આમ આદમી પાર્ટીનું ભાવિ શું?
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના પ્રિન્સિપલ સેક્રેટરી રાજેન્દ્ર કુમાર પરના ભ્રષ્ટાચારના આરોપોના સંદર્ભમાં સીબીઆઈએ મુખ્ય પ્રધાનની ઓફિસ પર દરોડા પાડ્યા અને દેશભરમાં ધમાલ મચી ગઈ. વળતો પ્રહાર કરવા દિલ્હીની સરકાર અરુણ જેટલી પર તૂટી પડી. અરવિંદ કેજરીવાલે કહ્યું કે સીબીઆઈ અરુણ જેટલી વિશેની ફાઈલો શોધવા માટે મારી ઓફિસમાં આવી હતી. મામલો બરાબરનો જામ્યો. આવા વાતાવરણમાં દિલ્હી ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોશિયેશન (ડીડીસીએ)ના ભ્રષ્ટાચાર સામે વર્ષોથી જંગે ચડેલા કીર્તિ આઝાદે પણ મેદાનમાં ઝૂકાવ્યું. બિહારમાં જેમ શત્રુઘ્ન સિંહાએ બીજેપીની હાલત બગાડી એમ દિલ્હીમાં કીર્તિ આઝાદ કેન્દ્ર સરકારને ભારે પડી રહ્યા છે. મજાની વાત એ છે કે શત્રુઘ્ન સિંહા કે કીર્તિ આઝાદ સામે ભારતીય જનતા પક્ષે ક્યારેય કોઈ પગલાં લીધા નથી. ભારતીય રાજકારણમાં આ એક નવી વાત છે. કોંગ્રેસમાં પક્ષની નીતિની કે પક્ષના કોઈ સિનિયર નેતાની ટીકા કરનાર આટલો લાંબો સમય પક્ષમાં ટકી ન શકે.
કીર્તિ આઝાદના કારણે અરુણ જેટલી સામેના આરોપોને જબરજસ્ત મીડિયા કવરેજ મળ્યું છે. બાકી તો કીર્તિ આઝાદ વર્ષોથી આ પ્રકારના આક્ષેપો કરતા રહ્યા છે અને એમનો કોઈ ભાવ પણ નહોતું પૂછતું. એમની પોતાની જ ફરિયાદ હતી કે મીડિયા મારા આક્ષેપોને બહુ ચમકાવતું નથી.
યુપીએના શાસન દરમિયાન થયેલા સેંકડો અને હજારો કરોડ રૂપિયાના આક્ષેપોની સામે અરુણ જેટલી સામે જે આક્ષેપો થયા છે એની વેલ્યુ ચણામમરા જેટલી પણ ન કહેવાય. કહેવાનો મતલબ એ નથી કે અરુણ જેટલીએ નાની ઘાલમેલ કરી હોય તો એ વાજબી છે. જેટલીએ ડીડીસીએ થકી પૈસા બનાવ્યા હોય એ વાત ગળે ઊતરે એવી નથી. હા, એસોશિયેશનના વડા તરીકે પોતાના મિત્રોને થોડીઘણી ફેવરો કરી હોય એ શક્ય છે. આખા મામલામાં મૂળ વાત એ છે કે કેન્દ્ર સરકારે આમ આદમી પાર્ટીને છંછેડી એટલે આમ આદમી પાર્ટીએ વળતો પ્રહાર કર્યો.
હવે આ આમ આદમી પાર્ટી એ એક સમસ્યા છે. જ્યારે દેશવાસીઓ ભ્રષ્ટાચાર અને કૌભાંડોથી કંટાળી ગયા હતા ત્યારે અણ્ણા હજારેની આગેવાની હેઠળના ભ્રષ્ટાચારવિરોધી આંદોલનથી પ્રભાવિત થયા હતા અને એ આંદોલનમાંથી આમ આદમી પાર્ટીનો દેશની સમસ્યાઓના એક ઉકેલ તરીકે જન્મ થયો. હવે આ પાર્ટી એક સમસ્યા બની ગઈ છે.
સમસ્યા એટલા માટે કે આ પાર્ટીની નિયત સાચી છે, પણ સરકાર ચલાવવા માટેનો અથવા પોતાના અસ્તિત્વને ટકાવી રાખીને એને વિસ્તારવાનો માર્ગ નક્કી કરવા બાબતે પાર્ટી ગૂંચવાઈ ગઈ છે. ભયંકર કન્ફ્યુઝન પ્રવર્તે છે આ પક્ષમાં.
આમ આદમી પાર્ટીનો જન્મ થયો ત્યારે દેશનો દરેક બૌદ્ધિક અને સમજદાર માણસ એની તરફેણમાં હતો. દિલ્હીની ચૂંટણીઓમાં પહેલી વાર આપને વિજય મળ્યો એ દેશના જાગ્રત માણસોની અપેક્ષાઓનો વિજય હતો. ત્યાર પછી કેજરીવાલ સહિતના પક્ષના બધા જ નેતાઓ આસમાનમાં ઊડવા લાગ્યા અને આખા દેશમાં વિજયપતાકા લહેરાવવાના સપનાં જોવા લાગ્યા. વર્ષ 2014 લોકસભાની ચૂંટણીઓ જીતવાની લાયમાં એમણે દિલ્હી પણ ખોઈ નાંખ્યું.
ત્યાર પછી અરવિંદ કેજરીવાલે માફી માગી લીધી અને દિલ્હીમાં ફરી આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય થયો. સરકારના વિજય પછી પક્ષના ભાગલા પણ થયા. શાંતિ ભૂષણ, પ્રશાંત ભૂષણ અને યોગેન્દ્ર યાદવ જેવા નેતાઓ પક્ષ છોડી ગયા. પક્ષના નેતાઓમાં થોડી પરિપક્વતા આવી. ખરા અર્થમાં સરકાર ચલાવવાનો પ્રારંભ કર્યો. કેટલાક સારા કામો શરૂ કર્યા, બીજા કેટલાક સારા કામ કરવાની દિશામાં પ્રયાણ કર્યું.
નરેન્દ્ર મોદીનું મોજું દેશમાં પ્રસરેલું હતું છતાં દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પોતાને સત્તાથી દૂર રાખનારો આ પક્ષ બીજેપીને આંખના કણાની જેમ ખૂંચે એ સ્વાભાવિક છે. આથી જ લેફ્ટનન્ટ ગવર્નર નજીબ જંગને હાથો બનાવીને કેન્દ્રની એનડીએ સરકારે દિલ્હી સરકારને હેરાન કરવામાં કંઈ બાકી ન રાખ્યું. છતાં આપના નેતાઓ મક્કમ બનીને એનો સામનો કરતા રહ્યા છે એ હકીકત પ્રસંશાને પાત્ર છે.
આમ આદમી પાર્ટીના નેતાઓ બેશકપણે પ્રામાણિક છે. મને એમાં કોઈ શંકા નથી. તેઓ ભ્રષ્ટાચાર કરે એવી શક્યતાઓ પણ નથી લાગતી. ભ્રષ્ટાચારના એકલ દોકલ કેસ કદાચ છાશવારે બનતા રહે, પણ કોઈ ભ્રષ્ટાચારી પક્ષમાં ટકી નહીં શકે એવી ધરપત તો રાખી જ શકાય એમ છે.
આમ આદમી પાર્ટીની મુખ્ય સમસ્યા એ છે કે પોતાના ભાવિ માટે, પક્ષના સફળ વિસ્તરણ માટે અને લાંબો સમય રાજકારણમાં ટકી રહેવા માટે પક્ષે કોઈ વ્યૂહ નથી અપનાવ્યો. એ વિશે વિચાર કરતું હોય એવું પણ નથી લાગતું. બસ, આક્રમક બનીને તેઓ સરકાર ચલાવ્યે રાખે છે.
આમ આદમી પાર્ટીની પરિકલ્પના એક અણીશુદ્ધ ભ્રષ્ટાચાર વિરોધી પક્ષ તરીકેની છે અને પક્ષના નેતાઓ એવા જ આદર્શવાદ સાથે શાસન કરી રહ્યા છે. હવે સમસ્યા એ છે કે વહેવારુ રાજકારણમાં આવો આદર્શવાદ ચાલી શકે નહીં. રાજકારણ વિષય જ વ્યૂહો અને પ્રતિવ્યૂહોનો છે. બહુ ઊંડી ઊંડી રમતો રમવી પડે. જરૂરી નથી કે તમે ભ્રષ્ટાચાર કરો. જરૂરી નથી કે તમે જનતાનું અહિત કરીને આગળ વધો. રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા માટે દાવપેચ રમવામાં કંઈ ખોટું નથી. આમ આદમી પાર્ટીને આવા વ્યૂહાત્મક અભિગમની જરૂર છે.
મોટા દૂષણ સામે લડવા માટે તમે નાના દૂષણની સાથે કામચલાઉ સમાધાન કરી લો તો રાજકારણમાં તમે ભ્રષ્ટ નથી બની જતાં. ડાબેરી પક્ષોનો શરતી ટેકો લઈને યુપીએ સરકાર ઘણા સારા કામો કરી શકી હતી. ડાબેરીઓને જ્યારે લાગ્યું કે હવે નહીં જામે ત્યારે એમણે ટેકો પાછો ખેંચી લીધો. ચાલે.
આમ આદમી પાર્ટીએ તો અન્ય પક્ષો સાથે જોડાણ કરવાની પણ જરૂર નથી. પોતાના વલણમાં ફક્ત નાનાં મોટા ફેરફાર કરવાની જરૂર છે. જેમ કે અમારા સિવાયના બીજા તમામ પક્ષ ભ્રષ્ટાચારી છે અને અમે બધાની સામે એકસાથે લડીશું એવું વલણ અવહેવારું છે. આજે દિલ્હીમાં કોંગ્રેસ સાવ ખતમ થઈ ગઈ છે. આથી તાકાતવાન કેન્દ્ર સરકાર સામે લડતી વખતે કોંગ્રેસને એમણે સાવ બાજુ પર મૂકી દેવી જોઈએ.
બિહારમાં પક્ષનું વલણ યોગ્ય હતું. દિલ્હીમાં એમને કેન્દ્રની બીજેપી સરકાર નડે છે એટલે બિહારમાં એનડીએની વિરુદ્ધના મહાગઠબંધનને સપોર્ટ કર્યો એ સારી વાત હતી, પરંતુ એ બાબતે ગિલ્ટ અનુભવીને અરવિંદ કેજરીવાલે આખી વાત પર પાણી ફેરવી દીધું. નીતિશ કુમારના શપધવિધિના પ્રસંગે લાલુ પ્રસાદ યાદવ સાથે ભેટ્યા પછી કેજરીવાલે જાણે મોટું પાપ કરી નાંખ્યું હોય એમ એવું નિવેદન કરી નાંખ્યું કે લાલુજી મને પોતાની તરફ ખેંચીને પરાણે ભેટ્યા હતા.
આમ આદમી પાર્ટીમાં ઘણા સારા નેતાઓ છે, પણ કેજરીવાલ એમાં સૌથી નબળા નેતા હોય એવું લાગે છે. સારું છે કે એમણે મોટા ભાગની જવાબદારીઓ મનિષ સિસોદિયાને સોંપી દીધી છે. કેજરીવાલમાં હજુ રાજકીય પરિપક્વતા આવી હોય એવું પણ નથી લાગતું. બોલવાનું ભાન નથી. છતાં દિલ્હીની સરકાર અસરકારક ચાલી શકે એમ છે. પાંચ વર્ષ પૂરાં કરીને કદાચ લોકો સમક્ષ કહી શકશે કે ભલે અમે આપેલા બધા વચનો પૂરાં નથી થયા, પણ અમે આટલા કામો કર્યા છે.
મુખ્ય પ્રશ્ન રાજકીય અસ્તિત્વના ભવિષ્યનો છે અને એ માટે પક્ષે લાંબા ગાળાના વ્યૂહ અપનાવવા પડશે. જરૂર વિના આક્રમક બનવાનું પણ છોડવું પડશે. ચૂપચાપ શાસન કરો અને પક્ષની વગ વિસ્તારો. જ્યાં સુધી આ પક્ષના નેતાઓ ભ્રષ્ટાચાર નહીં કરે ત્યાં સુધી એમનો વાળ પણ વાંકો નહીં થાય. પ્રજા એમની સાથે જ રહેશે. આમ આદમી પાર્ટીની પરિકલ્પના પર ફક્ત આપના નેતાઓનો જ હક નથી. દેશના કરોડો જાગ્રત નાગરિકોએ એ સપનું જોયું છે. એ સપનું તૂટે નહીં એની તકેદારી કેજરીવાલ અને એમના સાથીઓએ રાખવાની છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર