પોકિમોન માટે શા માટે આટલી ઘેલછા?
આજકાલ પોકિમોન ગો નામની ગેમની બહુ ચર્ચા છે. લોકો ગાંડાની જેમ આ રમત રમી રહ્યા છે અને એની લોકોને ઘેલછા ઊપડી છે. શું છે એવું આ રમત કે કે લોકો આવા ઘેલા થઇ ગયા છે?
સૌથી પહેલા તો આ રમત વિશે થોડી જાણાકરી મેળવી લઇએ. સ્માર્ટ ફોન મોબાઇલમાં રમાતી આ ગેમ એપલ સ્ટોર પરથી ડાઉનલોડ કરીને રમવાની હોય છે. જેમાં રમનાર ટ્રેનર કહેવાય છે અને એણે નાના ક્રિચર જેવા દેખાતા વધુ ને વધુ એનિમેટેડ પોકિમોન પકડવાના હોય છે. રમનારના પોકિમોન (પોકિમોનનું બહુવચન પણ પોકિમોન જ છે, પોકિમોન્સ કે પોકિમોનો નહીં)ની પછીથી હરીફ ખેલાડીના પોકિમોનની ટીમ સાથે લડાઇ કરે છે, જેમાં વધુ બળવાન પોકિમોન જીતે છે. જીતેલા પોકિમોન ઇવોલ્વ થઇ શકે છે એટલે કે એ વધુ બળવાન બની શકે છે અને નવું રૂપ પણ ધારણ કરી શકે છે. લડવા માટેની પોકિમોનની તાકાતને સીપી (કોમ્બેટ પાવર) કહેવાય છે અને પોકિમોન વિવિધ ભાતના તથા અલગ અલગ સીપીવાળા હોય છે. પોકિમોન પકડવા માટે રમનારને વિવિધ સાધનો આપવામાં આવે છે, જેની મદદથી પોકિમોનને પકડવાના હોય છે. આવું એક સાધન છે રિંગ. કેટલાક સાધનોની મદદથી પોકિમોનને નબળા પાડી શકાય છે. હરીફો સામે વિજય મેળવ્યા ઉપરના લેવલ પર જવાય છે અને છેવટે ચેમ્પિયન બનાય છે એ બધુ કોમન છે અને એ બીજી ઘણી રમતોમાં હોય છે.
હાલ જે પોકિમોનની રમત લોકપ્રિય થઇ છે એનું મુખ્ય પાસું પોકિમોન પકડવાની પ્રોસેસ છે. ઇન્ટરનેટ અને જીપીએસની મદદથી પોકિમોન ફક્ત મોબાઇલની અંદરના વિશ્વમાંથી નહીં પણ બહારની દુનિયામાંથી પકડવાના હોય છે. અલબત્ત, પોકિમોન તમારા મોબાઇલમાં જ પકડાય છે, પરંતુ એ તમને બહાર આઉટડોરમાં દેખાય છે. દા. ત. તમને એવી સૂચના મળે કે રેલવે સ્ટેશનની નજીક એક અમુક સાઇઝનું પોકિમોન મળશે એટલે તમારે તમારા લોકેશન પરથી મોબાઇલ ચાલુ રાખીને પોકિમોન શોધતા શોધતા સ્ટેશન તરફ જવાનું. સ્ટેશનની પાસે થાંભલા પાસે કે કોઇ દુકાનની બહાર કે રસ્તા પર તમને એ પોકિમોન નાચતું કૂદતું દેખાય. તમારે પોકિમોન પકડવાના સાધનો દ્વારા એને પકડી લેવાનું. બહાર આઉટડોરમાં દેખાતું પોકિમોન તમને દેખાય પણ રસ્તામાં હાલતા ચાલતાં બીજા માણસોને એ નથી દેખાતું એટલે એ એક વર્ચ્યુઅલ પોકિમોન છે, રિયલ નથી. વાસ્તવિક દુનિયા સાથે એને કોઇ સંબંધ નથી. બસ, રમનારને એમ લાગે કે પોતે કોઇ રિયલ ક્રિચરને પકડ્યું છે.
જ્યારે પણ કોઇ રમત વધુ પડતી લોકપ્રિય બને ત્યારે એમાં જરૂર કંઇક એવા તત્ત્વો હોય છે, જે માનવ સ્વભાવની મૂળભૂત ખાસિયતોની સાથે સુસંગત હોય અને માણસની કોઇ આંતરિક ઇચ્છાને પૂર્ણ કરવાનો આભાસ પેદા કરે. પોકિમોન એ તાજામાં તાજો ફિનોમિનન છે, પરંતુ અવારનવાર કોઇ રમત કે ગેમ અતિલોકપ્રિય બની જતી હોય છે અને દુનિયાભરના લોકોને એ સમાન રીતે અપીલ કરતી હોય છે. શા માટે આવું બનતું હોય છે.
લોકોને ગેમ્સ રમવાનું શા માટે ગમે છે એની પાછળના કેટલાક મુખ્ય કારણો માનસશાસ્ત્રીઓએ શોધી કાઢ્યા છે. લોકો કોઇ ગેમમાં વધુ પડતા ડૂબી જતાં હોવાનું એક કારણ એ છે કે એ રમત જ એવી હોય છે કે એમાં માણસ ઓતપ્રોત થઇ જાય, એમાં ડૂબી જાય. રમતના નિયમો, પાત્રો, પ્રોસેસ વગેરે એવા રસપ્રદ બનાવવામાં આવ્યા હોય છે. બીજું કારણ એ હોય છે કે રમત રમનાર વ્યક્તિની એમાં સક્રિય હિસ્સેદારી સતત રહે છે એટલે કે એમાં એક્શન વધુ હોય છે. રેસિંગ કારની વીડિયો ગેમ રમતા બાળકોએ સતત વર્ચ્યુઅલ ડ્રાઇવિંગ કરતા રહેવાનું હોય છે. એ એક્શનમાં જ એમને આનંદ આવે છે અને એનાથી ક્યારેય થાકતા નથી. પણ ફક્ત એક્શનનું ફેક્ટર એક મર્યાદિત વર્ગને અપીલ કરે છે. ગેમ્સ માટેની ઘેલછા માટેનું એક કારણ ક્રિયેટિવિટીનું હોય છે. એટલે કે અમુક રમતમાં તમને ક્રિયેટિવ બનવાની તક મળે છે. તમારી ક્રિયેટિવિટીની કસોટી થાય છે એટલે રમત રમતી વખતે તમે વધુને વધુ ક્રિયેટિવ બનતા જાવ છે. પોતાને બુદ્ધિશાળી કે કલ્પનાશીલ માનતા લોકોને આવી રમત વધુ અપીલ કરે છે. વધુ એક ફેક્ટર નિપૂણતાનું છે. રમત રમવાની નિપૂણતા મેળવી લીધા પછી એ રમત રમવાની લોકોને વધુ મજા આવે છે, કારણ કે એમાં એમને માસ્ટરી આવી ગઇ હોય છે. ચેસમાં માહેર બની ગયેલા ખેલાડીઓ ઘણી વાર એમની સાથે ચેસ રમવાનો આગ્રહ બધાને કરતા રહે છે. એમને ખબર છે કે એમની નિપૂણતા સામે કોઇ એમને હરાવી નહીં શકે એટલે એ રમત રમવામાં એમને બહુ આનંદ આવે છે અને ક્યારેક તેઓ એકલા એકલા પણ એ રમત રમતા રહે છે. મોબાઇલની સોલિટર ગેમ પણ એવી જ છે.
રમત કે ગેમ્સ વધુ પડતી પસંદ પડવા માટેનું એક એક સૌથી મોટું અને મહત્ત્વનું પ્રેરકબળ સેન્સ ઓફ એચિવમેન્ટ એટલે કે કંઇક સિદ્ધ કર્યાનો આનંદ હોય છે. આ ફેક્ટર લગભગ દરેક રતમમાં હોય છે. માણસ જીવનમાં સફળ થાય કે ન થાય, પણ રમત કે ગેમ્સમાં એને સફળ થવાની તક જરૂર મળે છે. દરેક ગેમમાં એવી જોગવાઇ હોય છે કે રમત દરમિયાન તમે કોઇ ચાલ સફળતાપૂર્વક ચાલ્યા કે સાચું બટન દબાવ્યું એટલે તમારી જીત થાય અને તમને અમુક પોઇન્ટ્સ મળે, કોઇ ખિતાબ મળે અથવા તમે એક લેવલ ઉપર પહોંચી જાવ. આ કંઇક સિદ્ધ કર્યાનો આનંદ છે, જે દરેક મનુષ્યને અપીલ કરે છે. ચેસમાં તમે કોઇના પ્યાદા કે ઊંટને મારો ત્યારે આવો આનંદ મળે છે, કાર રેસિંગની વીડિયો ગેમમાં તમારો સ્કોર વધતો જાય છે અને બીજી કેટલીક રમતોમાં તમને નવા નવા ટાઇટલો મળવા લાગે છે. આ સિદ્ધિથી રમનાર અંદરથી એક પ્રકારનું ઇલેશન, ઉલ્લાસ અનુભવે છે. પછી આનો નશો થઇ જાય છે અને એ રમત વાંરવાર રમતો જ રહે છે.
આધુનિક ટેકનોલોજી અને સોશ્યલ મીડિયાના આગમન સાથે હવે વીડિયો ગેમ્સ તથા મોબાઇલ ગેમ્સના ક્ષેત્રમાં નવું પરિબળ ઉમેરાયું છે અને એ છે સોશિયલ એક્સપિરિયન્સનું. ગેમ રમતી વખતે માણસને સામાજિક રીતે હળ્યામળ્યાનો આનંદ મળે એ ગેમ રમવાનો ક્રેઝ શરૂ થયો છે. આ દૃષ્ટિએ કેટલાક માનસશાસ્ત્રીઓ ટ્વિટર અને ફેસબુક જેવા સોશિયલ મીડિયાના માધ્યમોને પણ ગેમ જ ગણે છે. ટ્વિટરમાં ફોલોઅર્સના આંકડા સેન્સ ઓફ એચિવમેન્ટ, કંઇક સિદ્ધ કર્યાનો આનંદ આપે છે. જેનો નશો થઈ જાય એવી રમતો કે ગેમ્સના બધા જ પાસાં સોશિયલ મીડિયામાં છે. આ જ કારણ છે કે લોકો કલાકના કલાકો ફેસબુક પર કે વ્હોટ્સ એપ પર વીતાવતા હોય છે.
પોકિમોન ગેમમાં એવી કઇ અપીલિંગ બાબતો છે? માણસને રમતમાં ઓતપ્રોત રાખે એવા બધા જ પરિબળો પોકિમોનમાં મોજૂદ છે. એક વધારાનું પરિબળ એ છે કે આ ગેમમાં વર્ચ્યુઅલ વર્લ્ડ અને રિયલ વર્લ્ડનો અદભૂત સમન્વય કરવામાં આવ્યો છે. પોકિમોનને શોધવા માટે ઘરની બહાર નીકળવું, માર્ગમાં શોધખોળ કરતા રહેવું, જાહેર સ્થળ પર અચાનક તમને એક એનિમેટેડ ક્રિચર જેવું પ્રાણી મળી જાય, જેને નબળું પાડવાની તેમ જ એને વશમાં લેવાની તમારી પાસે સુવિધા હોય અને તમે એને વશ કરી લો. આ અનુભવ લોકોને ગાંડા કરી મૂકે છે. આમાં વળી જીપીએસ જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવાની ખુમારી હોય છે. જીપીએસ અને ઇન્ટરનેટના ઉપયોગને લીધે તમને એમ ન લાગે કે તમે કોઇ બચ્ચાંની રમત નથી રમી રહ્યા. રમનારને એમ લાગે કે પોતે કંઇક વધુ મહત્ત્વનું, વધુ આધુનિક, વધુ સોફિસ્ટિકેડ અને વધુ સ્માર્ટ કામમાં વ્યસ્ત છે.
અત્યાર સુધી તો આ એક ગેમ છે અને એ રમનારા દુનિયાભરમાં પોકિમોન પકડવામાં મસ્ત છે. સૌને વધુ પોકિમોન જોઇએ છે અને પોતાના પોકિમોનને વધુ બળવાન બનાવવા મથી રહ્યા છે. શક્ય છે કે ભવિષ્યમાં આ પોકિમોનની નાણાંકીય રીતે આપ-લે થાય, એનો વેપાર શરૂ થાય. જો એમ થાય તો પોકિમોન પોકમોનના નામે મોટો જુગાર શરૂ થઇ શકે છે અને એમાં ફિક્સિંગ પણ આવી શકે છે. એ તો થાય ત્યારે ખરું, પણ અત્યારે તો પોકિમોન રમનારા રસ્તા પર એકબીજા સાથે કે કોઇ વાહનની સાથે અથડાય નહીં એ જ જરૂરી છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર