પાકિસ્તાનને શું જોઇએ છે?
ઉરીમાં લશ્કરી છાવણી પર થયેલા હુમલામાં 18 જવાનો શહીદ થઇ ગયા એ ઘટનાએ આખા દેશને હચમચાવી દીધો છે. પાકિસ્તાન સામે અગાઉ ક્યારેય નહોતો જાગ્યો એવો રોષ ભભૂકી ઊઠ્યો છે. ખૂણે ખૂણેથી અવાજ ઊઠ્યો છે કે હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. સરકાર પણ ભીંસમાં આવી ગઇ છે અને નેતાઓએ પણ આક્રમક ભાષા વાપરવાનું શરૂ કર્યું છે. આમ છતાં શાણા માણસો કહી રહ્યા છે કે યુદ્ધ એ ઇલાજ નથી. અત્યારે તો નહીં જ. વેલ, કંઇ પણ બની શકે છે.
જ્યારે કોઇ એક વ્યક્તિ, સમુહ કે સમગ્ર દેશ અસાધારણ રીતે વર્તન કરવા લાગે ત્યારે આપણે એને ફેસવેલ્યુ પર લેતા હોઇએ છીએ અને એ અનુસાર પ્રતિક્રિયા આપતા હોઇએ છીએ. એ વ્યક્તિ કે સમૂહ શા માટે એવું વર્તન કરી રહ્યું છે એ જાણવાના પ્રયાસ ઓછા કરીએ છીએ. પાકિસ્તાન છેલ્લા કેટલાય સમયથી ભારતને હેરાન કરી રહ્યું છે, ભારતમાં તોડફોડ કરાવી રહ્યું છે, ભારતની સાથે દુશ્મનાવટભર્યો વહેવાર કરી રહ્યું છે એવી એક છાપ છે અને આપણા દેશમાં સૌ કોઇ આ વાતને સ્વીકારે છે. હવે જરા એ વિચારો કે પાકિસ્તાન જેવો આપણાથી સાવ નાનો અને પ્રમાણમાં નબળો દેશ, ત્રણ વાર યુદ્ધમાં માર ખાઇ ચૂકેલો દેશ શા માટે આપણને તંગ કરી રહ્યો છે? શું એને કાશ્મીર જોઇએ છે? શું એ કાશ્મીરને આઝાદી અપાવવા માગે છે? શું એને ભારતમાંના મુસ્લીમોની ચિંતા છે? કઇ વાતનું એને પેટમાં દુઃખે છે?
અલબત્ત, અત્યારે કાશ્મીરનો પ્રશ્ન કેન્દ્રમાં છે અને પાકિસ્તાન માટે પણ કાશ્મીરનો પ્રશ્ન આગળ કરવાનું સગવડતાભર્યું છે, પરંતુ મૂળ મુદ્દો કાશ્મીરનો છે જ નહીં. દેશના જે અણધારી રીતે ભાગલાં થયા એના કારણે અનેક ન બનવાની વાતો બની ગઇ હતી અને કરવા જેવા ઘણા કામો અધૂરા રહી ગયા હતા. આઝાદી સમયે ભારત તો કાશ્મીરને ભારતમાં ભેળવવા માટે બહુ ઉત્સુક પણ નહોતું. રાજા હરી સિંહ ખાસ લોકપ્રિય નહોતા અને નેશનલ કોન્ફરન્સ નેતા શેખ અબ્દુલ્લાની આગેવાની હેઠળ રાજા સામે આંદોલન ચાલી રહ્યું હતું. એ આંદોલનમાં ત્યાંની હિન્દુ અને મુસ્લીમ બંને પ્રજા એકસાથે હતી. પાકિસ્તાની દળો જ્યારે કાશ્મીરમાં ઘુસી ગયા ત્યારે હરી સિંહે કાશ્મીરને ભારતમાં ભેળવી દેવા માટેની વિનંતિ કરી. ભારતે એ સમયે રાજા સામે એવી શરત રાખી કે જેલમાં રાખેલા શેખ અબ્દુલ્લાને પહેલા મુક્ત કરો. કાશ્મીરમાં લશ્કરી કાર્યવાહી કરવામાં ભારતે મોડું કર્યું અને એના લીધે કાશ્મીરનો અમુક પ્રદેશ પાકિસ્તાનના કબજામાં રહી ગયો. ત્યાર પછી આટલા વર્ષો વીતી ગયા છતાં ભૌગોલિક દૃષ્ટિએ સ્થિતિ એ ની એ જ છે.
કાશ્મીર પર કોનો હક એ વિશે વિચારીએ. પાકિસ્તાનના પહેલા વડા પ્રધાન મહમ્મદ અલી ઝીણાએ કાશ્મીર પર દાવો કરવા માટે એવી દલીલ કરી હતી કે જુનાગઢ તથા હૈદરાબાદના રાજા મુસ્લીમ હતા છતાં પ્રજા હિન્દુ હતી એટલે એ રાજવાડાંને ભારતમાં ભેળવી દેવામાં આવ્યા તો એ જ તર્કથી કાશ્મીરને પાકિસ્તાનમાં ભેળવી દેવું જોઇએ, કારણ કે કાશ્મીરના રાજા ભલે હિન્દુ હતા છતાં ત્યાંની પ્રજા મુસ્લીમ છે. ઝીણાની વાત તર્કની દૃષ્ટિએ ટકી શકે એવી હતી, છતાં એમાં આત્મા નહોતો. કાશ્મીરની પ્રજાને નવા જન્મેલા પાકિસ્તાન પર ભરોસો નહોતો. કાશ્મીરનું કલ્ચર ભારત સાથે સુસંગત હતું. કાશ્મીરમાં બળવો કરાવવાના પ્રયાસ પાકિસ્તાને એ સમયે પણ કર્યા હતા, પણ એમાં એને નિષ્ફળતા મળી હતી. કાશ્મીરીઓ ભારત સાથે જ રહેવા માગતા હતા. આથી જ કાશ્મીર અંગેનો આખરી ફેંસલો કરવા ત્યાં પ્લેબિસાઇટ એટલે કે લોકમત યોજવાની ભારતે ઓફર કર હતી, પરંતુ ઝીણાએ એ ઓફર નકારી કાઢી હતી. ઝીણા બરોબર જાણતા હતા કે કાશ્મીરીઓ ભારત સાથે જ રહેવા માગે છે. ખરેખર તો પાકિસ્તાનને આજે પણ કાશ્મીર પર કબજો જમાવવામાં કે કાશ્મીરના સમગ્ર વિસ્તારને આઝાદ કરાવવામાં રસ નથી. કાશ્મીર તો પાકિસ્તાન માટે ફક્ત ભારતને પરેશાનીમાં મૂકવા માટેનું એક સાધન છે. શા માટે પાકિસ્તાન ભારતની સામે સતત શિંગડા ભરાવી રહ્યું છે? શું જોઇએ છે એને? આ પ્રશ્નનો જવાબ આપણને ત્યારે જ મળે જ્યારે આપણે પાકિસ્તાનને ખરા અર્થમાં સમજીએ. એક દેશ તરીકે પાકિસ્તાનની એક સંપૂર્ણ ઓળખ છે, પરંતુ વાસ્તવામાં પાકિસ્તાન એ અનેક વિભિન્ન પરિબળોનો મેળાવડો છે. પાકિસ્તાનના આ દરેક ઘટકને સાચા અર્થમાં સમજીએ નહીં ત્યાં સુધી પાકિસ્તાનની વર્તણૂંક સમજાશે નહીં અને એની સાથે કઇ રીતે ડીલ કરવું એ તો સૂઝશે જ નહીં.
સૌથી પહેલા પાકિસ્તાના શાસકોની વાત કરીએ. આ દેશમાં લોકશાહી નામ પૂરતી છે એટલે રાજકીય નેતાઓની હયાતી છે, પરંતુ અસલી શાસકો અહીંના લશ્કરી અધિકારીઓ તથા જાસુસી સંસ્થા આઇએસઆઇના અધિકારીઓ છે. પાકિસ્તાનનું લશ્કર ભારતના હાથે ત્રણ વાર હાર ખાઇ ચૂક્યું છે એટલે એનો અહં ઘવાયો છે. આથી ભારત સાથે સુમેળભર્યા સંબંધો રાખવામાં પાકિસ્તાનના લશ્કરી અધિકારીઓ જરાય રસ નથી.
છેલ્લા કેટલાક વર્ષોથી પાકિસ્તાનમાં ધર્મઝનૂની તત્ત્વોનો ઉદય થયો છે. ઇસ્લામના નામ પર ત્રાસવાદ ફેલાવવા માગતા ધર્મઝનૂની લોકોની જમાત પાકિસ્તાનમાં જ નહીં, વિશ્વભરમાં વિકસી છે. આ લોકોનું મૂળ દુશ્મન અમેરિકા છે અને પશ્ચિમની સંસ્કૃતિ સામે એમને બહુ મોટો વાંધો છે. આ ધર્મઝનૂની લોકો અમેરિકાને શેતાન કહીને મુસ્લીમ યુવાનોને ગુમરાહ કરવાના પ્રયાસ કરતા રહે છે. અનેક દેશોમાં એમનો પ્રભાવ વધ્યો છે. આ ધર્મઝનૂની લોકો ભારતના મુસ્લીમ યુવાનોને પણ પ્રભાવિત કરવા મથતાં રહે છે અને કાશ્મીરમાં તેઓ વધુ સક્રિય બન્યા છે. પાકિસ્તાની લશ્કર માટે આવા ધર્મઝનૂનીઓ બહુ ઉપયોગી છે. એક તરફ તેઓ દેશના યુવાનોને લોકશાહી મૂલ્યોથી દૂર રાખવામાં મદદરૂપ થાય છે અને બીજી તરફ તેઓ ત્રાસવાદનું માળખું ઊભું કરી આપે છે. ત્રાસવાદી પ્રવૃત્તિ માટે યુવાનોને એકત્રિત કરે છે.
પાકિસ્તાનના રાજકીય નેતાઓ મહદ અંશે લશ્કરની કઠપૂતળી જેવા રહ્યા છે. દુનિયાને દેખાડવા માટેની લોકશાહીના શૉપીસની ભૂમિકા તેઓ ભજવે છે. એમના હાથમાં કોઇ સત્તા છે જ નહીં. આથી નરેન્દ્ર મોદી જ્યારે નવાઝ શરીફને જન્મદિનની મુબારકબાદી આપવા પાકિસ્તાન જાય તો એની કોઇ વેલ્યુ નથી રહેતી. લશ્કરી અધિકારીઓ અને ધર્મઝનૂની તત્ત્વોની વચ્ચે પાકિસ્તાનના રાજકીય નેતાઓ સાવ લાચાર બની જાય છે અને પ્રજાનું ભલું કરવામાં અક્ષમ નીવડે છે.
હવે પ્રજાની વાત કરીએ. ભારત અને પાકિસ્તાનની પ્રજામાં બંનેના કલ્ચરમાં કોઇ ફરક છે જ નહીં. ભારતમાં મહેંદી હસન અને ગુલામ અલી લોકપ્રિય બને છે તો પાકિસ્તાનમાં બોલિવુડની ફિલ્મો લોકપ્રિય બને છે. ત્યાંની શાદી સમારંભોમાં બારાતીઓ બોલિવુડના ગીતો પર નાચે છે. શાહીદ અફ્રિદી ખુલ્લેઆમ ભારતના વખાણ કરે છે અને વિરાટ કોહલીના વખાણ કરવા બદલ પાકિસ્તાની ક્રિકેટચાહક જેલમાં જાય છે. બજરંગી ભાઇજાન જેવી ફિલ્મ બંને દેશોમાં અનહદ ચાહના મેળવે છે. યુ સી, બંને દેશોની પ્રજાને એકબીજા સાથે કોઇ દુશ્મનાવટ નથી. એ તો એકબીજાની નજીક આવવા માગે છે, અમન અને ચમનનો માહોલ ઇચ્છે છે. કોઇ પ્રજાને ત્રાસવાદ કે હિંસા પસંદ ન હોય.
આથી જ આપણે જ્યારે પાકિસ્તાનનો વિચાર કરીએ ત્યારે સમગ્ર પાકિસ્તાનને એક યુનિટ ગણીએ ત્યારે કન્ફ્યુઝન પેદા થાય છે. પાકિસ્તાનના લશ્કર, ત્યાંના રાજનેતાઓ, ત્યાંના ધર્મઝનૂની પરિબળો અને ત્યાંની પ્રજાની અલગ અલગ ઓળખને સમજવી જોઇએ. ઉરીમાં હુમલો કરનારા તત્ત્વો સાથે પાકિસ્તાનની સામાન્ય પ્રજાને કોઇ સંબંધ નથી અને આવા હીન કૃત્ય માટે ત્યાંની પ્રજાની સહમતી ન હોય એવી પૂરી શક્યતા છે. તો પછી શા માટે ત્યાંની પ્રજા અને ધર્મઝનૂની તત્ત્વોને એક ગણીને એમની સાથે સમાન વહેવાર કરવો?
બીજી તરફ એવુંય નથી કે પાકિસ્તાની પ્રજામાં ક્યારેય ભારતદ્વેષ જાગતો જ નથી. ત્યાંના રાજકીય નેતાઓ તથા ત્યાંનું લશ્કર કાશ્મીર મામલે પ્રજાને ભારત વિરુદ્ધ ઉશ્કેરવામાં સરળતાથી સફળ થઇ જાય છે. પાકિસ્તાનના ધર્મઝનૂની તત્ત્વો ત્યાંના યુવાનોને ઇસ્લામના નામે ત્રાસવાદી બનવા ઉશ્કેરી શકે છે અને ભારતમાં તોડફોડ કરવા મોકલી શકે છે. હકીકતમાં જ્યારે જ્યારે રાજકીય નેતાઓ બે દેશોની પ્રજાને એકબીજાની નજીક લાવવાની કોશિશ કરે છે, શાંતિ અને અમનની વાતો કરે છે ત્યારે ત્યાંનું લશ્કર તથા ધર્મઝનૂની તત્ત્વો એમાં અડચણો ઊભી કરે જ છે. ઉરી જેવા હુમલા દ્વારા તેઓ એક ઝાટકે બે દેશો વચ્ચેની પ્રજા વચ્ચે જોજનોનું અંતર પેદા કરી શકે છે. બંને દેશની પ્રજા એકબીજાને ધિક્કારે એવી સ્થિતિ સર્જીને પાકિસ્તાનના ધર્મઝનૂની તત્ત્વો આખરે અટ્ટહાસ્ય કરતા હોય છે.
આવી સ્થિતિમાં ભારત શું કરી શકે? જેમની સાથે ડીલ કરવાનું છે એ રાજકીય નેતાઓ પાસે ખરી સત્તા નથી. લશ્કર તથા ધર્મઝનૂની તત્ત્વો સામે આવતા નથી અને ખુલ્લેઆમ લડવા તૈયાર નથી. પાકિસ્તાની પ્રજાને સીધી રીતે પ્રભાવિત કરી શકાય એમ નથી. બીજી તરફ ઉરી જેવા હુમલાની કોઇ પ્રતિક્રિયા જ ન આપવી એ પણ યોગ્ય નથી. મામલો ઘણો જ અટપટો છે. તો શું કરવું? ક્યારેક એવી સ્થિતિ સર્જાતી હોય છે, જેમાં તમે ઉપલબ્ધ વિકલ્પોમાંનો કોઇ પણ વિકલ્પ પસંદ કરો તોય નુકસાન જ થાય. આવી સ્થિતિમાં સૌથી ઓછું નુકસાન થાય એવો વિકલ્પ પસંદ કરવાનો હોય છે અને એ માટે હિંમતની જરૂર પડે.
ઉરી ઘટનાના પ્રતિસાદમાં ભારતને આકરાં પગલાં ભરવાનો હક છે, પરંતુ કયા પગલાં ભરવા એ નક્કી કરવાનું સરળ નથી. જો ઉરીની ઘટના માટે સમગ્ર પાકિસ્તાનને જવાબદાર ગણીને પગલાં ભરવામાં આવશે તો લાંબા ગાળે એ નુકસાનકર્તા પુરવાર થશે, કારણ કે બે દેશોની પ્રજા વચ્ચેનું અંતર એનાથી વધશે, જે ત્યાંના ધર્મઝનૂની તત્ત્વો ઇચ્છે છે.
પાકિસ્તાનમાં ખરેખર તો એક આંતરિક જંગ ચાલી રહ્યો છે. એક તરફ શાંતિ તથા પ્રગતિ ઇચ્છતી સામાન્ય પ્રજા છે અને બીજી તરફ દેશને પછાત સ્થિતિમાં લઇ જવા ઇચ્છતા ધર્મઝનૂની તત્ત્વો તથા એમના સહારે સત્તાની પકડ જમાવી રાખતા લશ્કરી અધિકારીઓ છે. શું ભારત પાકિસ્તાનની પ્રજાને મદદરૂપ થઇ શકે એમ છે? શું ભારત પાકિસ્તાનના ધર્મઝનૂની તત્ત્વોને ખતમ કરી શકે એમ છે?
એક એવો પણ મત પ્રવર્તે છે કે આપણે પાકિસ્તાનની આંતરિક તકલીફોની ચિંતા શા માટે કરવી? આપણે આકરા પગલાં ભરીને પાકિસ્તાનની પ્રજા તથા રાજકીય નેતાગીરી પર દબાણ લાવવું જોઇએ, જેથી તેઓ ત્યાંના લશ્કર તથા ધર્મઝનૂની તત્ત્વોની સામે આક્રમક બને. આ વિચાર ખોટો નથી, પરંતુ એ કોઇ શ્યોર શૉટ નથી. ગણતરી ખોટી પડી શકે છે. આમ છતાં ભારતના શાસકો પર પણ દબાણ એટલું બધુ છે કે તેઓ કદાચ આ જ માર્ગ અપનાવશે.
આપણે ગમે એવા આકરાં પગલાં ભરીએ, છતાં એક વાત નક્કી છે કે પાકિસ્તાન આ રીતે સીધુદોર થવાનું નથી. ભૂતકાળનો અનુભવ છે. ભવિષ્ય બદલવા માટે કોઇ ઇનોવિટિવ વ્યૂહ કે વિચારની જરૂર છે. કોણ એ વિશે વિચારશે અને કોણ એને અમલમાં મૂકી શકશે?
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર