વેપારધંધા શા માટે ઠપ્પ છે?
મારામાં એક દોસ્તને આઇસક્રીમની ફેક્ટરી છે. ફેકટરીમાં જાતજાતની ફ્લેવરવાળા આઇસક્રીમ બને એટલે ત્યાં કાજુ, બદામ વગેરેનો સ્ટોક કાયમ હોય. હવે ફેકટરીમાં કામ કરતા કેટલાક માણસો ત્યાં ફેકટરીમાં જ રહે. ફેકટરીના માલિક એટલે કે મારો ફ્રેન્ડ તો ચોવીસે કલાક ત્યાં હાજર હોય નહીં એટલે ત્યાં કામ કરતા માણસો ઘણી વાર મિજબાની ઊડાવે. કયારેક નવી નવી ફલેવરના આઇસક્રીમ તો ક્યારેક સૂકા મેવા. સાલુ, આવા જલસા કરવા તો આપણને પણ કયારેય ન મળે. એક વાર મારો મિત્ર હાજર નહોતો ત્યારે હું ફેક્ટરી પર જઈ ચડયો. મેં જોયું કે બે કર્મચારીઓ એકબીજાને કાજુ અને કિસમિસ ખાવાનો આગ્રહ કરી રહ્યા હતા. મને જોઈને એમણે બરણીઓ સંતાડી દીધી. સાંજે હું મિત્રને મળ્યો ત્યારે થોડા ઇર્ષ્યાભાવ અને થોડા મિત્રભાવ સાથે એને બધી વાત કરી. ઘટનાનુ વિગત વર્ણન કર્યું અને સલાહ આપી કે આ રીતે તો તારું દેવાળું નીકળી જશે. એ સમયે. મારા મિત્રે મને જે વાત કરી એ સાંભળીને તે માટે મારામાં એક ની સમજણ કેળવાઈ. મારા મિત્રે મને કહ્યું કે એ લોકો ચોરીથી ખાતાં હોય છે એની મને ખબર છે. ભલેને ખાતાં, ખાઇ ખાઇને કેટલું ખાશે. હું એમને જે પગાર અને ભથ્થા આપું છું એનો આ એક હીસ્સો જ છે. અને એ લોકો પ્રમાણમાં જ ખાશે. મારું કામ અટકી પડે એટલું નહીં ખાય. બીજું, સારું ખાશે પીશે તો દિલથી કામ કરશે. આ રીતે મારા મિત્ર અને કર્મચારીઓ વચ્ચે એક પ્રકારની સમજણ હતી. હું તો વિચારતો જ રહી ગયો કે આ વળી કેવાં પ્રકારની પ્રામાણિક અપ્રમાણિકતા. છેલ્લા કેટલાક સમયથી આપણા દેશમાં વેપારીઓ અને ઉદ્યોગપતિઓ માટે સરકાર અને ખાસ તો નાણાં પ્રધાન દ્વારા જે વાતો થાય છે એના પરથી મને આ કિસ્સો યાદ આવ્યો. નોટબંધીથી માંડીને ડિજિટલ ઇન્ડિયા અને જીએસટી વિશેની ચર્ચા કરતી વખતે નાણાં પ્રધાન અચૂકપણે વધુ ને વધુ લોકોને ટેક્સનેટમા લાવવાની, વધુ લોકો પાસેથી કરવેરા વસુલ કરવાની વાત કરતાં હોય છે. આ પ્રકારની વાતોમાં એવી સ્પષ્ટ છાપ ઊપસે છે કે વેપારીઓ તથા ઉદ્યોગપતિઓને કરવેરા ભરવાનું જરાય પસંદ નથી માટે સરકારે એમને સાણસામાં લેવા જોઈએ. સરકારની દરેક વાતને આંધળું સમર્થન આપતાં કેટલાક નિષ્ણાતો પણ આ સંદર્ભમાં એવી વાહિયાત દલીલ કરતા હોય છે કે દેશની કુલ વસતિના અમુક ટકા લોકો જ કરવેરા ભરે છે. અરે મૂરખભાઇ, તમે ફક્ત આવકવેરાની વાત કરી રહ્યા છો. બાકી તો દેશનો ગરીબમા ગરીબ નાગરિક પણ ચીજવસ્તુઓ ખરીદીને તથા અન્ય રીતે ઈનડાયરેક્ટ વેરા ભરતો જ હોય છે. આમ સરકારની તિજોરીમાં ઠલવાતા નાણાંમા પ્રજાના દરેક વર્ગનું યોગદાન હોય છે. હા એ વાત સાચી કે નોર્મલ સંજોગોમાં કોઇને કરવેરા ભરવાનું પસંદ નથી હોતું. ચાન્સ મળે તો કરચોરીની છટકબારીનો લાભ લેવા સૌ કોઈ તૈયાર થઈ જાય એ પણ ખરું. આમ છતાં એવું ન માની લેવાય કે બાકીના લોકો હોંશે હોંશે કરવેરા ભરતા હોય છે. હકીકતમાં મોટા ભાગના લોકો ના છૂટકે જ કરવેરા ભરતા હોય છે. નોકરીયાતોના પગાર જાહેર હોય છે એટલે એમણે ટેક્સ ભરવો જ પડે છે. તોય ટેક્સ એક્ઝમ્પ્શનનો કોઈ લાભ તેઓ છોડતા નથી. વેપારી હોય કે નોકરીયાતો, કરવેરા ભરવાનું મન ન થવું એ કોઈ બહુ મોટી ગુનાહિત માનસિકતા નથી. વિશ્વવિશ્વભરમાં આવી માનસિકતા પ્રવર્તે છે. હોલીવૂડના કેટલાય સ્ટાર્સ કરચોરી માટે જેલની સજા ભોગવી ચુક્યા છે.
આથી જ કરવેરા, પ્રજા અને સરકારની વાત કરવી હોય ત્યારે પ્રામાણિકતાના પ્રમાણભાનને સર્વોપરી ગણવું પડે. એ વાત સ્વીકારવી પડે કે કોઈ પણ સરકાર ગમે તેટલી કોશિશ કરી લે, એ બધા જ નાગરિકો પાસેથી બધો જ કરવેરો વસુલ નહીં કરી શકે. એ જ રીતે ગમે એવો સ્માર્ટ વેપારી બિલકુલ કરવેરા ભર્યા વિના ધંધો નહીં કરી શકે. આદર્શ સ્થિતિ એ છે જેમાં પ્રમાણભાન જળવાય. સરકાર જો એવી અપેક્ષા રાખે કે દેશના દરેક નાગરિક પાસેથી કરવેરાનો એક એક પૈસો વસુલ કરવામાં આવે તો એ ક્યારેય બનવાનું નથી. કારણ કે એની સામે નાગરિકો પણ એવી અપેક્ષા રાખે કે અમે ભરેલા કરવેરાનો એક એક પૈસો ફક્ત અમારા હીત માટે જ વપરાય. આ પણ ક્યારેય બનવાનું નથી. હાલની સરકારે નોટબંધી, ડિજિટલ ઇન્ડિયા અને જીએસટી સંદર્ભે જે પગલાં ભર્યા છે એનું સીધું પરીણામ એ આવ્યું છે કે હવે મોટા ભાગના લોકો માટે ફક્ત વ્હાઇટમા જ વેપારધંધા કરવાનું ફરજિયાત બની ગયું છે. એક રીતે, આદર્શ દૃષ્ટિએ આ સારું જ છે, પરંતુ વહેવારીક દૃષ્ટિએ આમાં થોડી ગડબડ લાગે છે. એક વેપારી જો પોતાના ભાગે આવતો કરવેરો ભરી દે તો શું સરકાર તરફથી પૂરી સગવડો મળે છે ખરી. પોતાના ભાગે આવેલો બધો વેરો ભર્યા પછી એણે બીજી કોઇ જ રકમ બીજે ક્યાંય નહીં ચુકવવી પડે એની શું સરકાર ખાતરી આપી શકે એમ છે. શું કોઈ પોલીસ કે અધિકારીને લાંચ આપ્યા વિના એનું કામ ચાલવાનું છે. વેપારીઓ અને ઉદ્યોગપતિઓએ આ પ્રકારના અનેક ખર્ચા કરવા પડતા હોય છે, જે એમને વ્હાઈટમા આપવાનું ફાવતું નથી અને પરવડતુ નથી. વર્ષોથી તેઓ આ રીતે ટેવાયેલા છે. અલબત્ત, કહેવાનો મતલબ એ નથી કે સરકારે વેપારીઓને બ્લેકમા ધંધો કરવાની છૂટ આપવી જોઈએ. મુખ્ય મુદ્દો ફક્ત પ્રમાણભાનનો છે.
ડિજિટલ અને વ્હાઈટનો નાણાંકીય વહેવાર વધવાને લીધે વેપારધંધામા કેટલાક પરિવર્તન આવ્યા છે. કેટલાંક લોકો ડિજિટલ વહેવારને માત આપીને કાળાધોળા કરવાની તરકીબો શોધતા રહે છે. કેટલાક વેપારીઓ વધુ પડતાં વ્હાઈટના વહેવારથી કંટાળી ગયા છે અને એમણે ધંધા જ ઓછા કરી નાખ્યા છે. મારા એક મિત્રે મને કહ્યું કે કમાઇ કમાઇને જો સરકારને જ બધુ આપવાનું હોય તો મહેનત શા માટે કરવાની. બીજા કેટલાક વેપારીઓ પોતાના પરનો વધારાનો બોજ બીજા પર નાખી રહ્યા છે. જેમ કે કર્મચારીઓનુ શોષણ કરવુ, નફાનો માર્જીન વધારી દેવો અથવા પ્રોડક્ટની ગુણવત્તા ઘટાડવી વગેરે. આ બધા જ પરીબળોની સામુહીક અસર દરેક ધંધા પર પી છે, જેના પરીણામે મોટા ભાગની બજારોમાં મંદીનો માહોલ જોવા મળે છે. ચીજચીજવસ્તુઓ માટેની ડિમાન્ડ છે, માર્કેટ છે, છતાં વેપારીઓમાં ધંધા માટેનો ઉત્સાહ નથી. આ વિષચક્રમાથી બહાર નીકળવા માટે અર્થશાસ્ત્રના કોઈ પાઠ ઉપયોગી નહીં નીવડે. જરૂર છે ફક્ત એક સાદી વેપારી સૂઝની. વેપાર રોજગાર વધે એવો માહોલ ઊભો કરવાની જરૂર છે. સરકાર અને નાણાં પ્રધાને એ સમજવું જોઇએ કે કરવેરાની વસુલી કરતાં વેપારધંધામા જોશ આવે એ વધુ અગત્યનું છે. હજુ પણ સમય છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર