પડઘા પડછાયાના (પ્રકરણ પાંચ)

01 Sep, 2016
12:00 AM

શ્વેતા સુતરીયા

PC:

જીગ્ગી પાસેથી અનુષ્કાનો સેલ નંબર લઈને અંશુમન તેને કોલ કરવાની દિવસમાં દસ વાર ટ્રાય કરતો... વૉટ્સએપ મેસેજમાં તેની વિન્ડોમાં તાક્યા કરતો... તેને ઓનલાઈન જોઈને થતું કે તે મારી નજીક છે... તેના પ્રોફાઈલ પિક્ચરને ઝૂમ કરીને હજારો વાર જોઈ ચૂક્યો હતો. 'Hi' ટાઈપ કરીને સેન્ડ કરવું કે નહીં તે વિચારતાં એક મહિનો કાઢી નાખ્યો.. આખરે જીગ્ગીએ અજાણતાં જ એને મળવાનો આઈડિયા સૂઝાવ્યો

'સર... 'ફિરંગી પ્યાર' હીટ જવાની ખુશીમાં પાર્ટી ક્યારે કરવાની છે?' જીગ્ગી ખુશ થતો બોલી રહ્યો હતો.

'પાર્ટી...? આ સેટરડે નાઈટ કરી લઈએ...?' અંશુમને વધારે ધ્યાન આપ્યા વગર જવાબ આપ્યો.

'ઓ કે, સર... હું ગેસ્ટ લીસ્ટ તૈયાર કરું છું.' જીગ્ગી ઊભો થતો બોલ્યો.'

'યા... ઓકે.' અંશુમને ફોનમાં જોતાં જ જવાબ આપ્યો.

'અરે... વેઈટ જીગ્ગી... ગેસ્ટ લિસ્ટ ફાઈનલ કરતાં પહેલા એક વાર મને બતાવજે, અને એમ.ટી.વી.ની પેલી વી.જેનું નામ પણ એડ કરી દે લિસ્ટમાં.' અંશુમને ખૂબ જ સહજતાથી કહ્યું. એમ.ટી.વી.ની વીજે બોલતાં જે ઝડપથી અંશુમનનું હૃદય ધબકતું હતું એ તો તે પોતે જ જાણતો હતો. તેને પોતાને જ સમજાતું નહોતું કે આ શું થઈ રહ્યું હતું?

જીગ્ગી જ્યારે લિસ્ટ લઈને આવ્યો ત્યારે લિસ્ટમાં લખાયેલા 200 નામોમાંથી અનુષ્કા M.T.V.ના નામ પર નજર આવીને ચોંટી ગઈ હતી. બાજુમાં ઊભેલા જીગ્ગી ઉપર ધ્યાન જતાં પરાણે અંશુમને એ પાનું ફેરવી આગળ જોવાની કોશિશ કરી હતી.

'આ દસ લોકોને હું પર્સનલી ઈન્વાઈટ કરીશ. બાકી બધાને કોઈ સરસ ગિફ્ટ સાથે ઈન્વિટેશન મોકલી આપજે.' દસ લોકોના નામ સામે ટીક કરી અંશુમને જીગ્ગીને લિસ્ટ પાછું આપ્યું.

'પર્સનલી ઈન્વાઈટ કરશો?' જીગ્ગીના ચહેરા પર અચરજ ચોખ્ખું જોઈ શકાતું હતું. બોલાઈ તો ગયું પછી પોતાના ઉપર ગુસ્સો પણ આવ્યો.

'આ લાવામાં હાથ નાખવાનું મન કેમ થયા કરે છે તને જોગેન્દર સિંહ...?' જીગ્ગી મનોમન પોતાને ટકોરતો હતો.

'હા... તમને કોઈ પ્રોબ્લેમ છે જીગ્ગી સર?' અંશુમને ગુસ્સો બતાવતાં જીગ્ગી તરફ જોયું.

'ના...ના, સર... તમારા ઈન્વાઈટીઝ માટે કોઈ સ્પેશિયલ અરેન્જમેન્ડ કરું?' જીગ્ગીએ બાજી સંભાળતા કહ્યું.

'હા.. સ્વિસ ચોકલેટનું બોક્સ અને વ્હાઈટ લીલીઝનો એક બૂકે રેડી રખાવજે સાંજે.' અંશુમનના ચહેરાની રંગત કંઈક અલગ જ હતી.

'એક જ...સર?' જીગ્ગીને કનફ્યુઝન થયું.

'મેં તને દસ લોકોના નામ આપ્યા છે ને જીગ્ગી...?'

અંશુમન ગુસ્સે થવા માગતો હતો પણ થઈ શકતો નહોતો!

'જી સર...' જીગ્ગી આગળ કંઈ પણ બોલ્યા વગર ત્યાંથી રવાના થઈ ગયો.

* *

અંશુમન M.T.V.ની ઑફિસમાં રિસેપ્શન પાસે બ્લેક શર્ટ અને ડાર્ક બ્લ્યુ જીન્સમાં ઊભો હતો. અંદરથી અનુષ્કાને બોલાવવા રિસેપ્શનિસ્ટે હમણાં જ પ્યૂન મોકલાવ્યો હતો. માંડ 2 મિનિટ ઊભો હશે પણ એ બે મિનિટ પણ તેને 20 કલાક જેટલી લાંબી લાગતી હતી. રિસેપ્શનિસ્ટે તેને સામે લાઉન્જ એરિયામાં બેસવા કહ્યું પણ અંશુમને તેની વાત સાંભળી જ ન હોય તેમ અવગણી નાખતા રિસેપ્શનિસ્ટ પાસે 'અંશુમન મલ્હોત્રા'ને બીજી વાર કહેવા માટે હિંમત નહોતી.

ગ્લાસના દરવાજામાંથી સામેથી આવતી અનુષ્કાને અંશુમન જોઈ રહ્યો હતો. રસ્તામાં નૈના સામે ઊભી રહીને વાત કરતી વખતે બદલાતાં મોઢાના હાવભાવ તે નીરખતો ત્યાં જ ઊભો હતો. અનુષ્કા કાચના દરવાજાને ખેંચીને બહાર આવી તે જ ક્ષણે તે ઉંધું ફરી ઊભો રહી ગયો. અનુષ્કા પોતાની સાવ પાસે આવીને ઊભી રહી હતી.

'મુઝસે મીલને કોઈ આયા હૈ?' અનુષ્કા રિસેપ્શન ડેસ્ક ઉપર હાથના નખથી ટકોરા મારી પૂછી રહી હતી.

રિસેપ્શનિસ્ટ કોઈ જવાબ આપે તે પહેલા જ અંશુમન હાથમાં સ્વીસ ચોકલેટ અને વ્હાઈટ લીલીઝનો બૂકે પકડી અનુષ્કાની સામે ફર્યો.

'અનુષ્કા...'

* *

શનિવારની રાત્રે અંશુમનની પાર્ટી રંગ પકડી રહી હતી. મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીના મંધાતાઓ અને બૉલિવુડના સ્ટાર્સ એક પછી એક પાર્ટીમાં 'એન્ટ્રી' મારી રહ્યા હતા. જીગ્ગીએ મીડિયા માટે અલગથી વ્યવસ્થા કરી રાખી હતી. સ્ટાર્સની ગાડી જ્યાં ઊભી રહે અને તેઓ નીચે ઉતરે ત્યાં લાઈટ્સની બરાબર વ્યવસ્થા કરી હતી. જેથી બીજે દિવસે પેજ થ્રી ઉપર આવવાવાળા ફોટોઝમાં સ્ટાર્સ તેમના બેસ્ટ લૂકમાં નજરે પડે.

અંશુમન આજની પાર્ટીનો હોસ્ટ હતો માટે તે સમયસર પહોંચી ચૂક્યો હતો. 'ફીરંગી પ્યાર'ના ગીતો બેકગ્રાઉન્ડ મ્યૂઝિક તરીકે વાગી રહ્યા હતા. બોલિવુડના જાણીતા ચહેરા એક-એક કરીને પાર્ટીમાં આવી રહ્યા હતા. અંશુમન બધાને એક પછી એક મળી રહ્યો હતો, પણ તેનું ધ્યાન વારે વારે એન્ટરન્સ ઉપર જઈ પહોંચતું હતું, તેને કોઈ સ્પેશિયલ વ્યક્તિની રાહ હતી. જેને પોતે રૂબરૂમાં ઈન્વાઈટ કરીને આવ્યો હતો.

પાર્ટી શરૂ થઈને 45 મિનિટ થઈ ચૂકી હતી. મોટા ભાગના મહેમાનો આવી ચૂક્યા હતા. ઘણાં બધાના તો ડ્રિંક્સનો બીજો રાઉન્ડ પણ શરૂ થઈ ચૂક્યો હતો. અંશુમન આવી પાર્ટીઝમાં ડ્રીંક્સ લેવાનું ટાળતો. લોકોના આગ્રહને ટાળવા હંમેશાં હાથમાં કોલ્ડ્રીંક ભરેલો ગ્લાસ રાખતો, જેમાં આલ્કોહોલ નથી તે વાતની ફક્ત તેને જ ખબર હોય. એક જાણીતા મ્યુઝિક ડિરેક્ટર જોડે વાતો ચાલી રહી હતી ત્યાં જ આપોઆપ જ અનુષ્કાને શોધતી નજર એક ચહેરા ઉપર આવીને સ્થિર થઈ ગઈ.

'એક્સ્ક્યુઝ મી...' પેલા મ્યુઝિક ડીરેક્ટરના વાક્યને વચ્ચેથી જ કાપી અંશુમન ત્યાંથી અનુષ્કા તરફ આગળ વધ્યો.

ઑફ વ્હાઈટ ઈવનિંગ ગાઉનમાં અનુષ્કા ખૂબ જ આકર્ષક લાગતી હતી. આમ તેમ નજર ઘુમાવતી તે એન્ટરન્સથી બે પગથિયા ઊતરી પાર્ટીમાં દાખલ થઈ. એ થોડી આગળ આવી હશે કે અંશુમન તેની સામે ઊભો હતો.

'અનુષ્કા... મને લાગ્યું કે તમે ભૂલી ગયા હશો...'

અંશુમને નજાકતથી અનુષ્કાના હાથને પોતાના હાથમાં લઈ હળવું હેન્ડશેક કર્યું.

અનુષ્કા થોડીવાર માટે અંશુમનના આમ હાથ પકડી લેવાથી અકળાઈ ઊઠી. તેને પાર્ટીમાં આવતા પહેલા નૈનાએ કહેલા શબ્દો યાદ આવ્યા.

'અનુ... ડિયર, આ સેલિબ્રિટીઝના ફ્લર્ટ કરવાના રસ્તાઓ પણ ઘણા જ એટ્રેક્ટિવ હોય છે. સાહેબ આજે ખૂદ પહોંચી ગયા તને ઈન્વાઈટ કરવા... જરા સંભાળીને ચાલજે!'

'યસ ડિયર, આઈ એમ વેરી મચ અવેર ઓફ હીઝ મુવ્ઝ... તું ચિંતા ન કર!' કહી અનુષ્કા પાર્ટીમાં આવવા નીકળી ગઈ હતી.

નૈનાની ચિંતા એકદમ યોગ્ય હતી. આ ઈન્ડસ્ટ્રીમાં દર મહિને સાથે જીવવા મરવાના વાયદા કરતાં લોકો જેવા મળતા, અલબત્ત દર મહિને અલગ-અલગ લોકો સાથે ! પણ અનુષ્કાના મનમાં કોઈ ખૂણામાં એક આશા હતી કે, અંશુમન પોતાની સાથે એવું કંઈ જ નહીં કરે. અનુષ્કાને પોતાના ઉપર વિશ્વાસ હતો કે તે અંશુમનને એટલી નજીક આવવા જ નહીં દે, જેના કારણે તેને દુઃખી કરવાની મંજૂરી અંશુમનને મળી જાય.

ઘરેથી નીકળી અને પાર્ટીમાં પહોંચી ત્યાં સુધી રસ્તામાં એક જ વાત વિચારતી હતી. અહીં પહોંચતાં અંશુમનને પોતાનો હાથ પકડી આટલી હૂંફથી આવકાર આપતો જોઈ મનમાં વિચારેલી બધી જ વાતોનું બાષ્પીભવન થઈ રહ્યું હતું.

'તો તમને લાગ્યું કે હું નહીં આવું? આવી ને તમને ખોટા સાબિત કર્યા મેં! ધીસ ઈઝ નોટ ફેર...' અનુષ્કા ચહેરા ઉપર સ્મિત સાથે અંશુમનની આંખોમાં નજર પરોવી બોલી રહી હતી. તેનું સમગ્ર અસ્તિત્વ અંશુમનનું ખેંચાણ અનુભવી રહ્યું હતું. મનના એક નાનકડા ખૂણામાં હજુ એ વિચાર ડંખી રહ્યો હતો કે તે અંશુમન સાથે ફ્લર્ટ કરી રહી છે. પોતે જાણતી હતી છતાં રોકવું અસંભવ લાગતું હતું.

(ક્રમશઃ)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.