પડઘા પડછાયાના (પ્રકરણ એક)
'સર... સર પ્લીઝ ઓપન ધ ડોર... સર... અંશુમન સર તમે ઊઠશો નહીં તો ખૂબ જ મોડું થઈ જશે... પ્લીઝ સર...' અંશુમનનો સેક્રેટરી જીગ્ગી ઊર્ફે જોગીન્દરસિંઘ સાંજના 4 વાગ્યે અંશુમનના ડુપ્લેક્ષ બેડરૂમનો દરવાજો બહારથી ખખડાવી રહ્યો હતો. 7 વાગ્યે મોડામાં મોડું તેમણે પેલેડિયમ મોલ પહોંચવાનું હતું. જ્યાં અંશુમનનું લેટેસ્ટ આલબમ એના હજારો ફેન્સની હાજરીમાં લોન્ચ થવાનું હતું. જીગ્ગી જાણતો હતો કે સર જો હમણાં નહીં ઊઠે તો સમય પર પહોંચવું ખૂબ જ મુશ્કેલ થઈ પડવાનું હતું. સાથે સાથે જીગ્ગીને એ પણ ખ્યાલ હતો કે તેના 'સર'ને આ દરવાજાના ટકોરા કોઈ પણ સંજોગોમાં ઉપરના માળે આવેલા બેડ ઉપર સૂતાં સૂતાં સંભળાવાના નથી જ. છતાં 'કર્મ કર ફલ કી આશા મત રખ'ના સિદ્ધાંતે તેના હાથ ઓટોમેટીક જ દરવાજા પર ટકોરા મારવાના કર્મ કર્યે રહ્યા હતા. બેડરૂમની બાજુમાં મૂકેલી બેલમાંથી નીકળતો 'બઝઝ' અવાજ અંશુમનને ઈરિટેટ કરી રહ્યો હતો, પણ બારી ઉપર લાગેલા ડાર્ક બ્રાઉન પડદાને કારણે ઘોળે દહાડેય રૂમમાં રાતનું ઘોર અંધારુ જ કાયમ હતું. રૂમના એસીમાં પરમેનન્ટ સેટ કરેલા 16.c ટેમ્પ્રેચરમાં અંશુમન તેના કિંગ સાઈઝના બેડ ઉપર લકઝુરિયસ ફર બ્લેન્કેટ ઓઢીને આરામથી સૂતો હતો.
'સર કો ફોન હી કરના પડેગા રાજુ' જીગ્ગીએ ડરતા ડરતા પોકેટમાંથી ફોન કાઢીને બાજુમાં ફ્રેશ ઓરેન્જ જ્યૂસના ગ્લાસની ટ્રે પકડેલા રાજુ તરફ જોયું.
'જી સર' બોલતાં રાજુના હાથ થોડા કાંપ્યા, ટ્રે ઉપર રાખેલા ઓરેન્જ જ્યૂસના ગ્લાસ ઉપરનું કોસ્ટર થોડું હલીને પાછું પોતાની જગ્યા પર ગોઠવાઈ ગયું.
'રિંગ જા રહી હૈ...' જીગ્ગી જાણે રાજુને પોતાની ઢાલ બનાવી રહ્યો હોય તેમ કહી રહ્યો હતો.
'જી સર...' કહી રાજુ બે ડગલાં પાછળ ખસ્યો.
પાંચ મિનિટ થઈ હશે કે બંધ દરવાજાની અંદરથી 'ધબ ધબ' દાદર ઉતરવાનો અવાજ સંભળાયો. જીગ્ગી અને રાજુ બંને એકબીજાને સાંત્વના આપતા હોય તેમ એકબીજાની સામું જોઈ દરવાજાને તાકતા ઊભા રહ્યા.
'હાઉ મેની ટાઈમ્સ ડુ આઈ હેવ ટુ ટેલ યુ, મને કોઈ ઈમરજન્સી વગર ફોન ક્યારેય કરવાનો જ નહીં?'
બ્લેક ટ્રેક પેન્ટ પહેરેલ અંશુમન ટી શર્ટ પહેર્યા વગર જ નીચે આવીને દહાડી રહ્યો હતો.
'સ....સર... ઈટ ઈઝ એન ઈમર્જન્સી' જીગ્ગી એનું ગળું સાફ કરતા બોલ્યો.
'સર, ઓલરેડી સવા ચાર વાગી ગયા છે, આપણે 7 વાગ્યે લોન્ચ માટે પેલેડિયમ મોલ હાજર રહેવું પડશે... ત...તમને તૈયાર થવામાં બે કલાક ઓછામાં ઓછા જોઈશેને...' બોલાઈ ગયાં પછી જીગ્ગીને ભાન થયું કે પાછળનું વાક્ય ન બોલ્યો હોત તો સારું થાત.
પોતાની સુરક્ષા માટે અજાણ્યે જ સામેવાળાની નબળી વાત સામે મૂકી દેવાની આવડત ન જાણે એનામાં ક્યાંથી આવી જતી હોય છે. જીગ્ગી પણ બોલ્યા પછી વિચારી રહ્યો હતોઃ
'આ બૈલ મૂઝે માર... ક્યા જરૂરતથી ઈતની જુબાન ચલાને કી પાપે...'
'હા ઠીક છે. જા. આવું છું થોડી વારમાં...'
અંશુમનને સાંજના દૃશ્યો નજર સામે ઉપસવા લાગ્યા એટલે તે જીગ્ગી ઉપર ગુસ્સો કરવાનું ભૂલી દરવાજો બંધ કરી અંદર ગયો.
'બચ ગયા...!' જેવો અંશુમને દરવાજો બંધ કર્યો હશે કે તરત જ જીગ્ગીના મોંમાંથી રાહતના શબ્દો આપોઆપ જ સરી પડ્યા. દરવાજો બંધ કરતા અંશુમનના કાને આ શબ્દો અથડાયા. તેના સોહામણા ચહેરા પર નાનકડું સ્મિત એક સેકન્ડ માટે ફરકીને ઓઝલ થઈ ગયું.
'અરે રાજુ જ્યૂસ લાવ... સખત માથું દુઃખે છે.'
દરવાજેથી થોડું આગળ ચાલી સ્પાઈરલ દાદર ઉપર પહેલું પગથિયું ચડતાં જ અંશુમને બૂમ પાડી.
'જી... જી સર.' રાજુ ગણગણ્યો. જે અંશુમનને તો ઠીક બાજુમાં ઊભેલા જીગ્ગીને સંભળાવું પણ મુશ્કેલ હતું.
જીગ્ગી તેના ફોનમાં સાંજની તૈયારીઓમાં વ્યસ્ત થઈ ગયો હતો. એમ.ટી.વી.ની ઓફિસમાં ફોન કરીને તેમની બેસ્ટ વીજે માટેનું કન્ફર્મેશન આમ તો તેણે દસ દિવસ પહેલાથી જ લઈ રાખેલું, છતાં હમણાં ફોન કરી ફરી કન્ફર્મ કર્યું. આજે લોન્ચ થનાર આલબમ અંશુમન માટે કેટલું અગત્યનું હતું તે જીગ્ગી જાણતો હતો. ફોન ઉપરનું કામ પતાવી રાબેતા મુજબ તે ડાઈનિંગ ટેબલ પાસે આવીને બધી વ્યવસ્થા ચેક કરવા લાગ્યો.
રાજુ અંશુમનની પાછળ બેડરૂમમાં દાદર ચઢી બેડ પાસે આવીને ઊભો હતો. અંશુમને પાછળ ફરી ટ્રેમાં રાખેલા ગ્લાસ પરથી કોસ્ટરને ટ્રેમાં મૂકી જ્યૂસનો ગ્લાસ મોઢે માંડ્યો.
'વ્હોટ?' એક ઘૂંટ લઈ ગ્લાસ નીચે કરી પોતાને તાકતા રાજુની આંખમાં આંખો મિલાવી અંશુમને પૂછ્યું.
'જી... જી સર.' કહી રાજુ તરત જ નીચું જોઈ ગયો.
'જી... શું?' જા અહીંથી અને જીગ્ગીને કહેજે ડાઈનિંગ ટેબલ ઉપર મારી વેઈટ કરે. ઉંધા ફરતાં અંશુમને કહ્યું.
'સાંભળ રાજુ... ગરમ પાણી અને થોડું નમક આપી જા જલદી.'
'જી સર...' કહી રાજુ ત્યાંથી નીચે ઊતરી ગયો. ઊતરતાં ઊતરતાં તેની નજર નીચેની રૂમમાં ફરી રહી હતી.
'આ બધું સાફ કરવામાં રાત પડવાની...' વિચારતો તે રૂમમાંથી બહાર નીકળ્યો. બહાર નીકળતાં તેણે યાદ કરીને દરવાજો બંધ કર્યો.
* * *
પેલેડિયમ મોલના એન્ટ્રન્સ સામે આવીને એક બ્લેક મર્સિડીઝ ઊભી રહી. જીગ્ગીએ ડ્રાઈવરની બાજુની સીટમાંથી ઊતરી પાછળનો દરવાજો ખોલ્યો. સાંજના 7 વાગ્યે પણ મુંબઈનો બફારો અકબંધ હતો. ગાડીનો દરવાજો ખોલતાં જ એસીથી ઠરી ગયેલું ગાડીનું ટેમ્પરેચર બહારની 30.cની ગરમીમાં ઓગળવા લાગ્યું. ગાડીમાંથી બ્લ્યુ જીન્સ અને વ્હાઈટ શર્ટ પહેરેલ અંશુમન નીચે ઉતર્યો. તેની એક ઝલક જોવા માટે માણસો ગાંડા થઈ રહ્યા હતા. આજુબાજુથી કેમેરાની ફ્લેશનો ઝગમગાટ અંશુમન ઉપર ફેલાઈ ગયો. તેની હર એક મુવમેન્ટ કેમેરાની ક્લિક્સમાં ઝડપાઈ રહી હતી. આ વાતથી તે બિલકુલ સજાગ હતો અને મનોમન પોતાને શાબાશી પણ પાઠવી ચૂક્યો હતો. ઘરેથી મોલ સુધી પહોંચવામાં રસ્તામાં ત્રણ જગ્યાએ તેણે પોતાના આલબમ લોન્ચના હોર્ડિંગ્ઝ જોયા હતા. મુંબઈ આવ્યાને બે જ વર્ષમાં તેનું નામ આટલું ગાજવા લાગશે એની તેને પોતાને પણ નવાઈ લાગી રહી હતી. આજુબાજુ નજર ફેરવી, મીડિયાને થોડા બાઈટ્સ આપી અંશુમન મોલમાં એન્ટર થયો. તેની પર્સનાલિટી એવી હતી કે, છોકરીઓ તો ઠીક છોકરાઓ પણ એને તાકીને એને જોઈ રહ્યા હતા. 6 ફૂટ ઉંચું એનું કસરતી ચૂસ્ત શરીર આકર્ષક લાગતું હતું અને વ્હાઈટ શર્ટના ઉપરના બે ખુલ્લા બટનમાંથી દેખાતી લાંબી લીસી ડોક ખૂબ જ લોભામણી લાગતી હતી. આ બધામાંથી નજર ચહેરા ઉપર પડે તો બધું જ ભૂલી ચહેરા સામે જ તાક્યા કરવાનું મન થાય એવો ક્લિન શેવ ધારદાર ચહેરો કોઇની પણ ઈર્ષાનું કારણ બને એવો હતો.
અંશુમન તેના માટે બીછાવેલી રેડ કાર્પેટ ઉપર ઝડપભેર પણ કોન્ફિડન્ટ પગલે સ્ટેજ તરફ આગળ વધી રહ્યો હતો. તેની બંને તરફ બ્લેક ડ્રેસમાં સજ્જ બોડીગાર્ડઝ આજુબાજુ નજર ઘુમાવતાં એની સાથે ચાલી રહ્યા હતાં. રેડ કાર્પેટની આજુબાજુ ઊભેલી ભીડ એની સાથે હાથ મિલાવવા માટે મથામણ કરી રહી હતી. મોલના ત્રણેય ફ્લોર અંશુમનના ફેન્સથી ખીચોખીચ ભરાયેલા હતા. ટીનએજર્સથી લઈને આધેડ વયના, પોતાને હજુ પણ જુવાન સમજતાં લોકોથી આખો મોલ ગુંજી રહ્યો હતો. છોકરીઓ તો અંશુમને અપોઈન્ટ કરેલી ચિયર લીડર્સ હોય તેમ તેના નામના ગીતો બનાવી ગાઈ રહી હોય એમ અંશુમનના નામની બૂમો પાડી રહી હતી.
અંશુમન મલ્હોત્રા એટલે મ્યુઝિક ઈન્ડસ્ટ્રીનું ગાજતું નામ. આજે એ પોતાના લેટેસ્ટ આલબમના લોન્ચ માટે પેલેડિયમ મોલ આવ્યો હતો. તેનો પ્રભાવ જ એવો હતો કે સામેવાળા જુએ તો સાંભળવાનું ભૂલી જાય અને અવાજ એવો મધુર કે જો એકવાર સાંભળે તો આંખો આપોઆપ જ તેના અવાજની મદહોશીમાં બંધ થઈ જાય. રૂપ અને સૂરનું પરફેક્ટ કોમ્બિનેશન હતું અંશુમન મલ્હોત્રા. લંડનમાં જન્મેલા અને લગભગ ત્યાં જ મોટા થયેલા અંશુમનમાં અંગ્રેજી દબદબો પણ હતો અને ભારતીય રીતભાત પણ હતી. લંડનમાં પિતાના વિસ્તરેલા ફેમિલી બિઝનેસમાં જોડાવા કરતાં તેને ઈન્ડિયા આવી મ્યુઝિક ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવવામાં વધુ રસ હતો. લંડનથી ઈન્ડિયા આવતી વખતે અંશુમને તેના પિતાને કરેલા વાયદાનો સમય પૂરો થવાને હજુ છ મહિના બાકી હતા. તેના પિતાએ અંશુમનને પોતાનો ધિકતો ધંધો છોડી ઈન્ડિયા આવવાની પરવાનગી આપતા પહેલા એક વચન માગેલું.
'અંશુ બેટા, તું તારી મરજી મુજબની કરિયર ચૂઝ કરે એમાં મને કોઈ તકલીફ નથી. આઈ વીલ બી અ પ્રાઉડ ફાધર ઇફ યુ સક્સીડ, પણ ત્રણ વર્ષનો સમય આપી શકું હું તને. ત્રણ વર્ષમાં જો તારી પ્રોગ્રેસ ન થઈ તો તારે આપણા બિઝનેસમાં જોઈન થવું પડશે. તારે ઈન્ડિયા ફક્ત તારા કામમાં જ ધ્યાન આપવાનું છે. બાકીની ચિંતા મારી. યુ હેવ યોર ક્રેડિટ કાર્ડ વિથ યુ.'
ઈન્ડિયા આવી તેણે ખરેખર સંગીત ક્ષેત્રે પોતાનું નામ ઉજાગર કર્યું હતું. તેના સંગીતમાં એક અલગ જ તાજગી હતી, જેના કારણે અંશુમન મલહોત્રાના આલબમ્સ ભારતમાં તો સૂપર હીટ રહેતા જ સાથે આખી દુનિયામાં પણ એણે એની પોતાની આગવી ઓળખ ઊભી કરી હતી. બોલિવુડની સાથે-સાથે અમેરિકન મ્યુઝિક ઈન્ડસ્ટ્રીઝમાં પણ એ પોતાની જગ્યા બનાવી ચૂક્યો હતો. આજે લોન્ચ થનારા આલબમનું ટેલિકાસ્ટ દુનિયાભરની એમ.ટી.વી.ની ચેનલોમાં દેખાવાનું હતું. એમ.ટી.વી.ની ચૂલબૂલી વી.જે. અનુષ્કા સ્ટેજ ઉપરથી અંશુમનને આવતો જોઈ રહી હતી. તેની નજર અંશુમનના કોન્ફિડન્સથી પડતા પગલાં ઉપર ખોડાઈ ગઈ હતી. બ્રાઉન કલરના લેધર બૂટ્સ રેડ કાર્પેટ ઉપર પડી રહ્યા હતા. હજારો માણસોના કોલાહલમાં અનુષ્કા માટે એ પગનો અવાજ સંભળાવો અસંભવ હતો. છતાં પણ તેને લાગી રહ્યું હતું કે જે કોન્ફિડન્સથી અંશુમન એક એક ડગલું ભરી રહ્યો હતો તે પ્રમાણે તેના પગનો 'ટક-ટક' અવાજ પોતે સાંભળી શકતી હતી. ધીરે ધીરે નજીક આવતા અંશુમને સ્ટેજ તરફ નજર કરી. અનુષ્કાની નજરો પણ અંશુમનની નજર સાથે ટકરાઈ. મોલમાં તે સમયે હજારો લોકોની સામે એ બંને એકબીજાને પહેલી વાર જોઈ રહ્યા હતા.
***
'અનુષ્કાની આંખોમાં પહેલી વાર જોયું ત્યારથી જ હું તેની અંદર ઘૂટાવા લાગ્યો હતો. ડૉક્ટર... ગોડ નોઝ મને શું સૂઝ્યું ને મેં...' ડૉ. અરોરાની ફાઈવ સ્ટાર હોટેલના રૂમ જેવી કેબિનમાં રાખેલી ડાર્ક બ્રાઉન લેધરની લાઉન્જ ચેરમાં બેસીને અંશુમન લગભગ મનોમન જ ગણગણી રહ્યો હોય તેમ બોલી રહ્યો હતો.
બોલતાં બોલતાં રૂમમાં લટકતી ઘડિયાળમાં ડંકા સંભળાતા તે અચાનક વર્તમાનમાં આવી પહોંચ્યો. પોતે જે લાંબી ખુરશીમાં બેઠો હતો તેના બ્રાઉન લેધર ઉપર પોતાના હાથ ફેરવતો વિચારી રહ્યો હતો. 'હમણા કેટલી સહેલાઈથી આ ચેર ઉપર એક કલાક બેસીને મેં આટલું બધું બોલી લીધું, જ્યારે પહેલા દિવસે આવ્યો હતો ત્યારે તો આ ચેર ઉપર બેસીને પગ લંબાવવામાં પણ કેટલો સંકોચ થતો હતો.'
અનુષ્કાને યાદ કરી તેની સાથેની પહેલી ક્ષણો વણર્વીને તે જાણે બધું ફરી જીવી રહ્યો હતો. અચાનક વર્તમાનમાં પાછા આવતા એને તકલીફ થઈ હોય તેવું એના ચહેરા ઉપર વળેલો પરસેવો વર્ણવી રહ્યો હતો.
ડૉ. અરોરા પણ વિચારી રહ્યા હતા કે જે અંશુમન તેની સામે બેઠો છે તે જ અંશુમન થોડા મહિનાઓ પહેલા હજારો લોકોની વચ્ચે આટલા કોન્ફિડન્સથી ચાલી શકતો હતો. તેમણે પોતાની ડાયરીમાં અમુક નોટ્સ લખી અને ઊભા થઈ અંશુમનના ખભે હાથ મૂકી તેની પાસે ઊભા રહ્યા. જાણે પોતાને જ સાંત્વના દેતા હોય. 'એવરીથિંગ વિલ બી ઓલ રાઈટ.'
(ક્રમશઃ)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર