2019 માં કોણ જીતશે, બોલો?
છેલ્લા કેટલાક સમયથી ભારતના રાજકારણમાં બહુ મોટી ઘટનાઓ બની રહી છે અને કેટલાક નાટ્યાત્મક પરિવર્તન આવ્યા છે. આમાં મુખ્ય તો ગુજરાત વિધાનસભાની ચૂંટણી અને એ દરમિયાન થયેલા પ્રચાર તેમ જ ચૂંટણીના પરિણામોએ ઘણા લોકોને વિચાર કરતાં મૂકી દીધા છે. ચૂંટણીઓની જાહેરાત થઈ ત્યારથી જ મામલો રોચક બની ગયો હતો. ચૂંટણી પહેલા વિકાસ ગાંડો થયો છે ની જે હવા ફેલાઈ એના કારણે રાજ્યમાં એન્ટી ઇન્કમ્બન્સીનો માહોલ સર્જાયો. ભારતીય જનતા પક્ષની હાર થાય એવી શક્યતા ઊભી થઈ અને એના લીધે જ ભાજપના નેતાઓએ આ ચૂંટણીને ખૂબ જ વધુ મહત્ત્વ આપવાનો ફેંસલો લીધો. વડા પ્રધાન સહિતના કેન્દ્રના અનેક નેતાઓએ રાજ્યમાં ભરપૂર પ્રચાર કર્યો. નરેન્દ્ર મોદીએ 41 રેલીઓ કરી. ગાંડા વિકાસની સામે ભાજપે 'હું છું વિકાસ' નો પ્રચાર કરીને વળતો પ્રહાર કર્યો અને આક્રમક પ્રચાર વ્યૂહ અપનાવ્યો. બીજી તરફ પાટીદારોના નેતા હાર્દિક પટેલ, દલિત નેતા જિગ્નેશ મેવાણી અને ઓબીસીના નેતા અલ્પેશ ઠાકોરની ત્રિપુટીએ ભેગાં મળીને ભાજપની તકલીફો વધારી. હાર્દિક પટેલની જબરજસ્ત રેલીઓને કારણે શાસક પક્ષ
ટેન્શનમાં આવી ગયો. હાર્દિકની સેક્સ સીડી બહાર આવી. કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીની સભાઓમાં અભૂતપૂર્વ જનમેદની ઊમટવા લાગી. રાહુલની લોકપ્રિયતામાં ઉછાળો આવ્યો હોય એવું સૌને લાગ્યું. ભાજપના નેતાઓએ મંદિરોની મુલાકાત લેવા માટે રાહુલની ટીકા કરી. વિજય રૂપાણીએ અહેમદ પટેલ પર ત્રાસવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવાનો ગંભીર આરોપ કર્યો તો વડા પ્રધાને ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ સામે પાકિસ્તાન સાથે મિલીભગત કર્યા હોવાના અતિ ગંભીર આરોપ કર્યા. એકંદરે આ જંગ ખરેખર પ્રતિષ્ઠાનો બની ગયો હતો અને ચૂંટણી પ્રચારનું સ્તર સાવ ખાડે ગયું.
ચૂંટણીના પરિણામો કોંગ્રેસની ઇચ્છા પ્રમાણે ન આવ્યા, પરંતુ વિધાનસભામાં એ પક્ષની બેઠકોની સંખ્યામાં મોટો વધારો થયો. 22 વર્ષોથી શાસન કરી રહેલો ભારતીય જનતા પક્ષ માંડ માંડ બહુમતી મેળવી શક્યો. 150 બેઠકોનો દાવો કરનાર ભાજપ ફક્ત 99 બેઠકો મેળવી શક્યો, છતાં એમણે દાવો કર્યો કે જીત આખિર જીત હોતી હૈ. ગુજરાત ચૂંટણીના પરિણામો બાદ બે મોટી ઘટનાઓ બની. એક તો રાહુલ ગાંધી સત્તાવાર રીતે કોંગ્રેસ પક્ષના પ્રમુખ બન્યા અને બે, બહુ ચગાવવામાં આવેલા 2G સ્કેમ બાબતે કોર્ટે એક જબરજસ્ત ચુકાદો આપ્યો. તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા અને 2G સ્કેમ જેવું કંઈ હતું જ નહીં એવો કોર્ટે નિર્દેશ આપ્યો. ગુજરાત ચૂંટણીઓમાં કોંગ્રેસે કરેલા દેખાવને રાહુલે મોરલ વિક્ટરી ગણાવી. એમની એ વાત સાથે બધા કદાચ સહમત ન થાય, પરંતુ 2G સ્કેમ વિશેના ચુકાદા બાબતે આખા દેશમાં એક એકમત પ્રવર્તતો જોવા મળ્યો કે ભારતીય જનતા પક્ષ ખોટા પ્રચારને કારણે 2014ની લોકસભાની ચૂંટણીઓ જીતી શક્યો હતો. અરુણ જેટલીએ ભલે કહ્યું કે કોર્ટનો ચુકાદો એ કોઈ સન્માનપત્ર કે સર્ટિફિકેટ નથી, પરંતુ હકીકત એ છે કે ચુકાદામાં ન્યાયમૂર્તિએ વાત લખી છે, જે શબ્દો વાપર્યા છે એ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટ માટે પણ આ ચુકાદાને પલટાવવાનું લગભગ અશક્ય છે એવું નિષ્ણાતો માને છે.
તાજેતરની આ ઘટનાઓને પગલે દેશમાં રાજકીય માહોલ સાવ જ બદલાઈ ગયો છે. કોંગ્રેસ સામે ભ્રષ્ટાચારનો જે મુખ્ય આરોપ હતો એ બોગસ પુરવાર થયો છે. પ્રજા અને મીડિયા વિચાર કરતાં થઈ ગયા છે. હવે 2019ની લોકસભાની ચૂંટણીઓ બાબતે બહુ જ ઉત્સુકતા જાગી છે, કારણ કે એને હવે ફક્ત દોઢ જ વર્ષ બાકી છે. કોણ જીતશે આગામી લોકસભામાં? મોટે ભાગે તો ભારતીય જનતા પક્ષની આગેવાની હેઠળના એનડીએ અને કોંગ્રેસ તથા એની સાથે સંકળાઈને લડનારા અન્ય વિરોધ પક્ષોના મોરચા વચ્ચે સીધો જંગ થશે. વિરોધ પક્ષના મોરચાના નેતાના નામ બાબતે અગાઉ થોડી અવઢવ હતી, પરંતુ છેલ્લા થોડા સમયથી રાહુલ ગાંધીના ચમકી રહેલા સિતારાને ધ્યાનમાં લેતા હવે એ વાત કોઈ શંકા નથી કે વિપક્ષી મોરચાના નેતા રાહુલ ગાંધી જ હશે. તો ટૂંકમાં 2019ની લોકસભાનો જંગ નરેન્દ્ર મોદી વિરુદ્ધ રાહુલ ગાંધી વચ્ચેનો જ હશે. 2019 સુધીમાં તો બીજી ઘણી રાજકીય ઘટનાઓ બનશે, પરંતુ અત્યારે જે બૅકગ્રાઉન્ડ તૈયાર થયું છે એના આધારે એક આછીપાતળી રૂપરેખા દોરી શકાય છે. એમ છે.
સૌથી પહેલા તો હાલના સિનારીઓના આધારે બંને પક્ષોની સ્થિતિ સમજવાની કોશિશ કરીએ. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા બરકરાર રહી છે એવું એક રીતે માની શકાય, કારણ કે એમના ગજાંનો કોઈ નેતા ભારતીય જનતા પક્ષમાં કે અન્ય કોઈ પક્ષમાં નથી. અનેક સર્વેક્ષણોમાં પણ આ વાત સિદ્ધ થઈ છે. અમિત શાહની ગણતરી વ્યુહકાર તરીકે થઈ શકે, પરંતુ નરેન્દ્ર મોદી જેવો કરિશ્મા એમનામાં નથી. લોકસભાની ચૂંટણી વખતે એક સંભવિત મસીહા તરીકે એમની ઇમેજ એક બહાર આવી હતી. લોકો એમ વિચારતા થયા કે કોંગ્રેસના ભ્રષ્ટ શાસન બાદ આ જ વ્યક્તિ દેશનો ઉદ્ધાર કરશે. લોકોએ એમનામાં પૂરો વિશ્વાસ મૂક્યો. મીડિયા, ખાસ તો અંગ્રેજી મીડિયાએ પણ ભૂતકાળ ભૂલીને નરેન્દ્ર મોદીને પ્રતિષ્ઠાના ઉચ્ચ આસન પર બેસાડ્યા. વડા પ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદીએ અનેક વિદેશ પ્રવાસો ખેડ્યા, વિદેશમાં વસતાં ભારતીયોની ચાહના મેળવી. અનેક દેશોના વડા સાથે સંબંધો કેળવ્યા અને દેશવિદેશમાં લોકોને પસંદ આવે એવી ભાષામાં ભાષણો આપ્યા. એમનો આ પ્રારંભિક કરિશ્મા સારા એવા સમય સુધી ટકી રહ્યો અને બીજી તરફ વિરોધ પક્ષો અંધારામાં જ ભટકતા રહ્યા, જેના કારણે એક પછી એક રાજ્યોની ચૂંટણીઓમાં પણ ભાજપનો વિજય થતો ગયો. અને છેવટે હનીમૂનનો સમય પૂરો થયો.
ભારતીય જનતા પક્ષને ટેકો આપનાર એક વર્ગ ધીમે ધીમે નરેન્દ્ર મોદીએ લીધેલાં કેટલાક નીતિવિષયક તથા વહીવટી પગલાંથી તેમ જ જમણેરી અંતિમવાદીઓને અંકુશમાં રાખવા બાબતે એમણે દાખવેલી ઉદાસીનતાથી નારાજ થયા. નોટબંધી, જીએસટી, કાશ્મીરમાં પીડીપી સાથેનું ગઠબંધન, પાકિસ્તાન સાથે કહ્યા પ્રમાણેનું કડક વલણ દાખવવાની અનિચ્છા, પેટ્રોલ તથા રાંધણ ગેસના ભાવમાં થયેલો વધારો વગેરે જેવા મુદ્દા એવા છે, જેમાં સરકારની નિષ્ફળતા ઊડીને આંખે વળગે એવી રહી. ભાજપના બોલકા સમર્થકો સતત સરકારનો બચાવ કરતાં રહ્યા એ વાત અલગ છે, પરંતુ હકીકત છૂપી રહી શકે એમ નથી. સરકાર પ્રત્યેની નારાજગીની પરાકાષ્ઠા ગુજરાતની ચૂંટણીઓમાં જોવા મળી. ભાજપ ભલે સતત છઠ્ઠી વાર વિજય મેળવવાનો દાવો કરીને ખુશી મનાવે, પરંતુ ગુજરાતમાં ભાજપ એટલી હદે છવાયેલો રહ્યો છે કે 150 બેઠકો ન આવે એ ખરેખર એક પીછેહઠ છે. પશ્ચિમ બંગાળમાં માર્ક્સવાદી પક્ષે જે રીતે પ્રજાના માનસ પર કબજો જમાવ્યો હતો એવું જ વર્ચસ ભાજપનું ગુજરાતની પ્રજા પર હતું. ચૂંટણીઓ પહેલા સિનિયર પત્રકાર સાગરિકા ઘોષે બહુ જ અસરકારક રીતે કહ્યું હતું કે ગુજરાતમાં ભાજપ એટલો મજબૂત છે કે એને ઊખાડવા માટે તમારે સુનામી લાવવી પડે. વેલ, રાહુલ ગાંધી અને ત્રણ યુવા નેતાઓની ત્રિપુટી સુનામી તો ન લાવી શકી, પરંતુ એમણે ગુજરાતમાં ભાજપના મૂળિયાં હચમચાવી નાંખ્યા એનો ઇનકાર થઈ શકે એમ નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં ખાલી ખુરસીઓ દેખાઈ એ કદાચ ગુજરાતની ચૂંટણીઓની સૌથી મોટી લાક્ષણિકતા હતી. ગુજરાતના પરિણામો અને 2G સ્કેમના ચુકાદા બાદ હવે બીજા કેટલાક રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ આવી રહી છે, જેમાં કર્ણાટક, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન મુખ્ય છે. આ ચૂંટણીઓ 2019 પહેલા યોજાશે. નિશ્ચિતપણે આ વિધાનસભા ચૂંટણીઓમાં ભારતીય જનતા પક્ષની સ્થિતિ વધુ નબળી પડશે.
હવે કોંગ્રેસની વાત કરીએ. અગાઉની બધી વાત ભૂલી જાઓ. ગુજરાત ચૂંટણીઓ દરમિયાન રાહુલ ગાંધીએ કરેલા પ્રચારને દરેક રીતે સફળ ગણી શકાય. એમના કટ્ટર ટીકાકારોએ પણ આ સમય દરમિયાન કબૂલ્યું કે રાહુલમાં ઘણું ઇમ્પ્રૂવમેન્ટ થયું છે. બીજી તરફ ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ પર કરવામાં આવેલા પાકિસ્તાન સંબંધિત પાયાવિહોણા આક્ષેપને પગલે નરેન્દ્ર મોદીની ઇમેજને ઘસારો પહોંચ્યો છે. હવે રાહુલ ગાંધી કોંગ્રેસના પ્રમુખ પણ બની ગયા છે, જે એક મોટી ઘટના ગણાય. એક તો એમના પક્ષમાં રાહુલ સામે જે કોઈ નાનોમોટો વિરોધ હતો એ નામશેષ થઈ ગયો છે. બીજી તરફ રાહુલની જે એક 'પપ્પુ' તરીકેની ઇમેજ ઊભી કરવામાં આવી હતી એ ખતમ થવાને આરે છે. કોંગ્રેસના પ્રમુખ તરીકે રાહુલ યોગ્ય છે એટલું જ નહીં, તેઓ સફળતા મેળવશે એવી આશા મોટા ભાગના રાજકીય વિશ્લેષકોએ વ્યક્ત કરી છે. લાલકૃષ્ણ અડવાણીની નજીક ગણાતા વિદ્વાન સુધેન્દ્ર કુલકર્ણીએ રાહુલના બેફામ વખાણ કર્યા છે.
ઓકે, તો માની લીધું કે અત્યારની સ્થિતિમાં કોંગ્રેસનો હાથ જરા ઉપર ગણાય. કમ સે કમ 2014માં જે સ્થિતિ હતી એના કરતા પક્ષની હાલત ઘણી સારી ગણાય. તો શું 2019ની લોકસભામાં કોંગ્રેસ જીત મેળવી શકશે? ના. કદાચ હા.
છેલ્લા કેટલાક સમયથી ભારતમાં ચૂંટણીઓ ફક્ત માર્કેટિંગના આધારે થઈ રહી છે. 2G સ્કેમ વિશેની સાચી હકીકતો બહાર આવ્યા પછી એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે મૂળ મુદ્દા અને સચ્ચાઈની કોઈને પડી નથી. માર્કેટિંગ અને પેકેજિંગ જે સારી રીતે કરી શકે એની વાતમાં ગ્રાહકો એટલે કે મતદારો આવી જાય છે. નીતિમત્તા કે ધારાધોરણનો સમય હવે નથી રહ્યો. ગુજરાતના મુખ્ય પ્રધાન નક્કી કરવા માટે દેશના વડા પ્રધાન પાકિસ્તાનીઓ સાથે કાવતરું કરી શકે એના જેટલી વાહિયાત અને હીન કક્ષાની વાત પણ ચૂંટણી જીતવા માટે થઈ શકતી હોય ત્યારે ચૂંટણી ઢંઢેરા કે પ્રજાને આપવામાં વચનોનો કોઈ અર્થ નથી રહેતો. પક્ષની નીતિમત્તા કે નિષ્ઠા હવે અસંગત બની ગઈ છે. રાજકીય પક્ષોએ પોતાની નીતિઓ કે ઉમેદવારોને આગળ નથી કરવાના, એક પ્રોડક્ટને વેચવાની છે. અને આ બાબતમાં ભારતીય જનતા પક્ષે સારી એવી નિપુણતા મેળવી છે. કોંગ્રેસ પક્ષ આ વાત સમજે છે, પરંતુ નવી વાસ્તવિકતાને અપનાવવામાં સંકોચ અનુભવી રહી છે. ખરી સમસ્યા તો એ છે કે પોતાના પક્ષ તથા પોતાના પક્ષની નીતિઓને કઈ રીતે એક પ્રોડક્ટ તરીકે વેચવી એની કોંગ્રેસ પક્ષને સૂઝ નથી.
આ સંદર્ભમાં એક ઉદાહરણ આપું છે, જેમાં બંને પક્ષની માર્કેટિંગ તાકાત અને નબળાઇ છતાં થાય છે. કોંગ્રેસને પાન પરાગ કે એવી કોઈ બ્રાન્ડના મુખવાસ તરીકે ધારી લો. વર્ષો સુધી લોકો આ મુખવાસ ખાતાં રહ્યા, પછી એની ગુણવત્તા થોડી નબળી પડી. મુખવાસમાં કાંકરા આવવા લાગ્યા, ધાણાની દાળ જરા ખોરી આવવા માંડી. કથળતી ગુણવત્તા બાબતે કંપની બેદરકાર રહી એવામાં જ બીજી એક કંપની બજારમાં આવી. એણે જોરશોરથી કોંગ્રેસ બ્રાન્ડ મુખવાસ પર પ્રહાર શરૂ કર્યા. લોકોને કહ્યું કે આ લોકો તમને નબળી પ્રોડક્ટ વેચી રહ્યા છે, તમને લૂંટી રહ્યા છે. એમને પડતા મૂકો. અમારી પ્રોડક્ટ અપનાવો. હવે નવી કંપનીએ મુખવાસના નામ પર માણેકચંદ કે એના જેવી કોઈ બ્રાન્ડના ગુટખાં વેચવાનું શરૂ કર્યું. શરૂઆતમાં લોકોને મજા આવી. એમાં સ્વાદ પણ હતો અને નશો પણ હતો. ધીમે ધીમે લોકોને એની આદત પડી ગઈ. થોડા સમય પછી ઘણા લોકોને ખ્યાલ આવી ગયો કે આ ચીજ મુખવાસ નથી, ગુટખાં છે. લોકો એ પણ સમજ્યા કે આ ગુટખાં ખૂબ નુકસાનકારક છે, પરંતુ લોકોને એની આદત પડી ગઈ છે. નશો ગુટખાંનો હોય કે નકલી દેશભક્તિનો હોય, એ વિનાશ જ ફેલાવે, છતાં લોકો લાચાર છે, કારણ કે એમને આ લતમાંથી બહાર કાઢી શકે એવું કોઈ દેખાતું નથી.
રાહુલ ગાંધી અને કોંગ્રેસ પક્ષ માટે આ સૌથી મોટો પડકાર છે. મુખવાસને નામે ભાજપ જે ગુટખાં વેચે છે એનાથી થનારા નુકસાન વિશે શું રાહુલ લોકોને જાગ્રત કરી શકશે? લોકો નશામાંથી બહાર આવી જાય એવી તીવ્રતાથી શું તેઓ પ્રચાર ઝુંબેશ ચલાવી શકશે? જો તેઓ એમ ન કરી શકે એમ હોય તો એમની પાસે બીજો વિકલ્પ એ છે કે લોકો ગુટખાંને પણ ભૂલી જાય એવી કોઈ ઉત્કૃષ્ટ પ્રોડક્ટ બજારમાં લાવે. એટલે કે શાસન વ્યવસ્થાની એવી બ્લુપ્રિન્ટ પ્રજા સામે રજૂ કરે કે લોકો એનાથી પ્રભાવિત થાય. આર્થિક અને સામાજિક નીતિઓની એક એવી વાસ્તવિક રૂપરેખા તૈયાર કરીને પ્રજા સમક્ષ રજૂ કરે કે લોકોને એ ખૂબ પસંદ આવે અને પ્રજા એમ વિચારે કે ઓકે, ચાલો આપણે આને એક ચાન્સ આપીએ.
આ કામ ઘણું ઘણું અઘરું છે. રાહુલ અને કોંગ્રેસ સામે બહુ મોટો પડકાર છે. ગુજરાતમાં ભાજપે હારના મોઢાંમાંથી છેલ્લી ઘડીએ જીત છીનવી લીધી એમ 2019માં આ પક્ષ માર્કેટિંગની કોઈ ટ્રિક અજમાવીને પોતાનો પાસો પોબારો કરી નાંખે એવી શક્યતા નકારી કઢાય નહીં. રાહુલ અને કોંગ્રેસ માટે જોકે એક ચમત્કારની આશા પણ છે. શક્ય છે કે 2019 સુધીમાં પ્રજા પોતે જ આ ગુટખાંને કારણે થતાં નુકસાન બાબતે જાગ્રત થઈ જાય અને નશામાંથી બહાર આવી જાય. એ શક્ય છે. નથિંગ ઈઝ ઈમ્પોસિબલ.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર