રમતગમતનું ખરું મહત્ત્વ ક્યાં છે?

15 Aug, 2016
12:00 AM

નિખિલ મહેતા

PC:

અમારા એક મિત્ર બહુ જ રમત-ગમતપ્રેમી છે. શારીરિક ચુસ્તતા અને ખેલભાવના એમના જીવનનું મુખ્ય પ્રેરકબળ છે. પોતે પણ હંમેશાં સ્પોર્ટ્સ શૂઝ અને ટી-શર્ટસ પહેરે, વોક અને જોગિંગ કરવા જાય, દુનિયાની બધી રમતગમતમાં રસ લે અને દરેક રમતના ભારતીય ખેલાડીઓ વિશેની જાણકારી રાખે. પોતાના પુત્રને તેઓ સચીન તેન્દુલકર બનાવવા માગતા હતા, પણ પુત્ર ઇનડોર ગેમ્સથી આગળ ન વધી શક્યો. આથી રમતગમત પ્રત્યેનો બધો પ્રેમ તેઓ ભારતીય ખેલાડીઓ પર ઠાલવતા રહે છે. ઓલિમ્પિક્સમાં ભારતીય ખેલાડીઓ સારું પરફોર્મ નથી કરી રહ્યા એનાથી એમને બહુ દુઃખ થાય છે. ટીવી સામે બેસીને તેઓ જોશપૂર્વક 'કમ ઓન ઇન્ડિયા, કમ ઓન ઇન્ડિયા' એવી બૂમો પાડતા રહે છે, પરંતુ પછીની થોડી જ ક્ષણોમાં ભારતીય ખેલાડીઓ એ ઇવેન્ટમાંથી બાકાત થઇ જાય છે.

ગઇકાલે તેઓ મને મળ્યા ત્યારે એકદમ ખિન્ન હતા. એમણે કહ્યું કે એક તો આપણા ખેલાડીઓ ફોર્મમાં નથી આવી રહ્યા એને એમાં પાછી આ શોભા ડે દાઝ્યા પર ડામ દે છે. તેઓ એકદમ રડમસ થઇ ગયા અને મને લાગ્યું કે જો હું એમને હિંમત નહીં આપું તો તેઓ ભાંગી પડશે. મેં એમને કહ્યું કે ઓલિમ્પિક્સમાં રમતની ભાવના વધુ મહત્ત્વની છે, ચંદ્રકો મહત્ત્વના નથી. મિત્રે થોડી રાહત અનુભવી અને કહ્યું કે સાવ ટચુકડા દેશો ચંદ્રકો જીતે અને આપણે સાવ ઠનઠન ગોપાલ?

કોઇ વાતનું મહત્ત્વ સમજાવવાનું આસાન છે, પણ કોઇ વાતનું મહત્ત્વ ન હોવાનું સમજાવવું કઠિન છે. ઓલિમ્પિક્સના ચંદ્રકોનું કોઇ એવું મહત્ત્વ નથી કે એ ન મળે તો આપણે આટલા દુઃખી થઇ જવું પડે એ વાત સમજાવવા માટે મેં મારા રમતગમતપ્રેમી મિત્રને પાંચ પ્રશ્નો કર્યા. શું આપણને ઓલિમ્પિક્સના ચંદ્રકો મળે તો ભારતને યુનોની સિક્યોરિટી કાઉન્સિલમાં સ્થાન મળી જશે? શું ફુગાવાનો દર ઘટી જશે? શું જીડીપીનો દર વધી જશે? શું પીઓકે ભારત જીતી લેશે? શું અચ્છે દિન આવશે?

લાગે છે કે આપણે રમતગમતને જીવનમાં વધુ પડતું મહત્ત્વ આપી રહ્યા છીએ અને એ પણ સાવ ખોટી રીતે. સ્પોર્ટ્સ એટલે કે રમતગમતના બે મૂળભૂત ઉદેશ્ય હોય છે. એક શારીરિક ચુસ્તતાને પ્રોત્સાહન મળવું અને બે ખેલભાવના વિકસવી. બાળક નાનપણથી જો સ્પોર્ટ્સમાં સક્રિય હોય તો એની શારીરિક ચુસ્તતા જળવાઇ રહે અને એકંદરે તંદુરસ્ત રહે. કોઇ કહેશે કે સ્પોર્ટ્સથી માનસિક તંદુરસ્તી પણ વધે તો એ પણ માન્યું. અને આ તો સારી જ વાત છે. હરીફાઇના આ જગતમાં માણસ ખેલભાવના કેળવે એ પણ એટલું જ જરૂરી છે. હારથી હતાશ ન થવું અને સામી વ્યક્તિ આપણાથી ચઢિયાતી હોય તો એ વાતનો સ્વીકાર કરવાનું આપણને ખેલભાવના કેળવવાથી શીખવા મળે છે. પણ એ સિવાય શું? આજકાલ રમતગમત પાછળની આ મૂળ ભાવના ભૂલાઇ ગઇ છે અને સાવ અલગ જ તત્ત્વોની રમતગમતમાં ભેળસેળ થઇ ગઇ છે. ચાલો, એક પછી એકની ખબર લઇએ.

જુગારઃ આજકાલ અનેક રમતોમાં બહુ મોટા પાયે જુગાર ખેલાય છે અને અનેક લોકો ફક્ત જુગારને કારણે રમતમાં રસ લેતા હોય છે. વિમ્બલ્ડનમાં લેડિઝ ટેનિસની મેચ ચાલતી હોય ત્યારે રસિકજનો ભલે મારીઆ શારાપોવાને જોવા માટે મેચ જોતા હશે, પણ બીજા કેટલાય એવા હશે, જેમણે બેમાંથી એક ખેલાડી પર મોટો દાવ લગાવ્યો હશે. ફક્ત રમત તરીકે મોડી રાતના ઉજાગરા કરીને એ રમત જોવાવાળા બહુ ઓછા હશે. ક્રિકેટમાં અને ખાસ તો આઇપીએલની મેચોમાં કેવો જુગાર રમાય છે એની તો લોઢા કમિટીની ભલામણોથી અજાણ હોય એવા લોકોને પણ ખબર છે. મેચ ફિક્સિંગનો વિકૃત ચહેરો પણ આપણે જોઇ ચૂક્યા છીએ. વિદેશોમાં બારે મહિના કાઉન્ટી ક્રિકેટ અને ક્લબ સ્તરની ફૂટબોલ મેચો રમાતી રહે છે. આવી મેચોમાં સ્થાનિક રમતપ્રેમીઓ જુગારને કારણે જ એના તરફ આકર્ષાતા હોય છે. મોટા ભાગના વિદેશોમાં તો રમતગમત પરનો જુગાર કાયદેસર છે. ભારતમાં હોર્સ રેસિંગ એટલે કે ઘોડાની રેસ કાયદેસરનો જુગાર છે એ બહુ ઓછા લોકો જાણતા હશે, સુપ્રિમ કોર્ટે એક એવું જજમેન્ટ આપ્યું છે કે ઘોડાની રેસમાં કયો ઘોડો જીતશે એ નક્કી કરીને એના પર પૈસા લગાવવાની પ્રવૃત્તિ જુગાર નહીં, પણ ગેમ ઓફ સ્કીલ છે. જોકે આપણા દેશમાંય હવે દરેક પ્રકારની રમત પર ગેરકાયદે જુગાર રમાય છે. આમાં શારીરિક ચુસ્તતા કે ખેલભાવના ક્યાં વચ્ચે ટપકતી નથી.

વ્યક્તિપૂજાઃ આપણે વ્યક્તિપૂજામાં માનતી પ્રજા છીએ એટલે કોઇ પણ ક્ષેત્રમાં થોડી સફળતા મેળવનાર વ્યક્તિ પર ઓળઘોળ થઇ જઇએ છીએ અને એ વ્યક્તિ હજુ થોડી વધુ સફળતા મેળવે તો એને મહાન બનાવી દઇએ છીએ. ક્રિકેટના સુપરસ્ટાર્સ આપણી આ વૃત્તિને કારણે જ અધધ સંપત્તિમાં આળોટતા થઇ ગયા છે. બાકી સચીન તેન્દુલકરનો જ દાખલો લો. એ ભાઇએ જિંદગીમાં સારું ક્રિકેટ રમવા સિવાય બીજું શું કર્યું છે? શું ફક્ત એક રમત રમવા માટે કોઇ વ્યક્તિને આટલી પ્રસિદ્ધિ અને આટલી સંપત્તિ મળે એ યોગ્ય છે? એમાં પાછું સચીનને તો રાજ્યસભાનું સભ્યપદ અને ભારતરત્ન. પેલા વિજયેન્દ્ર સિંહે બોક્સિંગમાં થોડી સફળતા મેળવી તો એને ફિલ્મનો હીરો બનાવી દેવામાં આવ્યો. મહેન્દ્ર સિંહ ધોની તો સ્પોર્ટ્સમેન કરતા બિઝનેસમેન તરીકે વધુ જાણીતો બન્યો છે. વ્યક્તિપૂજાને રમતગમતમાં ઘુસાડી દેવાને કારણે આપણે ક્યારેક મૂર્ખામીની હદ પાર કરી જઇએ છીએ.

મનોરંજનઃ રમતગમતમાં આનંદ મળે એ જરૂરી છે. ક્રિકેટમાંથી આપણે ભરપૂર આનંદ લેતા શીખ્યા છીએ. જોકે ખરો આનંદ તો આપણે પોતે રમત રમીએ ત્યારે મળતો હોય છે. બિલ્ડીંગના ગ્રાઉન્ડમાં પાડોશીઓ સાથે વોલીબોલ રમવું કે દોસ્તો સાથે ક્રિકેટ રમવાની મજા જ કંઇક અલગ છે. રમત રમવાનો આનંદ એકદમ પ્યોર હોય છે. બચપણમાં આપણે જે જે આઉટડોર ગેમ્સ રમતા હતા એમાં અવર્ણનીય આનંદ મળતો હતો, પરંતુ હવે બધુ બદલાઇ ગયું છે.  જ્યારથી રમતગમતનું માર્કેટિંગ શરૂ થયું છે અને ટીવી પર એને દર્શાવવનું શરૂ થયું છે ત્યારથી રમતગમતનો મૂળ આનંદ વિસરાઇ ગયો છે અને આપણે એમાંથી વૈકલ્પિક આનંદ લેતા થઇ ગયા છીએ. આ જ કારણસર મૂળ ક્રિકેટનું સ્વરૂપ બદલાયું. વન ડે ક્રિકેટ આવ્યું અને હવે ટી ટ્વેન્ટીની બોલબાલા છે. રમતગમતનું મનોરંજનમાં આખરી રૂપાંતર એટલે ઇન્ડિયન પ્રિમિયર લીગ (આઇપીએલ).

આઇપીએલના આયોજકોએ બેશરમ બનીને રમતગમતની આ ટુર્નમેન્ટમાં મનોરંજનનો બધો જ મસાલો ઠાલવી દીધો છે અને આપણે પણ એ માણવા માટે ઉત્સુક રહીએ છીએ. મૂળ વાત એ કે આમાં રમતગમતની મૂળ ભાવના દૂર દૂર સુધી ક્યાંય નજરે નથી પડતી.

દેશભક્તિઃ રમતગમત સાથે સંકળાયેલું આ પરિબળ કંઇ નવું નથી. હકીકતમાં ઓલિમ્પિક્સ તથા અન્ય આંતરરાષ્ટ્રીય રમતોત્સવમાં દરેક દેશના ખેલપ્રેમીઓ પોતાના દેશની ટીમ જીતે એવી હોંશથી એ રમત માણતા હોય છે. હરીફાઇને તંદુરસ્ત ભાવનાથી માણીએ ત્યાં સુધી વાંધો નહીં, પણ ક્યારેક દેશભક્તિની ભાવના ખેલદિલીની ભાવનાથી વધુ મહત્ત્વની બની જાય છે. ક્રિકેટના વર્લ્ડ કપની ટુર્નામેન્ટની શરૂઆતમાં જ આપણે કહેતા હોઇએ છીએ કે કપ ન મળે તો ચાલશે, પાકિસ્તાન સામે જીતીએ એ જ આપણો વર્લ્ડ કપ. રમતગમતમાં ઘુસેલી દેશભક્તિની ભાવના ક્યારેક ઝનૂન પેદા કરે છે અને ખેલભાવનાને બદલે વેરભાવના વધારી મૂકે છે.

વેપારીકરણઃ રમતગમતની મૂળ ભાવનાને આખરી ફટકો આ વેપારીકરણે માર્યો છે. ક્રિકેટ જેવી રમતમાં કરોડો રૂપિયાના સ્ટેક્સ હોય છે. બીસીસીઆઇ એક અતિ સમૃદ્ધ ઓર્ગેનાઇઝેશન છે અને મોટા મોટા રાજકારણીઓ એના પર કબજો જમાવવા પ્રયત્નો કરતા રહે છે. વિવિધ રમતોની મેચો ટેલિકાસ્ટ કરવાના રાઇટ્સ કરોડોમાં વેચાય છે. અબજો રૂપિયાની જાહેરખબરો પ્રસારિત થાય છે. ખેલાડીઓને મોટા મોટા એન્ડોર્સમેન્ટ્સ કોન્ટ્રેક્ટ્સ મળતા હોય છે. વાત એવી આડે પાટે ચડી ગઇ છે કે માબાપ પોતાના બાળકને સચીન તેન્દુલકર અને વિરાટ કોહલી બનાવવાના સપનાં જોતા હોય છે. આવા લોકોને લૂંટવા માટે ભૂતપૂર્વ ક્રિકેટરો મોંઘીદાટ ક્રિકેટ એકેડેમી શરૂ કરે છે. હજારો બાળકો આવી એકેડેમીમાં તાલિમ લેતા હોય છે, પરંતુ ભાગ્યે જ કોઇની મહત્ત્વકાંક્ષા પૂરી થાય છે. રમતગમતના સાધનો મોંઘા થઇ ગયા છે. ડગલે ને પગલે પૈસાની બોલબાલા છે. આમાં ક્યાં આવી રમતની ખેલભાવના અને શારીરિક ચુસ્તતાની વાત?

આથી જ ઓલિમ્પિક્સમાં આપણા ખેલાડીઓ ચંદ્રક ન મેળવે તો એ બાબતે હતાશ થવા જેવું નથી. મૂળભૂત રીતે આપણને રમતગમતમાં રસ છે જ નહીં. આપણને ફક્ત રમતગમત સાથે સંકળાયેલા દૂષણોમાં જ રસ છે. રમતગમત પ્રત્યેનો સાચો અભિગમ ફક્ત એક જ હોઇ શકેઃ  રમતગમતને ટીવી પર જોવાનું બંધ કરો અને તમે પોતે એ રમવાનું શરૂ કરો. નિજાનંદ માટે.

 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.