સ્ત્રીઓને કેવા પતિ ગમે?
કહે છે કે પહેલાના જમાનામાં પતિ પત્ની એકબીજા સાથે શાંતિથી રહેતા અને સુખ-ચેનથી સાથે જીવતા હતા. આજના સમયમાં પણ અમુક દંપતીઓ શાંતિ અને સંપથી રહેતા હોવાની વાતો સાંભળવા મળે છે. હકીકત એ છે કે જો કોઈ સ્થળે, કોઈ દંપત્તિ સંપ અને શાંતિથી જીવી રહ્યું હોય તો એ અપવાદ હોય છે. બાકી પતિ પત્નીમાં ફક્ત પત્ની સુખેથી જીવતી હોય છે. પતિ તો પત્નીને સુખેથી જીવવામાં સાથ આપતો હોય છે.
લગ્ન પછીના અમુક વર્ષો સુધી પતિ સ્વતંત્ર રહી શકતો હોય છે, પરંતુ ત્યાર પછી એ સતત પત્નીને અનુકૂળ બનવાની કોશિશ કરતો રહે છે અને એ રીતે પોતાનું જીવન પસાર કરી નાંખે છે. સમસ્યા એ હોય છે કે પતિ ગમે એટલી કોશિશ કરે તો પણ એ પોતાની પત્નીને પૂર્ણ રીતે ખુશ રાખી જ નથી શકતો. ખરેખર તો પત્નીને શું ગમે છે એ જ એને નથી સમજાતું. આથી જ પરિણીત પુરુષો આપસમાં મળે ત્યારે પોતાની પત્નીઓ વિશે વાતો કરે છે, પરંતુ કોઈ મરદનો બચ્ચો ખાતરીપૂર્વક એ નથી કહી શકતો કે પત્નીને ખુશ રાખવાની ફોર્મ્યુલા આ છે. કારણ કદાચ એ પણ છે કે પોતાને કેવા પતિ ગમે એ વિશે સ્ત્રીઓ કદી મગનું નામ મરી નથી પાડતી. આપણે તો ફક્ત અટકળો કરી શકીએ. સ્ત્રીઓને કેવા પતિ ગમે?
દેખાવડાઃ સ્ત્રીઓને પુરુષોના દેખાવમાં કોઈ રસ નથી હોતો. કોઈ પ્રસંગ બ્રસંગમાં શોભાના ગાંઠિયા તરીકે જરા શોભે એવો પતિ હોય તો ઠીક રહે, નહીં તો ચાલી જાય. પતિ દેખાવડો હોય એની સૌથી મોટી તકલીફ એ કે બહેનપણીઓ વિના કારણ એની સાથે વાત કરવાની કોશિશ કરે અને એ તો જરાય ન ચાલે. આથી દેખાવડા પતિ આઉટ.
ટાલવાળાઃ માથાં પરના વાળ ખરવા માંડે એ પછી થોડો સમય પત્ની રાહ જુએ છે. જો પછી પણ પતિ પાસે ઘણા બધા પૈસા ન આવ્યા તો ગરીબ ટાલિયા પતિનું આવી બને છે. જોકે ટાલ હોય અને પૈસા પણ હોય એવા પતિનું આકર્ષણ પણ મર્યાદિત સમય માટે જ ટકી રહેતુ હોય છે.
ખૂબ વ્યસ્તઃ ઘણા માણસોના ધંધા કે નોકરી એવા હોય કે એમણે કામમાં વધુ સમય આપવો પડે. ક્યારેક બહારગામ જવું પડે. ટૂંકમાં ઘર માટે તેઓ ઓછો સમય ફાળવી શકે. આમ તો સ્ત્રી માટે આનાથી મોટું સુખ બીજું કોઈ ન હોઈ શકે, પણ પતિ જો વધુ પડતો સક્રિય રહે, બહારગામ જાય તો એના પર શંકા જરૂર જાય. ક્યાં જતો હશે? કોની સાથે જતો હશે? આ ઉપરાંત એ પોતે જો પોતાના કામમાં વ્યસ્ત રહેશે તો પછી ઘરના નાનાં-મોટા કામો કોણ કરશે? આમ અતિ વ્યસ્ત પતિ પણ નકામો.
સાવ નવરોઃ ઘણા પુરુષો પ્રમાણમાં નાની વયે નિવૃત્ત જેવું જીવન જીવતા હોય છે. યા તો ધંધો એવો હોય કે બહુ સમય ન આપવાનો હોય અથવા ધંધો એવો સેટ કરી દીધો હોય કે બધુ એની મેળે ચાલ્યા કરે અને એમાં વધુ સમય ન આપવો પડે. પરિણામ એ આવે કે આખો દિવસ ઘરમાં ને ઘરમાં. સ્ત્રીને આવો પતિ તો જરાય ન ગમે. આવો નવરો પતિ વારે વારે ચા માગે, ખાવાનું માગે, આ અહીં કેમ મૂક્યું છે અને ત્યાં કેમ મૂક્યું છેની પંચાતો કરતો રહે અને પાછો કામવાળી સાથે વાતો કરવાની કોશિશ પણ કરતો રહે. સ્ત્રીઓ આવા પતિને તો ધિક્કારતી હોય છે. કંટાળી જાય ત્યારે કહી દે કે 'હવે જરા બહાર આંટો મારી આવો.'
બહાદૂરઃ ઘણા પુરુષોને વાતેવાતે બહાદૂરી દેખાડવાની ટેવ હોય છે. ક્યારેક ચોકીદાર સાથે તો ક્યારેક દુકાનદાર સાથે એ ઝઘડી પડે. ઝઘડામાં ગાળો બોલે અને મારામારીની ધમકી આપે. કોઈને એમ લાગે કે આ ભાઈનું મગજ આટલું ગરમ કેમ છે? પત્નીને એના ગુસ્સાનો કોઈ ડર નથી હોતો, કારણ કે ઘરમાં તો ભાઈ સાવ ઠંડા જ હોય છે. આમ છતાં આવા બહાદૂરો સ્ત્રીઓને પસંદ નથી હોતા, કારણ કે ઝઘડા થાય ત્યારે જો બધાનું ધ્યાન પતિ પર જ જાય તો પછી પત્નીની સામે કોણ જૂએ? લોકોનું ધ્યાન પોતાનાથી ફંટાઈને બીજા કોઈ તરફ જાય એ તો ચાલે જ નહીં. અને આમ પણ, પતિની બહાદૂરીની પત્નીને ક્યારેય જરૂર જ નથી પડતી. પોતે બધે પહોંચી વળે એવી હોય છે. આથી બહાદૂરો પણ આઉટ.
ડરપોક અને નમાલાઃ આમ તો આ પ્રકાર સ્ત્રીઓને સૌથી પ્રિય હોય છે. એમના બાયલાપણામાં સ્ત્રીઓને એક પ્રકારની સેક્સ અપીલ દેખાતી હોય છે. પત્ની એક નજર કરે કે તરત પતિ પોતાની આંખ નીચી કરી નાંખે ત્યારે પત્નીને સાત્વિક આનંદ મળતો હોય છે, પરંતુ વર્ષો જતા એ આનંદ પણ નબળો પડી જાય છે. એક ના એક સસલાને ફફડતું ક્યાં સુધી જોયા કરાય? તો આ રીતે બાયલા પતિ પણ સ્ત્રીને ન ગમે.
બુદ્ધિશાળીઃ આવા પતિ સ્ત્રીઓને થોડા ઘણા ગમતા હોવાનું એકમાત્ર કારણ એ હોય છે તેઓ પત્નીને ભરપૂર મનોરંજન પૂરું પાડે છે. કોઈ પણ વિષય પર જ્યારે પતિ પોતાના તર્ક, બુદ્ધિ અને દલિલથી જ્ઞાન પ્રદર્શિત કરવાનું શરૂ કરે ત્યારે પત્ની એની સામે જોતી રહે છે. પોતાને બુદ્ધિશાળી માનતા માણસની વાતો કેટલી વાહિયાત છે એની એને પોતાને નથી ખબર હોતી, પણ પત્નીને તો બરોબર ખબર હોય છે. આથી જ એ આવા બુદ્ધિશાળી પતિ સામે જોઈને મનમાં હસતી રહે છે. એને જવાબ આપવા જેટલી મૂર્ખામી પણ એ નથી કરતી. આમ છતાં લગ્નજીવનમાં ફક્ત મનોરંજન પર વધુ મદાર ન રખાય એટલે આવા માણસો પતિ તરીકે ન ચાલે. આ પ્રકારની પણ બાદબાકી.
મૂર્ખઃ વેલ, આમાં તો પત્નીને કોઈ જ વાંધો ન હોવો જોઈએ. પોતાને એક મૂર્ખ પતિ મળે એવું કદાચ દરેક કન્યાનું સપનું હોય છે. કેટલીક તો કદાચ આ માટે વ્રત રાખતી હશે. પતિ મૂર્ખ હોય તો પત્નીનો સમય ઘણો બચી જાય છે, કારણ કે પછી એને મૂર્ખ બનાવવાની જરૂર નથી પડતી. અપેક્ષિત મૂર્ખામી કર્યા કરતો પતિ આમ તો બત્રીસલક્ષણો ગણાય છતાં પત્નીની અપેક્ષાઓ જરા વધુ પડતી હોય છે. પોતાના પિયરવાળા લોકો સમક્ષ પત્નીને મૂર્ખ પતિ રજૂ કરવો નથી ગમતો. ત્યાં તો એને સ્માર્ટ પતિ જોઈએ, ઈમ્પ્રેશન પાડવા. આ રીતે મૂર્ખ પતિ પણ સ્ત્રીને પસંદ નથી આવતો.
હવે આ દરેક પ્રકારને નકારી કાઢ્યા પછી એક જ તારણ નીકળે છે કે સ્ત્રીઓને કોઈ પણ પ્રકારના પતિ ગમતા નથી હોતા. હા, લગ્ન પછીના અમુક વર્ષો સુધી પતિની જરૂરત પડતી હોય છે. આર્થિક કારણોસર અને સાસરિયામાં સેટ થવા માટે. પરંતુ સમય જતાં પતિની ઉપયોગીતા ઘટતી જાય છે અને અમુક વર્ષો પછી તો એ સાવ નકામો થઈ જાય છે. પછી તો અણગમો અવગણનામાં પરિણમે છે અને પત્ની માટે પતિ એક નિર્જીવ પદાર્થ બની જાય છે.
તમે ફેસબુક પર કે અન્ય જગ્યાએ જો દંપતીઓના ફોટા જોશો તો તમને લાગશે કે ફોટામાં સ્ત્રી એક સાવ સ્વતંત્ર પાત્ર હોય એ રીતે ઊભી કે બેઠી હોય છે. એની બાજુમાં ચોકીદાર, નોકર કે કરિયાણાવાળો કોઈ પણ ઊભો હોય અને પતિ ઊભો હોય એને કોઈ ફરક નથી પડતો. એની સામે પતિ તો બિચારો ઓળઘોળ થઈ જતો હોય એવું લાગે. ફેસબુકમાં તો પતિ જ્યારે આવો ફોટો મૂકે ત્યારે લખે પણ ખરો કે મારી પ્રિય સખી, મારી જીવન સંગિની, અર્ધાંગનાએ મને આટલા વર્ષ સાથ આપ્યો વગેરે... ખરેખર તો પત્નીને પોતાના પતિ સાથે ફોટો પડાવવામાં જ રસ નથી હોતો. આ તો સંજોગો એવા ઊભા થયા હોય કે ના ન પાડી શકી હોય.
પતિનું સાચું સુખ એ હકીકત સમજી લેવામાં છે કે એ ગમે એટલા માથાં પછાડશે તો પણ પત્નીની નજરમાં ઉપર નહીં આવી શકે, પત્નીને ખુશ નહીં કરી શકે. બસ, આટલું સમજી લીધા પછી કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વિના પત્નીની સેવા કરતાં રહેવાથી જ પતિ માટે દાંપત્ય જીવન કંઇક સહ્ય અને શાંતિમય બની શકે છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર