પડઘા પડછાયાના (પ્રકરણ 18)

01 Dec, 2016
12:00 AM

શ્વેતા સુતરીયા

PC: khabarchhe.com

'મિ. અંશુમન મલ્હોત્રા...' અનુષ્કાએ મન ઉપર કાબૂ મેળવી મગજ કામે લગાવી દીધું હતું. અવાજમાં લાગણીનો એક છાંટો પણ નહીં અને એકદમ ભાવવિહીન આંખોથી તે અંશુમન તરફ જોઈ તેની સામે હાથ લંબાવી ઊભી રહી.

'અન્નુ...' અંશુમનની નજર હજી પણ અનુષ્કાની આંખોમાં જ પહેલા જેવી હૂંફ શોધી રહી હતી, પરંતુ અનુષ્કાની આંખોમાં બરડતા સિવાય કંઈ જ જોઈ શકાતું નહોતું. કોણ જાણે કેમ પણ અંશુમનને આંખોના આ નિર્લેપ ભાવ જોઈને ગભરામણ થઈ આવી. અંશુમને પોતાનો હાથ લંબાવી અનુષ્કાના હાથમાં મૂક્યો. આ સ્પર્શને તે ઓળખી ન શક્યો. આ સ્પર્શમાં એ ઉષ્મા ગાયબ હતી, માટે તે બે વર્ષથી વલખાં મારતો હતો.

'અંશુમન... ઈટ ઈઝ રિયલી નાઈસ ટુ મીટ યુ,  વધુ રોકાઈને જરૂર વાત કરતે જો હમણાં મારી ફ્લાઈટ અનાઉન્સ ન થઈ હોત. સોરી પણ મારે જવું પડશે. આઈ એમ ઓલરેડી લેટ...' વાક્ય પૂરું થાય તે પહેલાં જ અનુષ્કા અંશુમનની સામેથી ઊંધું ફરી ચાલવા લાગી. હાથમાં પકડેલા પાસપોર્ટની અંદર રાખેલો બોર્ડિંગ પાસ અનુષ્કાના ઉંધુ ફરવાની સાથે જ સરકીને નીચે પડી ગયો. આ વાતથી અજાણ અનુષ્કા પાછળ ફરીને જોવાની દરકાર લીધા વગર આગળ ચાલી રહી હતી. અંશુમનની આસપાસ ભેગા થયેલા ફેન્સમાંથી એકની નજર એ બોર્ડિંગ પાસ ઉપર પડી. તેણે નીચે ઝૂકીને તે પાસ ઉંચક્યો અને અનુષ્કાને બોલાવે તે પહેલા જ જીગ્ગીએ આવીને તરત તેના હાથમાંથી બોર્ડિંગ પાસ લઈ અનુષ્કા તરફ ભાગ્યો.

'અનુષ્કા મેમ...' જીગ્ગી બોર્ડિંગ પાસ લઈ અનુષ્કાની પાછળ જઈ પહોંચ્યો.

અનુષ્કા અચાનક પોતાનું નામ સંભળાતા અટકી અને પાછળ ફરી. પોતાના ઉપર કાબૂ કરીને એ જેમતેમ આગળ જઈ રહી હતી તેમાં આમ અચાનક જીગ્ગીનું પોતાને રોકવું તેને થોડું હલબલાવી ગયું.

'જીગ્ગી...' અનુષ્કા જીગ્ગી સામે જોતી ઊભી હતી. અંશુમનની સામે રોકી રાખેલ બંધ હવે નબળો પડી રહ્યો હતો. જીગ્ગી સામે જોઈ તેની આંખમાંથી આંસુ ટપકી પડ્યું. અંશુમનની સામે જે લાગણી વગરની કોરીધાકોર આંખો હતી તે જ આંખોમાં હમણાં ખૂબ જ તોફાની ઘુઘવાટ અનુભવી શકાતો હતો. જીગ્ગી અનુષ્કા તરફ વધારે વાર ન જોઈ શક્યો. હાથમાં પકડેલા બોર્ડિંગ પાસને અનુષ્કા તરફ ધરી ઊભો રહ્યો.

'ઓહ...' અનુષ્કાથી વધારે કંઈ બોલાયું નહીં. થોડી ભોંઠી પડી હોય તેમ જીગ્ગીના હાથમાંથી બોર્ડિંગ પાસ લઈને ઉંધું ફરી ગઈ. અચાનક કંઈ યાદ આવતા પોકેટમાંથી એક કાર્ડ કાઢી જીગ્ગી તરફ ફરીને તેને આપ્યું. કાર્ડ આપી એક પણ સેકન્ડની રાહ જોયા વગર તે ત્યાંથી પોતાના ગેટ તરફ ચાલવા લાગી.

જીગ્ગી ઊંધો ફરી અંશુમન તરફ આવ્યો. અંશુમનની આસપાસ તેના 'ફેન્સ'નું ટોળું ઘેરાઈ ચૂક્યું હતું. આજુબાજુના લોકોથી જાણે અલિપ્ત હોય તેમ અંશુમન દૂર જઈ રહેલી અનુષ્કાને જોતો ઊભો હતો. તે અનુષ્કાને રોકવા માગતો હતો પણ આ અનુષ્કા ઉપર તે પોતાનો કોઈ જ અધિકાર અનુભવી શકતો નહોતો. છેલ્લા બે વર્ષથી જે અનુષ્કાને તે દિવસ-રાત યાદ કરતો હતો તે અનુષ્કા આના કરતાં સાવ અલગ હતી. એ અનુષ્કાની આંખોમાં અંશુમને હંમેશાં પ્રેમ અને વિશ્વાસ જોયા હતા. જ્યારે આ ચાલી જતી અનુષ્કાની આંખોમાં પર્વત જેવી અડગ સ્થિરતા સિવાય બીજુ કંઈ જ અંશુમન જોઈ શક્યો નહીં. આ અનુષ્કામાં કંઈ એવું હતું જે અંશુમનથી એકદમ અજાણ હતું.

'સર... જઈએ?' જીગ્ગીએ ફેનના ટોળામાંથી અંશુમનને બહાર કાઢ્યો. જીગ્ગી અંશુમન પાસે પહોંચ્યો ત્યારે અંશુમનના ફેન્સ અંશુમન સાથે સેલ્ફી લેવાના પ્રયત્નો કરી રહ્યા હતા, અંશુમનના કાન સુધી આજુબાજુના લોકોના શબ્દોનો ઘોંઘાટ જ પહોંચી શક્યો હતો. શબ્દો ઝીલાતા જ નહોતા. આજુબાજુ ઊભેલા ફેન્સને અંશુમનની માનસીક સ્થિતી સાથે કોઈ જ નિસ્બત નહોતી. તેમના માટે મહત્ત્વનું એ હતું કે, સુપર ફેમસ 'અંશુમન મલહોત્રા' તેમની બાજુમાં ઊભો છે અને તેમના મોબાઈલનાં કેમેરામાં બંને એક જ ફ્રેમમાં ઝીલાઈ રહ્યા છે.

જીગ્ગી ધ્યાનથી અંશુમનને એરપોર્ટમાંથી બહાર લાવ્યો. તેને ડર લાગી રહ્યો હતો, અચાનક થઈ ગયેલા આ 'ડ્રામા'ના કારણે અંશુમનને કદાચ કોમલે આપેલા ઈમરજન્સી ડોઝની જરૂર પડી શકે. માટે તેણે સામાનમાંથી એ દવા હાથવગી કરી લીધી હતી. પણ અંશુમનની સ્વસ્થતા જીગ્ગીને નવાઈ પમાડી રહી હતી.

લંડનના પોશ એરિયા Kensingtonના એક આલિશાન વિલાની બહાર આવીને અંશુમનની ગાડી ઊભી રહી. Kensingtonમાં વિલા ખરીદવો એ મોનોપોલીની ગેમમાં પણ સૌથી મોંઘો સોદો હોય છે. એવા એરિયામાં અંશુમનનો ખૂદનો એક વિલા હતો. ગાડી પાર્ક કરી શોફરે ઉતરીને અંશુમનનો દરવાજો ખોલ્યો, અંશુમન પોતાના ઘર તરફ જોતો નીચે ઉતર્યો, બે વર્ષથી તે આ ઘરે આવ્યો ન હતો. તેના ફાધરે અંશુમનને તેના એકવીસમાં બર્થ-ડે ઉપર આ વિલા ગિફ્ટ કર્યો હતો. જો કે તે કૉલેજમાં આવ્યો ત્યારથી જ તે અહીં એકલો રહેવા આવી ગયો હતો અને કૉલેજ પત્યા પછી તે ઈન્ડિયા આવવા નીકળી ગયો હતો. ઈન્ડિયાથી પણ દર બે-ત્રણ મહિને પોતાના ઘરે આવતો અંશુમન હમણાં આ વિલામાં લગભગ બે વર્ષે પગ મૂકી રહ્યો હતો. અંશુમન જેવો દરવાજે આવીને ઊભો રહ્યો કે અંદરથી દરવાજો ખૂલતાં જ તેની મમ્મી ભૈરવી મલહોત્રા સામે આવીને ઊભા હતા. લખનવી સલવાર કૂર્તા પહેરેલી લગભગ પંચાવન-સાઈઠ વર્ષની સ્ત્રી અંશુમનની સામે ઊભી હતી, તેની આંખો વહાલથી નીતરી રહી હતી. લંડનમાં જ જન્મેલો અને ઉછરેલો અંશુમન તેની મમ્મીની ખૂબ જ નજીક હતો. તેની નાનપણની યાદોમાં પપ્પાની યાદોનું સ્થાન લિમિટેડ હતું. કારણ કે, તેના પપ્પાની હાજરી પણ તેની લાઈફમાં લિમિટેડ જ રહી હતી. કામની વ્યસ્તતામાં તેઓ અંશુમનને દુનિયાભરની સગવડો આપી શક્યા હતા. પણ યાદો આપવામાં અસફળ રહ્યા હતા. યાદો બનાવવાનું ડિપાર્ટમેન્ટ અંશુમનની મમ્મીએ સંભાળેલું હતું. અંશુમન નાનો હતો ત્યારથી ભૈરવીબેન અંશુમન અને તેના પપ્પા વચ્ચેનો પૂલ બની રહ્યા હતા.

છેલ્લા દોઢ વર્ષથી અંશુમનનો તેની મમ્મી સાથેનો સંપર્ક પણ ખૂબ જ ઓછો થઈ ચૂક્યો હતો. ભૈરવીબેનને અંશુમને અનુષ્કા વિશે બધી જ વાતો કરી હતી માટે ભૈરવીબેનને અંશુમનના ઓછા થયેલા સંપર્કની પાછળનું કારણ ખબર હતું. તેઓ દર છ મહિને અંશુમનની પાસે મુંબઈ જતા અને તેની સાથે સમય પસાર કરતા. અંશુમનની સાયક્યાટ્રીટ ટ્રીટમેન્ટ વિશે તેમણે અંશુમનના પિતા શેખરભાઈને જણાવ્યું નહોતું. તેઓ જાણતા હતા કે મનની આ ગૂંચવાયેલી સ્થિતીને પ્રેક્ટીકલ મગજથી વિચારવાવાળા શેખરભાઈ બરાબર સમજી નહીં શકે.

આજે અંશુમનને સામે ઊભેલો જોઈ ભૈરવીબેનનો હરખ સમાતો નહોતો.

'વેલકમ હોમ... અંશુ...' અંશુમનના બંને હાથ પકડી ભૈરવીબેન તેને જોતા જ રહ્યા.

'મા... આઈ મીસ્ડ યુ...' કહી અંશુમન તેને ભેટી પડ્યો. અંશુમનની પીઠ પસવારતા ભૈરવીબેન થોડીવાર એમ જ ઊભા રહ્યા.

'અંશુ...' ભૈરવીબેનની પાછળ આવીને રિદ્ધિમા ઊભી રહી. અંશુમનનું ધ્યાન ભૈરવીબેન ઉપર હોવાથી તેને અત્યાર સુધી રિદ્ધિમાની હાજરીની ખબર જ ન પડી.

'હાઈ રિદ્ધિ... હાઉ આર યુ?' અંશુમને મમ્મીથી છૂટા પડી રિદ્ધિમાને એક હળવું આલિંગન આપ્યું.

'ઓલ વેલ હીયર...' રિદ્ધિમા તરત જ અંશુમનને ખેંચીને અંદર લઈ ગઈ. વિલાના એન્ટરન્સમાંથી અંદરની તરફ આવતાં જ એક મોટો લિવિંગ રૂમ આવતો, એ લિવિંગ રૂમમાંથી જ બંને બાજુ પડતા ગોળાકાર દાદર ઉપર હાથ પકડીને રિદ્ધિમા અંશુમનને ઉપર લઈ ગઈ. અંશુમનના મગજમાં તેના જ આલબમ 'ફિરંગી પ્યાર'નું ગીત ભમી રહ્યું હતું. એ ગીત જે તેણે અનુષ્કા પહેલી વાર મળી ત્યારે તેની સામે સ્ટેજ ઉપરથી ગાયું હતું.

અંશુમનની પાછળ આવી રહેલા જીગ્ગીએ પોતાના પોકેટમાંનું અનુષ્કાએ આપેલું કાર્ડ કાઢ્યું અને વિચારવા લાગ્યો...

'રિદ્ધિમા, મેડમને કહું કે સીધું અંશુમન સરને જ ઈન્ફોર્મ કરું?'

(ક્રમશઃ)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.