શું હવે નવું કાળું નાણું પેદા નહીં થાય?
ગયા મંગળવારે એટલે કે આઠમી નવેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 500-1000 રૂપિયાની ચલણી નોટો પાછી ખેંચી લેવાની જાહેરાત કરી ત્યારે દેશ આખામાં સર્જિકલ સ્ટ્રાઇક વખતે થયેલો એવો ઉત્સવનો માહોલ ઊભો થઇ ગયો.
વડાપ્રધાને એવી જાહેરાત કરી કે દેશમાં કાળાં નાણાં અને ભ્રષ્ટાચારની સમસ્યા તેમ જ ત્રાસવાદની સમસ્યા વકરી ગઇ છે અને એની સામે લડવા માટે સરકારે 500 તથા 1000 રૂપિયાની ચલણી નોટ્સ રદ કરવાનો નિર્ણય લીધો છે. તરત જ આમ આદમી અર્થશાસ્ત્રીની ભૂમિકામાં આવી ગયો. ઐતિહાસિક પગલું. માસ્ટર સ્ટ્રોક. બોલ્ડ એક્શન. દેશ આગે બઢ રહા હૈ. દેશ આગે બઢ ગયા. સૌના મોઢાંમાંથી એક જ સૂર નીકળ્યો કે આપણે સરકારની આ પહેલમાં સાથ આપવો જોઇએ. ભલે એ માટે થોડીઘણી તકલીફ વેઠવી પડે. અને ખરેખર બીજા દિવસે લોકો બેન્કની બહાર મોટી મોટી કતારમાં પણ ઊભા રહી ગયા. હસતે મોઢે તકલીફ વેઠવાનું શરૂ કરી દીધું.
પણ હવે શું? સૌથી પહેલું તો નરન્દ્ર મોદીની ઘોષણામાં જ એક મોટી ભૂલ હતી. નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજ મધરાતથી 500-1000 રૂપિયાની નોટ ફક્ત કાગળના ટુકડા બની જશે. તાર્કિક રીતે એ વિધાન ખોટું હતું, કારણ કે પોતાની પાસેની જૂની ચલણી નોટો બેન્કોમાં જમા કરાવવા તથા એ એક્સ્ચેન્જ કરવા માટે લોકોને સમય આપવામાં આવ્યો હતો. આથી 50 દિવસ સુધી એ નોટોનું મૂલ્ય એટલું જ રહેવાનું હતું, જેટલું પહેલા હતું. આથી જ એ ઘોષણા પછીના આટલા દિવસેય લોકો 500-1000 રૂપિયાની નોટો સ્વીકારી રહ્યા છે, કારણ કે સ્વીકારનાર વ્યક્તિને ખબર છે કે એ પોતે બેન્કમાં જમા કરાવી શકશે. આ તો સાવ મામુલી ભૂલની વાત થઇ, પરંતુ આ પગલાંની કેટલીક વિગતોમાં ઊંડા ઊતરવાની જરૂર છે.
મોટી ચલણી નોટો રદ કરવા પાછળના હેતુ વિશે નરેન્દ્ર મોદીએ ત્રણ કારણો ગણાવ્યાઃ ભ્રષ્ટાચાર, કાળાં નાણાંનું દૂષણ અને ત્રાસવાદ. હકીકતમાં આ ત્રણે પ્રશ્નો ભલે એકબીજા સાથે સંકળાયેલા છે, છતાં એનાં સ્વરૂપ એકદમ અલગ છે. ચલણી નોટો રદ કરવાથી ત્રાસવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલી આર્થિક વ્યવસ્થાને ફટકો જરૂર પડે, પરંતુ એનાથી એ બંધ નહીં થઇ જાય. અને ફક્ત એ આશય સાથે આવું મોટું પગલું પણ ન ભરાય.
હા. એક સૌથી મોટો ફાયદો એ થશે કે બનાવટી નોટો ચલણમાંથી નીકળી જશે, પરંતુ વડા પ્રધાનના નિર્ણય પાછળનો મુખ્ય હેતુ આ નથી. હોવો પણ ન જોઇએ. અમેરિકાના અર્થતંત્રમાં કરોડો રૂપિયાની બનાવટી નોટો ફરે છે, છતાં ત્યાં ક્યારેય ચલણી નોટો રદ કરવનો નિર્ણય નથી લેવાયો.
નાણાં પ્રધાન અરુણ જેટલીએ તો બીજી જ વાત કહી. એમણે એમ કહ્યું કે લોકોએ વધુમાં વધુ નાણાંકીય વહેવાર ચેક દ્વારા કરવો જોઇએ. એમણે કેશલેસ ઇકોનોમીના આદર્શની વાત કરી. એમણે એમ પણ કહ્યું કે લોકોની ખર્ચ કરવાની આદત બદલાવી જોઇએ. વધુ કેશ સાથે રાખવાની જરૂર જ શી છે? એટલે કે લોકોએ બેફામ ખર્ચા ન કરવા જોઇએ વગેરે. સામાન્ય પ્રજાને વ્હાઇટમાં વહેવાર કરવાની સલાહ આપતા જેટલી સાહેબને પૂછવાનું મન થાય કે શું રાજકીય પક્ષો ફક્ત વ્હાઇટમાં જ ડોનેશન્સ સ્વીકારવાનું પસંદ કરશે કે? મોટા ભાગના રાજકીય પક્ષો બ્લેકમાં કરોડો રૂપિયાના ડોનેશન્સ સ્વીકારે છે. રાજકીય પક્ષો માટે એવી સુવિધા કરી આપવામાં આવી છે કે 20,000 સુધીના ડોનેશન્સ તેઓ બ્લેકમાં સ્વીકારી શકે. એટલે કે જો કોઇ ઉદ્યોગપતિ કોઈ રાજકીય પક્ષને એક લાખ રૂપિયા આપવા માગતો હોય તો એણે વીસ વીસ હજાર રૂપિયાના પાંચ ડોનેશન્સ કરવાના રહે. ખેલ ખતમ. તો આ સંપૂર્ણ વ્હાઇટમાં વહેવાર કરવાનો ઉપદેશ જામે એવો નથી.
આપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુખ્ય વાત પર આવીએ તો હવે ભ્રષ્ટાચાર અને કાળાં નાણાંના દૂષણના બે મુખ્ય મુદ્દા રહ્યા. આ માટે સૌથી પહેલા એ વિચારવું પડે કે ભ્રષ્ટાચારના લીધે કાળું નાણું પેદા થાય છે કે કાળું નાણું ભ્રષ્ટાચારને પોષે છે? ઇંડુ પહેલા કે મરખી જેવો આ પ્રશ્ન છે. બંનેમાં આશય એક જ હોય છેઃ સરકારને ચૂનો લગાવવો. અલબત્ત, ભ્રષ્ટાચાર ખાનગી વેપારવિનિમયમાં પણ થતો હોય છે, જ્યારે કાળું નાણું પેદા કરવા માટે તમારે સરકારને જ છેતરવાની હોય છે. ભ્રષ્ટાચાર વિશે એટલું કહી શકાય કે કાળું નાણું ન હોય તો પણ ભ્રષ્ટાચાર થઇ શકે. લાંચ કે રિશ્વતની રકમ ચેકમાં, શેરમાં કે અન્ય કાયદેસર રીતે પણ ચૂકવાતી હોય છે. બીજી તરફ ભ્રષ્ટ આચરણ વિના કાળું નાણું પેદા ન થઇ શકે. ભ્રષ્ટાચાર અને કાળાં નાણાં બંનેની કોમન વાત એ છે કે એ દૂષણો લગભગ આખા વિશ્વમાં પ્રવર્તે છે.
કાળાં નાણાંની ટૂંકામાં ટૂંકી વ્યાખ્યા એ છે કરવેરાપાત્ર રકમ પર જો તમે કરવેરો ન ભરો તે એ રકમ કાળું નાણું ગણાય. ભારતમાં અનેક પ્રકારના ડાયરેક્ટ અને ઇન્ડાયરેક્ટ ટેક્સ લગાવવામાં આવે છે. મૂળ સમસ્યા એ છે કે કોઇને કરવેરા ભરવાનું ગમતું નથી. ના છૂટકે બધા ભરે છે, પરંતુ કોઇ રાજીખુશીથી કરવેરા ભરતું હોય એવી ઘટનાઓ ખાસ બનતી નથી. આ સમસ્યા ફક્ત ભારતમાં જ નહીં, દુનિયાભરમાં પ્રવર્તે છે. અમેરિકા બ્રિટનના અનેક ફિલ્મ સ્ટાર્સ અને રાજકારણીઓ કરવેરા ન ભરવા માટે બદનામ થયા છે. કેટલાક તો કરવેરા ભરવાના બદલામાં જેલની સજા ભોગવી લેવાનું પસંદ કરે છે. એવું કહેવાય છે કે ભારતમાં કરવેરાના દર બહુ ઊંચા છે એટલે લોકોને એ ભરવાનું મન નથી થતું. હકીકતમાં કરવેરાના દર ઓછા હોય તો પણ લોકોને એ ભરવાની ઇચ્છા નથી થતી. આવી એક માનસિકતા બની ગઇ છે. આથી દરેક દેશમાં કરચોરીની પ્રવૃત્તિ નિયમિતપણે ચાલતી રહે છે. અને કરચોરીને પરિણામે કાળું નાણું પેદા થતું રહે છે.
કરચોરી બે પ્રકારે થાય છે. એક તો કરવેરાપાત્ર રકમ જ ખોટી બતાવવી અથવા ન બતાવવી. જેમ કે બે વેપારીઓ આપસમાં એવી સમજૂતી કરી લે કે સોદો દસ ટન માલનો થશે, પણ બિલ એક ટનનું બનાવીશું. આ રીતે નવ ટન માલ પરનો કરવેરો બચી જાય. એ રકમ પછી બંને વેપારીઓ પારસ્પરિક સમજૂતી અનુસાર વહેંચી લે. દસ ટન પર જો એક હજાર રૂપિયા કરવેરા તરીકે ભરવાના હતા એના બદલે હવે ફક્ત એક સો રૂપિયા જ ભરવાના રહે. બાકીના નવ સો રૂપિયા કાળાં નાણાં તરીકે વેપારીઓના ખીસામાં આવે અને પછી એ બજારમાં ફરતા રહે. આ રીતે કરોડો રૂપિયાનુ કાળું નાણું વહેવારમાં ફરવા માંડે.
કાળું નાણું પેદા થવાની બીજી રીત કાયદેસરની છટકબારીઓ છે. દરેક પ્રકારના કરવેરાના નિયમોમાં એવી છટકબારીઓ હોય છે, જેનો લાભ લઇને વ્યક્તિ કરવેરા ભરવામાંથી મુક્ત થઇ શકે છે. મોટા ભાગના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ આ કામમાં માહેર હોય છે. કઇ જગ્યાએ કઇ એન્ટ્રી નાંખવી, કઇ તારીખના કેટલા બિલ બનાવવા, કયા ખર્ચાને કયા હેડ હેઠળ મૂકવા એ બધી કારીગરી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ જાણતા હોય છે. સાચુંખોટું રામ જાણે, પણ એવું કહેવાય છે કે અંબાણી ક્યારેય ટેક્સ નથી ભરતા. એમને સિંગલ આઉટ કરવાની જરૂર નથી, હકીકતમાં એ છે કે મોટા ભાગના કોર્પોરેટ હાઉસ કરચોરી માટે મોટા પગારે ખાસ નિષ્ણાતોને રોકતા હોય છે. એમની કરોડો રૂપિયાની કરચોરીના કિસ્સા અવારનવાર અખબારોમાં છપાતાં રહે છે. કોર્પોરેટ ક્ષેત્રોના કાળાં નાણાંમાંથી આખેઆખે બે નંબરી ઉદ્યોગો પણ ઊભા થઇ ગયા છે.
કાળાં નાણાંનું પ્રમાણ ઓછું કરવા માટે એક એવી માન્યતા પ્રવર્તે છે કે જો કરવેરાના દર સાવ ઓછા કરી નાંખવામાં આવે તો વધુ નાગરિકોને કરવેરા ભરે અને એકંદરે કરવેરાનું વોલ્યુમ ઘણું વધી જાય. પરંતુ શક્યતા એવી છે કે કરચોરીની આટલા વર્ષોની આદતને લીધે કરવેરા ઘટે તો પણ નાગરિકો ચાન્સ મળે ત્યારે કરચોરીનો મોકો ન છોડે. આથી કરચોરીની પ્રવૃત્તિ હંમેશાં ચાલુ રહેવાની છે. કહેવાનો અર્થ એ છે કે કરચોરી એ નિરંતર ચાલનારી પ્રવૃત્તિ છે અને એ સદાય ચાલતી જ રહેશે. પરિણામે, કાળું નાણું સદાય પેદા થતું જ રહેશે.
જો સાવ પ્રેક્ટિકલ રીતે વિચારીએ તો 500-1000 રૂપિયાની ચલણી નોટો પાછી ખેંચી લેવાથી દેશમાં કાળું નાણું પેદા થવાની પ્રક્રિયા બંધ નહીં થાય. હા, અત્યાર સુધી જેમણે કાળું નાણું જમા કર્યું છે એમને તકલીફ પડી શકે. બેન્કની બહાર લાંબી કતારમાં ઊભા રહેનારા સામાન્ય લોકો કદાચ આ જ વાતે હરખાઇ રહ્યા છે. ભલે આપણને થોડીઘણી તકલીફ પડે, પણ જેમણે કાળું નાણું જમા કર્યું છે એવા શરીફ બદમાશોને તકલીફ પડવી જોઇએ, બહુ તકલીફ પડવી જોઇએ.
હવે એ વિચારીએ કે જેમણે અઢળક કાળું નાણું જમા કર્યું છે એ લોકોનું શું થશે? કાળાં નાણાંનો સૌથી મોટો હિસ્સો વિદેશની બેન્કોમાં જમા કરાવવામાં આવ્યો છે. બાકીનું કાળું નાણું રિયલ એસ્ટેટમાં બેનામી પ્રોપર્ટી તરીકે તેમ જ સોના અને હીરાઝવેરાતમાં ઇન્વેસ્ટ થયેલું છે. જેમની પાસે મોટી ચલણી નોટોના સ્વરૂપમાં કાળું નાણું પડ્યું છે એ માત્ર એક નાનો વર્ગ છે. એ લોકો પણ સરકારના આ પગલાંથી હેરાન થાય એ જરૂરી નથી. કાળાંના ધોળા કરવાની તરકીબો એમની પાસે પણ હશે જ. માનો કે એમને આવી કોઇ છટકબારી ન મળે, માનો કે એમની મોટી ચલણી નોટો એમની એમ પડી રહે અથવા એનો ધૂમાડો કરી નાંખવો પડે તોય એનાથી અર્થતંત્રતને કોઇ ફાયદો નથી થવાનો, કારણ કે નવી નોટો છાપવામાં તથા એના એક્સ્ચેન્જ માટેની વ્યવસ્થા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થઇ ચૂક્યો છે. આ ઉપરાંત લોકોએ હેરાનગતિ ભોગવી એ અલગ.
તો દરેક એંગલથી વિચારતા એવું લાગે છે કે 500-1000ની નોટ્સ પાછી ખેંચી લેવાના પગલાંથી નવું કાળું નાણું પેદા નહીં થાય એની કોઇ ગેરન્ટી નથી. જે હાયવોય છે એ અત્યાર સુધી જમા થયેલું કાળું નાણું બહાર લાવવાને લગતી છે. અલબત્ત, આ પગલાંથી અઢળક નાણું જમા કરનારાને થોડીઘણી તકલીફ તો પડવાની છે, પરંતુ એનાથી એકંદર અર્થતંત્રને કેટલો ફાયદો થશે એ નક્કી નથી. આમ આદમીને એનાથી શો ફાયદો થશે એ નક્કી નથી. શું સરકાર કોઇ ટાઇમબાઉન્ડ લાભની આછી રૂપરેખા આપી શકે એમ છે?
કાળાં નાણાંને લગતાં કોઇ પગલાંથી મારા તમારા જેવા સામાન્ય માણસને ત્યારે જ ફાયદો થશે, જ્યારે વિદેશમાં પડેલું કાળું નાણું પાછું લાવવામાં આવશે અને એનો એક હિસ્સો આપણા બેન્ક ખાતાંમાં જમા થશે. દેશ માટે ભોગ આપવાની સારી ભાવનાથી અનેક લોકો જે મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. એ જોતાં પણ લાગે છે કે એમને કોઇ ફળ મળવું જોઇએ.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર