સૈરાટઃ સાચું વિચારવામાં પ્રોબ્લેમ શું?

06 Jun, 2016
12:05 AM

નિખિલ મહેતા

PC:

મહારાષ્ટ્ર અને ગુજરાત બે પાડોશી રાજ્યો છે એ વાતનો અહેસાસ મુંબઇમાં રહેતા લોકોને તો દરરોજ થાય છે, પરંતુ ગુજરાતમાં રહેતા લોકોને તો 'નટસમ્રાટ' કે 'સૈરાટ' જેવી ફિલ્મો આવે ત્યારે અને એકનાથ ખડસે જેવા રાજકારણી અને દાઉદ ઇબ્રાહિમના કનેક્શનની વાતો બહાર આવે ત્યારે જ થાય છે. એક તરફ ગુજરાતી ફિલ્મોમાં આવેલા જુવાળની વાતો ચાલી રહી હતી ત્યાં અચાનક મરાઠી ફિલ્મ 'સૈરાટ'ની અભૂતપૂર્વ સફળતાએ વાતને વધુ ઇન્ટરેસ્ટિંગ બનાવી દીધી. દરેકના મોઢામાં 'સૈરાટ' છે. શું છે ખરેખર આ 'સૈરાટ' ફિલ્મ અને શા માટે એને આવી અભૂતપૂર્વ સફળતા મળી છે?

સૌથી પહેલી વાત એ જાણી લઇએ કે સૈરાટ બાબતે ત્રણ મુદ્દે કૂદાકૂદ થઇ રહી છે. એક, આ એક ઉત્કૃષ્ટ ગુણવત્તાવાળી કળાત્મક ફિલ્મ છે. બે, આ ફિલ્મ આજના સમાજમાં પ્રવર્તતી સામાજિક અસમાનતા પરની એક લપડાક છે. અને ત્રણ, આ એક સફળ ફિલ્મ છે, જેણે કરોડો રૂપિયાની કમાણી કરી છે.

પહેલાં અને ત્રીજા મુદ્દાને એકબીજા સાથે સીધો સંબંધ છે. ફિલ્મની ગુણવત્તામાં ઉત્કૃષ્ટ હોય તો જ એ કમર્શિયલી સફળ થઇ શકે. બીજો મુદ્દો જરા વિવાદસ્પદ છે અને એની વાત પછી. સૌથી પહેલા ફિલ્મની સફળતા વિશે વાત કરીએ.

કોઇ પણ ફિલ્મને જ્યારે અભૂતપૂર્વ સફળતા મળે તો એનું મુખ્ય કારણ રિપીટ  ઓડિયન્સ હોય છે. દર્શક એકથી વધુ વાર ફિલ્મ જોવા જાય ત્યારે કોઇ ફિલ્મ સુપરહિટ બને છે. ફિલ્મની સફળતાનો આથી વધુ સારો માપદંડ હજુ સુધી શોધાયો નથી. સૈરાટને જો આટલી મોટી સફળતા મળી છે તો એની પાછળનું કારણ એ છે કે લોકોએ એને એકથી વધુ વાર જોવાનું પસંદ કર્યું છે. લોકોને આખી ફિલ્મ અથવા ફિલ્મના અમુક અંશો એટલા બધા ગમ્યા છે કે તેઓ વારંવાર એ જોવા જાય છે.

હવે મૂળ પ્રશ્ન એ છે કે શા માટે લોકોએ આ ફિલ્મને વારંવાર જોવાનું પસંદ કર્યું? ફિલ્મી પંડિતો સફળતાની ફોર્મ્યુલા શોધી શોધીને થાકી ગયા છતાં એમને સફળતા માટેનું કોઇ એક કારણ જડ્યું નથી. કારણ સિમ્પલ છે કે ફિલ્મની સફળતા માટે કોઇ એક કારણ જવાબદાર હોતું નથી. અનેક તગડાં કારણો આકસ્મિકપણે ભેગા થઇ જાય ત્યારે અચાનક એક સુપર મિક્સ તૈયાર થઇ જાય છે અને ફિલ્મ સુપરહિટ થઇ જાય છે. લેખક, નિર્માતા, દિગ્દર્શક કે કલાકારો ફિલ્મની સફળતા માટેની ઇચ્છા જરૂર રાખતા હોય છે, પરંતુ એમને સફળતાની ખાતરી ક્યારેય નથી હોતી. મનમોહન દેસાઇ અને પ્રકાશ મેહરા જેવા દંતકથા સમાન ફિલ્મકારો કદાચ આ વાત સમજતા હતા એટલે તેઓ પોતાની ફિલ્મમાં વિવિધ મસાલા ઠાંસી ઠાંસીને ભરતા હતા, એવી આશાએ કે એમાંના અમુક મસાલા ક્લિક થઇ જશે અને ફિલ્મ હિટ થઇ જશે. આથી જ એમની ફિલ્મોમાં ઇમોશન, એક્શન, કોમેડી, મ્યુઝિક, માનવીય મૂલ્યો વગેરેનો મસાલો ભરપૂર રહેતો. આ મસાલાને તમે સન્માન આપવા માગતા હો તો સિમ્પલી એક ઘટક પણ કહી શકો.

પ્રોબ્લેમ એ થયો કે થોડા સમયમાં મસાલાની આ ફોર્મ્યુલા જાહેર થઇ ગઇ અને બી ગ્રેડના નિર્માતા દિગ્દર્શકો પણ આવી મસલાવાળી ફિલ્મો બનાવવા લાગ્યા. આ રીતે બનેલી મોટા ભાગની મસાલા ફિલ્મો પિટાઇ ગઇ અને નિર્માતાના પૈસા ડૂબી ગયા. શો ફર્ક હતો મસાલા-મસાલા વચ્ચે? તુમ્હારા મસાલા મસાલા ઔર હમારા મસાલા કચરા? ઐસા ક્યું?

ફર્ક પડે છે ઓથેન્ટિસિટીથી. ફિલ્મના જે મૂળભૂત પાસાં છે, જે ઘટકો છે એની ઓથોન્ટિસિટી એને સફળ કે નિષ્ફળ બનાવે છે. સૈરાટ ફિલ્મમાં શું છે? એકદમ ઓથેન્ટિક પાત્રો. સર્વગુણ સંપન્ન દલિત હીરો અને સર્વગુણ સંપન્ન અમીર સવર્ણ હીરોઇન. બંનેમાં ભરપૂર ગુણ છે, છતાં બંનેના વ્યક્તિત્વ વાસ્તવિક સ્વરૂપના છે. બંને દર્શકને ગમી જાય એવા પાત્રો છે, મનમાં વસી જાય એવા ટીનએજર્સ છે.

બીજી ઓથેન્ટિસિટી છે માહોલની. મહારાષ્ટ્રના એક નાના ગામડામાં આજની જે સ્થિતિ એની પશ્ચાદભૂમિ છે. કંઇક બદલાયું છે, છતાં ઘણું બધુ નથી બદલાયુ એવી આજની દુનિયા બતાવવામાં આવી છે આ ફિલ્મમાં. નાના ગામમાં બની શકે એવી નાની નાની ઘટનાઓ છે. બધુ જ એકદમ ઓથેન્ટિક છે. બધુ જ માની શકાય અને સમજી શકાય એવું છે. વધારામાં સ્થાનિક બોલીની ઓથેન્ટિસિટી છે. ક્યાંય કશું બનાવટી કે કૃત્રિમ નથી લાગતું.

આ ઉપરાંત ટોપ લેવલનું કેમેરાવર્ક, એડિટિંગ, સંગીત, સહજ અભિનય બધુ જ એકસાથે ભેગું થઇ ગયું છે. વાર્તાતત્ત્વ ગૌણ છે, છતાં વાર્તાને છેવટ સુધી રસપ્રદ રાખવાની ટેકનિક સફળતાપૂર્વક અજમાવવામાં આવી છે. બીજું શું જોઇએ?

સૈરાટ એક સુપરહિટ લવ સ્ટોરી છે. ‘બોબી’, ‘લૈલા મજનુ’, ‘એક દુજે કે લિયે’, ‘કયામત સે કયામત તક’ વગેરે જેવી ફિલ્મોથી આ ફિલ્મ ખાસ અલગ નથી. મનમાં વસી જાય એવા પ્રેમી-પ્રેમીકાઓના પાત્રોનું પ્રામાણિક તથા વાસ્તવિક નિરૂપણ અને એમના પ્રેમમાં બાધારૂપ બનતા તાકાતવાન સામાજિક, આર્થિક કે કૂદરતી પરિબળોની મોજૂદગી. દરેક સુપરહિટ લવ સ્ટોરીઝમાં આ બે વાતો ઊડીને આંખે વળગે એવી હતી, સૈરાટમા પણ આ જ છે. એટલે એવું કહી શકાય કે એક સુપરહિટ ફિલ્મ માટે જરૂરી એવા અનેક ઘટક તત્ત્વો એકસાથે થઇ ગયા છે સૈરાટમાં.

હવે મહત્ત્વની વાત. આ ફિલ્મના દિગ્દર્શક નાગરાજ મંજૂળે એક પ્રતિભાશાળી અને સંવેદનશીલ વ્યક્તિ છે. અગાઉ તેઓ ‘ફેન્ડ્રી’ નામની ફિલ્મ બનાવી ચૂક્યા છે, જેને નેશનલ એવોર્ડ મળ્યો હતો. સ્વાભાવિક છે કે એમની આ ફિલ્મને પણ અલગ દૃષ્ટિએ જોવાનો પ્રયાસ થાય. ફિલ્મમાં દલિત હીરો છે અને એ સવર્ણ પરિવારની છોકરી સાથે પ્રેમમાં પડે છે એટલે તકલીફ તો થવાની. ગરીબ છોકરો અમીર છોકરીના પ્રેમમાં પડે ત્યારે પણ આવી જ તકલીફ થાય. ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ જાતિવાદ પ્રવર્તે છે અને ક્યાંક એ ઑનર કિલિંગની હદે વકરતો હોય છે. આમ છતાં આ વાતોનું ફિલ્મમાં કેટલું મહત્ત્વ છે એ એક ચર્ચાનો વિષય છે. કેટલાક લોકો તો આખી ફિલ્મને દલિતોના શોષણને વાચા આપતી ફિલ્મ ગણવાની લાલચ રોકી શકતા નથી. તેઓ માને છે કે ફિલ્મની વાર્તા તથા ફિલ્મના અન્ય પાસાં તો સપોર્ટિંગ રોલમાં છે. ફિલ્મનો મુખ્ય સૂર દલિતોના શોષણની વ્યથાનો છે. અલબત્ત, મહારાષ્ટ્રના નાનાં ગામમાં પ્રવર્તતા જાતિવાદને બહુ જ અસરકારક રીતે ફિલ્મમાં દર્શાવવામાં આવ્યો છે એટલે એવું માનવાની નાદાની ઘણા કરી શકે, છતાં એકંદરે, ફિલ્મની ટોટાલિટીમાં આ પાસું સૌથી મોખરે હોય એવું નથી લાગતું. આ ફિલ્મ દ્વારા નાગરાજ મંજૂળે દલિત સમસ્યાને લગતું કોઇ સ્ટેટમેન્ટ કરવા માગતા હોય એવું પણ નથી લાગતું. નાગરાજ મંજૂળેએ જો આ ફિલ્મ દ્વારા અન્યાય સામે લડવાની વાતને સૌથી ઉપર રાખી હોત તો ફિલ્મની સફળતાનો લાભ લઇને દલિત કોઝ માટે કંઇક બોલ્યા હોત. એના પર ચર્ચાઓ જાગી હોત. પરંતુ મંજૂળેએ તો રવિશ કુમારને એક ટીવી ઇન્ટરવ્યુમાં એમ કહ્યું કે જાતિવાદ સામેની લડત બાબતે હું કન્ફ્યુઝ્ડ છું. ક્યારેક આપણે જાતિવાદ સામે લડતાં લડતાં જાતિ સામે લડવા માંડીએ છીએ. રામ રામ.

જ્યારે કોઇ ફિલ્મ સમસ્યા કે મુદ્દા પર આધારિત હોય ત્યારે એની રજૂઆતમાં ફરક હોય છે. મને તો પરોક્ષ રીતે હળવા હળવા સંદેશા આપતી કળાકૃતિઓ વધુ પસંદ જ નથી આવતી. આથી જ ફિલ્મમેકર ક્યારેક આવા આશયથી ફિલ્મ બનાવવાના બહાને ચીટિંગ કરી નાંખે છે. આમ પણ ફિલ્મનો મુખ્ય ભાર શેના પર છે એ ઘણી વાર કળી શકાતું નથી અથવા તો એ વાત આડે પાટે ચડી જતી  હોય છે. ઉત્કટ લવ સ્ટોરીમાં મોટે ભાગે ક્લાસ સ્ટ્રગલના અથવા ક્લાસ સ્ટ્રગલના બેકગ્રાઉન્ડનો સહારો લેવામાં આવે છે. આમ છતાં ફિલ્મમાં વર્ગભેદ કે જાતિભેદ એ ફક્ત બેકગ્રાઉન્ડમાં છે કે ફિલ્મનો મુખ્ય સૂર છે એ નક્કી કરવાનું જરૂરી હોય છે. આમાં ઘણી વાર મિક્સઅપ થઇ જતું હોય છે. ફિલ્મ ટાઇટેનિક એક ડિઝાસ્ટર જોનરની ફિલ્મ હતી. આમ છતાં એના બેકગ્રાઉન્ડમાં એક લવ સ્ટોરી રાખવામાં આવી હતી. ડિ કેપ્રિયો અને કેટ વિન્સલેટની લવ સ્ટોરીમાં ક્લાસ સ્ટ્રગલનું તત્ત્વ પણ હતું. એમાં પણ પ્રેમી-પ્રેમીકાનું મિલન નથી થઇ શકતું. આમ છતાં ફિલ્મનો મુખ્ય ભાર ટાઇટેનિક ડૂબવાને કારણે સર્જાયેલી કરુણાંતિકાનું વર્ણન કરવા પર હતો. આથી જ ટાઇટેનિક એક લવ સ્ટોરી તરીકે વિખ્યાત નથી બની. 'એક દુજે કે લિયે' માં જાતિવાદ અને વર્ગભેદની સાથોસાથ પ્રાદેશિકવાદ હતો. પરંતુ એ ફક્ત વાસ્તવિક રીતે નિરૂપાયેલું બેકગ્રાઉન્ડ માત્ર હતું. ફિલ્મનું હાર્દ એની ઇન્ટેન્સ લવ સ્ટોરીની ઇન્ટેન્સિટીમાં હતું. ચેતન ભગતની નોવેલ પરથી બનેલી ફિલ્મ 'કાઇપો છે' માં મૂળ તો ત્રણ દોસ્તોના લાગણીભર્યા સંબંધોના તાણાંવાણાની વાર્તા હતી, પરંતુ બેકગ્રાઉન્ડમાં ગોધરાકાંડ પછીના ગુજરાતનું વર્ણન છે. કોમવાદનું આ પાસું ફિલ્મમાં એટલું વજનદાર બની ગયું કે નોવેલનો મુખ્ય હીરો ફિલ્મમાં સાઇડ હીરો બની ગયો અને સમગ્ર ફિલ્મમાં હિન્દુ મુસ્લીમ એકતાનો સૂર વધુ મહત્ત્વનો બની ગયો.

જ્યારે દિગ્દર્શક પોતાના મુખ્ય ઉદેશ્ય કે મેસેજ બાબતે સ્પષ્ટ ન હોય ત્યારે આવી ગેરસમજણ ઊભી થતી હોય છે. સૈરાટમાં દિગ્દર્શકનો મેસેજ સ્પષ્ટપણે ક્યાં નથી દેખાતો. એવું નથી કે આવો મેસેજ કમર્શિયલ ફિલ્મના માધ્યમ દ્વારા આપવાનું અશક્ય હોય છે. ફિલ્મનો કોઇ ઉદેશ હોય, એમાં જો કોઇ મેસેજ હોય તો એ પ્રત્યક્ષ હોવો જોઇએ. એની રજૂઆત અસરકારક હોવી જોઇએ. અને હા, સમસ્યાના ઉકેલનો જરા સરખો નિર્દેશ પણ એમાં હોવો જોઇએ. જે. પી. દત્તાની ફિલ્મ 'ગુલામી' ક્લાસ સ્ટ્રગલ વિશે બનેલી કદાચ શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ હતી. કોઇ જ શબ્દો ચોર્યા વિના જાતિવાદ અને વર્ગભેદ પર સીધા પ્રહાર કરવામાં આવ્યા છે એ ફિલ્મમાં. છતાં એ એક સુપરહિટ ફિલ્મ હતી.

સૈરાટમાં આવા કોઇ સ્પષ્ટ મેસેજ દેખાતા નથી. જે કંઇ છે એ એક લવ સ્ટોરીના સપોર્ટમાં દર્શાવાયું છે. સૈરાટની સફળતાનું મૂળ અસરકારક રીતે રજૂ  કરવામાં આવેલી એક ઉત્કટ પ્રેમ કથામાં છે, લવ સ્ટોરીમાં છે. બાકી બધુ બેકગ્રાઉન્ડમાં છે.

એક વાત યાદ રહે કે જ્યારે પણ કોઇ ઉત્કૃષ્ઠ કૃતિ કમર્શિયલી સફળ બને ત્યારે કાળક્રમે બાકીનું બધુ અદૃશ્ય થવા માંડે છે અને રહી જાય છે ફક્ત કમર્શિયલ તત્ત્વ. આર્થિક વાસ્તવિકતાનો આ એક સામાજિક ક્રમ છે, જેને ખાળવાનું એક વ્યક્તિ માટે મુશ્કેલ હોય છે. નાગરાજ મંજૂળે ટૂંક સમયમાં બોલિવૂડની કોઇ મોટા બજેટની, મોટી સ્ટારકાસ્ટવાળી ફિલ્મ બનાવવાની જાહેરાત કરે તો આઘાત ન પામતા.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.