પડઘા પડછાયાના (પ્રકરણ ચાર)
'અંશુમન...' રિદ્ધિમાના મોમાંથી માંડ શબ્દો નીકળ્યા. અંશુમનના રૂમની બાલ્કનીમાં ઉંધી ઊભેલી રિદ્ધિમાને પાછળથી પકડીને ઊભેલો અંશુમન આંખ બંધ કરી ખુશ થતો ઊભો હતો. ધારેલા અવાજ કરતાં અલગ અવાજ સંભળાતા તરત જ આંખ ખોલી એણે સામે જોયું. સામે રિદ્ધિમા એના ચહેરાને તેની બંને હથેળીઓમાં પકડીને ઊભી હતી. અંશુમનથી અજાણતા જ બે ડગલા પાછળ ખસી જવાયું. રિદ્ધિમાના હાથમાંથી અંશુમનનો ચહેરો હટીને દૂર થઈ ગયો. તેની આંખોમાં તગતગી રહેલા આંસુ બુંદ બની બાલ્કનીની ફર્સ ઉપર ટપકી પડ્યા.
'રિદ્ધિમા... તું... ?' અંશુમન બે ડગલાં પાછળ ખસીને ઊભો રહ્યો. તેનામાં હિંમત નહોતી કે તે રિદ્ધિમાની આંખોમાં દેખાતી લાચારી જોઈ શકે. એ લાચારી માટે પોતે જ જવાબદાર હતો તે એ સારી રીતે જાણતો હતો. અશુંમન એ પણ જાણતો હતો કે એની એ લાચારીનો કોઈ ઉપાય પોતાની પાસે નથી.
'અંશુમન... બસ હવે આનાથી વધારે ન રોકી શકી હું મારી જાતને... 6 મહિના થઈ ગયા અંશુમન... ન તો તેં મારો ફોન રિસીવ કર્યો, ન કોઈ મેસેજનો જવાબ આપ્યો...' રિદ્ધિમા શિકાયતના રણકા સાથે બોલી રહી હતી.
'રિદ્ધિમા... હું... હું... શું વાત કરું તારી સાથે... ? ફોન કરું તો પણ આપણે શું વાત કરવાના?' અંશુમન કોઈ વાત યાદ ન કરવા માગતો હોય તેમ થોડી સાવચેતીથી બોલી રહ્યો હતો.
'અંશુ... આઈ એમ નોટ એક્સ્પેક્ટીંગ કે તું મારી પાસે પાછો આવ.'
'પાછો આવું...? રિદ્ધિમા હું તારી પાસે ક્યારેય હતો જ નહીં. તારી પાસે ક્યારેય હોઉં જ નહીં તો પાછો આવવાનો સવાલ જ ક્યાં ઊઠે છે?' રિદ્ધિમાના વાક્યને અડધેથી જ કાપીને અંશુમન ફર્સને અંગૂઠાથી ખોતરતો બોલી રહ્યો હતો.
'તારે વાત કરવી છે ને મારી સાથે... આવ અહીં... બેસ અહીંયા... હું તને બધું જ કહું છું.' બાલ્કનીમાંથી રિદ્ધિમાનો હાથ પકડીને અંશુમન તેને રૂમમાં એક સાઈડ મૂકેલા સોફા તરફ લઈ ગયો. રિદ્ધિમાને બેસાડીને પોતે ઊભો રહ્યો અને થોડી પળોમાં એણે રૂમમાં એક છેડેથી બીજા છેડે ચાલવાનું શરૂ કરી એ બોલવા માંડ્યો :
'અનુષ્કા... અન્નુને મારા આલબમ 'ફિરંગી પ્યાર'ના લોન્ચ પ્રોગ્રામમાં પહેલી વાર મળ્યો હતો. એ અમારી પહેલી ઓફિશિયલ મિટીંગ હતી. આલબમ લોન્ચ થયું. સુપરડુપર હીટ પણ થયું. એક મહિનો નીકળી ગયો પણ અનુષ્કા મારા દિમાગમાંથી નીકળતી નહોતી. મારા પ્રોફેશન અને સેલિબ્રિટી સ્ટેટ્સને કારણે હજારો છોકરીઓના કોન્ટેક્ટમાં આવતો હોઉં છું. પણ અનુષ્કા એક અલગ જ ખેંચાણ ફીલ થતું હતું...'
બોલતાં બોલતાં પણ અંશુમનના ચહેરા પર એક સંતોષ દેખાતો હતો. ટ્રેક પેન્ટના પોકેટમાં બંને હાથ નાખી રૂમમાં આંટા મારતો અંશુમન ભલે વર્તમાનમાં જીવી રહ્યો હોય, પણ માનસિક રીતે એ બે વર્ષ પહેલાના સમયમાં પહોંચી ગયો હતો. આ સમયમાં જ જીવતો હતો તે દિવસ રાત. અંશુમન ડૉ. અરોરા પાસે જાય ત્યાં પણ આ જ સમયની વાતો અને એને કોઈ મળવા આવતું તો પણ ગમે ત્યાંથી એ બે વર્ષ જૂની જ વાતો શરૂ કરી દેતો. વચ્ચેનો સમય જાણે તેણે જીવ્યો જ નહોતો. આજે રિદ્ધિમાને પણ તે એ જ સમયની વાતો સંભળાવવા લાગ્યો :
'ફિરંગી પ્યાર' સુપર ડૂપર હીટ સાબિત થયું હતું. એક મહિના સુધી અંશુમન અને અનુષ્કા વચ્ચે કોઈ સંપર્ક થયો ન હતો.
'અંશુમન મલ્હોત્રાના તો આવા લોન્ચીઝ થતાં રહેતા હશે, કંઈ કેટલીય અનુષ્કાને મળતો હશે રોજ...' અનુષ્કા પોતાના મગજમાંથી અંશુમનના વિચારો હટાવવા મથી રહી હતી.
'અનુષ્કા મેમ... આપસે કોઈ મીલને આયા હૈ!' એમ.ટીવીની ઓફિસમાં અનુષ્કાની કેબિનમાં આવી પ્યૂન અનુષ્કાને બોલાવી ગયો.
'કૌન હૈ? અંદર ભેજો.' અનુષ્કા સૂચન આપે તે પહેલા પ્યૂન જાણે જણાવવા જ આવ્યો હોય તેમ અનુષ્કાના કંઈ કહે એ પહેલા દરવાજો બંધ કરી ત્યાંથી નીકળી ગયો.
'અરે... વોટ ધ હેલ...' થોડી છંછેડાઈને અનુષ્કા રિસેપ્શન એરીયા તરફ આગળ વધી. થોડી આગળ આવી હશે કે રસ્તામાં તેની ફ્રેન્ડ નૈના ભટકાણી.
'નૈના... મારે તારું કામ છે, 10 મિનીટમાં હું આવું છું. તારી કેબિનમાં, પછી આપણે ડિસ્કસ કરીએ, નેકસ્ટ એપિસોડમાં થોડા ચેન્જીસ કરવા છે.'
'જી મેડમ... તમે પહેલાં તમારા ગેસ્ટ અટેન્ડ કરીને આવો પછી કહેશો તો કરી આપીશ. પણ હાલ પૂરતું તું 10 મિનીટમાં ફ્રી થાય તેમ લાગતું નથી...' નૈના આંખ મીંચકારી અનુષ્કા પાસેથી આગળ ચાલવા લાગી.
'ગેસ્ટ...? કોણ છે ગેસ્ટ કહે તો ખરી...' અનુષ્કા ઊભી ઊભી નૈનાને જોતી જોઈ રહી. નૈનાએ પાછળ ફરીને ન જોયું પણ તેની પીઠ પણ અનુષ્કાની મજાક ઉડાવી રહી હતી તે અનુષ્કા અનુભવી શકી.
અનુષ્કા ઉતાવળા પગલે રિસેપ્શન એરિયા તરફ આગળ વધી. વચ્ચે રહેલો ગ્લાસ ડોર હટાવી તે અંદર એન્ટર થઈ. ઉત્સુકતા અને અચરજ ભરી નજરે તે રૂમમાં એ 'ગેસ્ટ'ને શોધતી ઊભી રહી.
'અનુષ્કા...' આ અવાજ કેમ ભૂલી શકે અનુષ્કા! લગભગ રોજ પોતાનું નામ આ અવાજમાં, આ જ લહેકામાં બોલવાની હજારો વાર ટ્રાય કરી ચૂકી હતી. અનુષ્કા... ધીરે ધીરે તે અંશુમન તરફ ફરી. લોન્ચ પછી તેને ઘણી વાર વિચાર આવેલો કે પોતે અંશુમનની 'ફેન' બની ચૂકી છે, પણ તે જ અંશુમન ક્યારેક સામે આવે તો પોતાને ઓળખે પણ ખરો...? એને તો અનુષ્કા જેવી લાખો 'ફેન્સ' હશે !
અંશુમન પોતાની સામે ઊભો હતો. હજારો લોકોના ક્રાઉડમાં બિન્દાસ્ત એન્કરિંગ કરી શકતી અનુષ્કા હમણાં અંશુમનની આંખોમાં જોઈ વાત કરતાં ગભરાતી હતી !
સામે ઊભેલા અંશુમનના કોલર પર અજાણતાં જ અનુષ્કાની નજર અટકી ગઈ હતી. મનમાં કેટકેટલાય વિચારો આવી રહ્યા હતા, અંશુમનની આંખોમાં જોવાથી અંશુમનને જાણે બધા વિચારો વંચાઈ જવાના હોય તેવા ડર સાથે પોતે તેની તરફ જોઈ નહોતી રહી તે વાતથી પણ અનુષ્કા અજાણ નહોતી.
'હાઈ... સર...!' અનુષ્કાએ પોતાના વિચારો ઉપર કાબૂ મેળવ્યો, મનોમન પોતાના કપાળ ઉપર કાલ્પનિક ટાપલી પણ મારી.
'ક્યાં ઘોડા દોડાવ્યા કરે છે અનુષ્કા...?'
'કોન્ગ્રેચ્યુલેશન્સ ફોર 'ફિરંગી પ્યાર'. હાથ લંબાવી તે અંશુમન સામે જોતી ઊભી રહી. મનોમન વિચારી પણ રહી હતી કે આ હમણાં અહીં કેમ? અહીં કોઈને મળવા આવ્યા હશે? એમ.ટીવીમાં કોઈ કામથી આવ્યા હશે, બાકી મને મળવા થોડા આવે.
'થેંક્યુ મેમ...' અનુષ્કાએ લંબાવેલો હાથ ઉષ્માથી પોતાના હાથમાં લઈ હેન્ડશેક કરતાં અંશુમને કહ્યું.
'મેમ...? અનુષ્કા બરાબર છે સર... ઓહ, હવે હું સર કહું એટલે તમે કહેશો કે તું સર કહે તો હું મેમ જ કહું ને એમ? પણ તમે તો દરજ્જાથી પણ સર...'
'ખબર છે યુ આર અ વી.જે, પણ એનો મતલબ એ કે બધે જ બકબક ચાલુ કરી દેવાનું?' અંશુમને વચ્ચેથી રોકતા મજાક કરી.
આ પહેલા બંને એક જ વાર મળ્યા હતા, પણ આ બીજી મુલાકાતમાં અનુભવાતી હુંફ અલગ હતી. અનુષ્કા દિવસમાં હજારો વાર અંશુમનને યાદ કરતી તો અંશુમન પણ પોતાની જાતને રોકી નહોતો શકતો. જીગ્ગી પાસેથી એણે લોન્ચના ત્રીજા જ દિવસે અનુષ્કાનો નંબર લઈ લીધો હતો.
અનુષ્કા એક પૉપ્યુલર વિ.જે. હતી, ચુલબુલી, ચબરાક પણ એકદમ જ સરળ હતી. ઉંમર પ્રમાણે ખાસ્સી પરિપક્વ કહી શકાય. સરળતા તેના ચહેરા ઉપર દેખાતી હતી. તે માનતી કે કોઈ પણ માણસ તમને એવા જોઈ શકે જેવા તમારે તમને બતાવવા છે. બસ, તમારું પ્રોજેકશન સ્ટ્રોંગ હોવું જોઈએ.
'આવી બધી વાતો ત્યારે સમજાતી નહોતી મને...'
રિદ્ધિમાની આંખોમાં આંખ પરોવી અંશુમન બોલી રહ્યો હતો. તેની નજર રિદ્ધિમા તરફ હતી પણ તેની સામે અનુષ્કાનો ચહેરો જ તરવરતો હતો. રિદ્ધિમા પણ અંશુમનની આંખોમાં અનુષ્કાને અનુભવી શકતી હતી. અંશુમન આડું જોઈ ગયો અને વળી પાછો રૂમમાં આમથી તેમ આંટા મારવા લાગ્યો. તેને આ બધી વાતોમાં એ ધ્યાન નહોતું કે ટેબલ ઉપર ઉંધા પડેલા રિદ્ધિમાના ફોનમાં ઓડિયો રેકોર્ડર ચાલું હતું.
તેના બોલાયેલા એકે-એક શબ્દનું રેકોર્ડિંગ એ ફોનમાં થઈ રહ્યું હતું...
(ક્રમશઃ)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર