પડઘા પડછાયાના (પ્રકરણ આઠ)
(P.S. - વૉટ્સ એપની ચેટ વિન્ડોમાં અંશુમન સરના નામની નીચે પાછલા એક મહિનામાં લગભગ રોજ દેખાતું 'typing...' અને સેન્ડ કર્યા વગરનું 'hi' હવે વધારે રાહ નહીં જોવડાવે એવા હોપ્સ સાથે ગુડ નાઈટ !)
‘Oh god... આને તો બધું જ ખબર છે...’
અંશુમનનું હૃદય એક એક શબ્દ સાથે ઉછળી રહ્યું હતું, તે હજી પણ દરવાજાની મેટ ઉપર જ બેઠેલો હતો. ત્યાં જ બેસીને તે એ લેટર બે વાર વાંચી ચૂક્યો હતો.
‘ગજબ છે આ છોકરી, હું તેને એક મહિનાથી એક સિમ્પલ 'hi' નો મેસેજ નહોતો મોકલી શક્યો અને તે આ બધું જ કહીને જતી રહી. અંશુ બેટા સોચ સમજ કર આગે બઢીયો, સુપર ફાસ્ટ ટ્રેન હૈ!’ કહેતો તે નીચેથી ઊભો થયો અને બેડ પાસે પહોંચ્યો.30 મિનિટ પહેલા થાકેલા અંશુમનના મોઢા ઉપર હવે થાકનું નામ નિશાન ન હતું. ઉંઘથી ઘેરાતી આંખોમાં હવે હજી બે રાત જાગી શકે એટલી ચમક આવી ગઈ હતી. બેડ પાસે આવતાં જ તેનું ધ્યાન ત્યાં પડેલા ફોન ઉપર ગયું. ઊભા ઊભા જ ફોન હાથમાં લઈ નીચેનું સેન્ટર રાઉન્ડ બટન પ્રેસ કરતા સ્ક્રીન ઝબકી ઉઠી, પાર્ટીમાં આવેલા લોકોના ગ્રિટીંગ મેસેજીસથી ફોન ઊભરાતો હતો. અંશુમનને હમણા એમાંના એક પણ મેસેજમાં રસ નહોતો. વૉટ્સ એપમાં અનુષ્કાના નામ પાસે ટેપ કરી તેની ચેટ વિન્ડો ખૂલતાં તેનું ધ્યાન તરત જ લાસ્ટ સીન ઉપર ગયું. હમણાં જ ત્રણ મિનિટ પહેલાનો જ સમય બતાવતું હતું, તે હજી વિચારે કે શું કરવું ત્યાં જ અનુષ્કાના નામ નીચે 'Online' દેખાયું, અંશુમનથી અજાણતા જ ફોન નીચે મૂકાઈ ગયો. જાણે અનુષ્કાએ પોતાને તેની તરફ તાકતો જોઈ લીધો હોય અને પોતાની ચોરી પકડાઈ ગઈ હોય એમ.અચાનક બાજુમાં પડેલો ફોન વાઈબ્રેટ થયો. અંશુમને તરત જ સ્કિન તરફ જોયું.‘હેય અંશુમન...’ લંડનથી કોઈ અજાણ્યા નંબરથી મેસેજ હતો, અંશુમને અજાણ્યો નંબર હોવાથી રાતના 4 વાગ્યે વૉટ્સ એપ ખોલીને જોવાની તસદી લીધા વગર જ ફોનને બેડની બાજુના નાઈટ સ્ટેન્ડ ઉપર રાખેલા ચાર્જિંગ ડોક ઉપર મૂકી બાજુમાં પડેલા રિમોટથી પડદા અને લાઈટ્સ બંધ કર્યા.
સવારે 9 વાગ્યાની આસપાસ અંશુમનના રૂમમાં ચાર્જિંગ ડોક ઉપર રાખેલો ફોન રણકી ચૂક્યો હતો, ડોકના સ્પીકરના કારણે ફોનની રિંગ આખા રૂમમાં ગુંજી રહી હતી. અંશુમને બધા જ લોકોને કડક સૂચના આપી રાખી હતી કે કોઈ ઈમરજન્સી વગર ક્યારેય પણ તેને ફોન કરીને ઉઠાડવો નહીં. સવારના 4 વાગ્યે સૂતેલા અંશુમન માટે હમણાં અડધી રાતનો માહોલ હતો. રિંગ પૂરી થઈને શાંત પડેલો મોબાઈલ બે મિનિટ રહીને ફરી રૂમ ગુંજાવતો હતો. અંશુમને ઉંઘમાં જ ફોન ડોકમાંથી હટાવી અધખૂલ્લી આંખે સ્ક્રીન ઉપર નામ જોવા મથામણ કરી પણ ત્યાં નામની જગ્યા ઉપર નંબર ઝબકી રહ્યો હતો.
રાત્રે જે નંબરથી વૉટ્સ એપ મેસેજ આવ્યો હતો તે જ લંડનનો નંબર ઝબકી રહ્યો હતો. અંશુમને કુતૂહલ સાથે ફોન રિસીવ કર્યો.
‘હલ્લો...?’
‘હેય... અંશુમન... કેમ છે?’ સામા છેડેથી કોઈ સ્ત્રીનો મીઠડો અવાજ સંભળાઈ રહ્યો હતો. અંશુમન ચૂપ રહેતા તે ફરી બોલી.
‘ઈન્ડિયા આવીને તો એકદમ પૉપ્યુલર થઈ ગયો, અંશુમન!’
‘હમમમમ... મે આઈ નો હું કોની સાથે વાત કરી રહ્યો છું?’ અંશુમનની ઉંઘ હવે ઉડી રહી હતી.
‘તારા ડેડએ કહ્યું તો હતું કે તું ખૂબ જ બદલાઈ ગયો છે, પણ આટલો બદલાઈ ગયો હોઈશ નહોતું વિચાર્યું.... Uncle was right !’ આ મીઠડો અવાજ લંડનની એક્સેન્ટમાં ઈંગ્લિશ તેણે ક્યાંક સાંભળેલો હતો.
‘you are....?’ અંશુમનનું મગજ એના પપ્પાનું નામ આવતાં જ કામે લાગ્યું.
‘અંશુમન મલ્હોત્રા... નોટ ફેર, ઈન્ડિયા આવીને જૂના ફ્રેન્ડઝ ભૂલી જવાના? એન્ડ યા મારો નંબર ચેન્જ થઈ ગયો છે, એટલે તારી પાસે સ્ટોર્ડ પણ નહીં હોય, મારા ડેડ પણ અજીબ છે, મને બે વર્ષથી વધારે એક નંબર રાખવા જ નથી દેતાં.’
‘મિસ, રિદ્ધિમા રૉય...’ બોલતાં જ અંશુમનની આંખો ચમકી ઊઠી.
‘હું ભૂલ્યો કે તું ભૂલી ગઈ? બે વર્ષ પહેલા હું લંડનથી ઈન્ડિયા આવ્યો અને તું પેરીસ ભાગી ગઈ. જ્યારે પણ લંડન ગયો ત્યારે હંમેશાં તારા માટે પૂછ્યું હતું. ન્યૂઝ મળ્યા કે તું મોડેલિંગમાં 'પૉપ્યુલર' થઈ રહી છે!’ અંશુમને વાત કરતાં કરતાં જ રિમોટથી બેડની સામેના પડદા ખોલ્યાં. બેડ ઉપર જ પીલો ખોળામાં લઈ બેસી રહ્યો.
‘હા... હા... હા... હું અને પૉપ્યુલર? ઠીક હવે, મારી પાર્ટીઝના ન્યૂઝ વેબ ઉપર નથી ફરતાં હોતા! બાય ધ વે ફિરંગી પ્યાર સાંભળ્યું, આય મસ્ટ સે હું તારાથી ઈમ્પ્રેસ થઈ ગઈ!’ રિદ્ધિમા એકદમ ખુશ થઈ બોલી રહી હતી.
‘ઓહ... મિસ રિદ્ધિમા રૉય ઈઝ ઈમ્પ્રેસ્ડ? આ તો ગ્રેમી એવોર્ડ જીત્યા બરાબર છે ! યાદ છે, સ્કૂલમાં તને 'ઈમ્પ્રેસ' કરવા ગોરાઓ કેવા તારી આગળ પાછળ ફરતાં હતા?’ અંશુમન અને રિદ્ધિમા એક જ સ્કૂલમાં ભણીને મોટા થયા હતા. છેલ્લા બે વર્ષથી બંનેની દિશાઓ અલગ-અલગ હોવાથી સંપર્ક ઓછો રહ્યો હતો.
‘યાહ... પણ તે ક્યારેય મને ઈમ્પ્રેસ કરવાની ટ્રાય જ ન કરી, હું તો રાહ જોતી રહી ગઈ કે ક્યારે તું ટ્રાય કરે પણ હવે તો ઈન્ડિયાની બ્યુટીઝ તારી પાછળ ગાંડી હશે ને?’ રિદ્ધિમા ઘણા દિવસો પછી અંશુમનની સાથે વાત કરી રહી હતી પણ બંનેની નાનપણની મૈત્રીમાં વચ્ચેના દિવસો ઓગળી રહ્યા હતા.
‘મારી પાછળ ઈન્ડિયન બ્યુટીઝ? તો તારી પાછળ 'પેરીઝીયન' છોકરાઓ ગાંડા થતા હશે ને?’ અંશુમન સામે એ જ લહેકામાં જવાબ આપી રહ્યો હતો.
‘હવે કહે... બે વર્ષ પછી આજે અચાનક કેમ યાદ કર્યો?’ અંશુમને સીધું પૂછી જ લીધું.
‘હું ઈન્ડિયા આવી છું... કાલે રાત્રે જ આવી. આવીને તને મેસેજ પણ કર્યો હતો પણ... એની વેઝ હું અહીં એક અઠવાડિયું છું, લેટ્સ કેચ અપ!’ રિદ્ધિમાએ પોતાનો પ્લાન બતાવ્યો.
‘ધેટ્સ ગ્રેટ ! શ્યોર આજે જ મળીએ, ઓહ વેઈટ આજે સાંજે બેક ટુ બેક અપોઈન્ટમેન્ટસ છે... હાઉ અબાઉટ ડિનર? રાત્રે 8 વાગ્યે?’
* * *
‘રિદ્ધિમા રૉય લંડનમાં જ જન્મી અને મોટી થઈ હતી, તેના ફાધર લંડન ભણવા ગયા અને પછી ત્યાં જ સેટલ થયા હતા. એકદમ નહીં જેવી મૂડીમાંથી શરૂ કરેલો બિઝનેસ તેમની દૃઢ મહેનત અને શક્તિશાળી મગજના કારણે આકાશની ઉંચાઈએ પહોંચ્યો હતો. રિદ્ધિમા 'હાઈબ્રીડ' ચાઈલ્ડ હતી ! તેના ફાધર તો ઈન્ડિયન હતા પણ તેની મધર બ્રિટીશ હતી. માટે જ રિદ્ધિમા પોતાની આઈડેન્ટીટીને લઈને ઘણી વાર કન્ફ્યૂઝ પણ થઈ જતી. તેના મોટા બે ભાઈ, વિકેન અને વિશેષ. બંનેએ બિઝનેસમાં માસ્ટર્સ કરી પપ્પાનો બિઝનેસ જોઈન્ટ કરી લીધો હતો, જ્યારે રિદ્ધિમાને નંબર્સ અને બિઝનેસમાં પહેલેથી જ રસ નહોતો. વળી ઈન્ડિયન અને ઈંગ્લિશ જીન્સનું મિક્સચર ખૂબ જ ખીલીને રિદ્ધિમામાં બહાર આવ્યું હતું. તેની મોડેલિંગની ઈચ્છાને તેના પપ્પાએ થોડી આનાકાની પછી સ્વીકારી લીધી હતી. રિદ્ધિમા લંડન અને પેરીસ બંને જગ્યા પર રહેતી હતી.
પેરીસની મોડેલિંગ ઈન્ડસ્ટ્રીમાં શરૂઆતના થોડા સ્ટ્રગલિંગ પિરીયડ પછી એક મેકઅપ બ્રાન્ડમાં પહેલો બ્રેક મળ્યા પછી રિદ્ધિમા ઈન્ટરનેશનલ મોડેલિંગ ઈન્ડસ્ટ્રીનો ખૂબ જ લોકપ્રિય ચહેરો બની ચૂકી હતી. ત્યારે તે ઈન્ડિયામાં એક ફોટોશૂટ માટે જ આવી હતી જે બે દિવસ મુંબઈ અને બાકીના ત્રણ દિવસ રાજસ્થાનમાં થવાનું હતું. મેં તેને ડિનર માટે કહ્યું ત્યારે મને જ ખબર નહોતી કે લાઈફ મારા માટે એક નવો જ ટર્ન લઈ રહી હતી....’ અંશુમન ડાર્ક બ્રાઉન લોન્જ ચેરમાં બેસીને ડૉ. આકાશ અરોરાને કહી રહ્યો હતો, તેની નજર છતના ચોસલાની ડિઝાઈનમાં ગોળગોળ ફરી રહી હતી.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર