પડઘા પડછાયાના (પ્રકરણ નવ)
બપોરે એક વાગ્યા સુધી જેનો અતોપતો પણ ન હોય એવો અંશુમન આજે સવારના 11 વાગ્યામાં તૈયાર થઈને ડાઈનિંગ ટેબલ પર આવીને બરાડી રહ્યો હતો.
‘રાજુ… મારો બ્રેકફાસ્ટ લાવ...’
‘જી... જી સર...’ રાજુએ કિચનમાં જઈ ફટાફટ મહારાજને નાસ્તો તૈયાર કરવાનું કહી ત્યાંથી જ જીગ્ગીને ફોન કરી જણાવી પણ દીધું કે અંશુમનનો સૂરજ આજે પશ્ચિમમાંથી ઊગી નિકળ્યો છે!
‘જીગ્ગી, આજે સાંજે બે મિટિંગ પછી કોઈ જ અપોઈન્ટમેન્ટ નથી ને?’ નાસ્તો કરતાં કરતાં બાજુમાં આવીને બેઠેલા જીગ્ગી સામે જોઈ અંશુમને પૂછ્યું.
‘ના સર...’ જીગ્ગીએ તરત જ કહ્યું.
‘પણ સર... સર તમે કેમ આટલા જલદી? કોઈ કામ છે?’ જીગ્ગી ડરતાં ડરતાં પૂછી રહ્યો હતો.
‘હા, કામ છે પણ એમાં તારું કામ નથી. તેં કેટલા વાગ્યાની મિટિંગ ફિક્સ કરી છે?’ અંશુમને મોબાઈલમાં એલાર્મની વિન્ડો ખોલતા પૂછ્યું.
‘પહેલી મિટિંગ ત્રણ વાગ્યાની છે અને બીજી પાંચ વાગ્યાની, ત્રણ વાગ્યે મલિક સરને મળવાનું છે. તેમણે ઘરે જ બોલાવ્યા છે, આજે સન્ડે છે તો ઓફિસ બંધ હશે, એમના ઘરનું એડ્રેસ હું તમારા ડ્રાઈવરને મેસેજ કરી દઉં છું.’ જીગ્ગી ઠાવકો બની કહી રહ્યો હતો.
‘વાહ જીગ્ગી, મારા કહ્યા વગર જ તને સમજાય જાય છે કે મારે શું કામ હશે, એટલે જ તને ટકાવ્યો છે, આજ સુધી!’ અંશુમન લિફ્ટમાં જતાં ગ્રાઉન્ડ ફ્લોરનું બટન દબાવતા બોલ્યો.
જીગ્ગી વાત સમજે અને કોઈ રિએકશન આપે એ પહેલા તો લિફ્ટના દરવાજા બંધ થઈ ચૂક્યા હતા.
‘મને ટકાવ્યો છે હજી સુધી...?’ જીગ્ગી ત્યાં ઊભો ઊભો બ્લ્યૂ જીન્સ અને ડાર્ક બ્લ્યૂ ટી-શર્ટમાં સખત હેન્ડસમ દેખાતાં અંશુમનને જતો જોઈ રહ્યો.
* *
આ તરફ અનુષ્કા રવિવારની રજા હોવા છતાં દસ વાગ્યાની ઊઠીને લિવિંગ રૂમમાં કૉફીનો કપ પકડીને આમથી તેમ આંટા મારી રહી હતી. નૈનાને અવાજ ન થાય એ માટે તેણે કલાકથી કંટાળી હોવા છતાં ટી.વી. ચાલુ નહોતું કર્યું. છેવટે કંઈ જ ના સૂઝતા રજાના દિવસે સાંજે પાંચ વાગ્યે નાહવાવાળી અનુષ્કા આજે 11 વાગ્યામાં તૈયાર થઈને બેઠી હતી. વારે વારે અજાણતાં જ ધ્યાન ફોન તરફ જતું રહેતું. કદાચ અંશુમનનો મેસેજ આવ્યો હોય અને પોતાનું ધ્યાન ન હોય! પરાણે ન્યૂઝ પેપર ખોલીને બેઠી, જેથી મન ક્યાંક બીજે પરોવાય અને કોઈ ઈન્ટરેસ્ટીંગ ન્યૂઝ મળે. પણ દુનિયામાં કંઈ ઈન્ટરેસ્ટીંગ બની જ નહોતું રહ્યું ! ન્યૂઝ પેપરમાં પણ પેજ થ્રી પર અંશુમનની પાર્ટીના ફૉટો ઉપર આવીને ધ્યાન અટક્યું. અંશુમનનો કાલની પાર્ટીનો હાથમાં ડ્રિંક પકડેલો ફોટો તાકતી અનુષ્કા બેઠી હતી ત્યાં જ બાજુમાં સોફા ઉપર પડેલો ફોન વાઈબ્રેટ થયો. અનુષ્કાએ અંશુમનના ફોટા ઉપરથી નજર હટાવી ફોન હાથમાં લીધો.
‘અંશુમન સર...’ નામ ફ્લેશ થઈ રહ્યું હતું. અનુષ્કાનું હૃદય ઉછળીને હાથમાં આવી ગયું. સોફા ઉપરથી એક ઝાટકે જ ઊભી થઈને ક્યારેક એ ફોનની સ્ક્રીન સામે જોતી તો ક્યારેક આંગળીના નખ ચાવતી આમ તેમ જોતી. કાલે રાત્રે આટલું બધું લખીને આવવાની શું જરૂર હતી? એમાં પણ છેલ્લે એવું લખવાની શું જરૂર હતી કે, પોતાને બધી જ ખબર છે કે અંશુમન છેલ્લા એક મહિનાથી મેસેજ કરવાની ટ્રાય કરે છે પણ કરી શકતો નથી? એટલી બધી સ્માર્ટનેસ વેરવાની શું જરૂર હતી તારે? અંશુમનના ફોનથી અનુષ્કાના મગજમાં વંટોળ ઊઠવાના શરૂ થઈ ચૂક્યા હતા. ફોન ઉંચકીને વાત શું કરવી એવું વિચારતી હતી ત્યાં જ રિંગ વાગતી બંધ થઈ.
‘અંશુમનને લાગશે સન્ડે છે એટલે હું ઉંઘતી હોઈશ…’ અનુષ્કા એવું વિચારતી જ હતી ત્યાં ફરી ફોન ધ્રૂજવાનો શરૂ થયો.
‘હલ્લો....’ અનુષ્કાએ હિંમત કરીને ફોન ઉંચક્યો, તેની હાર્ટબિટ્સ એટલી વધુ હતી કે, અનુષ્કાને ડર લાગ્યો, ક્યાંક અંશુમન આ ધબકારા સાંભળી ન જાય!
‘અનુષ્કા… મિસ્ટ્રી ગર્લ… કેન યુ પ્લીઝ કમ ડાઉન?’ અંશુમનનો કોન્ફિડન્સથી ઉભરાતો અવાજ સંભળાયો.
‘હં...?’ અનુષ્કાને વાત કંઈ સમજાણી નહીં.
‘આઈ મીન, તું તારા બિલ્ડીંગમાં નીચે કમ્પાઉન્ડમાં આવીશ?’ અંશુમન નક્કી કરીને આવ્યો હતો કે શરૂઆત ભલે અનુષ્કાએ કરી હોય પણ હવે એ લીડ કરશે.
‘મારા બિલ્ડીંગમાં? તમે નીચે છો?’ અનુષ્કાનું બ્લડપ્રેશર વધી ગયું.
‘સન્ડે છે, સવાર સવારમાં તારા ઘેર ડાયરેક્ટ પહોંચી જાઉં તો સારું ન લાગે ને! એટલે નીચે વેઈટ કરું છું.’ અંશુમનનો ઘાટો અવાજ અનુષ્કા સાંભળી રહી હતી.
‘ઓ.કે. વેઈટ, હું આવું છું.’ અનુષ્કા દોડીને બારીમાંથી નીચે ઊભેલી બ્લેક મર્સીડીઝ જોતી બોલી રહી હતી. ફટાફટ ફોન મૂકી એણે એક નજર કાચમાં નાંખી. ઉપર બાંધેલા વાળમાંથી ક્લીપ કાઢી નાંખી અને દરવાજાની બાજુમાં મૂકેલી ડિશમાંથી ઘરની ચાવી લઈ તે ફટાફટ નીચે ઊતરી.
‘થેન્ક ગોડ, આજે વહેલા નાહીને તૈયાર થઈ ગઈ!’ લિફ્ટ ગ્રાઉન્ડ ફ્લોર પર પહોંચે ત્યાં સુધીમાં અનુષ્કાનું મગજ આ બધું વિચારી રહ્યું હતું.
‘તને લખતાં ઘણું સારું આવડે છે.’ અંશુમને ગાડીમાં બાજુમાં બેઠેલી અનુષ્કાની સામે જોઈને વાત શરૂ કરી.
‘અમ... V J છું, મારું કામ જ સારું સારું બોલવાનું છે…’ અનુષ્કાએ અંશુમન સામે જોઈને જવાબ આપ્યો.
‘સારું લાગે એવું જ કે પછી સાચુ પણ હોય?’
અંશુમન એ જ નજરને પકડી રાખીને પૂછી રહ્યો હતો.
‘રાતના દોઢ વાગ્યે વેઈટર પાસે પેન અને પેપર મગાવી પહેલી વાર જ લખ્યું છે. સારું હતું કે નહીં, ખબર નથી પણ સાચુ સો ટકા હતું.’ અનુષ્કાએ નજર ચોરાવી જવાબ આપ્યો.
બંને વાત કરી રહ્યા હતા ત્યાં જ ગાડી જે.ડબલ્યુ. મેરીયોટના એન્ટ્રેન્સ પાસે આવીને ઊભી રહી.
‘મને યાદ છે મેં આવતા સન્ડે આ જ જગ્યા પર મળવાનું કહેલું!’ અનુષ્કા થોડા આશ્ચર્ય સાથે કૉફી શૉપમાં ચેર ઉપર બેસતાં બોલી.
કૉફી શૉપમાં જ્યાં અનુષ્કા અને અંશુમન બેઠેલા હતાં ત્યાંથી પારદર્શક કાચની બીજી બાજુ જૂહુનો દરિયો દેખાતો હતો. બપોરના લગભગ એક વાગ્યે બહાર વાતાવરણ ગરમ હતું પણ એ ગરમીની અસર હૉટેલની કૉફી શોપમાં થવી અસંભવ હતી. આસપાસના ટેબલ પર સન્ડે લંચ માટે ઘણા ફેમિલીઝ આવ્યા હતા. ઘણા ખરાએ અંશુમનને જોઈને ઓળખી પણ લીધો હતો. અંશુમન એ કોઈ તરફ ધ્યાન આપ્યા વગર અનુષ્કાની સામે જોતો તેની વાત સાંભળી રહ્યો હતો.
‘તને બરાબર જ યાદ છે તે નેકસ્ટ સન્ડે જ કહેલું પણ મારાથી રહેવાય એમ નહોતું, જીવતો બૉમ્બ હાથમાં પકડાવીને કહે કે હવે આને આવતા સન્ડે ડિફ્યુઝ કરીશ તો એ વચ્ચેના દિવસો કેમ પસાર થાય?’ અંશુમન તેનું બધું જ ધ્યાન અનુષ્કા ઉપર રાખી બોલ્યો.
અનુષ્કા કાચની બીજી તરફ દરિયાના મોજા જોતી બેસી રહી.
‘અનુષ્કા, હવે આપણે એકબીજાથી છૂપાવીને વાત કરવા જેવું તો કંઈ રહ્યું નથી, તેં બધું ક્લિયર કરી નાખ્યું છે તો મારે પણ કંઈ પૂછવું હતું.’ અંશુમનનો હાથ ટેબલ પર રહેલા અનુષ્કાના હાથ ઉપર ગયો.
‘પૂછો.’ અનુષ્કાનું ધ્યાન પેલા હાથમાંથી મળતી હૂંફ તરફ વધારે અને અંશુમનની વાત ઉપર ઓછું હતું.
‘મને પસંદ કરવાનું કારણ શું?’ સવાલ પૂછતાં જ અંશુમનથી અજાણતા જ હાથ પાછળ લેવાઈ ગયો.
‘કારણ? અમમ..... પસંદ કરું છું તો કરું છું. અચ્છા તમે કહો તમે કેમ મને પસંદ કરો છો?’ અનુષ્કાએ અંશુમનની સામે જોઈ પૂછ્યું.
‘મારુ તને પસંદ કરવાનું કારણ તો તેં જ કાલે લખેલા લેટરમાં કહ્યું છે.’ અંશુમન ચહેરા પર મીઠી સ્માઈલ સાથે કહી રહ્યો હતો.
‘તેં લખેલા લેટરમાં જેટલા પણ બ્રેકેટ્સ બનાવ્યા છે એ બધામાં લખેલી વાતો મારા તને પસંદ કરવાના કારણ છે. તું મને મળ્યા વગર મને ઓળખવા લાગી છે, મને તો ડાઉટ પણ ગયો કે કોઈ મળ્યા-જાણ્યાં વગર આટલું કેમ ઓળખવા લાગે!’ અંશુમને બોલતા બોલતા અનુષ્કાનો હાથ પોતાના હાથમાં લીધો. બંને થોડી વાર એમ જ બેઠા હતા કે અંશુમનના મોબાઈલમાં એલાર્મ વાગ્યો.
‘અનુષ્કા, મારે જવું પડશે. ત્રણ વાગ્યે અપોઈન્ટમેન્ટ છે અને આઈ કાન્ટ કેન્સલ ઈટ.’ અંશુમને મોબાઈલ હાથમાં લઈ અલાર્મ બંધ કરતાં કહ્યું.
‘નો પ્રોબ્લેમ અંશુમન, થેંક્યુ ફોર ધ લવલી સરપ્રાઈઝ.’ ઊભા થઈ અનુષ્કાએ અંશુમન તરફ હાથ લંબાવ્યો, અંશુમને ખૂબ જ હૂંફથી હાથ પકડી તેને પોતાની તરફ ખેંચી એક હળવું આલિંગન આપ્યું.
* *
‘સર... તમારી વાઈફ... અનિતાજીનો એક્સીડન્ટ થયો છે. હમણાં જ પોલીસનો ફોન હતો, લોનાવાલા ફાર્મ હાઉસથી રિટર્ન આવતા ગાડી ઘાટમાં...’ ડૉ. અરોરાની આસિસ્ટન્ટ કોમલ હાંફળી ફાંફળી કેબિનમાં દોડી આવી. કોમલનું વાક્ય પૂરું થાય એ પહેલાં જ ડૉ. અરોરા પોતાની કેબિનમાંથી બહાર નીકળી ચૂક્યા હતા. બ્રાઉન લાઉન્જ ચેર ઉપર બેઠેલો અંશુમન પણ કોમલને આમ ધસી આવતી જોઈ ગભરાઈ ગયો હતો.
ડૉ. આકાશ અરોરાના વિઝિટીંગ કાર્ડમાં જે નંબર હતો તે મોબાઈલ કન્સલ્ટીંગ ટાઈમમાં તેમની આસિસ્ટન્ટ કોમલ પાસે રહેતો. બીજો પ્રાઈવેટ નંબર હતો જે હંમેશાં આકાશ પાસે રહેતો અને જેની જાણકારી નજીકના લોકો સિવાય કોઈને નહોતી.
‘કોમલ, અનિતાને કઈ હૉસ્પિટલમાં લઈ ગયા છે?’ આકાશ પોતાની કેબિનની બહાર આવી મેઈન ડોર સુધી પહોંચી ચૂક્યો હતો. પાછળ ફરીને જોયું તો કોમલ હજી કેબિનમાંથી બહાર આવી રહી હતી.
‘કોમલ...’
* * * *
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર