તમે કોને ધિક્કારો છો?

22 May, 2017
12:00 AM

નિખિલ મહેતા

PC: sindonews.net

ઇશ્વરે માણસની અંદર એવા ભારોભાર અવગુણો ભર્યા છે કે તમે એને કોઇ પણ એંગલથી ધિક્કારી શકો. માણસજાતની એક વિશેષતા એ છે કે એ વાતો હંમેશાં સારી સારી કરશે, પરંતુ એની પોતાની અંદર કોઇ સારી વાત હોતી નથી. દરેક માણસની અંદર કમ સે કમ દસ-પંદર અવગુણો પથરાયેલા હોય છે. ફરક એટલો જ હોય છે કે કોઇનામાં અમુક અવગુણ વધુ હોય તો બીજામાં તમુક. ખરેખર તો માણસની અંદરની આ અવગુણોની સમૃદ્ધિને કારણે જ લોકો એકબીજાને ધિક્કારીને ટાઇમપાસ કરી શકે છે. બાકી બધા જ માણસો સારા હોત તો આ દુનિયાનું શું થાત? મને તો ક્યારેક એવો વિચાર આવે છે કે રામરાજ્યમાં જો બધા જ લોકો સારા હતા તો પછી એ લોકો ટાઇમપાસ કઇ રીતે કરતા હશે?

આમ તો માણસની અંદરનો દરેક અવગુણ ધિક્કારવાને લાયક હોય છે, ખાસ તો એ બીજામાં હોય ત્યારે, આમ છતાં દરેક માણસને કોઇ ખાસ અવગુણ માટે વિશેષ ધિક્કાર હોય છે અને એવા અવગુણ ધરાવતી વ્યક્તિને ધિક્કારવાનો વિશેષ આનંદ માણસ લેતો હોય છે. મજાની વાત એ છે કે કેટલાક લોકોને વળી સારા ગુણો પણ ધિક્કારવાલાયક લાગતા હોય છે. જેમ કે અમારા એક ફૈબાને કોઇ હસે એ જરાય ન ગમે. ખાસ તો પરિવારની છોકરીઓ. જો કોઇ એમની સામે હસે તો ફૈબા એમને ખખડાવી નાંખે. અમારી કઝિન જરા હસે તો ફૈબા એના પર ગુસ્સે થઇને કહે શરમ નથી આવતી આમ ખીખી કરે છે? કંઇ કામબામ છે કે નહીં? કઝિન કહે કે હમણા જ રોટલી કરીને આવી. પછી ખીખી કરું છું. તો ફૈબા ઊભા થઇને મારવા દોડે. 

આવો જ એક બીજો ગુણ છે નિખાલસતાનો. સામાન્ય સંજોગોમાં કોઇ નિખાલસ હોતું નથી. લોકો દુનિયાને જે કહેવાનું હોય એ જ કહેતા હોય છે. બાકીની વાત છૂપાવી રાખતા હોય છે. આમ છતાં અમુક ચોખ્ખા મનના માણસો જે સાચી વાત હોય એ બોલી નાંખતા હોય છે. આવા લોકોની વાત પર પહેલા તો કોઇ વિશ્વાસ નથી કરતું અને બીજા કેટલાક લોકો ટીકા કરવા ખાતર એને દોઢડાહ્યામાં ખપાવી દે છે. 

આપણે વાત કરતા હતા અવગુણોની અને એ માટેના ધિક્કારની. તો અવગુણોમાં મોટા ભાગના લોકોને ફેંકુ માણસો ગમતા નથી હોતા. આ  કોઇ રાજકીય લેખ નથી એટલે બીજી ગેરસજમણ કરવાની મનાઇ છે. ફેંકનાર વ્યક્તિ હંમેશાં મોટી મોટી વાતો કરતી હોય છે અને એ સાંભળનારથી સહન નથી થતું. ફેંકુ માણસને અમુક લોકો મોઢા પર કહી દેતા હોય છે કે ભાઇ, જરા વાજબી રાખ. આમ છતાં ફેંકવાનો અવગુણ એવો નશાકારક છે કે ફેંકુ લોકો સામેની વ્યક્તિની પરવા કર્યા વિના ફેંકવાનું ચાલું જ રાખે છે. ઘણા લોકો ફેંકુને મોઢામોઢ કહી શકતા નથી એટલે એ જાય પછી એની નિંદા શરૂ કરે છે. તરત જ તેઓ આજુબાજુમાં બેઠેલી વ્યક્તિને કહેશેઃ સાંભળ્યાને ટાઢા પહોરના ગપ્પા? આપણને મૂરખ સમજે છે. આજુબાજુમાં જો કોઇ ન હોય તો પોતાના મિત્ર કે સ્નેહીને ફોન કરીને કહી દેશેઃ પેલો આવ્યો હતો? શું ફેંકાફેક કરતો હતો.

અમુક લોકોને જૂઠ્ઠા માણસો પસંદ નથી હોતા અથવા તેઓ એવો દેખાવ કરતા હોય છે. કોઇ જૂઠ્ઠુ બોલે તો એવો ગુસ્સો વ્યક્ત કરે જાણે ધરતી ફાટી પડી અને પોતે રાજા હરીશચંદ્રના અવતાર હોય. આવા જૂઠ્ઠાણાં  લોકોના પોતાના માટેના માપદંડ પાછા અલગ હોય છે. બહુ ગહન અભ્યાસ કર્યા પછી જાણવા મળ્યું છે કે આવા લોકો કોઇનું કામ ન કરવું હોય, કોઇને ફેવર ન કરવી હોય એ માટે આ શસ્ત્રનો ઉપયોગ કરતા હોય છે. કોઇ નાની સરખી વિનંતિ કરે, માગણી કરે અને પોતાની સમસ્યા વર્ણવે ત્યારે એમાં થોડું તો મીઠુંમરચું રહેવાનું જ. હવે આ ભાઇ તરત એ નાનું જૂઠ્ઠાણું પકડી પાડે અને બૂમાબૂમ કરી મૂકે. મને નફરત છે આવા જૂઠ્ઠાણાં પ્રત્યે. આઇ હેટ લાય્ઝ. તમે સાચું બોલ્યા હોત તો મેં તમને ડબલ આપ્યું હોત. પણ હવે નહીં. સોરી. મને આવા જૂઠ્ઠા માણસો નથી ગમતા. પ્લીઝ ગો અવે. એક તો કંઇ કરવું નહીં, કંઇ આપવું નહીં અને પાછા સામા માણસને નીચો દેખાડવો. એ જ મજા છે અન્ય લોકોને ધિક્કારવાની. જોકે આવા લોકોને ટપી જાય એવા જૂઠ્ઠા નમૂના પણ દુનિયામાં અસ્તિત્ત્વ ધરાવે છે. સવારમાં પથારીમાં સૂતાં હોય ત્યારે મિત્રનો ફોન આવે તો પડખું ફેરવીને ફોનમાં કહી દેશેઃ બસ, તૈયાર થઇને બહાર નીકળ્યો. રિક્શા પકડું છું. પંદર મિનિટ પછી મિત્રનો ફોન ફરીથી આવે ત્યારે ચાદરમાંથી મોઢું બહાર કાઢીને કહેશેઃ સ્ટેશન પર પહોંચ્યો. ટ્રેન નથી આવી. કંઇક લોચા લાગે છે. આપણી સામે જૂઠ્ઠાણાની આવી ઘટના બને ત્યારે ઘડીભર તો આપણે પણ આવા લોકોને ધિક્કારવા માંડીએ.

કેટલાક લોકોના શરીરમાં કૂદરતે સ્પ્રીન્ગ રાખી હોય છે અને એમની અંદર એનર્જીના ઝરણા વહેતા હોય છે. આવા લોકોને સતત કોઇ પ્રવૃત્તિ કરતા રહેવાનું ગમતું હોય છે. એમને શાંતિથી બેસી રહેવાનું ફાવતું જ નથી. તેઓ આખો દિવસ કંઇને કંઇ કરતા જ રહે છે. અહીં સુધી બરોબર છે, પરંતુ મુખ્ય સમસ્યા એ છે કે આ દુનિયામાં આવા માણસો માંડ દસેક ટકા હશે. બાકીના નેવું ટકા લોકો મારાતમારા જેવા આળસુ અને આરામપ્રિય માણસો હોય છે. સમસ્યા એ થાય છે કે આવા જમ્પિંગ લોકો આસપાસના અન્ય લોકોને પણ શાંતિથી બેસવા નથી દેતા. આવા સ્ફૂર્તિવાન લોકો આસપાસના આરામપ્રિય લોકોને ધિક્કારતા હોય છે એટલું જ નહીં, એમને હેરાનપરેશાન કરી મૂકતા હોય છે. એમાં પણ જો આવા માણસ બોસ હોય તો તમને મળતા પગારથી અનેકગણો પગાર તેઓ દરરોજ વસૂલ કરી નાંખે. સ્ફૂર્તિલા લોકોના કામ તથા મહેનત કરવાના માપદંડ એટલા ઊંચા હોય છે કે સામી વ્યક્તિ ગમે એટલું કામ કરે તોય એને સંતોષ જ ન થાય. એક કામ પૂરું થાય કે બીજું તૈયાર જ હોય. અને પાછી ઉતાવળ કરાવે. સ્વાભાવિક છે કે સામી વ્યક્તિ થોડી ઢીલી પડવાની. તરત જ એમના માટેનો ધિક્કાર પ્રગટ થઇ જાયઃ તમને આમ આળસુની જેમ બેસી રહેવાનું ગમે કેમ?  આ ઉંમરમાં તમને આવી આળસ થાય છે? શરમ આવવી જોઇએ. મને બીજું બધુ ચાલે, પણ કામચોર લોકોને હું ધિક્કારું છું. ધિક્કારો ભાઇ, એ માટે જ તમારો જન્મ થયો છે.

આ સિવાય દંભી, ખડૂસ, કંજૂસ, કરુપાંડે વગેરે જેવા અનેક અવગુણો માણસોમાં જોવા મળે છે અને એ દરેક પોતપોતાની રીતે ધિક્કારપાત્ર છે. અન્ય લોકોને ધિક્કારવા માટેનો મારા પર્સનલ ફેવરિટ અવગુણ લૂચ્ચાઇ અને મીંઢાપણું છે. કોણ જાણે, પણ મને આવા લોકો પ્રત્યે સખત નફરત છે અને એવા લોકોને ધિક્કારવાનો પૂરો આનંદ હું લેતો હોઉં છું. લૂચ્ચા અને મીંઢા માણસો મને અનેક એંગલથી દુષ્ટ લાગતા હોય છે. સૌથી પહેલું કારણ તો એ કે આવા લોકો કોઇની સાથે સંબંધ ન બગાડે એટલું જ નહીં, આપણને કોઇની સાથે લડાવી મારવામાં પાછા ઉસ્તાદ. એમની સાથે કોઇ ગમે એટલું ખરાબ કરે, ગમે એવી ગાળો આપી જાય તોય આ લોકો ઝઘડો ન કરે, સંબંધ ન બગાડે. આપણે નાની વાતમાં ઝઘડા કરી નાંખતા હોઇએ અને નુકસાન વહોરી લેતા હોઇએ એટલે આવા લોકોની ખંધાઇ આપણને વિશેષ ખટકે. 

લુચ્ચા અને મીંઢા માણસો ક્યારેય કોઇ વાત સીધી રીતે ન કરે. સીધી રીતે માગવાનો તો પ્રશ્ન જ નથી. એમને કંઇક જોઇતું હોય તો એ સીધી રીતે નહીં માગે. એ ચીજ કેટલી નક્કામી છે એની વાત કરશે. આ ચીજથી કોઇને કેટલું નુકસાન થયું એની વાત કરશે અને આપણી પાસેની એ ચીજ આપણે એમને શા માટે આપી દેવી જોઇએ એના આડકતરા લાભની વાતો કરશે. ક્યારેક તમે એમની વાતમાં આવી પણ જાવ અને નુકસાન કરી બેસો ત્યારે એમને ગાળો આપવા સિવાય કોઇ વિકલ્પ ન રહે. જ્યારે ખબર પડે કે એ ચીજ એમણે પોતાના ઘરમાં મઢાવીને રાખી છે ત્યારે તમારા મોઢામાંથી વધુ ગંદી ગાળો નીકળે.

મીંઢા અને લુચ્ચા લોકો ડબલઢોલકી બજાવવામાં પાવરધા હોય છે. કોઇને નારાજ ન કરવાના અનૈતિક સિદ્ધાંતને કારણે આવા લોકો એક વ્યક્તિને જે વાત કહી હોય એનાથી તદ્દન ઊલટી વાત બીજી વ્યક્તિને આસાનીથી કહી શકતા હોય છે. આમાં છેવટે બંને તરફથી લાભ થાય એવી એમની ગણતરી હોય છે અને મોટે ભાગે એમને એમાં સફળતા મળતી હોય છે.

મને આવવા લૂચ્ચા અને મીંઢા લોકો માટે વધુ નફરત હોવાનું કારણ કદાચ એ પણ હોય કે હું આવો બની શકતો નથી. આવા લોકો જીવનમાં ડગલે ને પગલે આપણાથી આગળ જ રહેતા હોય છે. એમને આપણા કરતાં તકલીફ ઓછી પડતી હોય છે અને ક્યારેક તો એવું લાગે કે જીવન જીવવાની સાચી રીત આ જ છે. આમ છતાં એ કરી શકતા ન હોવાથી એવા લોકો માટે મનમાં ઇર્ષ્યા ઉત્પન્ન થતી હોય એવી એક શક્યતા છે. ભલે હોય એવી શક્યતા, પરંતુ હવે આપણામાં કોઇ બદલાવ આવવાનો નથી. આથી જ મીંઢા અને લૂચ્ચા લોકો મારા ધિક્કારપાત્રોની  યાદીમાં ટોચ પર રહેશે. આઇ જસ્ટ હેટ ધેમ.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.