અભિનેતા જ્યારે એક્ટિવિસ્ટ બને છે
માણસના ખરાબ દિવસો ચાલતા હોય ત્યારે એને અચ્છે દિન વિશેની મજાક કરવાનું સૂઝે. કોમેડિયન અને અભિનેતા કપિલ શર્માનો સિતારો આમ તો જોરમાં છે, પરંતુ કરિયર તથા લોકપ્રિયતાની બાબતે એના ખરાબ દિવસો શરૂ થયા હોય એમ લાગે છે. 'કોમેડી નાઇટ્સ વિથ કપિલ' શૉમાંથી ફેંકાઇ ગયા પછી એણે શરૂ કરેલો પોતાનો નવો શૉ પણ ખાસ જામી નથી રહ્યો અને એમાં વળી એણે નબળી ક્ષણે એક ટ્વીટ કરીને પોતાની કરિયર પર ઓર એક કુહાડો માર્યો છે. ટ્વિટર પર તોફાન કરનાર ફક્ત સલમાન ખાન જ છે એવી માન્યતા ખોટી પૂરવાર થઇ છે.
કપિલ શર્માએ જે ટ્વિટ કર્યું છે એ એટલું હાસ્યાસ્પદ છે કે એની કોમિક સેન્સ પર આપણને શંકા જાય. બન્યું એવું કે ગેરકાયદે કન્સ્ટ્રક્શનને લગતી કોઇ બાબતમાં મ્યુનિસિપાલિટીના કોઇ અધિકારીએ કપિલ પાસે પોતાના હકની અમુક રકમની લાંચ માગી. કપિલે અગાઉ તો ઘણી વાર ઘણા લોકોને લાંચ આપી હશે, પરંતુ આ વખતે કોણ જાણે એને શું સૂઝ્યું કે એણે ટ્વિટર પર સીધા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આમાં ઇન્વોલ્વ કરી નાંખ્યા.
મારા હિસાબે કપિલનો સૌથી મોટો ગુનો તો 'અચ્છે દિન' વિશેની સડેલી મજાક કરવાનો છે. શું કપિલને એમ લાગે છે કે 'અચ્છે દિન' પર અત્યાર સુધી કોઇએ મજાક નથી કરી? અરે, અચ્છે દિન વિશે મજાક કરી કરીને લોકો કંટાળી ગયા અને એ મજાકો એવી ઘસાઇ ગઇ છે કે કોઇ એને યાદ પણ નથી કરતું. આવા સમયે કપિલ જાણે કોઇ મોટો કટાક્ષકાર હોય એમ અચ્છે દિનની મજાક કરે છે. વેરી સેડ. ક્યા યહી હૈ તુમ્હારી કોમિક સેન્સ? ક્યા યહી હૈ તુમ્હારી સેન્સ ઓફ હ્યુમર?
પોતાની પાસે બીએમસીના અધિકારીએ લાંચ માગી એ સંદર્ભમાં કપિલ એમ કહે છે કે હું પંદર કરોડ રૂપિયા ઇન્કમ ટેક્સ ભરું છું, છતાં મારી પાસે લાંચ માગવામાં આવે છે. પહેલી વાત તો એ કે ઇન્કમ ટેક્સ તરીકે 15 કરોડ રૂપિયા કપિલે ભર્યા એનું સર્ટિફિકેટ રજૂ કરી શકાય, પણ એ રકમ એણે રાજીખુશીથી ભરી એનું કોઇ સર્ટિફિકેટ એણે રજૂ કરવું જોઇએ. શક્યતા એ છે કે એના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે એને કહ્યું હશે કે સર, તમારી આવક જોતાં કમ સે કમ પંદર કરોડ રૂપિયાનો ઇન્કમ ટેક્સ તો ભરવો જ પડશે. મિડલ ક્લાસનું બેકગ્રાઉન્ડ ધરાવતા કપિલ શર્મા પર ત્યારે શી વીતી હશે એ તો એ જ જાણે, પરંતુ છેવટે એણે મન મનાવ્યું હશે અને પંદર કરોડ ભર્યા હશે. કપિલ જ નહીં, ભારતનો કોઇ પણ નાગરિક ત્યારે જ ઇન્કમ ટેક્સ ભરે છે, જ્યારે બીજો કોઇ માર્ગ ન હોય, કોઇ છૂટકો ન હોય.
એવું પણ નથી બન્યું કે કપિલ શર્માએ કોઇ પૂણ્યપ્રકોપ વ્યક્ત કર્યો હોય. એની સાથે કોઇ મોટો અન્યાય થઇ રહ્યો હોય એવું પણ કંઇ નથી બન્યું. હકીકતમાં કપિલે પોતે જ ગેરકાયદે બાંધકામનો આશરો લીધો છે અને એ માટે જ એની પાસે લાંચ માગવામાં આવી હતી. ગોરેગામના એક બિલ્ડીંગમાં એનો ફ્લેટ છે અને એમાં ગેરકાયદેસર બાંધકામ થવા વિશે અનેક લોકોએ ફરિયાદ કરી છે. આ બિલ્ડીંગમાં ઇરફાન ખાનનો પણ એક ફ્લેટ છે. એક સામાજિક કાર્યકર તો આ ગેરકાયદે બાંધકામોની વિરુદ્ધમાં ઝુંબેશ ચલાવી રહ્યો છે. પાંચ લાખ રૂપિયાની લાંચ બચાવવાના ચક્કરમાં હીરો બની જવા નીકળેલો કપિલ શર્મા હવે બરોબરના ફસાયો છે. હવે સત્તાવાળાઓ એની પાછળ પડી ગયા છે.
કપિલ શર્માની સામે પોલીસ અને બીએમસીના અધિકારીઓ તૂટી પડ્યા છે એ માટે ખાન બંધુ ભલે એની તરફેણ કરે, છતાં કપિલ શર્મા માટે આપણને સહાનુભૂતિ નહીં થાય, કારણ કે કપિલે જે કંઇ કર્યું એની પાછળ એનો ઇરાદો શુભ નહોતો. પહેલું તો એણે પોતે જ ખોટું કર્યું હતું. બીજું, લાંચ એટલે કે ભ્રષ્ટાચાર વિરુદ્ધમાં અવાજ ઊઠાવવો એ સારી વાત છે. પરંતુ ભ્રષ્ટાચાર સામે અવાજ ઊઠાવતી વખતે તમારી નિયત એકદમ શુદ્ધ હોવી જોઇએ. પોતાના પગ નીચે રેલો આવ્યો, જ્યારે પોતાને તકલીફ થઇ ત્યારે જ કપિલે જાહેરમાં એનો વિરોધ કર્યો. ફક્ત સ્વાર્થને કેન્દ્રમાં રાખીને તમે જનહીતની વાત કરો ત્યારે એ વાત એકદમ બોદી લાગે.
કપિલ શર્મા એપિસોડનો સૌથી મોટો મુદ્દો એ છે કે જ્યારે કોઇ સેલિબ્રિટી કોઇ સામાજિક હીતની વાત જાહેરમાં કરે ત્યારે એની બહુ મોટી અસર પેદા થતી હોય છે એ ફરી પૂરવાર થયું. ભ્રષ્ટાચાર જેવા સામાજિક દૂષણો વિશે જાહેરમાં વાત કરનારો કપિલ પહેલો અભિનેતા નથી. અભિનેતાઓ અને કલાકારો દાયકાઓથી જાહેરમાં આવું સ્ટેન્ડ લેતા આવ્યા છે. એમાંના કેટલાક પરિસ્થિતિનો લાભ લઇને રાજકારણમાં જોડાઇ ગયા તો કેટલાક સાવ ખોવાઇ ગયા. છતાં સમયાંતરે કલાકારો પોતાની સામાજિક પ્રતિબદ્ધતતા દાખવા રહ્યા છે.
આઝાદી પહેલા ઇન્ડિયન પીપલ્સ થિયેટર (ઇપ્ટા) સાથે સંકળાયેલા કલાકારો નાટકો દ્વારા સમાજમાં સાંસ્કૃતિ જાગૃતિ લાવવાનું કામ પૂરા કમિટમેન્ટ સાથે કરતા. પૃથ્વીરાજ કપૂર, બલરાજ સાહની, રિત્વિક ઘટક, ઉત્પલ દત્ત, ખ્વાજા અહમદ અબ્બાસ વગેરે જેવા કલાકારો ઇપ્ટાના આદરણીય સભ્યો હતા. 1942ની ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ, 1943મા બંગાળમાં દુકાળને લીધે ભૂખમરાને કારણે થયેલા અસંખ્યા મોત, બ્રિટીશ શાસકોએ આ પ્રશ્રે દાખવેલી ઉદાસિનતા વગેરેના પ્રભાવ હેઠળ ઇપ્ટાની સ્થાપના થઇ હતી. 1943મા મુંબઇ ખાતે ઓલ ઇન્ડિયા પીપલ્સ થિયેટર કોન્ફરન્સ યોજાઇ હતી, જેમાં સંગીત અને નાટ્યમંચ દ્વારા લોકોને પોતાની ફરજો તથા હક બાબતે જાગૃત કરવા સક્રિય બનવાનું નક્કી થયું હતું. આ નિર્ણયને પગલે દેશભરમાં ઇપ્ટાની સમિતિઓની રચના થઇ હતી. આ સમય દરમિયાન બિજોન ભટ્ટાચાર્ય લિખિત અને શંભુ મિત્રાના દિગ્દર્શિત નાટક 'નબાના' બહુ પ્રભાવશાળી પૂરવાર થયું હતું. એમાં બંગાળના દુકાળની વેદના તથા અંગ્રેજ શાસકોએ દાખવેલી બેદરકારીનું નિરૂપણ થયું હતું.
આઝાદી પછી પણ ઇપ્ટાની અસર કાયમ રહી. સામાજિક પ્રતિબદ્ધતા દાખવવા માટે કલાકારો ક્યારેય પાછળ નથી પડ્યા. આજે લોકો ઇમરાન હાશમી નામના બોલિવુડ કલાકારને જાણે છે, પરંતુ એની પહેલા ફક્ત એક જ હાશમી વિખ્યાત હતા અને એ હતા સફદર હાશમી. ઇપ્ટાની અસર હેઠળ શરૂ થયેલી નાટ્ય સંસ્થા 'જન નાટ્ય મંચ' દ્વારા સફદર હાશમીએ શેરી નાટકોની ઝુંબેશ ચલાવી હતી. ઇન્દિરા ગાંધી શાસનની એકહથ્થુશાહી તેમજ ઇમર્જન્સીની વિરુદ્ધમાં સફદર હાશમી તથા એમની સંસ્થાએ અનેક શેરી નાટકો કર્યા હતા. હાશમીના નાટકો એટલા પ્રભાવશાળી હતા કે વગદાર લોકોને તેઓ આંખના કણાની જેમ ખૂંચતા. આખરે 1989મા ઝંડપુરમાં તેઓ 'હલ્લા બોલ' નામનું એક સ્ટ્રીટ પ્લે ભજવી રહ્યા હતા ત્યારે એમની હત્યા કરવામાં આવી હતી.
કોઇ કલાકર સાચી દાનતથી અવાજ ઊઠાવે ત્યારે વગદાર લોકોને એ કેટલો ભારે પડી શકે છે એ સફદર હાશમીએ પૂરવાર કર્યું. કપિલ શર્મા જેવા ભ્રષ્ટાચાર વિરોધી વાતો કરે ત્યારે એમાંથી હાસ્ય નહીં, પણ કરુણા જ ઉપજે. શાહરૂખ ખાને પણ વચ્ચે એકાદવાર રાજકીય મુદ્દે કોઇક સ્ટેન્ડ લીધું હતું, પરંતુ એમાંય એનો સ્વાર્થ જ હતો. રિશિ કપૂરે થોડા સમય પહેલા અચાનક ગાંધી-નેહરુ પરિવારની વિરુદ્ધમાં બોલીને વિવાદ જગાવવાની કોશિશ કરી, પરંતુ સૌને લાગ્યું કે એ બીજેપી સરકારની કોઇ ફેવર લેવા માગે છે. બોલિવુડમાં આમીર ખાન કદાચ એકમાત્ર એવો કલાકાર છે, જે પોતાના પગ નીચે રેલો ન આવ્યો હોય તો પણ સામાજિક તથા રાજકીય મુદ્દે પોતાનો અવાજ ઊઠાવે છે. અસહિષ્ણુતાના મામલે દેશ છોડવાની વાત કરીને આમીરે ભલે થોડી અતિશયોક્તિ કરી, પરંતુ અન્યથા એ સામાજિક પ્રશ્નો ઊઠાવી જાણે છે. એનામાં એ પ્રતિબદ્ધતા છે.
સેલિબ્રિટી, ખાસ તો ફિલ્મ કલાકારો જ્યારે સામાજિક હીતના કોઇ મુદ્દા ઊઠાવે ત્યારે એને ઘણું વધુ મહત્ત્વ મળે છે. ગોરેગાંવના એક એક્ટિવિસ્ટે કહ્યું કે ગેરકાયદે બાંધકામ વિશે હું બે વર્ષથી ઝુંબેશ ચલાવી રહ્યો છું છતાં એ બાબતે કોઇ પગલાં નથી ભરાતા, પણ કપિલ શર્માએ ટ્વિટર પર આ વાત છેડી તો બે દિવસમાં મ્યુનિસિપિલિટી સક્રિય બની ગઇ. વાત સીધી છે. કલાકારોના કરોડો ચાહકો હોય છે એટલે શાસકોએ એમની વાત પર ધ્યાન આપવું પડે. પણ જો એમની વાતમાં કોઇ દમ ન હોય તો આખી વાત કપિલના મામલાની જેમ બેકફાયર થાય. બીજી તરફ, 'સત્યમેવ જયતે' કાર્યક્રમ દ્વારા આમીર ખાને ઊઠાવેલા અનેક મુદ્દાને શાસકો તરફથી યોગ્ય પ્રતિસાદ મળ્યો છે અને અમુક કિસ્સામાં તો નક્કર પગલાં ભરવામાં આવ્યા છે.
કલાકારો સામાજિક પ્રતિબદ્ધતા દાખવે એ જરૂરી છે. કલાકારોમાં આવી પ્રતિબદ્ધતા હોય તો એ સારી વાત છે, ન હોય તો એમણે ચૂપ રહેવું જોઇએ. કપિલ શર્માની જેમ તમાશો કરવાની કોઇ જરૂર નથી.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર