આપણે હંમેશાં ન્યાયની પડખે કેમ ઊભા નથી રહેતા?
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના મામલે દેશમાં જબરજસ્ત ધ્રુવીકરણ જોવા મળ્યું. આમ તો મામલો બહુ ગુંચવાઇ ગયો છે, છતાં બે જૂથો સ્પષ્ટ રીતે સામસામે આવી ગયા. એક તરફ જેએનયુ વિદ્યાર્થીઓને દેશદ્રોહી કહીને આખી યુનિવર્સિટીને બદનામ કરવાવાળા અને બીજી તરફ જેએનયુ તથા વિદ્યાર્થીઓની તરફેણ કરવાવાળા.
બંને તરફથી જોરદાર દલીલો થઈ, પ્રચારમારો ચાલ્યો. સાચાખોટાનો ભોગ લઈને એકબીજાને પછાડવાની કવાયત થઈ. જે લોકોને આની સાથે કોઈ જ લેવા દેવા નહોતી એ લોકો પણ આ મુદ્દે જોશપૂર્વકનો મત ધરાવતા થઇ ગયા. સોશિયલ મીડિયા પર ચર્ચાઓ થઈ ગઈ અને હજુય થઈ રહી છે.
આ ભાગદોડમાં આગળ વધતા પહેલા એવો વિચાર આવે કે આપણે સૌ જે રાજકીય અભિપ્રાય ધરાવીએ છીએ એ શા માટે ધરાવીએ છે અને એ સાચો હશે કે ખોટો એ કઈ રીતે એ નક્કી કરવું? કોઈ પણ પ્રશ્ને નિશ્ચિત અભિપ્રાય ધરાવવો એ વ્યક્તિની અંગત બાબત છે, પરંતુ જ્યારે એ મત જાહેર થાય, વિરોધી મત સાથે ઘર્ષણમાં આવે ત્યારે એ મત એક જવાબદારીનો બોજ બની જાય.
ખરેખર તો મારે હજુ જરા સ્લો મોશનમાં જવું છે. વિચારવાનું એ છે કે આપણો અભિપ્રાય ક્યારે અને કેવી રીતે ઘડાય છે? મોટા ભાગના લોકો રાજકારણ કે કોઈ પક્ષ સાથે સંકળાયેલા નથી હોતા. સોશિયલ મીડિયામાં કે મિત્રો અને પરિચિતો સાથેની ચર્ચામાં પોતાનો મત વ્યક્ત કરતા સામાન્ય માણસોને કોઈ રાજકીય હીતો નથી હોતા, છતાં આપણે હવે અભિપ્રાયો એટલા જોશપૂર્વક વ્યક્ત કરવા લાગ્યા છીએ કે ઘણીવાર એ મતભેદ અને મનભેદનું કારણ બની જાય છે.
રાજકીય નેતાઓ, એમના સગાંવહાલાં અને મિત્રો, પક્ષના કાર્યકરો અને સભ્યો જ્યારે પોતાનો રાજકીય મત વ્યક્ત કરે ત્યારે એમનો ઇરાદો સાફ હોય છે. પોતાનો પક્ષ સત્તામાં આવે એ માટેના પ્રયાસ કરવા અને જો એમનો પક્ષ સત્તામાં હોય તો એનો દરેક રીતે બચાવ કરવો.
સમજ્યાં, એમનાં સ્થાપિત હિતો દેખીતાં હોય છે. પત્રકારોને કોઈ પક્ષ નથી હોતો અને ન હોવો જોઈએ એટલે એમણે તટસ્થ રીતે વિચારવાનું હોય. આમ છતાં કોઈ પત્રકારનો કોઈ વિચારસરણી માટે ઝોક હોય તો પત્રકાર કે લેખક એ વિચારસરણીની તરફેણમાં થોડું ઘણું લખે એ પણ સમજ્યા, પરંતુ સામાન્ય માણસને શું? એ શા માટે કોઈ તીવ્ર રાજકીય મત ધરાવતો થઈ ગયો છે? અને એનો અભિપ્રાય કઈ રીતે ઘડાય છે એની એને ખબર હોય છે ખરી?
સામાન્ય નાગરિક ફક્ત ચૂંટણી હોય ત્યારે મતદાન કરે છે અને ત્યારે જ એના રાજકીય મતનું મૂલ્ય થાય છે. બાકીના સમયમાં એનો રાજકીય મત ઘડાતો રહે છે, સીધી રીતે કે આડકતરી રીતે. કઈ રીતે આ મત ઘડાય છે? અને આપણો જે મત છે એવો મત શા માટે છે એનો ક્યારેય આપણે વિચાર નથી કરતાં. શા માટે એક મોદીભક્ત પાકો મોદીભક્ત છે અને શા માટે એક સેક્યુલર એ પાકો સેક્યુલર છે? શા માટે આપણે કોઈ નેતાની, પક્ષની કે વિચારસરણીની તરફેણ કરતા હોઈએ છીએ?
આપણો મત, આપણી પસંદગીમાં સૌથી પહેલું અને મહત્ત્વનું પરિબળ સ્વાર્થ અને સ્થાપિત હિતનું છે. જો આપણા મામા કોંગ્રેસના કોર્પોરેટર હોય તો આપણે કોંગ્રેસની જ તરફેણ કરવાના. એમાં આગળ કંઈ વિચારવાનું ન રહે.
અભિપ્રાય ઘડવામાં બીજું મહત્ત્વનું પરિબળ ક્યારેક આકર્ષક વ્યક્તિત્વ બની શકે છે. આપણા દેશમાં વ્યક્તિપૂજાનું મહત્ત્વ વિશેષ છે. ઈન્દિરા ગાંધી, જયલલિતા વગેરે જેવા કરિશ્માવાળા નેતાઓ એમના વ્યક્તિત્વના કારણે લોકપ્રિય બન્યા અને જનસમુદાયના અભિપ્રાય પર છવાયેલા રહ્યા. આવા પ્રભાવશાળી નેતાઓના વિચારો કે કાર્યશૈલી વિશે લોકો વધુ વિચારતા નથી, બસ, આંધળી ભક્તિ. આજે નરેન્દ્ર મોદી પણ આવો જ કરિશ્મા ધરાવે છે અને એટલે જ એમના સમર્થકોને મોદીભક્તો કહેવામાં આવે છે.
આપણા અભિપ્રાય પર અસર પાડનારું ત્રીજું શક્તિશાળી પરિબળ લાગણીનું છે. જો કોઇ નેતા કે પક્ષ પોતાના એજન્ડા પ્રમાણે અમુક વિષય પર આપણી લાગણી જગાવવામાં સફળ રહે તો આપણે લાગણીના પ્રવાહમાં તણાઇને એ નેતા કે પક્ષની વાત માનવા તૈયાર થઇ જઇશું એટલું જ નહીં, આપણી લાગણીને એમના એજન્ડા સાથે જોડી દઇશું. જો આપણે એકદમ ધાર્મિક વૃત્તિના હિન્દુ હોઇએ, રોજ મંદિરમાં જતાં હોઇએ, ગાયને રોટલી ખવડાવતા હોઇએ અને જો એક પક્ષ જો ગાયની કતલ સામે ઝુંબેશ ચલાવે તો આપણને એ પક્ષ માટે સહાનુભૂતિ થશે. એ પક્ષના અન્ય વિચારો સાથે પણ આપણે સમહત થતાં જઈશું.
લાગણીમાં પછી એક પ્રકારનું ગાંડપણ ભળી જતું હોય છે. લાગણીમાં તણાયેલો માણસ તર્ક અને વિવેકબુદ્ધિ ભૂલી શકે છે. અયોધ્યામાં રામ મંદિર બાંધવાની ઝુંબેશ પરાકાષ્ઠા પર હતી, ત્યારે આવી જ લાગણીમાં તણાઇને લાખો લોકો ખરેખર એવું માનવા માંડ્યા હતા કે રામ મંદિર બંધાશે તો દેશનો ઉદ્ધાર થઇ જશે. આવી જ રીતે કોમી રમખાણો ચાલી રહ્યા હોય ત્યારે બે કોમના લોકો એકબીજા વિશે ખરેખર એવું માનવા લાગે છે કે સામેની કોમના બધા જ લોકો આપણા દુશ્મન છે, હત્યારા છે.
લાગણીના ઉશ્કેરાટમાં તર્કનો છેદ સૌથી પહેલાં ઊડી જાય છે. આથી ક્યારેય લાગણીના આવેશમાં આવીને આપણો અભિપ્રાય બાંધવો ન જોઈએ. ખાસ તો જ્યારે કોઈ આપણી લાગણીને ઉશ્કેરીને પોતાના એજન્ડા પ્રમાણે આપણો અભિપ્રાયને મેનિપ્યુલેટ કરવા માગતું હોય ત્યારે તો બહુ જ સાવધ રહેવું જોઇએ.
લોકો લાગણીના આવેશમાં આવીને ઝડપથી મત બાંધી લેતા હોવાનું કારણ એ છે એ કામ એકદમ સહેલું છે. સાચું શું અને ખોટું શું એ વિશે વિચારવાની તસદી નથી લેવી પડતી. બધું રેડીમેડ મળી જાય છે. લાગણીઓના આવેશમાં તણાઇને તરત મત બાંધી લેવામાં વૈચારિક આળસ ઉપરાંત પૂરતી માહિતીનો અભાવ કે મર્યાદિત બૌદ્ધિક ક્ષમતા પણ હોઇ શકે. તમારું મગજ સાવ જ બ્લેન્ક હોય તો એમાં લોકો જે ભૂસું ભરે એને તમે સાચું માની લેવાના છો અને જો વિચારવાની ક્ષમતા ઓછી હોય તો મળેલી માહિતીમાં સાચું શું અને ખોટું એ તારવવાનું મુશ્કેલ પડે. એ તો ઠીક, ક્યારેક કોઈ સાવ વાહિયાત વાત કરે (જેમ કે તમે ભારત માતા કી જય એવું મોટેથી બોલો એટલે તમે સાચા દેશભક્ત એવું કોઇ કહે) તો એને પડકારવા જેટલી બૌદ્ધિક પરિપક્વતા પણ જો તમારામાં ન હોય તો તમને કોઇ ન બચાવી શકે, નબળો અભિપ્રાય બાંધવાથી.
આપણો મત, આપણો અભિપ્રાય બાંધવાનો સાવ સાચો માર્ગ સ્થાપિત હિત, વ્યક્તિ પૂજા કે લાગણીઓથી પર રહીને ફક્ત સચ્ચાઇના પક્ષમાં રહેવાનો છે, ન્યાયના પક્ષમાં રહેવાનો છે. આપણું સ્થાપિત હિત સંકળાયેલું હોય, કોઇ વ્યક્તિત્વ માટેનું આકર્ષણ હોય ત્યારે ભલે આપણે એની તરફેણમાં થઇ જઈએ પરંતુ અંદરથી આપણને ખબર હોવી જોઇએ કે સાચું શું અને ખોટું શું છે.
વાતને વધુ સારી રીતે સમજવા માટે એક ઉદાહરણ લઇએ. ભારતીય ક્રિકેટ ટીમ જ્યારે કોઇ પણ વિદેશી ક્રિકેટ ટીમ સાથે મેચ રમતી હોય ત્યારે સ્વાભાવિકપણે આપણે ભારતીય ટીમની તરફેણમાં જ રહીશું. (સ્થાપિત હિત) આમાં લાંબું વિચારવાની જરૂર નથી પણ જ્યારે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની ટીમો વચ્ચેની મેચ જોતા હોઇએ ત્યારે આપણે કોની તરફેણમાં રહીશું? નક્કી કરવાનું જરા મુશ્કેલ છે. શક્ય છે કે બેમાંથી એક ટીમના કોઇ ખેલાડીના આપણે જબરજસ્ત ચાહક હોઇએ તો એની ટીમ જીતે એવું ઇચ્છીએ (વ્યક્તિત્વનું આકર્ષણ). હવે જો આપણી પાસે એવી માહિતી હોય કે ગયા અઠવાડિયે ઓસ્ટ્રેલિયાની ટીમે આપણી ટીમને હરાવી હતી અને એમાં ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ થોડી ગાળાગાળી પણ કરી હતી. તો પછી પંસદગી સાફ થઇ જાય. આપણે ઈંગ્લેન્ડની ટીમની જ ફેવર કરવાના (લાગણી). હવે એક બીજો સિનારિયો વિચારો. ઈંગ્લેન્ડ અને આયરલેન્ડ વચ્ચે મેચ ખેલાઇ રહી છે અને આપણને ફક્ત એટલી જ ખબર છે કે ઈંગ્લેન્ડ વર્ષોથી ક્રિકેટ રમે છે, જ્યારે આયરલેન્ડની ટીમ સાવ નવી અને નબળી ગણાય. તો આપણે કોની ફેવરમાં રહીશું? નિશ્ચિતપણે મનોમન એમ ઈચ્છીશું કે આયરલેન્ડ જીતવું જોઇએ. શા માટે? છે કોઈ દેખીતું કારણ? હા એ અંડરડોગ છે, નબળું છે. બસ, આ જ મહત્ત્વનો મુદ્દો છે.
જ્યાં આપણા પોતાનાં હિતો સંકળાયેલાં ન હોય ત્યાં આપણે અંડરડોગ્સ અથવા તો 'રહિતો'ની તરફેણ કરીશું. આ માનવ સ્વભાવની ખાસિયત છે. આની પાછળ કોઇ જન્મજાત મૂલ્યો છુપાયેલાં હોઈ શકે, પરંતુ અંડરડોગ્સને ન્યાય મળે, એ તાકાતવાનની સામે ઊભો રહી શકે એવી ભાવના દરેક મનુષ્યની અંદર ધરબાયેલી પડી હોય છે. આમાં કોઇ નાતજાત કે ભાષાના ભેદભાવ વચ્ચે નથી આવતા. આ છે દરેક માણસની અંદર છુપાયેલી ન્યાયની ભાવના.
હવે ફરી રાજકારણ અને જેએનયુ તરફ આવીએ. શું બન્યું હતું જેએનયુમાં? યુનિવર્સિટીમાં ઘૂસી ગયેલા કેટલાક કાશ્મીર અલગતાવાદી તત્ત્વોએ ભારતવિરોધી નારા લગાવ્યા. એના આધારે અમુક સ્થાપિત હિતોએ એવો કુપ્રચાર શરૂ કર્યો કે જેએનયુના વિદ્યાર્થીઓએ પાકિસ્તાન તરફી નારા લગાવ્યા. હકીકતથી વિરુદ્ધની છતાં લાગણીઓ ઉશ્કેરવામાં એકદમ અસરકારક એવી આ વાત ઝડપથી દેશભરમાં પ્રસરી ગઇ. આખી જેએનયુ દેશદ્રોહી છે એવી છાપ ઊપસી. સોશિયલ મીડિયા પર લોકો જેએનયુ પર ધિક્કાર વરસાવવા લાગ્યા. વિદ્યાર્થી નેતા કનૈયા કુમારનો બનાવટી વીડિયો વહેતો થયો, એની ધરપકડ કરવામાં આવી. કોર્ટમાં એ રજૂ થયો ત્યારે એના પર શારીરિક હુમલો થયો. માય ગોડ. કેટલું બધું બની ગયું. આ બનવાનું કારણ એ જ હતું કે કેટલાંક સ્થાપિત હિતો દેશપ્રેમની સંકુચિત માન્યતાને સાધન બનાવીને લોકોની લાગણીઓને ઉશ્કેરવામાં સફળ થયા. જે લોકો ફક્ત લાગણીના આવેશમાં આવીને પોતાનો મત બાંધતા હતા એ આનો ભોગ બન્યા અને એમણે બીજાને પણ હેરાન કર્યા.
જેએનયુ વિશે અભિપ્રાય બાંધતાં પહેલાં જો આપણે ન્યાયના પક્ષમાં રહેવાનું વિચાર્યું હોત અને થોડી વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હોત તો સમજાયું હોત કે કાશ્મીરી અલગતાવાદી નેતાઓ સિવાયના જે વિદ્યાર્થીઓ નારા લગાવી રહ્યા હતા એ તો મૂડીવાદ અને જાતિવાદ સામે નારા લગાવી રહ્યા હતા. એટલે કે એ વિદ્યાર્થીઓ તો અન્યાયની સામે અવાજ ઉઠાવી રહ્યા હતા. તો સ્વાભાવિકપણે આપણો મત એમની તરફેણમાં એટલે કે ન્યાયની તરફેણમાં જ હોવો જોઇએ પણ એવું ન બન્યું. લાગણીના આવેશમાં ન્યાયની ભાવના ભુલાઈ ગઈ.
નેક્સ્ટ ટાઇમ ધ્યાન રાખવું જોઈએ. આપણો અંગત અભિપ્રાય એ આપણા વ્યક્તિત્ત્વની, આપણી આત્મનિષ્ઠાની એક ઓળખ છે. જો કોઈ છેતરપિંડી કરીને અથવા ગેરમાર્ગે દોરીને આપણા અંગત મત પર પ્રભાવ પાડવાની કોશિશ કરે તો આપણે એને ઓળખી કાઢવા જોઇએ અને એને નકારી કાઢવા જોઇએ. ન્યાયના પક્ષમાં રહેવાની આપણી ફરજ તો છે જ, એનો આપણને હક્ક પણ છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર