પડઘા પડછાયાના (પ્રકરણ 14)
કોમલ જ્યારે અંશુમન સાથે પોતાની કેબિનમાંથી રિસેપ્શન એરિયા તરફ આવી ત્યારે અંશુમનના ચહેરા ઉપર કોઈ જ હાવભાવ નહોતા. વેઈટિંગ એરિયામાં સોફા ઉપર બેઠેલો જીગ્ગી અંશુમનને બહાર આવતો જોઈ તરત જ ઊભો થઈ બે ડગલા આગળ આવી ઊભો રહ્યો. અંશુમનની શૂન્યમનસ્ક આંખોમાં કોઈ જ ભાવ વંચાતા નહોતા. જીગ્ગીમાં એટલી સમજણ નહોતી કે તે અંશુમનની સ્થિતી સમજી શકે પણ અંશુમન માટેની લાગણી તેને અંશુમનની તકલીફની જરૂર અનુભૂતી કરાવી શકતી હતી. અંશુમન સામે જોઈ તે કોમલ તરફ પ્રશ્નાર્થ નજરે જોતો ઊભો રહ્યો.
'સરને મેં મેડિસીન આપી દીધી છે. ઘરે લઈ જઈને એમને જમાડીને આરામ કરવા દેજો. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હી ઈઝ પરફેક્ટલી ઓકે.' કોમલ બોલી રહી હતી પણ તેને પોતાને જ પોતે કહેલી વાત ઉપર વિશ્વાસ બેસતો ન હોય તેવું તેની વાત કરતી વખતે આમ તેમ ફરી રહેલી આંખોથી જણાઈ રહ્યું હતું.
'ઓ.કે. મેડમ, હવે...' જીગ્ગીએ અંશુમન તરફ જોતા વાક્ય અધૂરું રાખ્યું.
'હવે તમે એમને લઈ જાઓ. જે દવા ચાલે છે તે તમારે રાબેતા મુજબ દર બે દિવસે આપવાની રહેશે. ડૉ. અરોરા હમણા લગભગ એક વીક સુધી આવી શકે તેમ નથી, તેઓ બધી જ અપોઈન્ટમેન્ટસ કેન્સલ કરાવી ચૂક્યા છે, આમને હવે નેકસ્ટ ક્યારે સેડ્યુલ કરીએ તે હું ફોન કરીને જણાવી દઈશ.' કોમલ જીગ્ગી તરફ જોઈ બોલી રહી હતી.
'ઓ.કે. મેડમ... થેંક્યુ...' કહી જીગ્ગી અશુંમનનો કોણીએથી હાથ પકડી ક્લિનિકની બહાર તરફ ચાલવા લાગ્યો.
આ બધી વાત દરમિયાન અંશુમનનું ધ્યાન એક વાર પણ જીગ્ગી કે કોમલ તરફ નહોતું ગયું. તેનું ધ્યાન વેઈટિંગ રૂમમાં સામે દેખાઈ રહેલી દીવાલના ટેક્સચર ઉપર જ હતું. દીવાલ ઉપર રહેલા ફૂલ અને પાંદડાની લાઈન ઉપર નજર ફેરવી અંશુમન જાણે ફરીથી તેને દોરી રહ્યો હતો.
જીગ્ગીએ જ્યારે અંશુમનને કોણીથી પકડ્યો ત્યારે તેણે ઝબકીને જીગ્ગી તરફ જોયું અને ચાવી દિધેલા પૂતળાની જેમ એ બહાર નીકળી ગયો.
*****
'જીગ્ગી, કાલની લંડનની ટિકિટ બૂક કરાવ. આઈ વોન્ટ ટુ ગો લંડન.' ઘેર આવી પોતાના રૂમના દરવાજે આવીને પાછળ ફરી અંશુમન બોલી રહ્યો હતો.
'સર... લંડન?' જીગ્ગી અચાનક લંડન જવાની વાતથી આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યો હતો. સાથે સાથે તે વિચારી રહ્યો હતો કે અંશુમનના રેકોર્ડિંગના ટાઈમ પણ ફરી સેટ કરવા પડશે. આ અઠવાડિયામાં બે રેકોર્ડિંગ્સ હતા. વળી તે એ પણ જાણતો હતો કે અંશુમન મુંબઈની બહાર જવાની વાત લગભગ એક વર્ષ પછી કરી રહ્યો હતો. આ બધુ વિચારતો તે અંશુમન સામે જોતો ઊભો હતો.
'હા... મારે જવું છે, હમણા આમ પણ ડૉ. અરોરા એક વીક મને મળી નથી શકવાના, તો આ ટાઈમનો યૂઝ કરી લઉંને. પણ તું ધ્યાન રાખજે. લંડનમાં મોમ અને મારા ડ્રાયવર સિવાય કોઈને પણ કહેતો નહીં કે હું આવી રહ્યો છું. મોમને કહેજે કે હું મારા અપાર્ટમેન્ટમાં જ ઉતરવાનો છું.' બોલતા બોલતા અંશુમનની આંખ સામે મમ્મી ભૈરવી ઓબેરોયનો લાગણી નીતરતો ચહેરો ઉપસી આવ્યો.
'ઓ.કે. સર, હું ટિકિટ બૂક કરાવી તમને ઈમ્ફોર્મ કરું.' જીગ્ગી બોલ્યો નહીં પણ તેને નવાઈ લાગી રહી હતી કે ડૉ. અરોરા ન મળી શકવાના હોય તેમાં અંશુમન કેમ આટલી રાહત અનુભવી રહ્યો હતો? મુંબઈમાં અંશુમન ડૉ. અરોરાને મળવા જ રહેતો હતો? વાત પોતાના ગળે ન ઉતરી પણ અંશુમનને સવાલ કરવો બરાબર ન લાગતા તે મોબાઈલમાં ટ્રાવેલ એજન્ટનો નંબર શોધતો ત્યાંથી નીકળી ગયો.
અંશુમન રૂમમાં આવી બેડ ઉપર આડો પડ્યો. સિંલિંગમાં ઉપર જોતો પડ્યા પડ્યા તેની આંખો ક્યારે ઘેરાણી અને એનાથી ઉંઘાઈ ગયું તેની અંશુમનને ખૂદ ને ખબર ન રહી. કોમલની આપેલી દવા પોતાનું કામ કરી રહી હતી.
આ તરફ ટ્રાવેલ એજન્ટને ફોન કરી ટિકિટ બૂક કરાવતા પહેલા જીગ્ગીએ રિદ્ધિમા સાથે વાત કરવા તેને ફોન લગાડ્યો.
'હેલ્લો...' બે રિંગમાં જ રિદ્ધિમાએ ફોન ઉંચકી લીધો હતો.
'હેલ્લો... રિદ્ધિમા મેડમ મેં જીગ્ગી બોલ રહા હું...'
'હા જીગ્ગી... આઈ નો! શું થયું? અંશુમન બરાબર છે ને?' જીગ્ગીનો ફોન આવતા રિદ્ધિમાને પહેલો વિચાર એ આવ્યો કે અંશુમનને કંઈ થયું તો નહીં હોય ને.
'હા મેડમ... અંશુમન સર એકદમ બરાબર છે, પણ...'
'પણ, શું જીગ્ગી?'
'સરે મને લંડનની ટિકિટ બૂક કરાવવા કહ્યું. એમને કાલે લંડન જવું છે.'
'ઓહ... ધેટ ઈઝ ગ્રેટ ન્યૂઝ જીગ્ગી... અંશુમનને સામેથી લંડન જવાની ઈચ્છા થઈ એટલે... બટ તું કેમ આટલો સરપ્રાઈઝ્ડ સાઉન્ડ થાય છે?'
'મેડમ... ડૉ. અરોરા હમણાં એક વીક સુધી મળી શકે તેમ નથી. એટલે અંશુમન સર આ સમયનો ઉપયોગ કરવા માગે છે! મને સમજાયું નહીં કે, સર અહીં ડૉ. અરોરાને મળવા જ રહેતા હશે?' જીગ્ગીએ પોતાના મનની ગડમથલ રિદ્ધિમાને કહી.
'ઓહ... ધેટ મીન્સ હી ઈઝ રનિંગ અવે ફ્રોમ મુંબઈ. તેને ઈનસિક્યોરિટી ફીલ થઈ રહી છે કે ત્યાં રહેશે તો તેને સંભાળવા ડૉ. અરોરા હાજર નહીં હોય માટે તે નવી જગ્યા પર જવાનું વિચારી રહ્યો છે.'
રિદ્ધિમા ફોનમાં બોલી તો રહી હતી પણ તે પોતાની સાથે જ વાત કરી રહી હતી.
'હમમ....' આ તરફ જીગ્ગીને રિદ્ધિમા મેડમની કહેલી વાત જરા પણ ગળે ઉતરતી નહોતી. શું કહેવું એ ખબર ન પડતાં તે ફક્ત 'હમમમ' કહી ચૂપ રહ્યો.
આમ પણ જીગ્ગીને અંશુમનની બદલાયેલી વર્તણૂકને જોઈને પહેલેથી લાગતું કે ભૂવા બોલાવી આનું ભૂત ઉતારી દઈએ તો અંશુમન પહેલા જેવો 'નોર્મલ' બની શકે છે. એક વાર બાબા આવીને જાદૂટોનાથી ખરાબ નજર ઉતારી નાખશે તો અંશુમન બરાબર થઈ જશે. તે રાજુને ઘણી વાર કહી ચૂક્યો હતો આ વિશે.
'રાજુ, આ મોટા લોકો સમજતાં નથી, હાઈ સોસાયટીમાં કોઈ આપણી વાત માનવા તૈયાર નથી. બાકી સર જેવી જ હાલત મારા ગામમાં એક દૂરના સગાની હતી. મેં સાંભળ્યું હતું કે એમને બાજુના ગામમાં એક બાબા પાસે લઈ ગયા. બાબાએ શું જાદૂ કર્યો કે આજે તે એકદમ બરાબર છે.' જીગ્ગીએ વાત કરી ત્યારે રાજુએ પણ સૂરમાં સૂર મેળવતો હોય તેમ પોતાના કોઈ કાકા દાદાના ભાઈના સાસરામાં બનેલો કિસ્સો સંભળાવી દીધો હતો. આ સાંભળી જીગ્ગીમાં પણ હિંમત આવી હતી. અંશુમનની ચિંતા સાથે તેણે રિદ્ધિમાને જઈને આ વાત કરી હતી અને તે દિવસે રિદ્ધિમા જે રીતે ભડકી હતી તે જોઈને જીગ્ગીએ ફરી ક્યારેય આ વાત નહીં કરવાના સમ લીધા હતા. માટે જ હમણા રિદ્ધિમા બોલી રહી હતી ત્યારે એ એના મગજમાં આવેલા ખરાબ નજરના વિચારોને પોતે જ માથું ધુણાવી ઉતારી રહ્યો હતો.
'તો હું ટિકિટ કરાવું?' જીગ્ગીએ વિચારોમાંથી બહાર નીકળી પૂછ્યું.
'હા, તું ટિકિટ કરાવ જીગ્ગી, કોઈપણ વિચારથી અંશુમન બહાર નીકળવા તૈયાર થયો તે મહત્ત્વનું છે. તે આવે એટલે હું પણ પેરીસથી લંડન પહોંચી જઈશ. પણ તું હમણાં અંશુમનને કહેતો નહીં કે આપણી વાત થઈ છે.' કહી રિદ્ધિમાએ ફોન કટ કર્યો.
(ક્રમશઃ)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર