કટ્ટરવાદી બૌદ્ધિકો આવા અપ્રામાણિક શા માટે?
આમીર ખાને મોટું તોફાન જગાડ્યું અને હવે એની પ્રતિક્રિયામાં આખો દેશ સબડી રહ્યો છે. વિના કારણ હિન્દુ અને મુસ્લિમ મિત્રોમાં કડવાશ વધી અને સ્નેપડિલવાળાને આર્થિક નુકસાન થયું. મુસ્લિમ સેલિબ્રિટીને અહોભાવથી જોતાં કરોડો વતનપરસ્ત મુસ્લિમોના મનમાં ખોટો ભય પેદા થયો. ફક્ત બે પાર્ટીને કંઈ નુકસાન ન થયું. એક તો આમીર અને એની પત્ની કિરણને અને બીજી, એનો ફોગટમાં બચાવ કરવા નીકળી પડેલા કટ્ટરવાદી બૌદ્ધિકોને.
જોકે આ વખતે આમીરે કટ્ટરવાદી બૌદ્ધિકો માટે કામ જરા મુશ્કેલ બનાવી દીધું હતું. રામનાથ ગોયેન્કા એવોર્ડ સમારંભમાં આમીરે એવી વાત કરી નાંખી, જેનો બચાવ કરવાનું કોઈના પણ માટે મુશ્કેલ હતું. આમીરે જાહેરમાં એકદમ સ્પષ્ટપણે એમ કહ્યું કે આ દેશની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે, અહીં અસહિષ્ણુતા અને અસલામતી એટલી વધી છે કે, મારી પત્નીએ એક વાર દેશ છોડી દેવો જોઈએ એવો વિચાર કરી નાંખ્યો. આમીરે ત્યારે પોતાની પત્નીને ‘જસ્ટ શટ અપ’ નહોતું કહ્યું એની સ્પષ્ટતા પણ થઈ ગઈ. કારણ કે, આમીર એના સમર્થનમાં બીજું પણ ઘણું બોલ્યો.
આમીર તો બોલતા બોલી ગયો, પણ સરકાર કે નરેન્દ્ર મોદી વિરુદ્ધની દરેક વાત બૌદ્ધિક ગણાય એવી ગેરસમજણ ધરાવતા કટ્ટરવાદી બૌદ્ધિકોના મનમાં દ્વિધા પેદા થઈ. એ લોકો જાણતા હતા કે આ બાબતે આમીરનો બચાવ કરવાનું મુશ્કેલ છે, પરંતુ વાત જ્યારે નરેન્દ્ર મોદી વિરુદ્ધની હોય ત્યારે મગજને વધુ તસ્દી ન આપવાની હોય. યા હોમ કરીને દરેક મોદીવિરોધી તત્ત્વ, સત્વ અને મમત્વનો વિરોધ કરવાનો હોય. દ્વીધાનો અંત આવ્યો અને બૌદ્ધિકો આમીર ખાનનો બચાવ કરવાના મિશનમાં લાગી પડ્યા.
સૌથી પહેલા તો બાળબુદ્ધિ ધરાવતા બાળ કલાકારોએ પોતાની ક્ષમતા પ્રમાણે શરૂઆત કરી. સાવ જૂની અને કાટ ખાઈ ગયેલી દલીલ કરતા એમણે જાહેર કર્યું કે આમીર ખાન એક મુસ્લિમ છે એટલે એની સાથે અન્યાય થઈ રહ્યો છે. આ વાતમાં માલ નહોતો એટલે એમના પર તો કોઈએ ધ્યાન જ ન આપ્યું.
પછીના સ્તર પર પહોંચેલા કટ્ટરવાદી બૌદ્ધિકોએ એવી દલીલ કરી કે આમીર જેવો મોટો સ્ટાર કંઈક કહે તો એ સાંભળવાની આપણી ફરજ છે અને એની સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ. પણ સમસ્યા એ હતી કે આમીરને અને એની પત્નીને શેનો ભય લાગે છે એના વિશે તેઓ કંઈ કહેતા જ નહોતા. બસ, એમણે તો કહી દીધું કે, અસહિષ્ણુતા અને અસલામતી વધી ગઈ છે.
સૌથી ચાલાક કટ્ટરવાદી બૌદ્ધિકો એ હતા, જેમણે આમીરની વિવાદાસ્પદ વાતની પ્રતિક્રિયાની રાહ જોઈ. આમીરના વિરોધમાં લોકોએ દેશભરમાં વિરોધ વ્યક્ત કરવાનું શરૂ કર્યું એટલે આ કટ્ટરવાદી બૌદ્ધિકોને મજા પડી. એમને એ કહેવાની તક મળી ગઈ કે જૂઓ, આ જ છે અસહિષ્ણુતા. એમનો કહેવાનો મતલબ એ હતો કે આમીર ખાન વિરોધ વ્યક્ત કરે અને એ સંદર્ભમાં દેશમાં ખોટો ભય ફેલાય એવી વાત કરે તો ચાલે, પણ આમીરનો વિરોધ કોઈએ ન કરવો જોઈએ.
કેટલાક તો એ ઘડીની રાહ જોઈ રહ્યા હતા, જ્યારે કોઈ આમીરને પાકિસ્તાન ચાલ્યા જવાનું કહે. અને ખરેખર અમુક લોકોએ એવું સૂચન કર્યું કે જો આમીરને આ દેશમાં સલામત ન લાગતું હોય તો એ પાકિસ્તાન જતો રહે. કટ્ટરવાદી બૌદ્ધિકોને મનગમતી થિમ મળી ગઈ. તેઓ કહેવા લાગ્યા કે આ દેશમાં તમે સરકારનો જરા સરખો વિરોધ કરો કે તમને પાકિસ્તાન ચાલ્યા જવાનું કહેવામાં આવે. આ બધી જ દલીલો વ્હીસ્કી વિનાના ચખણાં જેવી ફિક્કી હતી.
આમીર ખાનના વિરોધમાં જ્યારે સ્નેપડિલ એપ વાપરનારાઓએ એ વાપરવાનું બંધ કર્યું ત્યારે આમીર પોતે પણ હચમચી ગયો. આ ફક્ત વિરોધ નહોતો, આર્થિક ફટકો પડે એવી વાત હતી. આમીર ખાનને નાણાકીય નુકસાન થાય એ કટ્ટરવાદી બૌદ્ધિકો કઈ રીતે ચલાવી લે? શોભા ડેએ એમ કહ્યું કે આ તો કમર્શિયલ ટેરરીઝમ છે. એટલે કે તમે તમારી મરજીથી કોઈ ચીજ વાપરવાનું બંધ કરો એ ત્રાસવાદ છે.
કટ્ટરવાદી બૌદ્ધિકોની આ જ સમસ્યા છે. આ પ્રકારની અપ્રામાણિકતા તો મોદીભક્તોની કટ્ટરતા કરતાં પણ વધુ ખતરનાક છે. શું મોદીતરફી કંઈ જ સારું ન હોઈ શકે? શું મોદીવિરોધી કંઈ જ ખરાબ ન હોઈ શકે? આવી કેવી જડતા અને અપ્રમાણિકતા?
મને ખરેખર એ નથી સમજાતું કે કોઈ પણ બૌદ્ધિકે કોઈનો પક્ષ શા માટે લેવો જોઈએ? આમીર ખાને જો ખરેખર કંઈક ખોટું કર્યું હોય તો એનો કાન પકડતા તમારે શા માટે અચકાવું જોઈએ? એનાથી કંઈ નરેન્દ્ર મોદીના કે જમણેરી કટ્ટરવાદીઓના હાથ મજબૂત નથી બની જવાના. એનાથી આરએસએસની વિચારસરણીને પુષ્ટી નથી મળી જતી.
કટ્ટરવાદી બૌદ્ધિકો હજુ પણ કદાચ પોતાની વાતને વળગી રહેશે, પરંતુ હું તમને સમજાવું કે આમીર ખાન કઈ રીતે ખોટો હતો અને એણે શું ખોટું કર્યું હતું. આ સમજવા માટે કંઈ અરુણ જેટલી બુદ્ધિ હોવી જરૂરી નથી, સ્મૃતિ ઈરાની જેટલી હોય તો પણ ચાલે.
સૌથી પહેલા તો હું એ સ્પષ્ટતા કરી દઉં કે એક ફિલ્મસ્ટાર તરીકે આમીર મને ગમે છે. મારી દીકરી શાહરૂખ ખાનની ફેન છે એટલે મને આમીર ખાન વધુ ગમે છે. એનો ટેસ્ટ પણ સારો છે. બોલિવુડના બીજા અનેક લેભાગુ ફિલ્મસ્ટાર્સ કરતા એ જરા બહેતર છે. કારણ કે ક્વોલિટી અને સમજદારીની બાબતમાં એ જાગ્રત છે. આ ઉપરાંત સામાજિક મુદ્દાને આગળ કરીને એ ફિલ્મોને પ્રાધાન્ય આપે છે એ વાત વખાણવાલાયક જ છે. ટીવી પરનો એનો 'સત્યમેવ જયતે' એક નોંધનીય કાર્યક્રમ હતો. આમીરની પત્ની કિરણ રાવ પણ એક સમજદાર વ્યક્તિ છે. એણે પણ દેશ છોડવાનો વિચાર નહીં કર્યો હોય એની મને ખાતરી છે. ખરેખર તો આ બંને ફિલ્મ ઉદ્યોગના સારા અને સાચવી રાખવા જેવા નમૂના છે.
તો પછી પ્રોબ્લેમ કેવી રીતે ઊભો થયો?
આમીર ખાનની છાપ એક જાગૃત ફિલ્મ સ્ટાર તરીકેની છે એટલે સાંપ્રત સમસ્યાઓ વિશે એણે સ્ટેન્ડ લેવું જોઈએ એવી એક સામાન્ય અપેક્ષા એની પાસેથી રાખવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયથી અસહિષ્ણુતાની ચર્ચા અને એવોર્ડ વાપસીનો જે ગાડરિયો પ્રવાહ શરૂ થયો છે એનાથી આમીર હજુ સુધી દૂર રહ્યો હતો.
હું પહેલેથી માનતો આવ્યો છું કે એવોર્ડ વાપસી અને સહિષ્ણુતાની વાતો ગાડરિયા પ્રવાહ જેવી છે. આમાં એક પછી એક વિકેટ્સ પડે છે એ જ એનો પુરાવો છે. આમીર આમાં ઘણો પાછળ રહી ગયો એવું એને અને એની પત્ની કિરણને અચાનક ભાન થયું હશે. આમાં વળી આમીરના કટ્ટર હરીફ શાહરૂખ ખાને આ વિવાદમાં ઝૂકાવ્યું અને વિવાદ પોતાના નામે કર્યો. હવે તો આમીરે આ વિવાદમાં ઝૂકાવવું જ પડે એમ હતું.
પણ આમીરની સામે એક સમસ્યા ઊભી થઈ. સામાજિક જાગૃતિની બાબતમાં પોતે શાહરૂખ કરતાં ઘણો વધુ કમિટેડ હોવાની છાપ પ્રવર્તતી હોવા છતાં શાહરૂખ કઈ રીતે આ બાબતમાં વધુ જશ ખાટી જાય? શાહરુખને ટક્કર મારવા માટે આમીરે અસહિષ્ણુતા સામેનો વિરોધ વધુ તીવ્રતાથી, વધુ કડવાશથી અને વધુ મોટા ભડકા સાથે કરવો પડે એ જરૂરી બની ગયું.
આથી જ આમીર અને કિરણે બરાબરનું પ્લાનિંગ કર્યું. પોતાના વિરોધને વધુ અસરકારક રીતે વ્યક્ત કરવા માટે આમીર અને કિરણે અતિશયોક્તિભરી રીતે વાતને રજૂ કરવાનું નક્કી કર્યું. હવે અતિશયોક્તિ એક કળા છે. જો આવડે તો અતિશયોક્તિ દ્વારા તમે વાતને વધુ અસરકારક રીતે રજૂ કરી શકો, પણ જો ન આવડે તો આખી વાત બૂમરેંગ થાય.
હું ખરેખર માનું છું કે આમીર કે કિરણે દેશ છોડવાનો ક્યારેય વિચાર નહીં કર્યો હોય અને એ બંનેએ એ વિશે કોઈ વાત પણ નહીં કરી હોય. આ તો ફક્ત એક યુક્તિ હતી. અતિશયોક્તિભરી રીતે પોતાની વાત કહેવાની યુક્તિ, જે બૂમરેંગ થઈ. એમણે એવું વિચાર્યું હતું કે અસહિષ્ણુતા વિશેનો વિરોધ આ હદે કરીશું તો એ વધુ અસરકારક નીવડશે. ચારે તરફ હાહાકાર મચી જશે, સરકાર હલી જશે, બૌદ્ધિકો પ્રભાવિત થઈ જશે અને આમ કરતાં કરતાં આમીર ખાન શાહરૂખની આગળ નીકળી જશે.
પરંતુ વાત આખી ગૂંચવાઈ ગઈ અને બગડી ગઈ. આમીર તો ખૈર, આ વિવાદમાંથી બહાર આવી જશે અને ફરી રાબેતા મુજબની જિંદગી જીવવા માંડશે, પણ ફરક પડશે દરેક મોરચે સંઘર્ષ કરીને જીવવા મથતા કરોડો સામાન્ય મુસ્લિમોને. વતન માટે જાન આપી દેવા તૈયાર થઈ જતાં સામાન્ય મુસ્લિમો વિના કારણ એવો ભય અનુભવશે કે આમીર ખાન જેવા મોટા સ્ટાર દેશ છોડી જવાનું વિચારે તો આપણું ભવિષ્ય શું? આમીર અને એની પત્નીને ભય-બય જેવું કંઈ નથી. અસહિષ્ણુતા સાથે પણ એમને કોઈ લેવાદેવા નથી. આ તો પોતાની ઈમેજ અપડેટ કરવાની એક કવાયત હતી. ધેટ્સ ઓલ. શું એક ફિલ્મસ્ટારનો અહંકાર સંતોષાય એ માટે દેશવાસીઓએ આટલો ભોગ આપવો જરૂરી છે ?
કટ્ટરવાદી બૌદ્ધિકોએ ક્યારેક આવા એંગલથી પણ વિચાર કરવો જોઈએ અને લખવું જોઈએ. તટસ્થ રહેવામાં એમણે કટ્ટરતાવાદ સિવાય બીજું કંઈ જ ગુમાવવાનું નથી. સબ કો સંમતિ દે ભગવાન.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર