પાકિસ્તાની કલાકારોમાં કયો લાડવો દાટ્યો છે?
ફવાદભાઇ આપણા પાડોસી છે. પાકિસ્તાનમાં રહે છે. એક્ટર છે અને આપણને ઇર્ષ્યા થાય એવા હેન્ડસમ છે. બન્યું છે એવું કે આપણા કરણ જોહરે પોતાની ફિલ્મમાં ફવાદભાઇને લીધા છે એટલે થોડી મગજમારી ચાલી રહી છે. આમ તો અનેક પાકિસ્તાની કલાકારો બોલિવુડની ફિલ્મમાં કામ કરી ચૂક્યા છે અને શિવસેના કે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના સિવાય ખાસ કોઇ એમનો વિરોધ નથી કરતું. ક્યારેક નાનાં મોટા વિવાદો જાગે છે, પરંતુ આ વખતે બહુ મોટો ઊહાપોહ થયો છે. દિવાળી વખતે કરણ જોહરની ફિલ્મ 'ઐ દિલ હૈ મુશ્કીલ' રિલીઝ થવાની છે અને એની સામે વિરોધ જાગ્યો છે. થિયેટરના માલિકો ડરને લીધે કરણ જોહરની ફિલ્મો રિલીઝ કરવાની આનાકાની કરી રહ્યા છે. ઇન્ડિયન મોશન પિક્ચર પ્રોડ્યુસર્સ એસોશિયેશન (ઇમ્પા)એ પાકિસ્તાની કલાકારો તથા ટેકનિશિયનો પર પ્રતિબંધ મૂકી દીધો છે. કરણ જોહર રાજકારણીઓને મળી આવ્યા છે અને સરકાર તરફથી સુરક્ષાની ખાતરી આપવામાં આવી છે. આમ છતાં સૌ કોઇ જાણે છે કે કરણ જોહર માટે મુશ્કીલ તો છે જ.
કરણ જોહર જ નહીં, શાહરૂખ ખાન અને બીજા કેટલાય નિર્માતા પણ મૂંઝવણમાં છે. પાકિસ્તાની કલાકારોને લઇને તેઓ હવે પછતાઈ રહ્યા છે. કરણ જોહરે તો રાષ્ટ્રજોગ વીડિયોમાં જાહેર કરી દીધું છે કે હવેથી હું ક્યારેય પાકિસ્તાની કલાકારોને મારી ફિલ્મોમાં નહીં લઉં.
તો આ વખતે મામલો ઘણો ગંભીર છે. શા માટે વખતે આવું મોટું ટેન્શન થઇ ઊભું થઇ ગયું છે? કારણ સ્પષ્ટ છેઃ પઠાણકોટ, ઉરી અને સર્જિકલ સ્ટ્રાઇકની ઘટનાઓને લીધે બે દેશો વચ્ચેના સંબંધો એકદમ નીચે પહોંચી ગયા છે. બંને દેશની પ્રજા વચ્ચે વચ્ચેનું અંતર વધી ગયું છે. આ નફરત ભલે કાયમી ન હોય, છતાં સોશિયલ મીડિયામાં એ વિકૃત સ્વરૂપે બહાર આવી રહી છે. આવા વાતાવરણમાં પાકિસ્તાની કલાકાર સાથેની ફિલ્મ માટે ભારતની પ્રજામાં સહેજ અણગમો પેદા થાય એ સ્વાભાવિક છે. આમ છતાં આપણા દેશમાં એક એવો મોટો વર્ગ છે, જે માને છે કે કળાને સીમાનું કોઇ બંધન નથી હોતું માટે પાકિસ્તાની કલાકારોનો બહિષ્કાર કરવાનું યોગ્ય નથી. વાત મુદ્દાની છે, પરંતુ આ મામલામાં ઘણી બધી વાતો મિક્સ અપ થઇ ગઇ છે. ચાલો એને જરા છૂટી પાડીને સમજવાની કોશિશ કરીએ.
સૌથી પહેલા તો એ વાત સ્વીકારવી જોઇએ કળા કે કળાકારના બહિષ્કારની વાત જ ખોટી છે. કોઇ કળાકૃતિ પર પ્રતિબંધ પણ ન મૂકાવો જોઇએ, સિવાય કે એ ઉદ્ધતાઇપૂર્વક કોઇ વ્યક્તિ કે વર્ગની લાગણી દુભવતી હોય. કળાની બાબતે સરકાર હસ્તક્ષેપ ન કરે એ પણ એક આદર્શ સ્થિતિ છે. આ તો જનરલ વાત થઇ. હવે પાકિસ્તાની કલાકારોની વાત કરીએ. પાકિસ્તાની કલાકારોને શા માટે ભારત બોલાવવામાં આવે છે આ બોલિવુડવાળા શા માટે પોતાની ફિલ્મોમાં એમને લે છે એ વાત સીધી રીતે સમજાય એવી નથી. હા, મહેંદી હસન કે ગુલામ અલી જેવા ગઝલગાયકોના મખમલી અવાજમાં જ એવો જાદુ છે કે એનું આકર્ષણ તરત અને સહજ રીતે થઇ જાય. આ બંને મહાન કલાકારો પોતાની રીતે ભારતમાં લોકપ્રિય બન્યા છે. એમને કોઇ રેડિમેઇડ પ્લેટફોર્મ નથી આપવામાં આવ્યું. આ જ રીતે કોમેડી સર્કસમાં આવતા શકીલ નામના એક પાકિસ્તાની કોમેડિયન પણ અદભુત પ્રતિભા ધરાવે છે. આવા બીજાય કેટલાક ખરેખરા પ્રતિભાવંત કલાકારો છે, જે ભારતમાં લોકપ્રિય બન્યા છે, પરંતુ ફવાદખાન અને શાહરૂખ ખાનની આગામી ફિલ્મ 'રઇસ'ની હીરોઇન મહિરા ખાન જેવાને શા માટે બોલિવુડનું રેડિમેડ પ્લેટફોર્મ આપવામાં આવે છે એ સમજવાનું થોડું મુશ્કેલ છે અને થોડું આસાન છે.
સૌથી પહેલા તો એ વાત જાણી લઇએ કે બોલિવુડના ધંધાપાણી સ્ટાર સિસ્ટમ પર ચાલે છે. ફિલ્મ સ્ટાર્સની સફળતાના આધારે એમની સ્ટાર વેલ્યુ નક્કી થાય છે અને એ પ્રમાણે એમને ફિલ્મોમાં પૈસા મળે છે. બધા નિર્માતા કલાકારોની સ્ટાર વેલ્યુઝને ધ્યાનમાં રાખીને જ એમને કાસ્ટ કરતાં હોય છે. બોલિવુડમાં ક્યા સ્ટારની કેટલી વેલ્યુ છે એ તો સૌ જાણતા જ હોય છે, પરંતુ બોલિવુડની બહારથી કલાકારને લેવાના હોય ત્યારે દ્વિધાઓ અને મૂંઝવણો પેદા થાય છે. પરદેશી સ્ટાર હોલિવુડમાં ભલે ગમે એવો મોટો સ્ટાર હોય, પણ ભારતના ઓડિયન્સ માટે એ કદાચ એટલો કિંમતી પૂરવાર ન પણ થાય. આથી જ અહીંના નિર્માતાઓ કરન્સીમાં ચાલતા બોલિવુડના કલાકારો સિવાયના કલાકારોને અડતા અચકાતાં હોય છે. પ્રાદેશિક ફિલ્મના લોકપ્રિય કલાકારોને પણ બોલિવુડમાં ઓછા ચાન્સ મળે છે. રજનીકાન્ત, કમલા હસન, ચિરન્જીવી જેવા સાઉથના સુપર સ્ટાર્સ પણ બોલિવુડમાં કાયમી સ્થાન ન જમાવી શક્યા.
આ બેકગ્રાઉન્ડને ધ્યાનમાં રાખીને વિચારીએ તો પ્રશ્ન એ જ ઉપસ્થિત થાય કે પાકિસ્તાની કલાકારોમાં એવું શું છે કે એમને બોલિવુડની ફિલ્મોમાં લેવામાં આવે છે. એક વાત નક્કી છે કે ભારતમાં ફવાદ ખાનની સ્ટાર વેલ્યુ કંઇ જ નથી. એ જ રીતે બીજા કોઇ પાકિસ્તાની કલાકારોની ભારતમાં કોઇ સ્ટાર વેલ્યુ નથી. ભારતના હીરો હીરોઇનો પાકિસ્તાનમાં જેટલા લોકપ્રિય છે એવા કંઇ પાકિસ્તાની કલાકારો ભારતમાં લોકપ્રિય નથી. મોટા ભાગના કેસમાં તો બોલિવુડની ફિલ્મમાં પાકિસ્તાની કલાકારને લેવામાં આવે ત્યારે જ ભારતીય દર્શકોને એના અસ્તિત્વની જાણ થાય છે. ટૂંકમાં પાકિસ્તાની કલાકારોને બોલિવુડનું રેડિમેઇડ પ્લેટફોર્મ આપવામાં આવે છે અને પછી રીતસર પાકિસ્તાની કલાકારોને ગ્લેમરસ સ્ટાર તરીકે પ્રમોટ કરવામાં આવે છે.
કરણ જોહર પોતાના પિતાશ્રીના પૈસે ફવાદ ખાન જેવા પાકિસ્તાની કલાકારને પ્રમોટ કરવા માગતા હોય તો એમાં આપણને કોઇ વાંધો નથી, પરંતુ આ આખા ખેલમાં દંભ અને લુચ્ચાઇ છે, જેના પર પ્રકાશ પાડવાનું જરૂરી છે.
સૌ જાણે છે કે કરણ જોહરની ફિલ્મોમાં બધુ બેસ્ટ હોય છે. ટોચના કલાકારો, ટોચના ગાયકો, મ્યુઝિશિયનો, ટેકનિશિયનો. બધુ જ બેસ્ટ અને ગ્લેમરસ હોય છે. આમ છતાં એમની ફિલ્મો કળાકૃતિની કેટેગરીમાં મૂકવી એ અર્નબ ગોસ્વામીને પત્રકાર ગણવા જેવું અધમ કૃત્ય છે. આથી કળા પવિત્ર છે અને એને કોઇ સરહદ ન હોય એ થિમ કરણ જોહરની ફિલ્મોમાં લાગુ પાડી શકાય નહીં.
બીજું કરણ જોહર પોતાની ફિલ્મોમાં હંમેશાં ટોચના, લોકપ્રિય સ્ટાર્સ લેવામાં માને છે. (સ્ટુડન્ટ ઓફ ધ યરમાં યંગસ્ટર્સને ચાન્સ આપ્યો એ બાદ કરતાં). નાના મોટા સ્ટાર્સને તો કરણ જોહર કહી દે છે કે મારી ફિલ્મમાં તમને કાસ્ટ કરું એવા મોટા સ્ટાર્સ હજુ તમે નથી બન્યા. વેલ, તો આ કરણ જોહરને ફવાદ ખાનમાં કઇ સ્ટાર વેલ્યુ જોવા મળી? ફોર ધેટ મેટર બીજા કેટલાક નિર્માતાઓ પણ શા માટે છાશવારે પાકિસ્તાની કલાકારોને પોતાની ફિલ્મોમાં લેતા રહ્યા છે?
ખરેખર તો અહીં કલાકારની લોકપ્રિયતા કરતાં દર્શકોની લાગણી વટાવી ખાવાની કોશિશ થાય છે. જેમ રાજકારણીઓ વોટબેન્કનું પોલિટિક્સ રમે છે એમ આ નિર્માતાઓ પણ પણ ભારતના મુસ્લિમ દર્શકોને એક વોટબેન્ક ગણીને એમનામાં પાકિસ્તાની કલાકારોનું આકર્ષણ ઊભું કરે છે. આમાં જોકે કંઇ ખોટું નથી. કોઇ પણ મુસ્લિમ વ્યક્તિને અન્ય દેશની મુસ્લિમ પ્રતિભા માટે સહજપણે ઉત્સુકતા રહે જ અને આકર્ષણ પણ પેદા થાય. ભારતના કોઇ મુસ્લિમને પાકિસ્તાની ફિલ્મ સ્ટારનું આકર્ષણ પેદા થાય અને એ માટે એની ફિલ્મ જોવા જાય તો એમાં કંઇ ખોટું નથી. એનો એવો અર્થ જરાય નથી થતો કે એ દેશપ્રેમી નથી. હું પોતે મુસ્લિમ હોઉં અને મને એવી જાણ થાય કે બોલિવુડની કોઇ ફિલ્મમાં પાકિસ્તાનના કલાકારને કાસ્ટ કરવામાં આવ્યો છે તો એ ફિલ્મ જોવાની ઉત્સુકતા મારા મનમાં ચોક્કસ રહે. આવી લાગણી એકદમ સહજ છે અને એમાં કંઇ જ ખોટું નથી. અરે, નરેશ કનોડિયાને બોલિવુડની ફિલ્મમાં કાસ્ટ કરવામાં આવે તો એ ફિલ્મ પણ એક ગુજરાતી તરીકે હું ત્રણ વાર જોવા જાઉં. આવી લાગણીઓ સહજ હોય છે અને એમાં કોઇએ ગેરસમજણો કરવી જોઇએ નહીં.
મૂળ વાત આ વેપારની છે. રાજકારણીઓ વોટબેન્કનો સહી ઉપયોગ કરીને મતોના થોકડા મેળવે છે એમ બોલિવુડવાળા આવી વોટબેન્કનો ઉપયોગ કરીને બોક્સ ઓફિસ છલકાવે છે. પાકિસ્તાની કલાકારોને બોલિવુડની ફિલ્મોમાં લેવા પાછળ આ જ વોટબેન્કનું પોલિટિક્સ અને વેપારી વૃત્તિ છે. આ ઉપરાંત આવી ફિલ્મ પાકિસ્તાનમાં પણ વધુ બિઝનેસ કરી શકે. ધંધા માટે કોઇ ગમે એવી કાયદેસર તરકીબ અજમાવે એની સામે વાંધો ન હોઇ શકે, પરંતુ તમે અસલી વાત છૂપાવીને બીજી ત્રીજી વાતો કરતા રહો એ ન ચાલે.
સમજવા જેવી વાત એ જ છે કે પઠાણકોટ, ઉરી, સર્જિકલ સ્ટ્રાઇક અને બંને દેશો વચ્ચેના બગડેલા સંબંધોને કારણે આ વેપારી ગણતરી સાવ ઊલટી પડી ગઇ છે અને વોટબેન્ક ફડચામાં ગઇ છે. ‘મનસે’નો કોઇ એટલો પ્રભાવ નથી, પણ ચારેતરફ દેશભક્તિનો જવર છે. પ્રજામાં પાકિસ્તાન પ્રત્યે રોષ પ્રવર્તે છે. આથી પાકિસ્તાની કલાકારોની ફિલ્મ જોવાનું ભારતના મુસ્લિમો પણ પસંદ ન કરે એવી સ્થિતિ ઊભી થઇ છે. આથી કરણ જોહરે ટોપી સાવ ફેરવી નાંખી છે. એ કહે છે કે હું દેશપ્રેમી છું અને હવેથી પાકિસ્તાની કલાકારોને ક્યારેય મારી ફિલ્મોમાં નહીં લઉં.
તો મૂળ મુદ્દો આ જ છે. વેપારી ગણતરી ઊલટી પડવાની આ કરુણાંતિકાને ઊંચા આદર્શો સાથે સાંકળવાની જરૂર નથી. એને બે દેશો વચ્ચેના સાંસ્કૃતિક સંબંધો, સર્જકની સ્વતંત્રતા, રાજકીય દબાણ, કળાની સરહદો વગેરે જેવા ભારેખમ મુદ્દા સાથે જોડવાનું હાનિકારક છે.
બાકી ફવાદભાઇ સાથે આપણને વ્યક્તિગત રીતે કોઇ વાંધો નથી. 'ઐ દિલ હૈ મુશ્લકીલ' ની ડિવિડી મફતમાં મળશે તો ઘેર બેસીને એ જોઇ નાંખીશું.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર