પડઘા પડછાયાના (પ્રકરણ અગિયાર)

13 Oct, 2016
12:00 AM

શ્વેતા સુતરીયા

PC: khabarchhe.com

'રિદ્ધિમા, બહાર આવો મેડમ...' રિદ્ધિમાની હોટેલની બહાર ગાડી સાઈડમાં ઊભી રાખી અંશુમને ફોન કર્યો.

'ઑહ ટિપિકલ અંશુમન! આટલો ફેમસ થઈ ગયો પણ તું હજી સુધી એટિકેટ્સ ન શીખ્યો. કોઈ છોકરીને ડિનર પર લઈ જઈએ ત્યારે એના રૂમ સુધી જવાનું હોય અને એ પણ ફ્લાવર્સ લઈને...' રિદ્ધિમાં ફોનમાં જ કહી રહી હતી.

'ફ્લાવર્સ લઈને? અને એ ફ્લાવર્સનું તમે છોકરીઓ કરો શું? 'ઓહ, હાઉ બ્યુટીફુલ' કહીને  અંદર જઈને રૂમમાં મૂકી આવો. શું ફાયદો યાર એ બધી ફોર્માલિટીનો? હું કાર પાર્ક કરું, તારી રૂમ સુધી આવું, આપણે નીચે આવીએ ને પછી કારમાં જઈએ. આ બધા કરતાં તું સીધી જ નીચે આવી જાય તો કેટલો ટાઈમ બચે!'

'ફોર્માલિટીઝ અને વેસ્ટ ઑફ ટાઈમ જ લાગે તમને લોકોને આ બધું, You all boys are the same...' કહેતી રિદ્ધિમા હોટેલની લૉબીમાંથી બહાર આવી.

લૉબીની બહાર થોડી દૂર પાર્ક કરેલી ગાડીમાં બેકવ્યુ મિરરમાંથી અંશુમન લૉબીના ગેટ પાસે ઊભેલી રિદ્ધિમાને આમતેમ કંઈક શોધતી જોઈ રહ્યો હતો. અંશુમને તરત જ બહાર નીકળી રીધ્ધિમાની તરફ હાથ હલાવી તેનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું.

રિદ્ધિમા તરત જ હાઈ હિલ્સમાં લાંબા ડગલા ભરતી અંશુમન સામે જોઈ મોઢા ઉપર મોટી સ્માઈલ સાથે આગળ વધી, અંશુમનની સામે આવી તેના ખભા પકડી તેની આંખોમાં જોતી ઊભી રહી. બંને લગભગ બે વર્ષ પછી મળી રહ્યા હતા. અંશુમનના ચહેરા ઉપર એ ચમક જોઈ શકતી હતી. ઉપરથી નીચે સુધી અંશુમનને સ્કેન કરતી હોય તેમ જોતી રિદ્ધિમાને જોઈને અંશુમને પૂછ્યું.

'શું જુએ છે? રિદ્ધિમા?"

'ઑહ નથિંગ' કહી રિદ્ધિમાએ અંશુમનને એક હળવું આલિંગન આપ્યું.

'શેલ વી?' અંશુમને આગળનો દરવાજો ખોલી રિદ્ધિમાને અંદર બેસાડી.

અંશુમન ગાડી ચાલુ કરે તે પહેલા પાછળની સીટ ઉપરથી એક પિંક રોઝીસનો બૂકે લઈ રિદ્ધિમા તરફ એક તોફાની સ્મીત આપતો જોઈ રહ્યો.

'હેય... અંશુ તને યાદ છે મને પિંક રોઝ કેટલા પસંદ છે? તો મી. મલ્હોત્રા ફેમની સાથે સાથે એટિકેટ્સ પણ શીખી ચૂક્યા છે.' રિદ્ધિમાની આંખોમાં ફૂલોને જોઈ એક ચમક આવી ગઈ. રિદ્ધિમા પ્રેમાળ સ્મિત સાથે અંશુમન તરફ જોઈ રહી.

'રિદ્ધિ, તને શું લાગે છે કે મને એટલી નથી સમજ પડતી? આટલી મોટી ઈન્ટરનેશનલ મોડેલને મળવા બોલાવું ને એની સામે એટિકેટ્સ ના બતાવું તો મારી ઈમ્પ્રેશન કેવી પડે?' અંશુમન તોફાની આંખોથી રિદ્ધિમા તરફ જોતો હસી રહ્યો હતો.

'વેઈટ... અંશુ... આઈ એમ ગોઈંગ ટુ કીલ યુ!' રિદ્ધિમાએ તે જ ફૂલોનો બૂકે અંશુમનના માથામાં મારવાનું નાટક કર્યું.

* * *

'અન્નુ, તું કાલે સવારે અંશુમન સાથે બહાર ગઈ હતી, આવી ત્યારે મેં પૂછ્યું તો મને કહે કે એમ જ ફ્રેશ હવા ખાવા બહાર ગઈ હતી. ક્યાં જે.ડબલ્યુ. મેરિયોટની કૉફી શૉપમાં હવા મળે છે ખાવા માટે?' એમ.ટીવીની ઑફિસમાં અનુષ્કાની કેબિનમાં આવીને નૈના તેને ખીજાઈ રહી હતી કે મજાક કરી રહી તે ખૂદ નૈનાને પણ નહીં ખબર હોય.

'હા... ના... એતો...' અનુષ્કા અચાનક આવી ચડેલી નૈનાને જવાબ આપવામાં ગૂંચવાઈ રહી હતી. તેણે નૈનાને જણાવ્યું નહોતું કે તે અંશુમનને મળીને આવી રહી છે, તેનું કારણ એક જ હતું કે દિલની સાફ નૈના બીજાની માટે ધારણાઓ બાંધવામાં હોશિયાર હતી. અનુષ્કા નહોતી ઈચ્છતી કે નૈના અંશુમન અને પોતાને માટે કોઈ ધારણા બાંધી બેસે.

'તને શું લાગે છે, અંશુમન મલ્હોત્રા સાથે તું બહાર જાય અને એની કોઈને ખબર ન પડે? આ જો પેઈજ-3 ઉપર 'ગોસીપ કોલમ'માં તારો અંશુમન બપોરે તને ભેટી રહ્યો છે અને રાત્રે એ જ અંશુમન બીજી કોઈને ભેટતો દેખાય છે!' નૈનાએ ન્યૂઝ પેપર અનુષ્કાના ટેબલ ઉપર પછાડ્યું.

'હું કહું છું તને કે દૂર રહે નહીં તો પછતાઈશ...' નૈના આગળ બોલે તે પહેલા જ અનુષ્કાની ગુસ્સા ભરી નજરો તરફ ધ્યાન જતાં નૈના બબડતી બબડતી તેની કેબિનમાંથી બહાર નીકળી ગઈ.

નૈનાના ગયા પછી અનુષ્કાએ ન્યૂઝ પેપર હાથમાં લીધું. પહેલો ફોટો જે.ડબલ્યુ. મેરિયેટની કૉફી શોપનો હતો તો બીજો ફોટો અંશુમનની ગાડી પાસે તે ફેમસ ઈન્ટરનેશનલ મોડેલ રિદ્ધિમા સાથે જોવા મળ્યો હતો.

અનુષ્કાને ખ્યાલ હતો જ કે અંશુમનની પૉપ્યુલારિટી તેના સ્ટેટસના કારણે પોતે ખૂબ જ ધીરજથી કામ લેવું પડશે. અંશુમન એક પબ્લિક ફીગર હતો અને તે પણ આટલો હેન્ડસમ અને વેલબિલ્ટ શરીર. અનુષ્કાએ ઈન્સિક્યોરિટીને કાબૂમાં કરતાં રહેવાનું હતું તે પોતે જાણી ચૂકી હતી. અંશુમન સાથે વાત કર્યા વગર કાંઈ પણ વિચારવું બરાબર નથી તેમ વિચારી તેણે મન શાંત કર્યું. અનુષ્કા હજી આ વિચારી જ રહી હતી ત્યાં જ ટેબલ ઉપર પડેલા તેના ફોનમાં બીપ અને વાઈબ્રેશન સાથે મેસેજ આવ્યો. અનુષ્કાએ પેપર બાજુમાં રાખી મેસેજ ચેક કર્યો તો તે અંશુમનનો જ હતો.

'હાઈ...'

'હાઈ...' અનુષ્કાએ પણ સામે રિપ્લાય કર્યું.

'હાઉ આર યુ અનુષ્કા?'

'ગુડ, હાઉ અબાઉટ યુ?' અનુષ્કા એકદમ સહજ વર્તન કરવાની કોશિશ કરી રહી હતી પણ મનમાં તો સામે દેખાતા ફોટોને લગતા સવાલો ઊઠી જ રહ્યા હતા. એક મિનિટ સુધી અંશુમનનો કોઈ જવાબ ન આવ્યો, પણ થોડી વાર પછી અંશુમને એક ફોટો મોકલ્યો. અનુષ્કાએ તરત જ એ ડાઉનલોડ કર્યો. જોયું તો અંશુમને એક સેલ્ફી મોકલી હતી. જેમાં તે રિદ્ધિમા સાથે ન્યૂઝ પેપરમાં દેખાય છે તે જ કપડામાં હતો, અનુષ્કા સમજી ગઈ કે આ ગઈ કાલ રાતનો જ ફોટો છે. અનુષ્કા રિપ્લાય શું કરવો તે વિચારી રહી હતી, ત્યાં જ અંશુમનનો ફોન આવ્યો.

'હલ્લો... અનુષ્કા...'

'હાઈ...'

'મેં તને જે ફોટો મોકલ્યો તે મારી ચાઈલ્ડહુડ ફ્રેન્ડ છે. રિદ્ધિમા, તે એક ખૂબ જ ફેમસ ઈન્ટરનેશનલ મોડેલ પણ છે. હમણાં મુંબઈ આવી છે તો અમે કાલે ડિનર પર ગયા હતા.' અંશુમનની વાત સાંભળી અનુષ્કાને થોડી રાહત થઈ કે અંશુમન સામે ચાલીને વાતો કરી રહ્યો છે અને તેને ગમ્યું પણ ખરું કે અંશુમન પોતાને માટે કેટલું વિચારી રહ્યો છે કે ફોટો જોઈને પોતે કોઈ ચિંતા કરે તે પહેલાં જ અંશુમન ચોખવટ કરી રહ્યો હતો.

'ઓહ ઓકે, પણ તમે મને આ બધું કેમ કહો છો?' અંશુમનને જવાબ ખબર હોવા છતાં તેને અંશુમનના મોઢે સાંભળવું હતું.

'અનુષ્કા, મને ખબર છે, તારી પાસે તે ફોટો અને તેની સાથેની ગોસીપ સ્ટોરીઝ આવી જ ગયા હશે. 'અંશુમન મલ્હોત્રા બપોરે એક સાથે તો રાત્રે કોઈ બીજી સાથે ટાઈમ સ્પેન્ડ કરતો જોવા મળ્યો.' તો આ ન્યૂઝની સચ્ચાઈ મારે તને કહેવી એ મારી ફરજ છે, હું બીજા કોઈને આ વાતની ચોખવટ આપવા નથી માગતો પણ આપણે બંને એકબીજાને ઓળખીએ તે ખૂબ જ જરૂરી છે.' અંશુમન હજી ઊઠીને પોતાના બેડ ઉપર જ હતો. રાજુએ આપેલા ન્યૂઝ પેપરમાં ફોટો જોઈને તેને પહેલો વિચાર અનુષ્કાનો જ આવ્યો માટે તરત જ તેણે અનુષ્કાને મેસેજ કર્યો હતો.

'અંશુમન... તમારે મારી સાથે આવી વાતો ક્લિયર કરવાની જરૂર નથી. હું તમને પસંદ કરું છું તે મારી ચોઈસ છે, હું તમને પસંદ કરું એનો મતલબ એ નથી કે તમે મને બધુ જ કહેવા બંધાઈ જાઓ. મારે કારણે તમારી પર્સનાલિટીમાં ફેરફાર ન આવવા જોઈએ. મને ખબર છે તમે એક સેલેબ્રિટી છો અને તમારે હજારો લોકોના કોન્ટેક્ટમાં રહેવાનું હોય. સો પ્લીઝ આ બધી ચિંતા ન કરતાં કે મને તમારી કોઈ એક્શનથી ખરાબ લાગશે. જો ક્યારેક લાગશે તો હું સામેથી આવીને સવાલ કરીશ.'

અનુષ્કાને અંશુમનની વાતથી ખૂબ જ ધરપત મળી હતી અને તે અંશુમનને પણ વિશ્વાસ આપવા માગતી હતી કે તેની લાગણીઓ અંશુમન માટે આઝાદી લઈને આવવી જોઈએ કોઈ પણ બંધન લઈને નહીં.

(ક્રમશઃ)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.