સોશિયલ મીડિયા શું આપણને ગાંડા કરી નાંખશે?
જીવનમાં તમે એવા ઘણા અતિ ગંભીર અને રિઝર્વ પ્રકારના માણસોને મળ્યા હશો, જેઓ ક્યારેય સોશિયલ મીડિયામાં નહીં આવે એવું તમે માની લીધું હશે. એ લોકો પોતે પણ કહેતા હશે કે સોશિયલ મીડિયાની શી જરૂર છે, એની પાછળ ટાઈમ કોણ બગાડે. પછી ક્યારેક અચાનક ફેસબૂક પર એમનું ડીપી જોઇને તમને નવાઈ લાગી હશે અને એની ખુશીમાં તમે એ ડીપીને લાઈક પણ આપી હશે. હવે તમે રહ્યા સજ્જન, એટલે એ રૂબરૂ મળે ત્યારે એમને સીધું નહીં પૂછો કે કેમ, તમે તો ક્યારેય સોશિયલ મીડિયા પર નહોતા આવવાનાં ને? કેમ વિચાર બદલાઈ ગયો? તમે એમનો કાન અવળી રીતે પકડશો અને કહેશો કે તમારું ડીપી મસ્ત હતું બાકી. પછી પેલાં અતિ ગંભીર ભાઈ કે બહેને બિચારાએ જેવા તેવા ખુલાસા આપવા પડશે, જેમાંનો એક એ હશે કે જૂઓને, આ વિકીએ બહુ ફોર્સ કર્યો ને પરાણે મારું એકાઉન્ટ ખોલી નાંખ્યું. સુપુત્ર વિકીએ ભલે પરાણે એકાઉન્ટ ખોલી નાંખ્યું, પરંતુ પછીથી જે ફોટા અને પોસ્ટ્સ મૂકાશે એ તો ગંભીરભાઈની પોતાની જ ખૂજલી અને મરજીથી.
સોશિયલ મીડિયાથી કોઈ બચી શક્યું નથી અને બચી શકવાનું નથી. એકવાર સોશિયલ મીડિયાના ચક્કરમાં ફસાયા પછી કોઈ એમાંથી બહાર નીકળી શકતું નથી, કારણ કે સોશિયલ મીડિયાનું, ખાસ તો ફેસબૂકનું બંધાણ તંબાકુના બંધાણ કરતાં પણ વધુ સજ્જડ હોય છે. ફેસબૂક પર અનેક મિત્રો અવારનવાર ફેસબૂક છોડી દેવાની ઇચ્છા પ્રગટ કરતાં હોય છે અને થોડા સમય માટે ફેસબૂક છોડી પણ દેતાં હોય છે, પરંતુ તેઓ ફેસબૂક પર પાછાં આવ્યા વિના રહી નથી શકતા. આ વાતને આપણે હળવાશથી લેતાં હોઈએ છીએ, પરંતુ આ પ્રકારના વર્તનમાં જ સોશિયલ મીડિયાના મહત્ત્વનું રહસ્ય છુપાયેલું છે. કઈ રીતે? ચાલો સમજવાની કોશિશ કરીએ.
માણસ એક સામાજિક પ્રાણી છે અને એ સંદર્ભમાં એની બે મુખ્ય સામાજિક ભૂખ હોય છે. અન્ય લોકો વિશે જાણવાની તથા પોતાના દરજ્જા વિશે અન્ય લોકોને જાણકારી આપતાં રહેવાની. રિયલ લાઇફમાં આ પ્રકારની જાણકારીની લેવડદેવડ મર્યાદિત પ્રમાણમાં હોય છે, પરંતુ સોશિયલ મીડિયાને લીધે આવી લેવડદેવડ બહુ ઝડપી બની જાય છે. રિયલ લાઇફમાં તમે નવી કાર ખરીદો તો એ વિશેની જાણકારી તમારા બધા સગા તથા પરિચિતોને આપતાં ઘણો સમય લાગે. તમે નવી કાર ખરીદી એ વિશે કંઈ છાપામાં જાહેરાત ન આપી શકાય. એ માટે નવી કાર લઈને અમસ્તાં અમસ્તાં બહાર નીકળવું પડે, ક્યારેક પડોસીને અનિચ્છાએ કારમાં લિફ્ટ આપવી પડે. ત્યારે લોકોને ખબર પડે. અરે, તમે નવી કાર લીધી? આ જ રીતે બહારગામ રહેતા તમારા કઝીને ઘરમાં નવું ઇન્ટીરિયર કરાવ્યું હોય તો એની તમને લાંબા સમય સુધી ખબર ન પડે. પણ હવે સોશિયલ મીડિયાને લીધે વાત સાવ જ બદલાઈ ગઈ છે. હવે તમારી નવી કારની બાજુમાં પરિવારના બધા સભ્યોએ ઊભા રહી જવાનું અને એક ફોટો ક્લિક કરવાનો. પછી એ ફોટો ફેસબૂક પર અપલોડ કરીને સ્ટેટસ લખવાનું કે ફીલિંગ હેપ્પી વિથ અમારા નાના પરિવારના નવા, મોટા મહેમાન યલો 'નેનો' સાથે. તમારો કઝીન પણ વડોદરામાં બેઠાં બેઠાં ઘરનાં નવા ઇન્ટીરિયર સાથેનો ફોટો મૂકે અને એને લગતું એક સ્ટેટસ મૂકે એટલે વાત પૂરી. હવે વાત આ જાણકારીની લેવડદેવડ કરવાથી પૂરી નથી થઈ જતી. સોશિયલ મીડિયા હોય કે રિયલ લાઇફ, સામાજિક દરજ્જામાં ટકી રહેવાનું તેમ જ એમાં આગળ વધવાની સ્પર્ધા કરતાં રહેવાનું ટૅન્શન એના પર સતત ઘૂમરાતું રહે છે. અન્ય સાથેની સરખામણી અને એમની સાથે સ્પર્ધા કરતાં રહેવાની માનસિકતા એ આજના સમયમાં વ્યાપક બનેલા ડિપ્રેશન તથા એન્ક્ઝાયટી જેવા માનસિક રોગો પાછળનું મુખ્ય કારણ છે.
સોશિયલ મીડિયાની એક વિશેષતા એ છે કે એ દરેક વાતને મોટા સ્વરૂપે રજૂ કરે છે અને એની તીવ્રતા વધારી દે છે. દા.ત. તમારા સર્કલનો કોઈ પરીવાર ફરવા માટે શિમલા કે મસૂરી જાય એવા ઓફ્ફલાઈન ન્યૂઝ મળે ત્યારે આપણે તો અહીંના અહીં એવી લાગણી જરૂર અનુભવાય, પરંતુ આ જ સમાચાર જ્યારે ફેસબૂક પર બ્રોડકાસ્ટ થાય, ફોટા અને વીડિયો સાથે એનું પ્રેઝન્ટેશન થાય ત્યારે એ ઘણા માટે અસહ્ય બની જતાં હોય છે અને માનસિક પ્રેશર પણ વધી જતું હોય છે.
દરજ્જા અને સ્ટેટસ માટેની સ્પર્ધા ક્યારેક સાવ જ તર્કહીન બની જતી હોય છે. જે લોકો કવિ કે લેખક નથી એમને પોતાની કાચીપાકી સાહિત્યિક રચનાઓ ફેસબૂક પર પોસ્ટ કરવાનું મન થાય છે. જે લોકોને ફિલોસોફી કઈ બલા છે એની જાણકારી નથી એ લોકો ક્યાંકથી તફડાવેલા સુવાક્યો પોતે લખેલાં હોય એ રીતે મૂકીને આહ્લાદની અનુભૂતિ કરે છે.
સોશિયલ મીડિયા અને એના થકી પેદા થતી સ્પર્ધાત્મક ભાવનાનું એક સૌથી મોટું અને વિચિત્ર પરિણામ હોય તો એ છે રાજકીય અભિપ્રાયોના ખડકલા. હા, એ વાતે કોઈ જ શંકા નથી કે સોશિયલ મીડિયા પર મોટા ભાગના લોકો પોતાના રાજકીય અભિપ્રાયને પોતાનું સ્ટેટસ, પોતાનો દરજ્જો ગણતા હોય છે. અમે તો નરેન્દ્ર મોદીના ચાહક, અમે દેશભક્ત. બીજી તરફ એવા સ્ટેટસમા ગૌરવ અનુભવવાવાળા પણ હોય કે અમે તો સેક્યુલર અને સાચ્ચા લિબરલ. ટૂંકમાં રાજકીય સ્ટેન્ડ એક સ્ટેટસ અપાવે છે અથવા તો લોકો એવું માનતા હોય છે. ત્યાર પછી પોતાના અભિપ્રાય અને વિચારોને ચડિયાતાં સાબિત કરવાની સ્પર્ધા. મજાની વાત એ છે કે જેમની પાસે ખાસ રાજકીય જાણકારી નથી એ લોકોને પણ આવી રમતમાં ઝુકાવવાનું મન થઈ જતું હોય છે. ફેસબૂક પર બે-પાંચ મિત્રો એવા છે, જેઓ નરેન્દ્ર મોદીની તરફેણની અને એમની વિરુદ્ધની બંને પ્રકારની પોસ્ટ્સને લાઈક કરે, એટલું જ નહીં કૉમેન્ટ પણ કરે. એકમાં લખે એગ્રી તો બીજામાં લખે ફુલ્લી એગ્રી.
સોશિયલ મીડિયા પરની આ સ્પર્ધામાં બંને પ્રકારના ટૅન્શન અનુભવાય છે. અન્ય લોકોના સ્ટેટસ જોઇને માણસ ક્યારેક લઘુતાગ્રંથિ અનુભવે છે તો પોતાના સ્ટેટસ અપડેટ કરતાં રહીને એ કંટાળો અને નિરર્થકતા અનુભવે છે. આવી નિરર્થક સ્પર્ધા પાછળ સમય બગાડવાનો એ અફસોસ કરે છે અને ફેસબૂક છોડી દેવાનો નિર્ણય કરે છે. બીજી તરફ અન્ય લોકોના સ્ટેટસ ક્યારેક એના માટે અસહ્ય બની જતાં હોય છે. ક્યારેક અભાવની લાગણીથી તો ક્યારેક રોષ અને ગુસ્સાથી. અલબત્ત, પસંદ ન આવે અને નિરાશા પેદા કરે એવા સ્ટેટસ કે મિત્રોને બ્લૉક કરી શકાય છે, પરંતુ સોશિયલ મીડિયાથી સાવ જ મુક્ત થવાનું શક્ય નથી.
સોશિયલ મીડિયાની વિપરીત અસરોથી બચવા માટેનો એક ઇલાજ એ છે કે એને વાસ્તવિક સ્વરૂપમાં સમજવામાં આવે. સાચી વાત એ છે કે ફેસબૂક જેવા સોશિયલ મીડિયામાં વ્યક્તિ વિશેની માહિતી પૂરી રીતે ગળાઈને આવતી હોય છે. માણસ પોતાની શ્રેષ્ઠ બાબતો જ સોશિયલ મીડિયામાં શેર કરતો હોય છે. આથી એની ફક્ત ઊજળી વાતોથી પ્રભાવિત થવાની કોઈ જરૂર નથી. આ ઉપરાંત, સોશિયલ મીડિયા તમારી જાતને સમજવામાં મદદરૂપ થઈ શકે છે. તમે કઈ વાતથી ખુશ થાવ છો, નારાજ થાવ છો, ઈરિટેટ થાવ છો એ બધું તમારી સોશિયલ મીડિયા પરની વર્તણૂકમાં વધુ સ્પષ્ટ રીતે છતું થાય છે. એકંદરે સોશિયલ મીડિયા શાંતચિત્તે અને સમતોલ ભાવથી વાપરવાનું સાધન છે, એમાં ડૂબેલા રહીને રિયલ લાઇફને ડિસ્ટર્બ કરવાની ચીજ નથી.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર