પડઘા પડછાયાના (પ્રકરણ 15)

10 Nov, 2016
12:00 AM

શ્વેતા સુતરીયા

PC: khabarchhe.com

'British Airways ફ્લાઈટ નં....  ઈઝ રેડી ફોર બોર્ડિંગ. ફર્સ્ટ ક્લાસ પેસેન્જર્સ આર રિક્વેસ્ટેડ ટુ સ્ટાર્ટ બોર્ડિંગ...' મુંબઈના છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટમાં બ્રિટીશ એરવેઝની લાઉન્જમાં એક ખૂણામાં આંખ બંધ કરીને બેઠેલા અંશુમનને આ અનાઉન્સમેન્ટ સાંભળતા જ જીગ્ગી ખભા ઉપર હાથ મૂકી ધીરેથી હલબલાવી એને જગાડી રહ્યો હતો. અડધી રાત્રે બે વાગ્યે પણ એરપોર્ટ પર તો બપોરના બાર વાગ્યા જેવો જ માહોલ હતો.

'સર, બોર્ડિંગ શરૂ થઈ ગયું છે, તમને હું ગેટ સુધી મૂકી આવું.' અંશુમનની આંખ ખૂલતા જીગ્ગીએ તેની હેન્ડબેગ લેતા કહ્યું.

'ગેટ સુધી કેમ જીગ્ગી? તું પણ આવે છે ને?' અંશુમને ઊભા થતા પૂછ્યું.

'હા સર, આવું છું પણ તમારી ફર્સ્ટ ક્લાસની ટિકિટ હોય ને...' જીગ્ગીએ વાક્ય અધૂરું જ મૂક્યું.

'ઓહ તો તારી નહોતી થઈ?' અંશુમન ભૂલી ગયો હતો કે જીગ્ગી તેનો સેક્રેટરી છે. મુંબઈથી બહાર નીકળવાના વિચારથી તે ખૂબ જ ઉત્તેજીત થઈ રહ્યો હતો. ઘણીવાર માણસનું મન સારી રીતે જાણતું હોય છે કે તેને બાંધી રાખનાર તત્ત્વ કયું છે, પણ તે બંધનથી મુક્ત થવાની ઈચ્છા એટલી પ્રબળ નથી હોતી માટે તે બંધનને જ પોતાનું નસીબ માનીને બેસી રહેતો હોય છે. વચ્ચે વચ્ચે ક્યારેક મળી રહેતી છટકબારી જેવી તકને ઝડપીને થોડી વાર માટે એ બંધનથી મુક્તિ મેળવવાની લાલચ રોકી શકતો નથી. અંશુમન માટે પણ આ પળ એવી જ હતી. મુંબઈમાં રહેવું તેના માટે જરૂરી હતું. તેણે જાતે જ પસંદ કરીને અપનાવેલી અને સિદ્ધ કરેલી કારકિર્દી માટે આ શહેર છોડવું શક્ય નહોતું. લંડનમાં આટલો મોટો તૈયાર બિઝનેસ છોડીને અંશુમને મુંબઈમાં જાતે જ પોતાની પહેચાન બનાવવાનું પસંદ કર્યું હતું. આ આઝાદીની કિંમત પણ તે ચૂકવી જ રહ્યો હતો. દરેક આઝાદી પોતાની સાથે ખૂબ જ મોટી જવાબદારી લઈને આવતી હોય છે, પોતાના દરેક કાર્યના પરિણામની જવાબદારીમાંથી છટક્યા તો તમે તમારી આઝાદી પણ ગુમાવી બેસવાના. આ વાત માનસિક અશાંતિમાં પણ અંશુમન બરાબર રીતે જાણતો હતો. માટે જ લંડનમાં પોતાની મમ્મી સિવાય બીજા કોઈને પણ તેની સાઈકીયાટ્રીક ટ્રીટમેન્ટની કોઈ જ ખબર પડવા નહોતી દીધી.

'સર, આપણે જઈએ... પછી રેગ્યુલર બોર્ડિંગ શરૂ થઈ જશે તો તમને તકલીફ પડશે.'

'ચલ, મેરે બોડિગાર્ડ...' અંશુમનનો આવો હળવો મૂડ જોઈ જીગ્ગી પણ ખુશ થઈ ગયો.

લાઉન્જમાંથી બહાર નીકળતા પહેલા અંશુમન મલ્હોત્રાને મળવા તેની સાથે ફોટો પડાવવા બે-ચાર લોકો આવી ચૂક્યા હતા. અંશુમન ખૂબ જ શાંતિથી બધા જોડે સેલ્ફી લઈ રહ્યો હતો. અંશુમનને આ રીતે પોતાની સ્ટારડમ માણતા જોઈ જીગ્ગીને રાહત થઈ. અંશુમનમાં તે એ બદલાવ જોઈ શકતો હતો. પાછલા અમુક સમય દરમિયાન અંશુમનને લોકો સાથે હળવું મળવું પસંદ નહોતું. તેને લાગ્યા કરતું કે પોતે આને લાયક નથી, જ્યારે આજે મહિનાઓ પછી અંશુમન હસીને લોકો સાથે હળીમળી રહ્યો હતો.

જીગ્ગીને ઈચ્છા થઈ આવી કે રિદ્ધિમાને ફોન કરીને અંશુમનના બદલાવની વાત કરે પણ લંડન જઈને કહેશે તેમ વિચારી તે અંશુમનને બોર્ડિંગ ગેટ સુધી લઈ ગયો.

* *

'કોમલ... તેં બધી એપોઈન્ટમેન્ટ્સ કેન્સલ કરી ને?' ડૉ. અરોરાએ ક્લિનિકના લેન્ડલાઈન ઉપર ફોન કર્યો હતો. તે જાણવા માગતા હતા કે કોમલ ટાઈમ ઉપર પહોંચી છે કે નહીં. કોમલ પોતાના ટાઈમ પ્રમાણે આવીને પોતાની કેબિનમાં કમ્પ્યૂટર ચાલુ કરી જ રહી હતી ત્યાં જ ટેબલ ઉપર પડેલો ફોન રણક્યો હતો.

'હા સર, કાલે જ બધાની અપોઈન્ટમેન્ટ કેન્સલ કરી હતી. તમે અહીંની ચિંતા ન કરતાં. અનિતા મેમ કેમ છે?'

'અનિતા? શી ઈઝ ઓકે... સિટીસ્કેનના રિપોર્ટ આમ તો નોર્મલ છે, કાલે રાત્રે ભાનમાં આવી હતી. આખી રાત જાગતી-સૂતી રહી હતી. હમણાં સમય અને સ્થળનું ભાન ભૂલી ચૂકી છે. તેને સમજાયું નથી કે તે ક્યાં છે. આંખ ખૂલી ત્યારે થોડી વાર તો પ્રશ્નાર્થ નજરે બધે જોઈ જ રહી. ડૉ. શ્રોફે તરત જ તેની IVમાં કોઈ ઈન્જેકશન નાખ્યું અને તે પાછી ઊંઘમાં જતી રહી હતી. ડૉ. શ્રોફે કહ્યું તો ખરું કે સિટી સ્કેનમાં બધું ક્લિયર છે, પણ હમણાં થોડો ટાઈમ મગજ ઉપર સ્ટ્રેસ ન રહે તો સારું. રાત્રે વચ્ચે વચ્ચે ઉંઘમાં બે-ચાર વાર તેના મોઢે મારું નામ લઈ કંઈ બબડતી હતી. ગમતું હતું તેના મોઢે મારું નામ સાંભળવું, પણ હબકીને જાગી જવાતું હતું કે તેને મારી જરૂર હશે!' ડૉ. અરોરા બોલ્યે જતાં હતા. કોમલ સમજી શકી ડૉ. અરોરા પોતે એક ટ્રોમામાંથી પસાર થઈ રહ્યા છે. તેમની વાતોથી તે ગભરાઈ રહી હતી.

'સર, એવરીથિંગ વીલ બી ઓલ રાઈટ...' કોમલે ડૉ. અરોરાની વાત વચ્ચેથી કાપી. તે આટલું કહી ચૂપ થઈ ગઈ. સામા છેડેથી થોડી વાર ડૉ. અરોરાનો કોઈ પ્રતિભાવ ન આવ્યો.'

'કોઈ પણ કામ હોય તો મને કહેજો. આઈ એમ પ્રેઈંગ ફોર મેમ. બાય સર.' આટલું કહી કોમલ ફોન મૂકવા જઈ રહી હતી ત્યાં જ ડૉ. અરોરાનો અવાજ સંભળાયો :

'કોમલ, અંશુમનને તેં ક્યારે આવવાનું કહ્યું છે?'

'એક વીક પછી હું ફોન કરીને ઈન્ફોર્મ કરીશ, એમ કહ્યું છે સર.' કોમલને ડૉ. અરોરાના અવાજનો રણકો અચાનક બદલાઈ જતાં નવાઈ લાગી પણ તેણે સમજ્યું કે તેઓ પોતાની જાતને સંભાળી રહ્યા હશે.

'ઓહ ઓ.કે.'

'સર... અંશુમનજીના સેક્રેટરીનો કાલે રાત્રે ક્લિનિકના મોબાઈલ ઉપર ફોન આવ્યો હતો, તેમણે ઈન્ફોર્મ કર્યું કે અંશુમન લંડન જવા ઈચ્છે છે.' ડૉ. અરોરાની અંશુમનના કેસમાં રુચિ જોઈ કોમલને આ વાત જણાવવી અગત્યની લાગતા તેમને કહ્યું.

'લંડન? તેં જવા દીધો એને?' ડૉ. અરોરાનો બોલવાનો લહેકો તદ્દન બદલાઈ ગયો હતો.

'સર, હાઉ કેન આઈ સ્ટોપ હીમ? હી ઈઝ ઓન્લી અ પેશન્ટ, વી ડોન્ટ ડિસાઈડ કે એ જઈ શકે કે નહીં.' કોમલે થોડી હિંમત એકઠી કરી ઠાવકાઈથી કહ્યું. તેને ડૉ. અરોરાની કામ કરવાની રીતની બરાબર ખબર હતી. ડૉ. અરોરાનો ઈલાજ અક્સીર હતો, પણ તેઓ કોઈપણ પેશન્ટને લાંબામાં લાંબી ટ્રીટમેન્ટ કેમ આપવી તે ખૂબ સારી રીતે જાણતા હતા. અંશુમન પણ એમાનો એક 'કેસ' હતો.

'હા ઠીક છે... આ બાબતમાં હું આવું પછી વાત કરીએ.' ડૉ. અરોરાના અવાજમાં એક સખતાઈ અનુભવી શકી કોમલ. થોડી વાર માટે ડર પણ લાગ્યો પણ પોતે અંશુમનને ન રોકી શકે તે વાત ઉપર તે કાયમ રહી. ડૉ. અરોરા તેને આટલા સમય સુધીમાં સાજો કરી જ શક્યા હોત તેની કોમલને ખાતરી હતી. પણ તે જોઈ રહી હતી કે ડૉ. અરોરા જરૂર કરતાં વધારે સમય લઈ રહ્યા છે. ગઈ કાલે જોવા મળેલી અંશુમનની ફાઈલમાં વર્ણવ્યા પ્રમાણે ડૉ. અરોરા અંશુમનના કેસને ગૂંચવી રહ્યા હતા તેવું કોમલને લાગી રહ્યું હતું. પણ તે એમ પણ વિચારતી થઈ હતી કે કદાચ ડૉ. અરોરા સામે તેનો પોતાનો અનુભવ ઓછો પડી રહ્યો હોય અને તે અંશુમનનો કેસ બરાબર સમજી પણ ન શકી હોય!

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.