પડઘા પડછાયાના (પ્રકરણ દસ)
'સર, તમારી વાઈફ... અનિતાજીનો એક્સિડન્ટ થયો છે. હમણા જ પોલીસનો ફોન હતો. લોનાવાલા ફાર્મ હાઉસથી રિટર્ન થતાં ગાડી ઘાટમાં...' ડૉ. અરોરાની આસિસ્ટન્ટ કોમલ હાંફળી ફાંફળી થઈ કેબિનમાં આવી, કોમલ તેનું વાક્ય પૂરું કરે તે પહેલા જ ડૉ. આકાશ પોતાની કેબિનમાંથી બહાર નિકળી ચૂક્યા હતા.
ડૉ. આકાશ અરોરાના વિઝિટીંગ કાર્ડમાં જે મોબાઈલ નંબર હતો તે ઓફિસ ટાઈમ દરમિયાન તેમની આસિસ્ટન્ટ કોમલ પાસે જ રહેતો. બીજો પ્રાઈવેટ નંબર હતો જે હંમેશાં આકાશ પાસે જ રહેતો.
'કોમલ, એ લોકો અનિતાને કઈ હોસ્પિટલમાં લઈ ગયા છે?' આકાશ અરોરા કેબિનમાંથી બહાર આવી તેમના ક્લિનિકની બહારના મેઈન દરવાજા પાસે પહોંચીને જરા અટક્યો. પાછળ ફરીને જોયું તો કોમલ હજી કેબિનમાંથી બહાર આવી રહી હતી.
'કોમલ...' આકાશને ગભરામણ થઈ રહી હતી.
'સર... મેડમ...' કોમલના મોઢામાંથી શબ્દો નિકળી નહોતા રહ્યા.
'For gods sake tell me komal. અનિતાને કઈ હોસ્પિટલમાં લઈ ગયા છે?' આકાશ દરવાજેથી પાછો આવી કોમલના ખભા પકડી તેને હલબલાવી રહ્યો હતો.
'સર... આજે સવારે મેડમ મુંબઈ આવવા નીકળ્યા...' કોમલ શબ્દો ગોઠવી રહી હતી.
'કોમલ... મને આખી સ્ટોરી ના કહે, જસ્ટ ટેલ મી એ કઈ હૉસ્પિટલમાં છે?' આકાશ તેની ધીરજ ગુમાવી રહ્યો હતો. મનમાં આવી રહેલા અણગમતા વિચારોને તે ખૂબ જ પ્રયત્નો કરવા છતાં પાછળ ધકેલવામાં સફળ નહોતો થઈ રહ્યો. એમાં કોમલનું જવાબ ન આપવું એ વિચારોને વધારે હવા આપી રહ્યું હતું.
'સર... પોલીસે આ નંબર ઉપર તમને ફોન કરવા કહ્યું છે.' કોમલે પોતાના ડેસ્ક ઉપર પડેલી નોટપેડમાંથી ઉપરનું પેપર ફાડીને આકાશને આપ્યું. આકાશ એ પેપર લઈ સીધો નીચે ઊતરી ગયો.
અંશુમન ડૉક્ટરની કેબિનના દરવાજે ઊભો ઊભો ડૉ. અરોરાને જતો જોઈ રહ્યો. ડૉક્ટરની બેચેનીથી સમજી ગયો હતો કે વાત ખૂબ જ ગંભીર છે. કોમલનું ધ્યાન ક્લિનિકમાંથી બહાર ભાગતા આકાશ અરોરા ઉપર જ હતું. કોમલની આંખમાંથી તેની જાણ બહાર જ આંસુ નિકળી રહ્યા હતા.
'એક્સક્યુસ મી...' અંશુમને ડેસ્ક પાછળની ચેર ઉપર બેસી રહેલી કોમલને કહ્યું :
'ડૉ. અરોરા તો હવે આજે નહીં આવે ને?'
'ના સર હવે થોડા દિવસ નહીં આવી શકે.' કોમલે અંશુમનની સામે જોઈ કહ્યું.
'ઑહ, તો આજે મારું સેશન અધૂરું રહ્યું છે તે તમે લેશો?' અંશુમન ઉપર અહીંના માહોલની કોઈ જ અસર થઈ રહી નહોતી. કોમલ થોડા અજંપા સાથે અંશુમન સામે જોતી બેસી રહી. પછી તરત જ ઊભી થઈ અંશુમનને ડૉ. અરોરાની કેબિનની બાજુની નાની કેબિનમાં લઈ ગઈ. તે પોતે પણ એક સાઈકોલોજિસ્ટ હતી. ડૉ. અરોરાના આસિસ્ટન્ટમાં કામ કરતી હતી માટે આવી સિચ્યુએશનમાં દર્દીને કેમ સંભાળવું તે જાણતી હતી.
'પ્લિઝ સીટ હિયર.' કોમલે રૂમમાં પડેલી એક વ્હાઈટ ચેર તરફ ઈશારો કરતા અંશુમનને કહ્યું.
'અહીયાં?' અંશુમન થોડો ગૂંચવાયો. તે વિચારી રહ્યો હતો કે આ ચેર ઉપર બેસીને કેવી રીતે વાત કરી શકશે. તેને તો હંમેશાં મોટી કેબિનમાં રહેલી બ્રાઉન ચેર ઉપર બેસીને જ બોલવાની ટેવ છે.
'આપણે ડૉ. અરોરાની કેબિનમાં જઈને સેશન પૂરું ન કરી શકીએ?' અંશુમનથી કહેવાઈ ગયું. તેને આ જગ્યા નવી લાગતી હતી.
કોમલને ડૉ. અરોરાની સૂચના બરાબર યાદ હતી તે પ્રમાણે તેમની કેબિનમાં તેમની પરમિશન વગર કોઈ પણ દર્દીને લઈ જવું શક્ય નહોતું. તેમની રૂમમાં દરેક દર્દીની પર્સનલ ફાઈલ્સ રહેતી જે ડૉ. અરોરા સિવાય કોઈને પણ ચેક કરવી તો દૂર પણ જોવાની પણ પરવાનગી નહોતી.
'અંશુમન... હું તમને ડૉ. અરોરાની કેબિનમાં નહીં લઈ જઈ શકું. તમે અહીંયાં બેસો હું તેમની કેબિનમાં જઈને એમનું ટેપરેકોર્ડર લઈ આવું છું. ડૉ. અરોરા જ્યારે પણ કોઈ પેશન્ટ સાથે સેશન દરમિયાન ન રહી શકતા હોય અને તે પેશન્ટને ડૉ. અરોરા સાથે પર્સનલ વાત કરવી હોય તો તેઓ આ ટેપ રેકોર્ડરમાં જ વાત રેકોર્ડ કરીને મૂકી શકે છે. હું એમાં તમારા નામનું લેબલ લગાવી એ ટેપ ડૉ. અરોરાને પહોંચાડી દઈશ.' કોમલ ડૉ. અરોરાની કેબિનમાં જઈ તેમનું ટેપ રેકોર્ડર લઈ આવી. અંશુમન આ રીતથી વાકેફ હતો. જ્યારે તેણે ડૉ. અરોરા પાસે આવવાનું ચાલુ કર્યું હતું અને પોતાના મનની વાતો તે ખુલીને ડૉક્ટરની હાજરીમાં નહોતો કરી શક્યો ત્યારે આકાશે આ જ ટેકનિક વાપરી હતી. તેને આમ કરવું વધું યોગ્ય લાગ્યું.
'યસ પ્લિઝ... મને એ ફાવશે.' અંશુમનને ન જાણે કેમ પણ આ બદલાવથી થોડો ઉત્સાહ થઈ આવ્યો.
'કોમલજી... તમારે તો બહાર જવું પડશે ને?' અંશુમન ઈચ્છતો હતો કે તે ટેપરેકોર્ડર સાથે જ્યારે વાત કરે ત્યારે કોમલ ત્યાં હાજર ન હોય.
'હા' કોમલને અંશુમનનો ઈશારો સમજતા વાર ન લાગી. તે તરત જ એ વ્હીલ ચેરની બાજુના બ્રાઉન વૂડન ટેબલ ઉપર રેકોર્ડર મૂકીને બહાર નીકળી ગઈ. બહાર જતા તેણે અંશુમનની આંખોમાં દેખાતી ચમક જોઈ.
'નિર્જીવને પોતાના મનની વાત કરવામાં આટલો ઉત્સાહ થઈ આવે છે અને સજીવ લોકો સામે મન ખોલવામાં કેટલી તકલીફ પડતી હોય છે!' વિચારતી તે કેબિનના ડોરને ખેંચતી બહાર આવી ગઈ.
* * *
'હલ્લો... હલ્લો... હું આકાશ બોલું છું. ડૉ. આકાશ અરોરા...' આકાશને નીચે આવેલો જોઈ તેનો ડ્રાઈવર સીધો ગાડી લેવા ભાગ્યો હતો. ગાડી આવે ત્યાં સુધી તેણે કોમલે આપેલા નંબર ઉપર ફોન કર્યો.
'હા મેં ઈન્સ્પેક્ટર પાટીલ બોલતો... અનિકા અરોરા આપકી વાઈફ હૈ? સામે છેડેથી મહારાષ્ટ્રીયન લહેકામાં એક કર્કશ અવાજ સંભળાયો.
'જી... હા... અનિતા મેરી વાઈફ હૈ... આપ પ્લીઝ બતાઈએ મુઝે કૌનસી હૉસ્પિટલ આના હૈ?' સામે આવેલી ગાડીનો દરવાજો ખોલી અંદર બેસતા આકાશે પૂછ્યું. ડ્રાઈવર થોડો અચંબાથી બેક વ્યૂ મિરરમાં ડૉક્ટરસાહેબને જોઈ રહ્યો.
'આપ ખંડાલા સિવિલ હોસ્પિટલ આ જાઈએ.' ઈન્સ્પેક્ટર પાટીલે આટલું કહી ફોન કટ કરી નાંખ્યો.
'ખંડાલા સિવિલ હોસ્પિટલ, ઓકે. આકાશે ફોનમાં બોલેલા શબ્દો ફરી રિપીટ કર્યા જે મિરરમાંથી પાછળ જોઈ રહેલા ડ્રાઈવરને ગાડી ચલાવવાનો ઈશારો પણ હતો.
'મેં અનિતાને કહ્યું હતું કે એક વીક રાહ જોઈ લે તો હું પણ સાથે આવું, પણ એનાથી તો ફાર્મ હાઉસના રિનોવેશન પછી તે બરાબર થયું કે નહીં એની રાહ જ નહોતી જોવાતી. મેં એની વાત માનીને એને એકલી કેમ જવા દીધી?' આખે રસ્તે આકાશ પોતાના ઉપર તો ક્યારેક અનિતાના લોનાવાલા જવાની જીદ્દ ઉપર ગુસ્સો કરતો રહ્યો. પોતે પણ જાણતો હતો કે આ બધું જ એના પોતાના મગજની ગેઈમ છે કે મેઈન વાતથી દૂર ભાગી શકશે અને જે વાતોથી કોઈ ફર્ક જ નથી પડવાનો એ વાતોમાં વિચારો કર્યા પણ આ ટાઈમ પર પોતાનું સાઈકિયાટ્રીસ્ટ હોવું કોઈ જ કામનું નહોતું.
* * *
'આકાશ, ચાલોને લોનાવાલા જઈએ આ વીક-એન્ડ.' અનિતાએ બ્રેકફાસ્ટ ટેબલ પર આકાશની બાજુની ચેરમાં બેસતાં તેની સામે જોઈ પૂછ્યું.
'અનિતા હમણા નહીં, થોડા કામમાં છું. સેટર-ડે પણ સાંજ સુધી સેશન્સ છે જે કેન્સલ થઈ શકે એમ નથી.' આકાશે અનિતાની સામે એક નજર કરી નાસ્તો કરવાનું ચાલુ રાખ્યું.
અનિતા અને આકાશના લગ્નને છ વર્ષ થઈ ચૂક્યા હતા, આકાશનું સાઈકિયાટ્રીસ્ટ હોવું અનિતાને ઘણું ફાયદાકારક હતું. મનના ઉતાર-ચઢાવ અને તેના ફેરફાર આકાશ ખૂબ જ બખૂબી જાણતો હતો. હા ક્યારેક અનિતા કંટાળતી પણ ખરી.
'આકાશ, તું હંમેશાં મારા અલગ અલગ મૂડને એક કન્ડિશન માની બેસે છે. આમ તો કેમ ચાલે? કમ સે કમ તું મારી પાસે હોય ત્યારે તો મન અને મગજને એનલાઈઝ કરવાનું બંધ રાખ!' આ અનિતાની ઑલ ટાઈમ ફેવરેટ કમ્પ્લેન લાઈન્સ હતી.
અનિતા પોતે ઈન્ટિરીયર ડિઝાઈનર હતી. થોડું ઘણું આકાશની ઓળખાણના કારણે તો ઘણું ખરું પોતાની આવડતને કારણે તે ઘણી નામના મેળવી ચૂકી હતી.
'લોનાવાલા ફાર્મ હાઉસનું રિનોવેશન અલમોસ્ટ પતી ગયું છે, મેં ત્યાં કામ કરતા લોકોને કહ્યું હતું કે હું આવીને ફાઈનલ ચેકિંગ કરી જઈશ, તું એમ ફ્રી થાય એમ લાગતું નથી, હું જ જઈને આવું. નેક્સ્ટ ડે આવી જઈશ.' અનિતાએ વાત કરી.
'ઓકે ઠીક છે, તું જઈ આવ, મારાથી નીકળાય એમ નથી.' કહી આકાશ ઘરેતી નીકળી ક્લિનિક આવવા નીકળ્યો અને અનિતા લોનાવાલા જવા નિકળી.
આકાશને આખા રસ્તે ગઈકાલે સવારે અનિતા સાથે થયેલી વાત જ યાદ આવી રહી હતી.
***
બંને મિટિંગ પતી ત્યારે ઑલરેડી 7.30 થઈ ચૂક્યા હતા. જો પોતે મોબાઈલમાં 7.30નો એલાર્મ ન મૂક્યો હોત તો કદાચ રિદ્ધિમા સાથે બહાર જવાની વાત યાદ આવવામાં ઘણું મોડું થઈ જાત.
'જિગ્ગી, હું અહીંથી બહાર જાઉં છું, ડ્રાઈવર પાસેથી ગાડીની ચાવી લઈ આવ ને પછી તું પણ જા.' મિટિંગ પતાવી બહાર આવતા અંશુમને ચાવી લાવી આપવા જિગ્ગીને કહ્યું.
'ઓકે સર, આજે બંને મિટિંગ આપણા માટે તો પૉઝિટીવ જ છે. તમે નક્કી કરીને કહેજો કે પહેલા કોની સાથે નક્કી કરીએ.' જિગ્ગીને અંશુમનની ટેલન્ટ ઉપર ખૂબ જ ભરોસો હતો માટે તે પોતાનાથી થતી બધી જ મહેનત કરી લેતો.
'હા, પોઝિટીવ તો છે, લેટ મી થિંક ઓવર ઈટ, કાલે વાત કરીએ.' કહી અંશુમન ગાડીની ચાવી લઈ આગળ નિકળી ગયો.
'રિદ્ધિમા, બહાર આવો મેડમ...' રિદ્ધિમાની હોટલની બહાર ગાડી સાઈડમાં ઊભી રાખી અંશુમને ફોન કર્યો.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર