પ્રિયા પ્રકાશના વીડિયોની સફળતાનું રહસ્ય શું છે?
ગયુ આખું અઠવાડિયું પ્રિયા પ્રકાશનું હતું. કેરળની આ છોકરીએ આખા દેશને ગાંડો કર્યો. વાત કંઈ બહુ મોટી નહોતી. એની આગામી ફિલ્મનો એક સીન સોશિયલ મીડિયામાં વહેતો થયો અને જોતજોતામાં એટલો લોકપ્રિય બની ગયો કે જ્યાં જુઓ ત્યાં બસ, એ જ વીડિયો દેખાય. જેને વીડિયો વાયરલ કહેવાય છે એ ઘટના બની ગઈ.
વાત એકદમ જેન્યુઈન હતી. આમાં કોઈ જબરજસ્તી નહોતી, કોઈએ માર્કેટિંગ કરીને એને પ્રમોટ નહોતી કરી. કોઈએ એવી ભીખ નહોતી માંગી કે આ વીડિયોને શેર કરો અને એને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો. ફેસબૂક જેવી સોશિયલ સાઈટ પર તો એવી હાલત થઈ કે અમુક કલાકો સુધી ત્યાં પ્રિયા પ્રકાશ સિવાયનું બીજું કંઈ દેખાતું જ નહોતું. લોકપ્રિયતા એકદમ સ્પોન્ટેનિયસ હતી, સ્યંસ્ફૂરીત હતી. સૌએ એક અવાજે એને વખાણી એટલું જ નહીં, એન્જોય કરી, માણી. એના વિશે તરહ તરહની કમેન્ટ કરી. વીડિયોની લોકપ્રિયતા બાબતે કોઈ જ શક નથી.
વીડિયોનું વાયરલ થવું એ આજના ઈન્ટરનેટ મિડિયમની એક મોટી સચ્ચાઈ છે. વિશ્વભરમાં અનેક પ્રોફેશનલો પોતાની વીડિયો વાયરલ કરવા માટે સતત પ્રયાસો કરતા રહે છે. આનું એક મોટું કારણ એ કે વીડિયો વાયરલ થાય તો એનું પૈસામાં રૂપાંતર થઈ શકે છે. પહેલા આ વાત ઓછા લોકો જાણતા હતા, પરંતુ હવે ઘેર ઘેર વાત પહોંચી ગઈ છે અને દરેક યંગસ્ટર પોતાની વીડિયો વાયરલ થઈ જાય એવું સપનું જોવે છે. એક વીડિયો વાયરલ થાય અને એના પર આખી કરિયર ખડી જાય એવું પણ બને.
પ્રિયા પ્રકાશની વાત કરીએ તો એના પ્રોડ્યુસરોએ આ વીડિયો ખાસ કંઈ ઈન્ટરનેટ પર એને વાયરલ કરવા નથી બનાવી. આ વીડિયો એક ફિલ્મનો અંશ છે અને એક અંશ તરીકે જ સોશિયલ મીડિયામાં એ પ્રસિદ્ધ કરવામાં આવી છે. ફ્લુકમાં આ વીડિયો અનહદ સફળ થઈ ગઈ એ વાત અલગ છે. મૂળ પ્રશ્ન વિચારીએ તો એવું શું છે આ વીડિયોમાં કે યુવાનો અને મોટી ઉંમરના પુરુષો એની પાછળ આટલા ઘેલા થઈ ગયા. પુરુષોમાં કદાચ આ બાબતે એકમત હશે, પરંતુ સ્ત્રીઓને ખરેખર નવાઈ લાગતી હશે કે આ છોકરીમાં કે વીડિયોમાં એવું શું છે કે પુરુષો એની પાછળ આવા ગાંડા થઈ ગયા. વેલ, પ્રશ્ન બહુ મુદ્દાનો છે. એવું શું છે આ વીડિયોમાં ખાસ? આપણે એક પછી એક પાસાં વિશે વિચાર કરીએ.
સુંદરતા:
વીડિયોની હીરોઈને પ્રિયા પ્રકાશ માંડ અઢાર વર્ષની છે અને એનો ચહેરો ઘણો જ સુંદર છે. આમ છતાં પ્રિયા કંઈ એવી સુંદર નથી કે જેની કોઈએ અગાઉ કલ્પના ન કરી હોય. એના ચહેરાના ફિચર્સ પ્રમાણમાં ઓર્ડિનરી છે. હા, યંગ છે એટલે ચહેરા પર તાજગી છે, પરંતુ ચહેરાનો કોઈ પણ માપદંડથી એક્સ્ટ્રા ઓર્ડિનરી ન કહી શકાય. નિશ્ચિતપણે પ્રિયા પ્રકાશ કરતાં વધુ સુંદર ચહેરાવાળી અનેક છોકરીઓની વીડિયો બની હશે અને એ દરેક કંઈ આવી સફળ નથી થઈ. આથી ચહેરાની સુંદરતા આ વીડિયોની સફળતા માટે જવાબદાર નથી એવું માની શકાય.
અદા, અંદાજ:
વીડિયોનું મુખ્ય આકર્ષણ પ્રિયાની અદા છે. એના બોયફ્રેન્ડની સામે એ ઈશારા કરે છે એમાં પહેલા એ નેણ ઊંચીનીચી કરે છે અને પછી આંખ મારે છે. હવે આ નેણ ઊંચીનીચી કરવી એ કંઈ બહુ આકર્ષક અદા નથી. કદાચ સાઉથમાં ક્લાસીકલ ડાન્સીસની લોકપ્રિયતાને કારણે એનું મહત્ત્વ હશે, પરંતુ એ સિવાયના પ્રદેશોમાં નેણની ખેંચતાણ એ કોઈને ઘાયલ કરી દે એવી અદા નથી ગણાતી. એ જ રીતે આંખ મારવાની અદા પણ એકદમ આઉટડેટેડ છે. અમુક લોકોને તો એ ચીપ લાગે. આંખ મારે એ સ્ત્રીને પુરુષો ક્યારેય ગંભીરતાથી નથી લેતા અને આ વીડિયોને પણ પુરુષો ગંભીરતાથી લીધા વિના પસંદ કરે છે. આમ વીડિયોમાં પ્રિયા પોતાની અદાને કારણે લોકપ્રિય બની એવું ન માની શકાય. આમ જોઈએ તો વીડિયોમાં કોઈ નવી કે આકર્ષક અદા છે જ નહીં. અદાની દષ્ટિએ જોઈએ તો એની જે બીજી વીડિયો રિલીઝ થઈ એમાં આંગળીઓને બંદુક બનાવીને એ જે રીતે ગોળી છોડે છે એ અદા વધુ આકર્ષક અને સોફિસ્ટિકેટ છે, છતાં બીજી વીડિયો એટલી લોકપ્રિય ન બની. દંતકથા તો પહેલીવાળી વીડિયો જ બની ગઈ, જેમાં અદા એવી કોઈ વિશેષ નથી. તો અદા અને અંદાજ પણ આ વીડિયોની સફળતાનું મુખ્ય કારણ નથી.
ગીત સંગીત અને ડાન્સ:
આ વીડિયોની એક અનોખી વાત એ છે કે એમાં કોઈ ગીત સંગીત કે ડાન્સ નથી છતાં એ આવી લોકપ્રિય બની છે. છેલ્લા કેટલાક સમયની વાયરલ વીડિયોનો અભ્યાસ કરીએ તો એમાં સૌથી મોટું ફેકટર ગીતસંગીત અને ડાન્સ જણાયું છે. આ સંદર્ભમાં પ્રિયાની વીડિયોની સફળતા ઘણી મોટી ગણાય. અલબત્ત, વીડિયોમાં બેકગ્રાઉન્ડ સ્કોર છે, પરંતુ એ વીડિયોનું મુખ્ય પાસું નથી.
ચહેરાના હાવભાવ અને ક્લોઝ અપ:
પ્રિયા પ્રકાશનો ચહેરો સાઉથની એવરેજ છોકરીની દષ્ટિએ નોર્મલ ગણાય, પરંતુ એકંદર ભારતીય છોકરીના ચહેરા સાથે એની સરખામણી કરી તો એનો ચહેરો ઘણો મેચ્યોર્ડ લાગે. એના ફિચર્સ ટિપિકલ સધર્ન ગર્લના છે. આવા ચહેરા બહુ જ ભાવવાહી હોય છે. વીડિયોમાં ઘટના જેમ બનતી જાય છે એમ છોકરીના હાવભાવ પરફેક્ટ રીતે ચહેરા પર ઉપસે છે. એમાંય મોટા ભાગના શોટ ક્લોઝ અપ હોવાથી ચહેરાના હાવભાવ ખૂબ જ અસરકારક નીવડે છે. જોકે આ ફેક્ટરને એક વધારાનું આકર્ષણ કહી શકાય, એના કારણે કંઈ આખી વીડિયો વાયરલ ન થાય.
રમૂજ, મસ્તી, સ્ક્રીપ્ટ:
ફિક્શન પર આધારીત કોઈ પણ સફળ કૃતિમાં મુખ્ય હીરો એની સ્ક્રીપ્ટ જ હોય છે. વીડિયોની વાર્તા જે રીતે અનફોલ્ડ થતી જાય એમ ટેન્શન બિલ્ડ અપ થાય અને છેવટે ક્લાઈમેક્સ, જેમાં સુખદ ચમત્કૃતિ હોય છે. સફળ સ્ક્રીપ્ટના દરેક તત્વો આ વીડિયોમાં છે. છોકરો અને છોકરી દ્વારા નેણ ઊંચીનીચી કરવી અને છેવટે છોકરી આંખ મારે અને છોકરો સાવ પીગળી જાય. ડ્રામાના તત્વનો બરોબર પકડવામાં આવ્યું છે. આંખ મારવી અને છોકરાનું પ્રતિકાત્મક રીતે ઘાયલ થવું એ મસ્તીની છોળો ઊડાડવા સમાન છે. આ રીતે વીડિયોની સફળતામાં એની સ્ક્રીપ્ટ ઘણો જ અગત્યનો ભાગ ભજવે છે, છતાં એને સફળતાનો બધો જ જશ ન આપી શકાય, કારણ કે આવી અને આનાથી વધુ સારી સ્ક્રીપ્ટવાળી વીડિયો પણ બનતી હોય છે, પરંતુ એ બધી આટલી સફળ નથી થતી. છતાં સારી સ્ક્રીપ્ટ વિના આ વીડિયો સફળ ન બની શકી હોય એ વાત નક્કી.
ટાઈમિંગઃ વેલેન્ટાઈન્સ વીક:
એ ખરું કે સોશિયલ મીડિયામાં જ્યારે વેલેન્ટાઈન્સ ડેનો ફીવર હોય ત્યારે પ્રેમનો એકરાર કરતી કોઈ તાજી વીડિયો માર્કેટમાં આવે તો એને સારો આવકાર મળે, પરંતુ આ વીડિયોને જે પ્રમાણમાં સફળતા મળી એ અલગ પરીમાણ સૂચવે છે. વેલેન્ટાઈન્સ વીકને લીધે લોકોએ સોશિયલ મીડિયામાં એને વધુ શેર કરી હોય એ બની શકે. આ વીડિયો દ્વારા લોકો, ખાસ તો પુરુષો પોતાના ઈશ્કને વ્યક્ત કરવાનો આનંદ લેવા લાગ્યા એ પણ ખરું. આમ છતાં ટાઈમિંગના ફેક્ટરને એક હદથી વધુ મહત્ત્વ ન આપી શકાય.
ટીનએજ લવ અને નોસ્ટાલ્જિયા:
દરેક સ્ત્રીપુરુષના દિલમાં સ્કૂલ તથા કોલેજ કાળના સ્મરણો હંમેશાં માટે અંકિત થયેલા હોય છે. ક્યારેક એવું બને કે વર્ષો સુધી એનો ખ્યાલ પણ ન આવે અને પછી અચાનક એવું કંઈક બને અથવા એવું જોવા મળે, જે જૂની યાદો તાજી થઈ જાય. જૂની યાદો વાગોળવાની આ પળો બહુ જ મધુર હોય છે. જ્યારે જ્યારે ટીનએજરો પર કોઈએ સારી ફિલ્મ બનાવી છે ત્યારે એને અભૂતપૂર્વ સફળતા મળી છે અને એની પાછળનું કારણ આ જ છે. બોબી, એક દૂજે કે લિયે કે તાજેતરમાં બનેલી મરાઠી ફિલ્મ સૈરાટમાં આ જ વાત છે. આવી ફિલ્મોને ફક્ત ટીએજરો અને યુવાનો જ નહીં, દરેક ઉંમરના લોકો પસંદ કરે છે. કારણ ફક્ત એ જ કે એ સૌને અંદરથી અપીલ કરે છે. પ્રિયા પ્રકાશની વીડિયોમાં સ્કૂલના વાતાવરણનું એ દશ્ય દરેકને પોતપોતાની તરુણાવસ્થાની યાદ અપાવી ગયું. લોકોને જૂના ગીતો પસંદ પડતા હોવાનું કારણ પણ આ જ છે. તર્ક સાથે માઈન્ડને અપીલ કરવી હોય તો એ માટે પ્રયાસો કરવા પડે, પરંતુ હ્રદયને અપીલ કરવામાં વિશેષ પ્રયાસ નથી કરવા પડતા. બસ, એક ઈમોશનલ અપીલ જોઈએ. લાગણીના તંતુને સ્પર્શવાની જરૂર પડે. પ્રિયા પ્રકાશની વીડિયોએ ભલભલા પુરુષોને પીગાળી નાંખ્યા, એમને ઈમોશનલી ઓગાળી નાંખ્યા. એમને મજા પડી ગઈ અને એ મજા તેઓ સોશિયલ મીડિયામાં વ્યક્ત કરવા લાગ્યા. વાત ફેલાતી ગઈ અને વીડિયો વાયરલ બની ગઈ.
ઈત્તેફાક, પોઝિટિવ ફેક્ટરોનું ગ્રાન્ડ મિક્સચર:
જેમ હિન્દી ફિલ્મોની કોઈ સ્યોરશોટ ફોર્મ્યુલા નથી હોતી એમ વાયરલ વીડિયોની પણ કોઈ સ્યોર શોટ ફોર્મ્યુલા નથી હોતી. વીડિયો વાયરલ ત્યારે બને છે, જ્યારે પોઝિટિવ ફેક્ટરોનું એક આકસ્મિક મિશ્રણ બની જાય. પ્રિયા પ્રકાશની વીડિયોમાં સારી સ્ક્રીપ્ટ, ટીનએજ પાત્રો, તાજગીસભર ભાવવાહી ચહેરા, ક્લોઝ અપ્સ સાથેની ટોપ સિનેમેટોગ્રાફી, ઈમોશનલ અપીલ અને નોસ્ટાલ્જિયા ફેક્ટરનું એક પરફેક્ટ સંયોજન થયું છે, જે આ વીડિયોનો અત્યંત સફળ અને વાયરલ બનાવે છે.
વાત નવાઈભરી છે, પરંતુ જરા ઊંડા ઊતરીએ તો કંઈ જ નવાઈભર્યું નથી. આજે પ્રિયા પ્રકાશ છે, આવતી કાલે બીજું કોઈ આવશે. વાત તો આ જ રહેશે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર