પડઘા પડછાયાના (પ્રકરણ છ)
અંશુમનની પાર્ટીમાં આવતા પહેલા મક્કમ રાખેલું અનુષ્કાનું મન અંશુમન એક વખત સામે આવતા જ પીગળીને મીણ થઈ રહ્યું હતું. અનુષ્કાના લાખ પ્રયત્નો કરવા છતાં એ અંશુમન તરફ ખેંચાયા જ કરતી હતી. અંશુમનના ફ્લર્ટીંગની મજાક ઉડાવતી અનુષ્કા હમણાં પોતે જ ફ્લર્ટ નહોતી કરી રહી ?
'ઓહ તો તમને લાગ્યું કે હું નહીં આવું ? અહીં આવીને તમને ખોટા સાબિત કર્યા મેં ? ધીસ ઈઝ નોટ ફેર...'
અનુષ્કાની આંખોમાં નરમાશ અને ગાલો ઉપરની લાલી અંશુમન ચોખ્ખી જોઈ શકતો હતો, બીજી તરફતેની હાલત પણ લગભગ સરખી જ હતી. પાર્ટીમાં અનુષ્કા રહી ત્યાં સુધી કોઈને કોઈ બહાને અંશુમન અનુષ્કા પાસે પહોંચી જ જતો હતો. અનુષ્કાની આસપાસ રહેલા ગેસ્ટ અચાનક વધારે ઈમ્પોર્ટન્ટ લાગવા લાગ્યા હતા. અનુષ્કાની નજરો પણ અંશુમનનો પીછો છોડતી નહોતી. અનાયાસ જ કોઈની સાથે વાત કરતાં કરતાં પણ અંશુમન તરફ ધ્યાન ખેંચાઈ જતું હતું.
'જીગ્ગી, અનુષ્કા મેડમને ખાના ખાયા?' અંશુમને સવાલ તો કર્યો પણ તેની આંખો પાર્ટીમાં આવેલા ગેસ્ટના ટોળામાં અનુષ્કાને શોધી રહી હતી.
'જી સર...' જીગ્ગીએ સહજતાથી જવાબ આપ્યો. તે અનુષ્કાનું ખાસ ધ્યાન રાખી રહ્યો હતો. (અંશુમન કહ્યા વગર જ!) અંશુમન જે દસ લોકોને પર્સનલી ઈન્વાઈટ કરવા ગયો હતો તેમાં બૉલીવુડના મંધાતાઓ સિવાયનું એક જ અલગ નામ હતું જે હતું 'અનુષ્કા'.
'હમણાં ક્યાંય દેખાતી નથી, નીકળી ગઈ કે શું?'
અંશુમનની આંખો હૉલના દરેક ખૂણામાં ફરી રહી હતી.
'જી સર... હમણાં 5 મિનિટ પહેલા જ નિકળ્યા, જતી વખતે તમારા માટે પૂછતાં પણ હતા.' જીગ્ગીએ અંશુમનની થોડું નજીક જઈ જવાબ આપ્યો.
મ્યુઝિક સિસ્ટમમાં વાગતા ગીતોમાં હવે ફાસ્ટ સોંગ્સ વાગવાના ચાલુ થયાં હતા. ડિ.જે.ને આપેલા સૂચનો પ્રમાણે પાર્ટી શરૂ થયાના બે કલાક પછી ડિસ્કો સોંગ્સ ચાલુ થઈ ચૂક્યા હતા.
જીગ્ગીએ પોતાના પોકેટમાંથી એક વ્હાઈટ એન્વલોપ કાઢ્યું અને અંશુમન તરફ ધર્યું.
'સર... અનુષ્કા મેડમ નીકળતી વખતે તમને શોધતા હતા, મેં પણ તમને શોધવા ટ્રાય કરી પણ તમે ક્યાંય દેખાયા નહીં પછી તે આ નોટ તમારા માટે આપીને ગયા છે.'
જીગ્ગીની વાત પૂરી થાય તે પહેલાં જ અંશુમને તેના હાથમાંથી એન્વલપ લઈ લીધું. તેને હમણાં જ ઈચ્છા થઈ આવી કે તે એન્વલપ ખોલીને અંદરની નોટ વાંચી લે પણ આટલા બધા લોકોની વચ્ચે વાંચવા કરતાં પાર્ટી પતે પછી શાંતિથી વાંચીશ એમ વિચારી અંશુમને તે એન્વલોપ પોતાના કોટના ખીસ્સામાં મૂકી દીધું. માંડ માંડ મન ઉપર કાબૂ મેળવી તે પાર્ટીમાં મન પરોવતો હતો. વચ્ચે વચ્ચે ગેસ્ટ સાથે વાતો કરતાં કરતાં પોકેટમાં હાથ નાંખી, એ લેટરને અડી લઈ પોતાના ઉછળી ઉઠતા મનને થોડી સાંત્વના આપી દેતો.
'ડૉક્ટર અરોરા, તમે કહ્યું હતું કે અંશુમનના કેસ માટે તમારે છ મહિના જોઈશે. છેલ્લા ચાર મહિનાથી અંશુમન સતત તમારી કેરમાં છે તો પણ મને તેની કન્ડિશનમાં કોઈ જ ફેર નથી લાગતો.'
રિદ્ધિમા થોડી અકળાઈ ઉઠી હતી. ડૉ. અરોરાની કેબિનમાં બેસીને એ તેમની સાથે વાતો કરી રહી હતી. બંનેની ચેરની વચ્ચે રહેલા ઓક વુડન ટેબલ ઉપર રાખેલા ફોનમાં રેકોર્ડિંગ અટકાવીને તે ડૉ. અરોરાને પ્રશ્ન કરી રહી હતી.
'ઓછામાં ઓછા 6 મહિના રિદ્ધિમાજી... તમારી પાસે મેં ઓછામાં ઓછા છ મહિનાનો સમય માગ્યો હતો. તમારે ચાર મહિનામાં રિઝલ્ટ જોઈએ તો એ પોસિબલ નથી. ચાઈલ્ડ બર્થમાં એક મહિનાનો સમય લાગવાનો હોય તો લાગવાનો જ હોય પછી તમે ડૉક્ટર પાસે જઈને એમ કહો કે મને રિઝલ્ટ કેમ નથી દેખાતું? તો આ સવાલ કેટલો બેઝલેઝ કહેવાય એ મારે તમને સમજાવવાની જરૂર લાગતી નથી.' ડૉ. અરોરાએ વાક્યના અંતમાં મોઢા ઉપર મીઠી સ્માઈલ આપી અને કડવી વાત સમજાવી.
ડૉ. અરોરાની વાત સાંભળી અનુષ્કા થોડી ઢીલી પડી. તેને ડૉક્ટરની વાત કરવાની રીત થોડી ખૂંચી પણ ખરી, પહેલા જ્યારે તે ડૉક્ટરને મળી હતી ત્યારે તે એકદમ શાંત અને મળતાવડા લાગ્યા હતા. હમણાંની વાતથી તેને પોતાની વાતો શેર કરવામાં થોડી મૂંઝવણ અનુભવાતી હતી.
'આઈ કેન અન્ડરસ્ટેન્ડ ધેટ સર, બટ અંશુ હજી બે વર્ષ જુની તેની દુનિયામાં જ જીવે છે, તે માને છે કે હું તેની લાઈફમાં ક્યાંય હતી જ નહીં અને અનુષ્કા...' રિદ્ધિમા પાસે કશું બોલવાની સમજણ નહોતી.
'હું અંશુમનની કંડિશનથી બરાબર વાકેફ છું, રિદ્ધિમાજી, તમને તેની ચિંતા થાય તે પણ એકદમ સાહજિક છે પણ તમારે મારા ઉપર ભરોસો રાખવો પડશે.'
ડૉ. અરોરાએ ઊભા થઈ રિદ્ધિમાના ખભા ઉપર હાથ મૂકી તેને સાંત્વના આપી.
'ઈફ યુ ડોન્ટ માઈન્ડ તમે મને આ રેકોર્ડિંગની કોપી મોકલી શકો?' ડૉ. અરોરાએ પોતાની ચેર ઉપર બેસતા કહ્યું.
'યા, શ્યોર સર... ઈનફેક્ટ હું હમણાં જ તમને ઈ-મેઈલ કરી દઉં છું.' રિદ્ધિમાએ તરત જ આકાશ અરોરાને બધું જ રેકોર્ડિંગ સેન્ડ કરી આપ્યું.
'રિદ્ધિમાજી, એક રિક્વેસ્ટ હતી...' ડૉ. અરોરા આગળ બોલતા પહેલા અટક્યા અને રિદ્ધિમાની સામે જોયું.
'યેસ...' રિદ્ધિમા થોડી ચિંતા સાથે ડૉ. અરોરા સામે જોતી બેઠી રહી. ડૉ. અરોરાની આંખોમાં તે જોઈ શકતી હતી કે વાત મહત્ત્વની હતી.
'તમે હવે પછી અંશુમનને મળવા જાવ તો પહેલા મને ઈન્ફોર્મ કરજો પ્લીઝ, અંશુમન માટે યોગ્ય હશે તો જ હું તમને પરમિશન આપી શકીશ...' આટલું કહી ડૉ. અરોરા અટક્યા.
'આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ, અંશુમન હમણાં બે વર્ષ જૂના વિચારોમાં જ જીવે છે, તેને કેમ પણ કરીને વર્તમાનમાં રહેવું જ નથી. તમારા આમ અચાનક સામે આવી જવાથી તેને સ્ટ્રેસ આવી શકે છે. જે હમણાં મારી ટ્રીટમેન્ટ માટે બરાબર નથી, મારે અંશુમનને પૂરેપૂરો બધી ઘટનાઓમાંથી પસાર થવા દેવો છે. કોઈ પણ એવું પરિબળ એની સામે ન આવવું જોઈએ, જેના કારણે તેમાં અડચણ આવે નહીં તો આખી પ્રોસેસ ફરીથી શરૂ કરવાની પણ જરૂર પડી શકે, અને વળી તમારા સામે જવાથી એ પોતાની જાતને ખેંચીને વધારે અનુષ્કા સાથે જોડવાનો પ્રયત્ન કરવા લાગે, માણસ સ્વભાવે બાય ડિફોલ્ટ 'બાગી' હોય છે. જેટલું બંધન વધે એટલી જ એની આઝાદીની ઝંખના તીવ્ર થતી જાય. હું સમજી શકું છું કે તમારા માટે થોડું મુશ્કેલ થઈ શકે પણ તમારે મને સાથ આપવો જ પડશે.' ડૉ. અરોરાએ રિદ્ધિમાને થોડું ડિટેઈલમાં સમજાવ્યું, તેઓ સમજતાં હતા કે રિદ્ધિમા માટે પરિસ્થિતી અઘરી હતી.
'જી ડૉક્ટર, આઈ અન્ડરસ્ટેન્ડ, હવે પછી મળતા પહેલા તમારી પરમિશન લેવાનું યાદ રાખીશ.' રિદ્ધિમાના અવાજમાં લાચારી હતી. પોતાના પર્સમાં હાથ નાખી ડાર્ક બ્લ્યુ જ્વેલરીની નાની ડબ્બી પકડી બહાર કાઢી. ડૉક્ટરનું ધ્યાન ન જાય તેમ ટેબલની નીચેથી જ ડબ્બીની અંદર રહેલી વીંટીના ડાયમંડ ઉપર આંગળીઓ ફેરવી. મનમાં ઉઠતા વિચારોના વંટોળને શાંત કરવાના પ્રયત્નો કર્યા પણ એ બધા જ પ્રયત્નો નકામા પૂરવાર થયા. રિદ્ધિમાની આંખોમાંથી દર્દ વહી પડ્યું.
'ઈટ્સ ઓકે રિદ્ધિમા, ક્યારેક રડી લેવું પણ સારું હોય છે, મન હળવું થઈ જાય.' ડૉ. અરોરા પોતાની ચેર ઉપરથી ઊભા થઈ રિદ્ધિમાની બાજુની ચેર ઉપર બેસી રિદ્ધિમાનો હાથ પકડી બેસી રહ્યા.
રિદ્ધિમાએ થોડીવાર પછી ફ્રેશ થઈ ડૉ. અરોરાના હાથમાંથી પોતાનો હાથ છોડાવ્યો. તેને બે સેકન્ડ માટે ડૉક્ટરનું પોતાનો હાથ પકડવો થોડું અજુગતું લાગ્યું, પણ પછી પોતાના મનમાં ઉઠતા અંશુમનના વિચારોએ આ વિચારને દબાવી દીધો.
'અંશુમન બે વર્ષ જૂની વાતો કરી, અનુષ્કાને યાદ કરી વલખા મારે છે, એક અન્ય યુવતીના પ્રેમમાં મારો ફિયાન્સ પાગલ થઈ ફરે છે અને મારે ખૂદે તેને મળવા માટે તમારી પરમિશન લેવાની ! લાઈફ હેઝ પ્લેડ અ વર્સ્ટ ગેમ વિથ મી ડૉક્ટર...'
(ક્રમશઃ)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર