પડઘા પડછાયાના (પ્રકરણ 16)

17 Nov, 2016
12:00 AM

શ્વેતા સુતરીયા

PC: khabarchhe.com

અંશુમન બ્રિટિશ એરવેઝ ફ્લાઈટ નં. 198મા ફર્સ્ટ ક્લાસમાં પોતાના પર્સનલ ક્યુબિકલમાં બેઠો હતો. ફર્સ્ટ ક્લાસ, બિઝનેસ ક્લાસ પછી હવે ઈકોનોમી ક્લાસનું પણ બોર્ડિંગ શરૂ થઈ ચૂક્યું હતું. ફ્લાઈટ ટેક ઓફ થવાને લગભગ 20 મિનિટ જેટલી વાર હતી. અંશુમનના ક્યુબિકલ પાસે આવીને ફુટડી બ્રિટીશ એરહોસ્ટેસ અંશુમનને પૂછી રહી હતી.

'સર કેન આઈ ગેટ એનિથિંગ ફોર યુ?'

અંશુમનને બંધ આંખે જ 'ના'માં ડોકુ હલાવી જવાબ આપ્યો. અંશુમન લગભગ દોઢ વર્ષ પહેલા આ જ બ્રિટીશ એરવેઝ ફ્લાઈટ નં. 198ની ફર્સ્ટ ક્લાસની મુસાફરીની યાદોમાં ખોવાઈ રહ્યો હતો. જ્યારે અનુષ્કા પણ તેની સાથે લંડન આવી રહી હતી. અંશુમન કેટલો ઉત્સુક હતો. અનુષ્કાની પોતાના પરિવાર સાથે મુલાકાત કરવા માટે. ખાસ તેની મમ્મી સાથે!

બાજુમાં બેઠેલી અનુષ્કાનો હાથ અંશુમનના હાથથી થોડી વાર માટે પણ દૂર નહોતો રહી શકતો. અંશુમને ફોર્સ કરીને અનુષ્કાની ટિકિટ પોતાની સાથે ફર્સ્ટ ક્લાસમાં કરાવી હતી. ટિકિટ કરાવતી વખતે અંશુમનને રોકવાની અનુષ્કાની બધી જ કોશિશ નિષ્ફળ રહી હતી. અંશુમન પાસે એક જ જવાબ હતો.

'મને તારી ટિકિટના પૈસા આપવાનો પૂરેપૂરો હક છે. તારા પ્રેમ જેટલો પ્રેમ હું તને આપી શકીશ કે નહીં તે મને ખબર નથી, પણ આટલું કરવાથી તું મને ન રોકી શકે અને ફોર યોર ઈન્ફોરમેન્શન આ મારા કમાયેલા પૈસાની ટિકિટ છે, જે હું મારી 'જાન' માટે નહીં યુઝ કરું તો શું કામનું?'

અનુષ્કાના ગાલ અંશુમનના મોઢેથી 'જાન' શબ્દ સાંભળતા જ શરમથી લાલ થઈ જતાં, પહેલા પોતે જ આવા 'વેવલા વેડા'ની મજાક ઉડાવતી ફરતી અનુષ્કા હવે અંશુમનના મોઢે સંભળાતા આ જ શબ્દોથી શરમાઈ જતી. જે તેને ખુદને જ ઘણું અજુગતુ લાગતું. તેને ઘણીવાર લાગતું કે અંશુમન તેનામાં એક નવું જ વ્યક્તિત્વ જગાડી રહ્યો છે. જેના ડાયમેન્શનથી અનુષ્કા પોતે જ અજાણ હતી. તે ગડમથલમાં પડી જતી કે પોતે અંશુમન સાથે હોય છે ત્યારે જે રીતે વર્તન કરી રહી છે તે વ્યક્તિત્વ તેનું પોતાનું છે કે નહીં. અંશુમન સાથેની રિલેશનશીપ પછી બદલાયેલું પોતાનું વ્યક્તિત્વ ક્યારેક અનુષ્કાને ભારે પણ લાગતું. અંશુમનનો વિચાર ચોવીસ કલાક મગજમાં રહેતો. ક્યરેક અલ્લડ નફ્ફટ અનુષ્કા હવે એક સ્ત્રી બની રહી હતી, જે બનવું ખુદ અનુષ્કાને એટલું પસંદ નહોતું પણ તેને પોતાને આ વ્યવહાર આ વર્તન ઉપર કાબૂ નહોતો. જાણે અંશુમનના પ્રેમથી સંમોહિત થઈ તે પાછળ-પાછળ ચાલી રહી હતી. અંશુમનને ખોવો અનુષ્કા સપનામાં પણ વિચારવા નહોતી માગતી. પોતાની જાતને અંશુમન સાથે જેટલી સુરક્ષિત અનુભવી હતી તેવું આજ સુધી ક્યારેય અનુભવ્યું નહોતું. ને આ સુરક્ષાની ભાવનામાંથી બહાર આવવા ઈચ્છતી જ નહોતી. અંશુમનનો પ્રેમ પણ એટલો જ ગળાડૂબ હતો. અંશુમન પોતાના દરેક દિવસનું ટાઈમ ટેબલ અનુષ્કાને આપતો, અંશુમનને ગમતું કે અનુષ્કાને પોતાની 24 કલાકની રજેરજની માહિતી હોય.

અંશુમનની બાજુની સીટ ઉપર બેઠેલી અનુષ્કા પોતાના હાથમાં અંશુમનનો હાથ પકડીને આંખ બંધ કરીને બેઠી હતી. ફ્લાઈટ ટેક ઑફ થયાને લગભગ બે કલાક થયા હતા, ફ્લાઈટમાં ડિનર સર્વ કર્યા પછી લાઈટ્સ ઑફ કરી દેવામાં આવી હતી.

'અન્નુ...'

'હમમ....' અનુષ્કાએ આંખ બંધ રાખીને જ જવાબ આપ્યો.

'વ્હાય ડુ યુ લવ મી?' અંશુમને એના હાથમાં રહેલા અનુષ્કાના હાથની આંગળીઓ સહેલાવતા પૂછ્યું.

'કેમ કે... તું મને ખૂબ જ ચાહે છે.' અનુષ્કાએ આંખ ખોલી અંશુમન તરફ જોયું, તેનો ચહેરો અંશુમનના ચહેરાથી થોડો જ દૂર હતો. પ્લેનમાં લાઈટ બંધ હતી છતાં પણ અંશુમન આછા ઉજાસમાં દેખાતા અનુષ્કાના ચહેરા ઉપર તગતગી રહેલી એ બે આંખોમાં પોતાના માટે પ્રેમ નીતરતો અનુભવી શકતો હતો.

'પણ આ મારા સવાલનો જવાબ નથી અન્નુ, હું તને ચાહુ છું એટલે તું મને ચાહે છે? કાલે ઊઠીને કોઈ બીજુ મારા કરતા વધારે તને ચાહવા લાગે તો?' અંશુમન એ આંખોથી નજર હટાવી નહોતો શકતો.

'ન ચાહી શકે અંશુમન, કોઈ મને તારી જેટલું, તારી જેવું ન ચાહી શકે.' અનુષ્કાની આંખો પણ તેના શબ્દોની સાબિતી આપી રહી હતી.

'કેમ નહીં અનુષ્કા?'

'તને ખબર છે આપણો પ્રેમ આટલો ઉંડો કેમ છે? કારણ કે આપણે બંને એકબીજાને એક સરખી જ તીવ્રતાથી પ્રેમ કરીએ છીએ. અહીં આપણે કુદરતનું બેલેન્સ જાળવી રાખીએ છીએ. જો બંનેમાંથી કોઈ એકની તરફથી થોડી પણ તીવ્રતાની વધ-ઘટ થઈ તો આ વાઈબ્રેશન્સનો પ્રવાહ આટલો અસરકારક ન રહી શકે. કુદરતનું બેલેન્સ ઈઝ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ, આપણા બોડીને મળતા વાઈબ્રેશન્સ આપણને એકબીજા સાથે એક સરખા જ જોડી રાખે છે.'

અનુષ્કા બીજી તરફ જોઈને વિન્ડોની બહારથી દેખાતા કાળા ડિબાંગ આકાશ તરફ જોઈને બોલી રહી હતી.

'અન્નુ... અનુષ્કા દેવીની જય...' અંશુમને હસીને અનુષ્કા સામે બંને હાથે નમન કરી માથું ઝુકાવ્યું.

'શટ અપ અંશુમન...' અનુષ્કા ફરી વિન્ડો બહાર આસમાનમાં જોતી બેઠી રહી. અનુષ્કા હસી રહી હતી પણ જાણતી હતી કે અંશુમન પોતાની કહેલી વાતોનું મહત્ત્વ સમજવા સક્ષમ નહોતો.

* *

મુંબઈમાં બ્રિચ કેન્ડી હોસ્પિટલના I.C.U. રૂમમાં અનિતાના બેડની સામે સોફા ઉપર ડૉ. આકાશ અરોરા પણ લંબાવીને સૂવાના પ્રયત્નો કરી રહ્યા હતા. અડધી રાત્રે રૂમમાં એક નાની લાઈટ જ ચાલુ હતી. હોસ્પિટલની એક ટિપીકલ સ્મેલ આવી રહી હતી. આકાશ બે દિવસથી અહીં જ હતો માટે તે આ સ્મેલથી ટેવાઈ ગયો હતો. આકાશ ઉંઘમાં સરી જ રહ્યો હતો કે તેને અનિતાના અવાજમાં પોતાનું નામ સાંભળતા તે ઝબકીને જાગી ગયો.

'આકાશ...' અનિતા આંખો ખોલતા જ બોલી, રૂમમાં આછું અજવાળું હોવાથી અનિતાને આંખો ખોલવામાં તકલીફ ન થઈ.'

'અનિતા...' આકાશ તરફ જ ઊભો થઈ અનિતાના બેડ તરફ જઈ પહોંચ્યો. ફટાફટ બહાર જઈ ડૉક્ટરને બોલાવી આવ્યો.

રાતના આ ટાઈમે ડૉ. શ્રોફ હાજર નહોતા. તેમના સ્થાને જુનિયર ડૉક્ટરની શીફ્ટ ચાલી રહી હતી, જે અનિતાને ચેક કરવા આવ્યા. અનિતાને બરાબર ચેક કરી ફાઈલમાં અમુક નોટ કરી. સાથે આવેલી નર્સને અનિતાને આપવાની દવાના ડૉઝમાં કરવાનો ફેરફાર સમજાવી તે બહાર નીકળી ગયા. આકાશ પણ તેની સાથે બહાર ગયો.

"યેસ ડૉ. અરોરા... મીસીઝ અરોરા ઈઝ એલ રાઈટ, નથીંગ ટુ વરી, શી ઈઝ શોઈંગ ગુડ રીકવરી."

આકાશ ખુશ થતા અંદર આવી અનિતાની બાજુમાં બેઠો અનિતાની ચિંતાના કારણે તેની ઉંમર એક જ રાતમાં દસ વર્ષ વધી ગઈ હોય તેમ લાગી રહ્યું હતું.

"આકાશ... રિલેક્ષ... આઈ એમ ફાઈન." અનિતા એ આકાશની અકળામણ ઓળખીને તેના તરફ હાથ લંબાવ્યો.

"અનિતા... ભગવાન જાણે તારા વગર હું શું કરું જો તને કંઈ થઈ જાય તો?" આકાશે આગળ આવી અનિતાનો હાથ પોતાના હાથમાં લીધો. અજાણતા જ તેની આંખમાંથી આંસુ ટપકી પડ્યું.

"આકાશ... હું એમ તારો પીછો છોડુ એમ લાગે છે તને? તને હેરાન કરવા તારી સાથે તો રહેવું જોઈએ ને?"

બોલતા બોલતા જ અનિતાએ આકાશ સામે જોઈને આંખ મારી. આકાશ આ જોઈ રડતી આંખોએ હસી પડ્યો.

અનિતાની આંખો આકાશની આંખોમાં પરોવાયેલી હતી. આકાશે અનિતાને બેસાડવા બેડને માથાના ભાગેથી થોડો ઉંચો કર્યો. તેના માથા નીચે એક પીલો મૂકી બરાબર બેસાડી. આ દરમિયાન આકાશને અનિતાના શરીરમાં એક ઝટકો અનુભવ્યો, તેણે તરત જ અનિતાને બોલાવવા પ્રયત્નો કર્યા. અનિતા તરફથી કોઈ જ રીસ્પોન્શ ન આવતાં તે ગભરામણ સાથે બહારની તરફ ભાગ્યો. રૂમના દરવાજા ને ઝાટકા સાથે ખોલતાં ચિલ્લાયો.

"ડૉક્ટર....."

(ક્રમશઃ)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.