પડઘા પડછાયાના (પ્રકરણ 17)

24 Nov, 2016
12:00 AM

શ્વેતા સુતરીયા

PC: khabarchhe.com

અનિતાની નજર આકાશની આંખોમાં ખોવાયેલી હતી. આકાશે તેને બેસવા માટે  માથાની તરફનો બેડ થોડો ઊંચો કરી તેના માથા નીચેનો પીલો સરખો કર્યો. આ દરમિયાન આકાશને અનિતાના શરીરમાં એક ઝટકો અનુભવાયો. તેણે તરત જ અનિતાને બોલાવવા પ્રયત્નો કર્યા. અનિતા તરફથી કોઈ જ પ્રતિભાવ ન આવતાં તે ગભરામણ સાથે બહારની તરફ ભાગ્યો, રૂમના દરવાજાને ઝાટકા સાથે ખોલતાં બરાડ્યો.

'ડૉક્ટર...'

આકાશ હૉસ્પિટલના કોરિડોરમાં દોડી રહ્યો હતો. તેનો અવાજ સાંભળીને નર્સ અને ડૉક્ટર ફટાફટ અનિતાની રૂમ તરફ આવ્યા.

'ડૉક્ટર... અનિતાને કંઈ થઈ ગયું, એ હમણાં જ મારી સાથે એકદમ નોર્મલી વાત કરી રહી હતી. અચાનક કંઈ થઈ ગયું...' આકાશ ડૉક્ટરની આગળ-આગળ ભાગતો રૂમ પાસે આવી દરવાજો પકડી ઊભો રહ્યો.

ડૉક્ટરે અંદર આવી અનિતાની પલ્સ ચેક કરી અનિતાના બેડની બાજુમાં લાગેલા મશીનની સ્ક્રીન ઉપર પલ્સ ના દેખાતા ઉતાર-ચડાવની જગ્યા ઉપર હમણાં ફક્ત એક સીધી લીટી જ દેખાઈ રહી હતી. તેમણે આકાશને બહાર જઈ રાહ જોવા વિનંતી કરી.  લગભગ દસેક મિનીટ પછી આકાશ પાસે આવી ડૉક્ટરે કહ્યું,

'ડૉ. અરોરા... આઈ એમ સોરી, મિસિસ અરોરા ઈઝ નો મૉર.' કહેતી વખતે તેમનામાં આકાશની આંખોમાં જોઈને કહેવાની હિંમત ન હતી.

આકાશ માટે આ માનવું શક્ય નહોતું.

'ધેટ ઈઝ ઈમ્પોસિબલ ડૉક્ટર... એ હમણાં પાંચ મિનિટ પહેલા જ મારી સાથે બેસીને હસીમજાક કરી રહી હતી. તમે પણ હમણાં પંદર મિનિટ પહેલા જ એને ચેક કરીને કહ્યું હતું કે, શી ઈઝ ઓકે. તમારી જરૂરથી કોઈ ભૂલ થતી હશે ડૉક્ટર... કોઈ ડૉ. શ્રોફને બોલાવો. હમણાં જ...' બોલતા બોલતા આકાશનો અવાજ તરડાઈ રહ્યો હતો. બેડ ઉપર પડેલા અનિતાના શરીર તરફ એક નજર નાખી નર્સ તરફ ફરી તે ફરી બરાડ્યો.

'કોલ ડૉ. શ્રોફ રાઈટ નાઉ...'

* *

અંશુમનની ફ્લાઈટ લંડનના હિથરો એરપોર્ટ ઉપર ઉતરી ચૂકી હતી. ફ્લાઈટ લેન્ડ થતાં જ ઈકોનોમી ક્લાસમાં બેઠેલો જીગ્ગી ફટાફટ ઊભો થઈ EXIT તરફ આવીને ઊભો રહી ગયો હતો. અંશુમન ફર્સ્ટ ક્લાસમાંથી વહેલો બહાર નીકળી જવાનો હોવાથી જીગ્ગીને તેની પાસે પહોંચવાની ઉતાવળ હતી. જીગ્ગીને થોડી ચિંતા પણ થઈ રહી હતી કે અંશુમને આટલો સમય એકલા કેવી રીતે પસાર કર્યો હશે. તેણે એરહૉસ્ટેસને રિક્વેસ્ટ કરીને અંશુમનની ખબર પૂછાવડાવી હતી, બંને વખત અંશુમન સૂતો છે એમ જ જવાબ મળતાં જીગ્ગીને થોડી રાહત થઈ હતી.

પ્લેનમાંથી બહાર આવી જીગ્ગીએ ચારે તરફ નજર ફેરવી અંશુમનને શોધવા પ્રયત્ન કર્યા. ઈમીગ્રેશનની લાઈનમાં ઊભેલા અંશુમનને જોઈ તે તરત જ તેની પાસે જઈને ઊભો રહ્યો.

'જીગ્ગી...' અંશુમન બાજુમાં આવીને ઊભેલા જીગ્ગીને જોઈ મલકાયો.

'સર... ફ્લાઈટ કેમ રહી?' જીગ્ગી પોતાનો પાસપોર્ટ હાથમાં લઈ ઊભો હતો.

'જીગ્ગી, તારો ટર્ન અહીં નહીં આવે, તારી પાસે ઈન્ડિયન પાસપોર્ટ છે, તારે સામે પેલી લાઈનમાં ઊભા રહેવું પડશે.' અંશુમને થોડી દૂર રહેલી લાઈન તરફ આંગળી ચીંધી જીગ્ગીને બતાવ્યું.

'ઓહ હા સર હું તો ભૂલી જ ગયો કે તમારી પાસે બ્રિટીશ પાસપોર્ટ છે. હું તમને ઈમીગ્રેશન પતાવીને સામેની સાઈડ મળું, તમે આસપાસ જ રહેજો. તમે ફોન ચાલુ કર્યા સર?' જીગ્ગીએ બધી ઈન્સ્ટ્રકશન્સ આપતા પૂછ્યું.

'હા જીગ્ગી હવે તું જા, હું કોઈ નાનુ બાળક નથી કે તારે મને બધું જ સમજાવવું પડે. અહીંયા તો મારે તારું ધ્યાન રાખવાનું હોય, હું મારા ઘેર આવ્યો છું.' અંશુમને ખુશ થઈ કહ્યું.

લગભગ ત્રીસ-પાંત્રીસ મિનિટ પછી જીગ્ગી ઈમીગ્રેશન ક્લિયર કરી અંશુમનને શોધી રહ્યો હતો. થોડો આગળ ગયો હશે કે તેનું ધ્યાન થોડી દૂર ઊભેલા અંશુમન ઉપર પડ્યું. તે ઉતાવળા પગલે અંશુમન પાસે પહોંચીને તેની સામે આવીને ઊભો રહ્યો.

'સર...'

ત્યાં આવ્યો ત્યાં સુધી જીગ્ગીને ખ્યાલ ન આવ્યો કે અંશુમનની સામે બીજું કોઈ પણ ઊભું છે. જેની સામે જોતો અંશુમન આસપાસની દુનિયા ભૂલી ગયો હતો. જીગ્ગીએ અંશુમનની સામે ઊભેલી વ્યક્તિ તરફ જોયું અને તેના મોઢામાંથી અચાનક શબ્દો સરી પડ્યા :

'અનુષ્કા મેમ...'

જીગ્ગી ફાટી આંખે અનુષ્કાને અંશુમનની સામે ઊભેલી જોઈ રહ્યો. એ જ અનુષ્કા જેના વિચારોમાં અંશુમન પાછલા બે વર્ષથી જીવી રહ્યો હતો, એ જ અનુષ્કા અંશુમનની સામે ઊભી હતી. અંશુમન માટે વિશ્વાસ કરવો અઘરો થઈ રહ્યો હતો કે જે અનુષ્કાને તે પાછલા બે વર્ષથી પાગલની જેમ શોધી રહ્યો હતો તે અનુષ્કા તેને આમ લંડનના એરપોર્ટ ઉપર મળી જશે. અંશુમન પોતાની લાગણીઓ ઉપરનો કાબૂ ગુમાવી રહ્યો હતો. તેની આંખોમાંથી તેની જાણ બહાર જ આંસુ નીકળી રહ્યા હતા.

અંશુમન મલ્હોત્રા ઈન્ડિયાની બહાર પણ એક પૉપ્યુલર આર્ટિસ્ટ તરીકે ઓળખાણ મેળવી ચૂક્યો હતો. લંડન એરપોર્ટ ઉપર એના ફેન્સ તેને ઓળખીને એકઠા થઈ રહ્યા હતા. જીગ્ગીએ અંશુમનને પાછળથી આવી કોણી પકડીને થોડો હલબલાવ્યો. અંશુમન ઝબકીને જીગ્ગી તરફ ફર્યો.

'સર...' જીગ્ગીની આંખો પણ ભીની થઈ રહી હતી. તેણે ખિસ્સામાંથી રૂમાલ કાઢી અંશુમનને આપ્યો. અંશુમન રૂમાલ પકડી બસ ઊભો જ રહ્યો. આંખમાંથી નીકળી રહેલા આંશુ લૂછવાનું ભાન તેનામાં રહ્યું ન હતું.

આસપાસ અંશુમનના ફેનનું ટોળુ હવે વધી રહ્યું હતું. અંશુમનને હેબતાઈને ઉભેલો જોઈ લોકો સમજી રહ્યા હતા કે ગ્લેમર વર્લ્ડમાં 'બ્રેકિંગ ન્યૂઝ'ની કેટેગરીમાં આવે તેવા ન્યૂઝ બની શકે છે. લોકોના સેલફોનમાંથી વીડિયોઝ લેવાઈ રહ્યા હતા અને ફોટો ક્લિક થઈ રહ્યા હતા.

અનુષ્કાની આંખો પણ થોડી ક્ષણ પૂરતી નરમ પડી હતી પણ હવે અનુષ્કાએ પોતાની જાતને સંભાળી લીધી હતી. અનુષ્કાના મગજમાં આટલી વારમાં અંશુમન સાથે વીતાવેલો સમય ફ્લેશબેકની જેમ પસાર થઈ રહ્યો હતો. બે વર્ષ પહેલાની એ છેલ્લી મુલાકાત યાદ આવતા જ અનુષ્કાએ પોતાની જાતને પૂરેપૂરી સંભાળી અને અંશુમનની આંખોની પકડમાંથી પોતાને છોડાવી એ બીજી તરફ જોઈ ગઈ.

* *

'આકાશ, આઈ એમ સોરી. અનિતાને બચાવવામાં અમે ફેઈલ રહ્યા, ઘણી વાર બધા રિપોર્ટ્સ નોર્મલ હોવા છતાં અમારા હાથમાંથી પરિસ્થિતિ નીકળી જાય છે.' ડૉ. શ્રોફ તેમની કેબિનમાં ટેબલની સામેની તરફ બેઠેલા ડૉ. અરોરાને સાંત્વના આપતા બોલી રહ્યા હતા.

'ડોન્ટ ટેલ મી ઓલ ધીસ ફિલોસોફી ડૉક્ટર... ટેલ મી અનિતાના પોસ્ટમોર્ટમ રિપોર્ટસમાં શું આવ્યું?' ડૉ. અરોરા માટે હજી પણ માનવું મુશ્કેલ થઈ રહ્યું હતું કે અનિતા હવે આ દુનિયામાં નથી રહી.

'મારા હાથમાં અનિતાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ જ છે આકાશ, આ રિપોર્ટ પ્રમાણે અનિતાની બ્લડ વેઈનમાં એક ક્લોટ હતો જે C.T. Scanમાં ડિટેક્ટ થઈ શક્યો ન હતો. અનિતાનું ડેથ બ્રેઈન સ્ટ્રોકના કારણે થયું છે, આઈ એમ રિયલી સોરી આકાશ.' ડૉ. શ્રોફ અનિતાની પોસ્ટમોર્ટમ ફાઈલને આકાશ તરફ ધકેલતા બોલી રહ્યા હતા.

'વ્હોટ રબ્બીશ ડૉક્ટર... હાઉ ઈઝ ધીસ પોસિબલ વીથ મી ફોર એવર...'

(ક્રમશઃ)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.