પડઘા પડછાયાના (પ્રકરણ 19)

08 Dec, 2016
12:00 AM

શ્વેતા સુતરીયા

PC: khabarchhe.com

રિદ્ધિમા હાથ પકડીને અંશુમનને લિવિંગ રૂમમાં પડતા દાદરથી ઉપરની તરફ લઈ જઈ રહી હતી. અંશુમન આ ઘરમાં છેલ્લા બે વર્ષથી નહોતો આવ્યો છતાં તેને જાણે હમણાં અહીં જ રહેતો હોય તેમ લાગી રહ્યં હતું. તે આમતેમ નજર ફેરવતો દાદર ચડી રહ્યો હતો. આગળ ચાલતી રિદ્ધિમા ક્યારની કંઈક બોલી રહી હતી, પણ તેના શબ્દો અંશુમનના કાનને બહારથી જ અથડાઈને પાછા વળી રહ્યા હતા. તેના મગજના એક ખૂણામાં અનુષ્કા સાથે થયેલી અણધારી મુલાકાતના દૃશ્યો ફરી ફરીને રિવાઈન્ડ થઈને આંખ સામેથી પસાર થઈ રહ્યા હતા. માટે અજાણતા જ તેના મોઢે 'ફિરંગી પ્યાર'નું ગીત ચડી ગયું હતું. દાદર ચડતા ચડતા જ તે ગણગણી રહ્યો હતો. દાદરમાં વચ્ચે પહોંચી તે એક ક્ષણ ઊભો રહ્યો. છેલ્લે જ્યારે તે આ ઘરમાં આવ્યો હતો ત્યારે અનુષ્કા પણ સાથે હતી. અનુષ્કાને લઈને લંડન અને પેરીસ જવા નીકળ્યો હતો ત્યારે રિદ્ધિમાનો ફોર્સ જ હતો કે જેના કારણે તે અનુષ્કાને પોતાની સાથે આવવા રેડી કરી શક્યો હતો. દાદર ઉપર ઊભા ઊભા લિવિંગ રૂમની સિલિંગ ઉપર લટકતું સ્વરોસ્કીનું શેન્ડલીયર જોતો ઊભો રહ્યો. અહીં ઊભા ઊભા જ તેણે અનુષ્કા માટે ફિરંગી પ્યારનું ગીત ગાયું હતું. નીચે ઊભેલી અનુષ્કા એકધ્યાન થઈને તેના હિપનોટીક અવાજને સાંભળતી રહી હતી. અંશુમન આ બધુ યાદ કરી રહ્યો હતો, ત્યાં જ જીગ્ગી સામાનની સાથે ઘરમાં દાખલ થયો. તેની આંખ અંશુમનને શોધી રહી હતી. લિવિંગ રૂમના એક ખૂણામાં સામાન મૂકી તે આમ તેમ જોતો ઊભો રહ્યો. હાથ પોકેટમાં નાખી તેમાં પડેલા કાર્ડ ઉપર આંગળીઓ ફરતા જીગ્ગીનું મગજ કામ કરવા લાગ્યું હતું. એરપોર્ટથી ઘરે આવતા સુધીમાં બારીની બહાર જોઈ રહેલા અંશુમનને તેણે જણાવ્યું નહોતું કે, અનુષ્કા જતા જતા પોતાનું એડ્રેસ જણાવતી ગઈ છે. તે અંશુમન માટે ઓલરેડી ચિંતિત હતો, તે નહોતો ઈચ્છતો કે મુંબઈની બહાર નીકળવાના અંશુમનના નિર્ણયથી તેને પોતાને જ પસ્તાવો થાય. અહીં ઊભા ઊભા તે વિચારી રહ્યો હતો કે અનુષ્કાએ તેની હોટેલનું એડ્રેસ આપ્યું છે તેનો ચોખ્ખો મતલબ હતો કે અનુષ્કા ઈચ્છતી હતી કે અંશુમન તેનો કોન્ટેક્ટ કરે. આખરે તેણે નક્કી કર્યું કે તે આ કાર્ડ સીધુ અંશુમનને જ આપશે.

અંશુમન શૂન્યમનસ્ક થઈ દાદર ઉપરથી લિવિંગ રૂમના ઝુમ્મરને જોઈ રહ્યો હતો. મોઢા ઉપર એક અલગ જ પ્રકારનું સ્મિત રમી રહ્યું હતું, જીગ્ગી નીચે ઊભો ઊભો અંશુમનને જોતો હતો. તેની નજર અંશુમનની પાછળ ઉભેલી રિદ્ધિમા ઉપર પણ પડી, રિદ્ધિમાએ જીગ્ગીને જોઈને એક નાની સ્માઈલ આપી, જીગ્ગી તરત જ દાદર ચડી અંશુમન પાસે પહોંચી ગયો.

'સર... વેલકમ ટુ યોર હોમ.' જીગ્ગીનો હાથ હજી તેના પોકેટમાં જ હતો.

'જીગ્ગી, આ ક્યાં મારુ ઘર છે? આપણું ઘર તો મુંબઈમાં છે. આ તો થોડા દિવસોનો ઉતારો છે.' અંશુમને આપણું ઘર કહ્યું તે જીગ્ગીને ખૂબ જ ગમ્યું. અંશુમન સામે જોઈ તે ખૂબ જ મીઠું મલક્યો.

'સર, આ અનુષ્કા મેડમે એરપોર્ટ ઉપર આપ્યું હતું.' જીગ્ગીએ પોકેટમાંથી કાર્ડ કાઢી અંશુમનની સામે ધર્યું.

અનુષ્કાનું નામ સાંભળતા જ અંશુમનની પાછળ ઊભેલી રિદ્ધિમાના કાન ચમક્યા, તે અંશુમનની વધારે નજીક સરકી.

'અનુષ્કાએ આપ્યું?' સવાલના જવાબની અપેક્ષા વગર જ અંશુમને જીગ્ગીના હાથમાંથી કાર્ડ ઝૂંટવી લીધું, એરપોર્ટ ઉપર જે રીતે અનુષ્કા 'નાઈસ ટુ મીટ યુ' કહી નીકળી ગઈ હતી તે જોઈને અંશુમન ખૂબ જ વિચલીત થઈ ગયો હતો. જેમ-તેમ કરીને તે પોતાને સંભાળી રહ્યો હતો. એરપોર્ટ ઉપર મળેલી અનુષ્કાની આંખોમાં દેખાતો ખાલીપો તેને અચાનક બે વર્ષ પછીની લાઈફમાં ફાસ્ટ ફોરવર્ડ કરીને પહોંચાડી ગયો હતો. એરપોર્ટથી ઘર સુધીના રસ્તામાં બારી બહાર જોતો તે આ વીતી ગયેલા બે વર્ષ યાદ કરવા મથી રહ્યો હતો. સોન્ગના બે ચાર રેકોર્ડિંગ્સ અને ડૉ. આકાશ અરોરાના ક્લિનિકની વિઝિટ સિવાય તેને કાંઈ જ યાદ આવતું નહોતું. એરપોર્ટ ઉપર અનુષ્કાને જોઈ ત્યારથી થઈ રહેલી બેચેનીને તે ઘરે આવીને તરત જ તેની મમ્મી જોડે શેર કરવા માંગતો હતો. પણ રિદ્ધિમા આવીને તેને અંદર લઈ ગઈ અને વાત કરવાનો ચાન્સ ન મળ્યો. હવે જીગ્ગી પાસેથી કાર્ડ લઈ તે સીધો ભૈરવીબેન પાસે ભાગ્યો.

'મોમ...'

'મોમ... આઈ વીલ હેવ યુ ગો ટુ પેરીસ.' અંશુમન ભૈરવીબેનની આંખોમાં તાકતો બોલી રહ્યો હતો.

ભૈરવીબેન અંશુમનની આંખોનો અજંપો અને ઉત્સાહ જોતા પ્રશ્નાર્થ નજરે તેની સામે તાકી રહ્યા.

'અંશુ, હજી તો તું આવ્યો છે. અચાનક કેમ પેરીસ?' ભૈરવીબેન વાત સમજવા મથી રહ્યા.

"મોમ, અનુ ત્યાં છે એન્ડ શી વોન્ટ્સ મી ટુ ગો ધેર એન્ડ મીટ હર. સી ધીસ, હમણાં જ એરપોર્ટ ઉપર જીગ્ગીને આ કાર્ડ આપીને ગઈ. વોટ ડઝ ઈટ મીન? આ તેની પેરીસની હોટેલનું કાર્ડ છે, મોમ!'

અંશુમનને જવાબની રાહ નહોતી, એ તો પોતાનો ઉત્સાહ ઠાલવી રહ્યો હતો.

'અંશુ, Keep calm, બહુ વધારે એક્સ્પેક્ટેશન રાખીને મળવા નહીં જતો. જો એ ચાહત તો તને બે વર્ષે જોઈને તારી સાથે વાતો કરવા રોકાઈ શકી હોત...' રિદ્ધિમા દાદર પાસે ઊભી ઊભી જ બોલી.

'રિદ્ધિ... પ્લીઝ મને નેગેટીવ માઈન્ડ સેટમાં નહીં ધકેલ...' કહી અંશુમન ઉંધો ફરી જીગ્ગીને પેરીસ માટે વ્યવસ્થા કરવા સમજાવવા લાગ્યો.

રિદ્ધિમા હજી દાદર પાસે ઊભી ઊભી અંશુમનને જોઈ રહી હતી. તેની આંખોમાં ઉપસી રહેલા ભાવ હમણાં કોઈ સમજી શકે તેમ નહોતું. અંશુમનના લંડન આવવાની વાત સાંભળીને રિદ્ધિમા બ્રેક લઈ લંડન આવી ગઈ હતી. આ વીકના દરેક દિવસના પ્લાન બનાવી નાખ્યા હતા, એ પોતાની બધી જ આશા ઉપર પાણી ફરતું જોઈ રહી. થોડી વાર પછી ત્યાંથી થોડી દૂર જઈ તેણે સેલ ફોનમાં એક નંબર ડાયલ કર્યો. સામે છેડે પૂરેપૂરી રીંગ વાગી છતાં કોઈ રિસ્પોન્સ ન આવ્યો. રિદ્ધિમાએ ફરીથી ફોન લગાવ્યો. ઈન્ડિયામાં રાત થઈ ચૂકી હશે માટે ફોન નહીં ઉંચકાયો તેમ વિચારતી તેણે કોલ ચાલુ જ રાખ્યા. આખરે ત્રીજા પ્રયત્ને સામા છેડેથી ફોન રિસીવ થયો.

'હેલ્લો...' ડૉ. અરોરાનો અવાજ ખૂબ જ ઉંડેથી આવતો હોય તેમ સંભળાઈ રહ્યો હતો.

'ડૉ. અરોરા, હું રિદ્ધિમા બોલુ છું.'

'રિદ્ધિમા... હા... રિદ્ધિમાજી... અન્નુ ઈઝ નો મોર, અહીં હોસ્પિટલમાં હજી મને કહેતી જ હતી કે હું તો હજી તમને હેરાન કરવા રહેવાની છું ત્યાં બીજી જ મિનીટે શી લેફ્ટ મી, યુ ઓન્લી ટેલ મી હાઉ ઈઝ ધીસ પોસિબલ?"

રિદ્ધિમા ડૉ. અરોરાની વાત સાંભળી ગભરાઈ રહી હતી. તેને આશા હતી કે ડૉ. અરોરા અંશુમનના અજંપાને શાંત પાડવા મદદ કરશે. ડૉ. અરોરાની વાત સાંભળી અંશુમન રોકાઈ જશે પણ અહીં તો ડૉ. અરોરાને પોતાને જ કોઈની મદદની જરૂર જણાઈ રહી હતી.

'ડૉક્ટર, આઈ એમ સોરી ફોર યોર લોસ.' કહી રિદ્ધિમા ફોન પકડી એમ જ ઊભી રહી.

'ડૉન્ટ બી સોરી ડીયર, અન્નુ વીલ બી ધેર વીથ મી માય હોલ લાઈફ, મારી યાદોમાં...' કહી ડૉ. અરોરાએ ફોન કટ કરી નાખ્યો.

* *

ડૉ. અરોરા સાંજના સાત વાગ્યાના પોતાના ક્લિનિક ઉપર આવીને બેઠા હતા. અનીતાના મૃત્યુને 24 કલાક ઉપર સમય થઈ ચૂક્યો હતો. તેની અંતિમ વિધી પતાવીને આકાશ સીધો ક્લિનીક આવી ગયો હતો. ગાડીમાં રહેતી એકસ્ટ્રા ચાવીથી ક્લિનીક ખોલી તે પોતાની કેબિનમાં બધી જ લાઈટ ચાલુ કરી ડેસ્ક પાસેની ચેર ઉપર માથું ઢાળીને બેઠો હતો. લગભગ 15-20 મિનીટ એમ જ બેસી રહ્યા પછી ડેસ્કના ખાનામાં રહેતું ટેપ રેકોર્ડર કાઢી તેમાં એક નવી ટેપ નાખી ચેર ઉપરથી ઊભો થયો. સામે પડેલી ડાર્ક બ્રાઉન લાઉન્ઝ ચેરની બાજુમાં રહેલા ઓક વુડના નાનકડા ટેબલ ઉપર ટેપ રેકોર્ડર મૂકી તેમાં રેકોર્ડની સ્વીચ દબાવી તે ડાર્ક બ્રાઉન લાઉન્જ ચેર ઉપર પગ લંબાવી, ધીરેથી ટેકો દઈ બેઠો, પીન ડ્રોપ સાઈલેન્સમાં ડૉ. અરોરાએ ચાલુ કરેલા ટેપરેકોર્ડરમાં આકાશે બોલવાનું શરૂ કર્યું....

'અન્નુ...'

(ક્રમશઃ)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.