પડઘા પડછાયાના (પ્રકરણ સાત)
'સર, પાર્ટી એકદમ સક્સેસફુલ રહી, બધાએ ખૂબ જ એન્જોય કર્યું. પ્રિતમજી અને મલિકજીએ તો કાલે જ મળવાનું ફાઈનલ કરી નાખ્યું છે. બંનેને 'ફિરંગી પ્યાર'ના સુફી સોન્ગનો તમારો આલાપ ખૂબ જ પસંદ આવ્યો છે.' જીગ્ગી પાર્ટીમાંથી ઘરે જતાં ગાડીમાં જ કાલની મિટીંગ વિશે અંશુમનને ઈન્ફોર્મ કરી રહ્યો હતો.
'હા, મને પણ બંને મળ્યા ત્યારે કહેતા હતા. કાલની મિટીંગ બપોર પછીની રાખજે. આરામ જોઈએ સવારે મને.' અંશુમન ગાડીની સીટના હેડ રેસ્ટ પર માથું ઢાળતા બોલ્યો.
'બપોર પછી? ઓ.કે. સર' જીગ્ગીએ પહેલેથી જ બંનેને સાંજનો સમય જ આપ્યો હતો માટે તે નિશ્ચિંત હતો.
'સર આ મંગળવારે તમારે...'
'જીગ્ગી હવે બંધ થઈશ? ખબર છે તારી પાસે બહુ કામ છે પણ હમણા રાતના ત્રણ વાગ્યે તો બક્ષ મને.'
અંશુમને જીગ્ગીની વાત વચ્ચેથી જ કાપી નાખી, તે છંછેડાઈ રહ્યો હતો. એના કોટના પોકેટમાં પડેલા પેલા લેટરને વાંચવાની રાહ જોવી એના માટે અઘરી થઈ રહી હતી.
'જી સર...' જીગ્ગી થોડો ઝંખવાયો. અંશુમનને સારા મૂડમાં જોઈ 'લોહા ગરમ હૈ માર દે હથોડા' ની ધારણાથી એ બધા પ્રોગ્રામ નક્કી કરવા માગતો હતો. પણ બાજી અવળી પડી અને હથોડો નિશાન ચૂકીને પોતાની ઉપર જ પડી ગયો.
* * *
'સવારે 11 પહેલા મને કોઈપણ ડિસ્ટર્બ નહીં કરે, ઈઝ ધેટ ક્લિયર?' અંશુમન જવાબ સાંભળવાની તસદી લીધા વગર જ રૂમના દરવાજા બંધ કરી સીધો દાદર ચડી બેડ ઉપર ઉંધો પટકાયો. જમણા હાથેથી લમણાની નસો દબાવતો થોડીવાર એમ જ પડ્યો રહ્યો. આજની પાર્ટી તેના માટે ઘણી ખાસ હતી, છેલ્લા બે વર્ષથી ચાલતી સ્ટ્રગલ હવે થોડી લેખે લાગતી જણાતી હતી, બે વર્ષથી તેના ગીતો, તેના અવાજને વધાવવામાં જ આવતો હતો પણ 'ફિરંગી પ્યાર' આલબમ એના માટે એક માઈલ સ્ટોનનું કામ કરી રહ્યો હતો. લોકોને અંશુમનની ટેલેન્ટ ઉપર વિશ્વાસ વધી રહ્યો હતો. પાર્ટીમાં હાજર મ્યૂઝિક ડિરેક્ટર્સની ત્યાં ને ત્યાં જ જીગ્ગી સાથે અપોઈન્ટમેન્ટની વાત કરવી એ તે વાતનું સબૂત હતું. ત્રણ, સાડા ત્રણ કલાકમાં એ કેટલા બધા લોકોને મળ્યો હતો. બધા સાથે ઔપચારીક વાતો અને ચહેરા ઉપર એક સરખી સ્માઈલ થકવી નાખતી હોય છે. અંશુમન હમણાં એ જ થાક અનુભવી રહ્યો હતો. પરાણે બેડ ઉપરથી ઊભા થઈ ડ્રેસિંગ એરિયામાં જઈ સૂટ કાઢીને ટ્રેક પેન્ટ પહેરીને મીરર સામે ઊભો હતો. તેની આંખો ઉંઘથી ઘેરાઈ રહી હતી, મીરરની બરાબર ઉપર લાગેલા એ.સી.માંથી ઠંડી હવા તેના વાળમાં અથડાઈને મગજને ઠંડુ કરવાનું કામ કરી રહી હતી. મીરરમાં દેખાતા એના પ્રતિબિંબમાં પોતાની આંખોમાં આંખો પરોવતાં જ તેને અનુષ્કાનો લેટર યાદ આવ્યો. છેલ્લા દોઢ કલાકથી પોતે એકલો પડે એની રાહ જોતો હતો અને હમણા કેમ યાદ ન રહ્યું? એમ વિચારતો તે હમણાં જ કાઢીને મૂકેલા કોટને શોધવા લાગ્યો.
સૂટના અલગ-અલગ કપડાં આખા ડ્રેસિંગ રૂમમાં વિખરાયેલા પડ્યા હતા. આવતાની સાથે જ કાઢેલો કોટ રૂમના દરવાજે મૂકેલી મેટ ઉપર પથરાયેલો પડ્યો હતો. દોડીને કોટ ઊઠાવી અંદરના પોકેટમાં મૂકેલા અનુષ્કાના લેટરને બહાર કાઢી ત્યાં જ દરવાજે પીઠ ટેકવીને બેસી ગયો.
'ડિયર અંશુમન સર,
(મને ખ્યાલ છે જે વાત કરવા જઈ રહી છું તેના માટે 'સર' જરા પણ યોગ્ય સંબોધન નથી!)
પાર્ટીમાં આવતા પહેલાં શું શું ન કરવું એ બધું જ વિચારી રાખ્યું હતું, પાર્ટીમાં આવીને બધું જ ન કરવામાં હું નિષ્ફળ રહી. મને તમારા માટે અટ્રેકશન હતું એ તો ખબર હતી જ પણ હું માનતી હતી કે એ અટ્રેકશન એક સ્ટાર માટે એક ફેનનું હોય એ જ હશે. આઈ ડોન્ટ લાઈક વેસ્ટીંગ માય ટાઈમ, મને ખબર છે તમને મારા કન્ફેશનથી ઝાટકો લાગશે પણ હું આવી જ છું, મને લાગ્યું કે મારે તમને કહેવું જોઈએ એટલે મેં કહ્યું, ન કહેત તો પણ તમને ખ્યાલ આવી જ ગયો હતો. મારી આંખો જે રીતે તમારા તરફ જુએ છે, મારો એમાં કોઈ જ કાબૂ નથી રહેતો. તમારી આંખોમાં પણ એ જ ખેંચાણ અનુભવી શકી હતી.
પાર્ટીમાંથી આમ મળ્યા વગર નીકળવું નહોતું પણ હોટેલ સ્ટાફ પાસે પેન પેપર મગાવીને લખેલો આ 'ઈમરજન્સી' લેટર તમને હાથોહાથ આપવામાં થોડી શરમ લાગી. (હા... મને તમે ગમવા લાગ્યા છો એવું કહેવામાં અને એ કહ્યા પછી તમારી આંખોમાં જોતા શરમ જરૂર લાગે છે.) મને હંમેશાં મારા ઈન્સ્ટીંક્ટ, મારા અંતરના અવાજ ઉપર પૂરો ભરોસો છે, હું કોઈપણ કામ કન્ફ્યુઝડ રહીને કરવામાં નથી માનતી. એટલે જ આટલું ચોખ્ખી રીતે વાત કરી રહી છું.
cut to short - આઈ લાઈક યુ, અને મને લાગે છે કે યુ લાઈક મી ટુ. જો બંને એકબીજાને પસંદ કરીએ જ છીએ તો છુપાવીને બતાવવામાં કેટલો સમય વેડફાઈ જાય ભગવાન જાણે. તમારે મને મળવા બહાના શોધવા પડે (વારે વારે તો પાર્ટીઓ નહીં જ કરી શકો!), મારે તમે કોન્ટેક્ટ કરો એની રાહ જોવી પડે (એક છોકરી થઈને મારે તો પહેલ કરાય નહીં ને, નહીં તો મારે તમારી જરૂર છે એવું લાગવા લાગે. જો કે હમણા પણ મેં જ પહેલ કરી છે!) આ બધો સમય બચાવવા માટે જ આ લેટર લખ્યો છે, મને ડેસ્પરેટ નહીં માનતા કેમ કે હું છું નહીં, અને તમારા માનવાથી થઈ પણ જવાની નથી (તમારો સમય બચાવું છું.)
નૈનાએ મને આગાહ કરી હતી કે, સ્ટાર્સ લોકોના ચક્કરમાં પડવું ન જોઈએ. પણ આ જે ખેંચાણ છે તેને દબાવવું મને પસંદ નથી. હું મારા ઈમોશન્સ ઓળખું છું અને તે પ્રમાણે આ જે થઈ રહ્યું છે તે થોડું સ્પેશિયલ છે. તમે મને તમારા વ્યૂ ક્લીયરલી કહી શકો છો, મારું તમારા પર કોઈ બંધન ન રાખતા.
ઓહ ગોડ, કેટલું બધુ લખી કાઢ્યું. તમે વિચારતા હશો આ VJની બકબક બંદ જ ન થાય! હવે પછીની વાત કહેવા પેપર નથી અને વેઈટર પાસે બે વાર ધક્કો કરાવ્યા પછી એ મારી આસપાસ ફરકતો પણ નથી. બરાબર એક અઠવાડિયા પછી આવતા રવિવારે J W Merriotની કૉફી શૉપમાં આગળની વાત કરીએ?
- અનુષ્કા.
(P.S. વૉટ્સ એપની ચેટ વિન્ડોમાં અંશુમન સરના નામ નીચે પાછલા મહિનામાં લગભગ રોજ દેખાતું 'typing.....', એ સેન્ડ કર્યા વગરનું 'Hi' હવે વધારે રાહ નહીં જોવડાવે એવા હોપ્સ સાથે 'ગૂડ નાઈટ'!)
* * *
'What... are you mad?' સામે ચાલીને આવું બધુ લખીને આપવાની શું જરૂર હતી? મને ડર હતો જ કે અંશુમનની પાર્ટીમાં જઈ રહી છે, એટલે કંઈને કંઈ બફાટ કરીને જ આવીશ. 'નૈના પોતાના બેડ ઉપર ભૂત જોયું હોય તેમ સફાળી બેઠી થઈ ગઈ, રાતના બે વાગ્યે ઉંઘમાંથી ઉઠેલી નૈના પોતાના વિખરાયેલા વાળને સરખા કરતા અનુષ્કાની સામે આંખો ફાડીને જોઈ રહી હતી.'
'નૈના... રિલેક્ષ, મારી મા ન બન યાર, મને ખબર છે - હું શું કરી રહી છું.' અનુષ્કા આત્મવિશ્વાસ સાથે નૈના સામે જોતી ઊભી રહી. તેના અવાજનો રણકો એટલો મજબૂત હતો કે નૈના સમજી ગઈ હતી કે અહીં સલાહ નહીં સહકાર જ કામ લાગશે માટે જે થઈ ચૂક્યું છે. તેની વાત કરવા કરતા જે થવાનું છે તેની વાત કરવી વધુ યોગ્ય હતું.
'ઓકે, ચાલ એમ કહે કે કેમ એક અઠવાડીયા પછી મળવાનું? મતલબ, તે અંશુમનને ઓલરેડી કહી દીધું કે તું એને પસંદ કરે છે અને તને લાગે છે કે એ પણ તને પસંદ કરે છે તો શેના કારણે એક અઠવાડિયા પછી નૈનાની ઊંઘ હવે પૂરેપૂરી ગાયબ થઈ ચૂકી હતી. અનુષ્કા માટે ચિંતાનું સ્થાન હવે અનુષ્કાના વિશ્વાસને જોતા જીજ્ઞાસાએ લઈ લીધું હતું.'
'અંશુમનને હું પસંદ કરું છું, એ વાત હું એને કહીને આવી અને હવે તને પણ કહ્યું, કોઈ વાત મનમાં જ હોય તો એ વાતનો ખૂબ જ ખાસ રોમાંચ થતો હોય અને મન જાતે જ એ રોમાંચના અલગ-અલગ અર્થ બનાવી બેસતું હોય. હવે જ્યારે મેં એ વાત અંશુમનને કહી જ દીધી છે તો મારે મારી જાતને પણ ચકાસવી છે. હજુ પણ એ જ રોમાંચ રહે છે કે એમાં કોઈ ફેરફાર આવે છે તે જોવું છે મારે. જો હું આ ચડેલા ઉભરામાં જ અંશુમનને મળું તો મને સમય ન મળે. ઘણી વાર ઉભરો શાંત થયા પછી સમજાય કે એ ક્ષણિક આવેગ હતો. એક અઠવાડિયાનો સમય એક પ્રિકોશન માટે જ છે, બાકી પૂરેપૂરા ડૂબ્યા વગર ઉંડાણ માપવું અશક્ય છે. પણ રસ્તામાં આવતા બધા ખાબોચિયાના ઉંડાણ માપવા પણ ન રહેવાયને, કોઈ વાર સૂર્યની ગરમીથી પાણી સૂકાય પણ જાય અને છેવટે ફક્ત ગરમીથી ધીકતી સૂકી રેતી જ બચે.' અનુષ્કા તેના મનના ઉંડાણથી બોલી રહી હતી.
(ક્રમશઃ)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર