કેજરીવાલ કા ક્યા કસૂર
દિલ્હી મ્યુનિસિપલ ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી (આપ)નો પરાજય થયો એ આમ તો પ્રમાણમાં નાની ઘટના કહેવાય, છતાં રાષ્ટ્રીય સ્તરે એની જે રીતે ચર્ચા થઇ રહી છે એના પરથી લાગે છે કે દેશમાં એક મોટું રાજકીય પરિવર્તન આવી ગયું છે. ભારતીય જનતા પક્ષ અને સરકાર તરફી નાગરિકો એક ઊંડી રાહતનો દમ ભરીને વિચારી રહ્યા છે કે હાશ, એક દુષ્ટ પક્ષનું પતન થવાની શરૂઆત થઈ ગઈ. અલબત્ત, આમ આદમી પાર્ટીએ છેલ્લા કેટલાક સમયમાં ઘણી ભૂલો કરી છે અને એમસીડીની હાર પછી આત્મખોજનો પ્રયાસ પણ કર્યો છે. હવે અહીંથી આ પક્ષ કોઇ સુધારા તરફ આગળ વધે છે કે પછી પોતાના પતનને આમંત્રણ આપે છે એ તો સમય કહેશે, પરંતુ સત્તા પ્રાપ્ત કર્યા પછીની આ પક્ષની જર્ની એકદમ રોચક અને વિચારપ્રેરક રહી છે. આ પક્ષની વિશેષતા એ રહી છે કે એને ચાહનારા અને નફરત કરનારા બહુ જ ઉત્કટ રહ્યા છે. ખાસ તો આપને નફરત કરનારા લોકો આ પક્ષને એટલો બધો દુષ્ટ માને છે, એના વડા અરવિંદ કેજરીવાલને એટલા હીન માને છે કે એમનાથી ખરાબ પક્ષ કે વ્યક્તિ દેશમાં કોઇ હોય જ નહીં. સોશિયલ મીડિયા પર અરવિંદ કેજરીવાલની જેટલી મજાક થાય છે એટલી ભાગ્યે જ બીજા કોઇ નેતાની થતી હશે. એમને ગાળો આપવામાં તો સરકારી સમર્થકોમાં જાણે સ્પર્ધા થતી હોય એવું લાગે. આપ તથા એના નેતાઓ માટેના આવા ધિક્કાર પાછળનું કારણ શું હોઇ શકે?
એવું નથી કે આમ આદમી પાર્ટીએ દેશને વેચી મારવા જેવું કોઇ અધમ કૃત્ય કર્યું હોય. એવું પણ નથી કે એના નેતાઓ સરકારની તિજોરી લૂંટીને રાતોરાત ધનવાન બની ગયા હોય. આ પક્ષે દેશને નુકસાન પહોંચાડ્યું હોય એવી કોઇ જ દેખીતી ઘટના નથી બની. છતાં આમ આદમી પાર્ટી અને કેજરીવાલ જાણે દેશના સૌથી મોટા વિલનો હોય એવી હવા ઊભી કરવામાં આવી છે. શા માટે આવું બન્યું છે? આની પાછળના કેટલાક કારણો દેખીતા છે તો કેટલાક ગહન અને ગૂંચવણભર્યા છે.
ઐતિહાસિક તવારીખની દૃષ્ટિએ જોઇએ તો આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પક્ષનો ઉદય લગભગ એકસાથે જ થયો એમ કહી શકાય. કોંગ્રેસના ભ્રષ્ટ શાસન સામે અન્ના હઝારેની આગેવાની હેઠળ ચાલેલા રાષ્ટ્રવ્યાપી આંદોલનમાં સત્તા પરિવર્તનનો તખ્તો ગોઠવાઇ ગયો હતો. રાષ્ટ્રીય સ્તરે પાયો ધરાવતા ભાજપે 2014ની લોકસભાની ચૂંટણીઓમાં ભવ્ય વિજય મેળવ્યો અને એના પછીના વર્ષે આમ આદમી પાર્ટીએ દિલ્હી વિધાનસભામાં અભૂતપૂર્વ વિજય મેળવ્યો. અચાનક રાજકીય પરિમાણો બદલાઇ ગયા. રાજકીય સ્પર્ધામાં કોંગ્રેસ જાણે નામશેષ બની ગઇ અને ભાજપ તથા આપ વચ્ચે સીધી સ્પર્ધા ઊભી થઇ. અલબત્ત, ભાજપની સરખામણીમાં આપ પાસે રાષ્ટ્રીય સ્તરનું કોઇ નેટવર્ક નહોતું, છતાં બીજી અનેક રીતે આ બે પક્ષ વચ્ચે સ્પર્ધા શરૂ થઇ. આની પાછળનું એક કારણ એ હતું કે લોકસભાની ચૂંટણીમાં આપના વડા અરવિંદ કેજરીવાલે બનારસની બેઠકમાં ભાજપના વડા પ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડવાની હિંમત કરી હતી. ત્યાર પછી 2015મા દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસનો તો સાવ સફાયો થઇ ગયો એના કરતાં પણ મોટી ઘટના એ બની કે નરેન્દ્ર મોદીની લહેર હોવા છતાં ભાજપને દિલ્હીમાં કારમી હાર મળી. આ રીતે આપને ભાજપના એક સક્ષમ અને હરીફ તરીકે સ્વીકારવી પડે એવી સ્થિતિ ઊભી થઇ. એ સમયે આપના ભાવિ વિશે જાતજાતના તર્ક થઇ રહ્યા હતા અને ભાજપ માટે આપ ખરેખર એક પડકાર બની શકે એવી વાતો થઇ રહી હતી.
એક તરફ ભાજપ કોંગ્રેસમુક્ત ભારતનું સપનું જોઇને એને ખતમ કરવાની દરેક કોશિશ કરી રહ્યો હતો અને બીજી તરફ આપની વગ વધ રહી હતી. એક તરફ આપ પક્ષ ભાજપને આંખના કણાંની જેમ ખૂંચી રહ્યો હતો અને બીજી તરફ એ કોંગ્રેસના ભોગે સત્તા પર આવ્યો હતો એટલે કોંગ્રેસને પણ આપ પર ચીડ હતી. એ સમયે જોકે કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ પરોક્ષ રીતે આપ પક્ષના વખાણ કર્યા હતા. મહત્ત્વની વાત એ છે કે આપ પક્ષ ભ્રષ્ટાચારનો મુદ્દો આગળ કરીને સ્વચ્છ રાજકારણના નામે સત્તા પર આવ્યો હતો એટલે એણે કોંગ્રેસ અને ભાજપ બંને પર સંયુક્ત આક્રમણ કરવાનું ચાલું રાખ્યું. આપ પક્ષ સતત એવો દાવો કરતો રહ્યો કે કોંગ્રેસ અને ભાજપ બંને ભ્રષ્ટ છે. એક નાનો પક્ષ આવી મોટી જૂર્રત કરે તો એનું પરિણામ ભોગવવું જ પડે. કોંગ્રેસની તો વિશ્વસનિયતા રહી નહોતી, છતાં એણે પોતાની રીતે આપ પક્ષની ટીકા શરૂ કરી, પરંતુ ભાજપ તો ફૂલ ફોર્મમાં આવેલો સત્તા પક્ષ હતો. બસ, આ સમયે આપ પક્ષની કરમકથની શરૂ થઇ.
આમ આદમી પક્ષે પોતાની સરકાર બનાવી અને લોકોને આપેલા વચનો પૂરા કરવા માટે કામનો આરંભ કર્યો કે તરત કેન્દ્રમાં સત્તા ભોગવતા ભારતીય જનતા પક્ષે એના પર સર્વાંગી આક્રમણ શરૂ કર્યું. ડગલે ને પગલે આપ પક્ષને હેરાન કરવામાં આવ્યો. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર નજીબ જંગ તથા એ સમયના દિલ્હીના પોલીસ વડા બસ્સીએ કેન્દ્ર સરકારના કહેવાથી આપ સરકારને હેરાન કરવામાં કોઇ કસર ન છોડી. દરેકે દરેક નિયમો તોડવામાં આવ્યા, બંધારણીય કલમોના મનફાવે એવા અર્થો કાઢીને આપ સરકારને ભીંસમાં લેવાના પ્રયાસો કરવામાં આવ્યા. એટલે સુધી કે છેવટે નજીબ જંગ કંટાળીને ભાગી ગયા. અલબત્ત, એમણે પોતાની જબાન ખોલી નથી, પરંતુ જ્યારે તેઓ આ વિશે બોલશે ત્યારે ઘણી ચોંકાવનારી વાતો બહાર આવશે.
કહેવાનો મતલબ એ નથી કે આપ પક્ષ અને એની સરકાર એકદમ આદર્શ રીતે ચાલી રહી હતી અને એના નેતાઓનું વર્તન શ્રેષ્ઠ હતું. આ પક્ષ તરફથી પણ ઘણી ભૂલો થઇ હતી. પક્ષમાં ઘુસી ગયેલા લેભાગુ તત્ત્વોના કારનામા બહાર આવ્યા. બોગસ ડિગ્રી ધરાવતા જીતેન્દ્ર સિંહ તોમરને કારણે પક્ષની બદનામી થઇ. અલબત્ત, શરૂઆતમાં એનો બચાવ કરીને પછી પક્ષે એમને પડતા મૂક્યા હતા. એ જ રીતે સોમનાથ ભારતીના જાહેર વર્તનને કારણે એમની ટીકા થઇ. બીજી તરફ અરવિંદ કેજરીવાલ પોતે પણ ક્યારેક એલફેલ બોલતા રહ્યા. અરુણ જેટલી સામેના આક્ષેપોને પગલે બદનક્ષીનો કેસ ચાલ્યો, જે માટે પક્ષે ભારે ફી ચુકવવી પડી. યોગેન્દ્ર યાદવ અને પ્રશાંત ભુષણ જેવા સિનિયર નેતાઓને પક્ષ સાચવી ન શક્યો. બે વર્ષને અંતે સરકારની ઉપલબ્ધીઓ વિશે પ્રચાર કરવા માટે કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા, જેની આકરી ટીકા થઇ. ત્યાર પછી ગોવા તથા પંજાબ વિધાનસભાની ચૂંટણીઓમાં પરાજય થયો. પક્ષે ઇવીએમ ગડબડના આક્ષેપ કર્યા અને છેવટે એમસીડીની ચૂંટણીમાં પરાજય થયો.
ખરેખર જોઇએ તો આપ પક્ષે ખોટું ઘણું કર્યું છે અને ભૂલો પણ ઘણી કરી છે, પરંતું એમાંનું કશું જ એવું નહોતું, જે એને દેશની વિલન નંબર વન રાજકીય પાર્ટી બનાવી દે અને એના નેતાને વિલન નંબર વન બનાવી દે. આપ પક્ષની દરેક ભૂલની સરખામણી જો દેશના અન્ય રાજકીય પક્ષો સાથે કરવામાં આવે તો આ ભૂલો નગણ્ય લાગે. આમ છતાં આપ પક્ષની ભૂલોને બિલોરી કાચથી જોવામાં આવતી હોય એવું લાગે. જેમ કે દરેક રાજ્યની સરકાર પોતાની ઇમેજ ઉજળી કરવા માટે પૈસા ખર્ચતી હોય છે, પરંતુ આપ પક્ષે આ માટે ખર્ચ કર્યો તો એની આકરી ટીકા થઇ.
બીજી તરફ આપ પક્ષે પોતાની ઉપલબ્ધીનો પ્રચાર કરવો પડે એમ હતું, કારણ કે સત્તા પર આવ્યા પછી દિલ્હીમાં સારું કામ થયું હોવા છતાં એની કદર થઇ રહી નહોતી. દિલ્હીમાં રહેતા સૌકોઇ જાણે છે કે આપની સરકાર આવ્યા પછી વીજળી સસ્તી બની છે. અન્ય રાજ્યોના નેતાઓ પણ આવી માંગણી કરી રહ્યા છે એ જ એની સફળતાનો પુરાવો છે. આ ઉપરાંત ઓછા વેરા સાથે વધુ પાણી ઉપલબ્ધ થયું છે. શિક્ષણ, આરોગ્ય અને મહિલા કલ્યાણ ક્ષેત્રે પણ સારું એવું કામ થયું છે, છતાં એની ખાસ કદર ન થઇ હોય એવું લાગે છે. પ્રદૂષણ બાબતે આપ સરકારે જનતાનો રોષ વેઠવાનું જોખમ લઇને પણ એકીબેકીનો પ્રયોગ કર્યો. આપની સૌથી મોટી પ્રસંશાલાયક વાત તો એ છે કે પક્ષના કોઇ નેતા ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા નથી. જે નાની મોટી ઘટનાઓ બની એમાં કલંકિત નેતાઓને પક્ષમાંથી તગેડી મૂકવામાં આવ્યા છે. આ રીતે આપ પક્ષની સરકારે અનેક ક્ષેત્રે શક્ય એટલું સારું કામ કરવાની કોશિશ કરી જ છે, છતાં કોઇક કારણસર આ પક્ષ પોતાની ઇમેજ ઉજળી બનાવી નથી શક્યો. અરવિંદ કેજરીવાલનું જાહેર વ્યક્તિત્વ એક જોકર કે કેરીકેચર જેવું બની ગયું છે. એમસીડી ચૂંટણીની હાર પછી તો આ પક્ષના ભાવિ વિશે પણ પ્રશ્નો ઊભા થઇ રહ્યા છે. શું આ પક્ષ ધીમે ધીમે ખતમ થઇ જશે? શું લોકો આપ દ્વારા શરૂ કરવામાં આવેલી એક ઐતિહાસિક પહેલને ભૂલી જશે?
આમ આદમી પાર્ટી એ કોઇ વિશિષ્ટ વિચારસરણી કે વ્યક્તિસમૂહ દ્વારા બનેલો રાજકીય પક્ષ નહોતો. દેશમાં પ્રવર્તતા ભ્રષ્ટ અને અક્ષમ રાજકારણના એક વિકલ્પ તરીકે એ અસ્તિત્વમાં આવ્યો હતો. વૈકલ્પીક રાજકારણની દિશામાં થયેલી એક મોટી પહેલ હતી. જો આ પક્ષ નામશેષ થઇ જશે તો દેશની પ્રજા એક ઐતિહાસિક તક ગુમાવશે. સ્થાપિત હીતોનું રક્ષણ કરતી સરકારો સામેનો એક અવાજ હંમેશાં માટે ગૂંગળાઇ જશે અને આખરે તો એમાં નુકસાન પ્રજાને જ થશે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર