રાયને વધુ મહત્ત્વ આપીને નિરાશ થતાં હોવ છો. આથી જો તમે કોઈ ક્રિયેટિવ ફિલ્ડમાં હોવ અને જો તમને કોઈ એવોર્ડ ન મળ્યો હોય, તમારી વિડિયો વાઈરલ ન થઈ હોય કે તમારી બૂક બેસ્ટ સેલર ન બની હોય તો એ પ્રકારની 'નિષ્ફળતા' ગંભીરતાથી લેવાની જરૂર નથી. જો તમે સર્જક છો અને તમારા ચાહકો તમારાથી ખુશ છે તો એ તમારી સફળતા જ છે.
પ્રેસ્ટિજનો સવાલ છે:
વર્ષ દરમિયાન તમે કોઈ મોટું બિઝનેસ સાહસ શરૂ કર્યું હોય અથવા કોઈ મોટું મિશન પૂરું કરવાનું કાર્ય હાથમાં લીધું હોય અને એ ધાર્યા પ્રમાણે પૂર્ણ ન થાય તો એ નિષ્ફળતા કહેવાય? મોસ્ટ પ્રોબેબલી નો. કોઈ પણ સ્પોર્ટ્સમાં જીત અને હારની પરિભાષા એકદમ સ્પષ્ટ હોય છે, પરંતુ ટૂંકા ગાળાની જીત એ ઘણી વાર લાંબા ગાળાની હાર બની જતી હોય છે. સફળતા મેળવ્યા પછી મોટિવેશન ગુમાવી ચૂકેલા અનેક ખેલાડીઓ મળશે. 'ધ સટલ આર્ટ ઓફ નોટ ગિવિંગ અ ફ$%#'ના લેખક માર્ક મેડસન કહે છે, 'તમે જો કોઈ બિઝનેસ વેન્ચર શરૂ કર્યું અને એમાં નિષ્ફળતા મળે તો એ સદંતર નિષ્ફળતા નથી. એ નિષ્ફળતામાંથી તમને ઘણું શીખવા મળ્યું હશે, જે કદાચ ભવિષ્યમાં બહુ મોટી સફળતા મેળવવામાં ઉપયોગી નીવડી શકે છે. આવા પાઠ તમને બીજી કોઈ રીતે શીખવા મળી શક્યા નહોત. તો સવાલ સાચા માપદંડને સમજવાનો છે.
નોકરીના નોકર:
સ્પેનના બુલફાઈટર જુઆન બેલમોન્ટનું એક વાક્ય પ્રખ્યાત છે, 'જીવન એ બીજું કશું નહીં પણ તમે જે કરીઅર પસંદ કરી હોય એના માધ્યમ દ્વારા તમારું ચારિત્ર્ય વિકસાવવા માટેના સંઘર્ષોની શૃંખલા છે.' જો તમે આ માપદંડથી વિચારો તો નોકરીમાં પગાર વધારો ન મળ્યો, પ્રમોશન ન મળ્યું, સારી જગ્યાએ ટ્રાન્સફર ન મળી કે સેલ્સ વધારીને મેં કંપનીમાં મારી પોઝિશન વધુ સ્ટ્રોંગ બનાવી કે નહીં વગેરે પ્રશ્નો ગૌણ બની જશે. તમારા માટે એક જ માપદંડ અને એક જ પ્રશ્ન મહત્ત્વનો હોવો જોઈએ કે આ નોકરી કરતાં કરતાં એક વ્યક્તિ તરીકે હું મારામાં કેટલું ઈમ્પ્રૂવમેન્ટ લાવી શક્યો? ગયા વર્ષ દરમિયાન નોકરીમાં તમને ભલે બીજી ગમે એવી સફળતા મળી હોય, પરંતુ જો તમારામાં પોતાનામાં કોઈ સુધારો ન થયો હોય તો નોકરી બદલવા વિશે તમારે વિચારવું જોઈએ.
માણસોની વાત કરો ભાઈ:
વર્ષ દરમિયાન આપણને સફળતા મળી કે ન મળી એનો અંદાજ કાઢવાનું મૂંઝવણભર્યુ છે. ક્યારેક પૈસાની બાબતમાં સફળતા મળી હોય તો સામે નામ ખરાબ થયું હોય, કયારેક કોઈ પ્રતિષ્ઠીત સન્માન મળ્યું હોત તો બીજી તરફ કોઈ મનગમતી ચીજ ખોવાઈ ગઈ હોય. ગયું વર્ષ સફળ રહ્યું કે નહીં એ નક્કી કરવા માટે રમિત શેઠી નામના લેખકે ફક્ત એક મુદ્દાનો નવો જ માપદંડ વિકસાવ્યો છે. દરરોજ પોતે કોને મળ્યા અને એની એક યાદી તેઓ રાખે છે અને 31મી ડિસેમ્બરે દરેક વ્યક્તિ સાથેના સંબંધનું મૂલ્યાંકન કરે છે. જેમ શેરબજારના વિવિધ શેરોનો પોર્ટફોલિયો હોય એમ રમિત શેઠી પોતાના જીવન સાથે સંકળાયેલા લોકો વિશે વિચારીને નક્કી કરે છે કે કોની સાથેના સંબંધો કેટલા વિકસાવવા, કોને ગાઢ દોસ્ત બનાવવા અને કોને રવાના કરવા. તેઓ માને છે કે શેરબજારનો પોર્ટફોલિયો જેમ મેનેજ કરવાનો હોય એમ આપણા જીવન સાથે સંકળાયેલા લોકોનો પોર્ટફોલિયો પણ મેનેજ કરતાં રહેવું જોઈએ.
તો એકંદરે વર્ષ દરમિયાન મળેલી સફળતા કે નિષ્ફળતા અને આગામી વર્ષની સફળતાના પ્લાનિંગ માટે વિચાર પદ્ધતિમાં એક જ મોટો ફેરફાર કરવાનો છે. બહુ પ્રચલીત બનેલા કે અન્ય લોકોના માપદંડને બદલે તમારા પોતાના માપદંડને અપનાવો. એ જ નક્કી કરશે તમારી સાચી સફળતા અને તમારી સાચી ખુશી.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર