પડઘા પડછાયાના (પ્રકરણ તેર)
આકાશ અરોરા ખંડાલાની સિવિલ હોસ્પિટલથી તેમની પત્ની અનિતાને લઈને નિકળી ગયા હતા. ત્યાં હાજર ઈન્સ્પેક્ટર પાટીલ એક્સિડન્ટનો કેસ હોવાથી થોડી રકઝક કરી રહ્યા હતા, પણ છેવટે ખિસ્સામાં વજન પડતા બધું ક્લિયર થઈ ગયું હતું. આકાશ હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં જ અનિતાને લઈને નીકળ્યો હતો. પોતાની ગાડીના ડ્રાઈવરને સૂચના આપીને એમ્બ્યુલન્સની આગળ રહી રસ્તો ક્લીયર કરાવવા જણાવી રાખ્યું હતું. ખંડાલાની હોસ્પિટલના ડૉક્ટરે નીકળતી વખતે જણાવ્યું હતું કે, અનિતાની સ્થિતી ઘણી ગંભીર છે. તેઓ હૉસ્પિટલની કેપેસિટી પ્રમાણેની પ્રાથમિક સારવાર આપવા જ સક્ષમ હતા, જેના પછીની સારવાર પહેલા અમુક ટેસ્ટ થવા જરૂરી હતા. જે આ હૉસ્પિટલમાં કરવું શક્ય નહોતું. આકાશ પણ ખંડાલા પહોંચ્યો એ પહેલા જ નક્કી કરી ચૂક્યો હતો કે અનિતાને શક્ય એટલી જલદી બ્રિચકેન્ડી હૉસ્પિટલમાં ટ્રીટમેન્ટ માટે લઈ જવી. આ માટે બ્રિચકેન્ડી હૉસ્પિટલના ન્યૂરોસર્જન ડૉ. શ્રોફ કે જે આકાશના ખાસ ફ્રેન્ડ પણ હતા તેમને રસ્તામાંથી જ અનિતાની સ્થિતીથી વાકેફ કરાવી ચૂક્યો હતો.
ખંડાલાથી નીકળી હાઈવે પર એમ્બ્યુલન્સ પહોંચી ચૂકી હતી. આકાશ પાસે હવે મુંબઈ આવે ત્યાં સુધી શાંત રહી રાહ જોવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. અચાનક તેને ક્લિનીકથી નીકળ્યા પછી કોમલનો કોઈ કોન્ટેક્ટ નથી થયો તે યાદ આવતા કોમલને ફોન કરી વાત કરી રહ્યો હતો. ખંડાલાથી નીકળ્યાને લગભગ એક કલાક જેવું થયું હશે. અનિતાની ચિંતાની સાથે આકાશને હવે ક્લિનીકનો વિચાર આવી રહ્યો હતો.
કોણ જાણે કેમ પણ ક્લિનીકનો વિચાર આવતાં જ આકાશ પૂરેપૂરો ક્લિનીકના વાતાવરણમાં સરકી રહ્યો હતો. તેનું શરીર એમ્બ્યુલન્સમાં હતું પણ મનથી તે ક્લિનીકમાં પહોંચી ચૂક્યો હતો. આકાશની આસપાસનું વાતાવરણ, અનિતાની સ્થિતિ કે આજુબાજુ ઉભેલી નર્સ દ્વારા અનિતાને દેવાઈ રહેલી ટ્રીટમેન્ટની આકાશ ઉપર કોઈ જ અસર નહોતી થઈ રહી. ક્લિનીક ઉપર ફોન કર્યો ત્યારે કોમલે જણાવ્યું હતું કે, અંશુમન પાછલા ચાર કલાકથી ક્લિનીકમાં જ છે ત્યારે થોડી વાર માટે આકાશ પોતાની કેબિનમાં બ્રાઉન લાઉન્જ ચેરમાં બેઠેલો અંશુમન નીચું જોઈને હાથની આંગળીઓથી ચેરની સીલાઈમાં નખ ભેરવતો જોઈ શકતો હતો. એ અંશુમન વારે વારે અનુષ્કાની વાત કરી મલકાઈ રહ્યો હતો. આકાશે કોમલને ફોનમાં સૂચના તો આપી હતી પણ તે પ્રમાણે કોમલ અંશુમનને ટ્રીટમેન્ટ આપી શકશે કે કેમ તેમાં આકાશને થોડો ડાઉટ હતો. અંશુમન ઘણો જિદ્દી હતો, તેને અનુષ્કાના જ વિચારોમાં રહેવાનું ગમતું હતું અને અંશુમનના દરેક સેશનમાં આકાશ ખૂબ જ શિફતથી સેશન પૂરું થવાના સમયે અંશુમનને વાસ્તવિકતામાં લાવીને જ સેશન પૂરું કરતો હતો. આજે પોતે જઈ શકે તેમ નથી. તેમ વિચારતો આકાશ બેઠો હતો ત્યાં જ અચાનક બ્રેક લાગવાથી આકાશ ઝબકીને એમ્બ્યુલન્સના વાતાવરણમાં પાછો ફર્યો. તેનું ધ્યાન સામે સ્ટ્રેચર ઉપર સૂતેલી અનિતા ઉપર પડ્યું. પાતળું ઘાટીલું શરીર હમણાં બેભાન અવસ્થામાં સ્ટ્રેચર ઉપર પડ્યું હતું. હંમેશાં ચમકતો અનિતાનો એ ખૂબસૂરત ચહેરો આજે કોઈપણ હાવભાવ વગરનો હતો. આકાશ ખંડાલા હૉસ્પિટલ પહોંચ્યો અને એમ્બ્યુલન્સમાં બેઠો ત્યાં સુધી વ્યવસ્થા કરવામાં જ વ્યસ્ત હતો. હૉસ્પિટલમાં પહોંચ્યા પછી અનિતાની રૂમમાં જઈ એને એક નજર જોયા પછી પોલીસ, ડૉક્ટર, એમ્બ્યુલન્સ, નર્સની વ્યવસ્થામાં લાગી ગયો હતો.
આકાશ ઊભો થઈ અનિતાની થોડો નજીક જઈને ઊભો રહ્યો. રસ્તાના ખાડામાં અનિતાનું બેભાન શરીર હલે નહીં એ માટે સ્ટ્રેચર સાથે બંધાયેલું હતું. બાજુમાં બેઠેલી નર્સ અનિતાની IVમાં કોઈ ઈન્જેકશન નાખી રહી હતી. નર્સની બાજુમાં રહેલા કાર્ડિયોમીટરની સ્ક્રીનમાં હાર્ટ બીટ્સનો ગ્રાફ અનિતાની સ્થિતિ નિયંત્રણમાં છે તે દર્શાવી રહ્યો હતો. ખંડાલાના ડૉક્ટરનું માનવું હતું કે, બ્રેઈનનું CT Scan કરાવ્યા પછી જ બરાબર ખબર પડે કે મૂઢ મારના કારણે ઈન્ટરનલ ડેમેજ થયો છે કે નહીં. આકાશ વહાલ અને ચિંતાભરી નજરોથી અનિતાના ઑક્સિજન માસ્ક લગાવેલા ચહેરા સામે જોતો ઊભો હતો. અનિતાના ડાબા હાથની આંગળીઓ પોતાના હાથમાં પરોવી એમ જ ઊભો રહ્યો. અનિતાના હાથમાં હંમેશાં વર્તાતી હૂંફ ગાયબ હતી. એ.સી.ની ઠંડકના કારણે હથેળી ઠંડી પડી ગઈ હતી. આકાશ એમ જ એનો હાથ પોતાના હાથમાં લઈ હૂંફ આપતો ઊભો રહ્યો.
* *
ડૉ. આકાશ અરોરા સાથે વાત કર્યા પછી કોમલ રિસેપ્શન એરિયામાં ઊભી ઊભી વિચારી રહી કે આગળ શું કરવું. અંશુમનને બરાબર રીતે ટ્રીટ કરવા તેના માટે અંશુમનની ફાઈલ વાંચવી જરૂરી હતી. ડૉ. અરોરાએ જ સૂચનો આપ્યા હતા માટે તેમની પરવાનગી લેવાનો સવાલ ન હતો. ડૉક્ટરની કેબિનમાં જતાં પહેલાં કોમલે અંશુમનના સેક્રેટરી જોગિંદર સિંહને ફોન કરી બોલાવ્યો. અંશુમન જ્યારે પણ આકાશ પાસે ટ્રીટમેન્ટ લેવા આવતો ત્યારે જીગ્ગી હંમેશાં નીચે ઊભો રહી તેની રાહ જોતો. તેણે ડૉ. અરોરાને તાબડતોબ નીચે ઉતરીને ગાડીમાં બેસીને બહાર જતા જોયા હતા. થોડી વારમાં અંશુમન આવશે તેમ વિચારી તે ઊંચો-નીચો થતો બેઠો હતો. અંશુમન તેના સમય પર પાછો ન ફર્યો ત્યારે જીગ્ગી ઉપર જઈ કોમલને પૂછી પણ આવ્યો હતો અને ત્યાર પછી પણ ફોન આવતાં તેને થોડી ધરપત મળી હતી. કોમલે તેને પંદર મિનીટ પછી આવવા જણાવ્યું હતું. જીગ્ગીનો ફોન મૂકી કોમલ ડૉ. અરેરાની કેબિનમાં જઈ અંશુમનની ફાઈલ લઈ બહાર આવી ડૉ. અરોરાના ગયા પછીની બધી જ એપોઈન્ટમેન્ટ્સ કોમલે જાતે જ કેન્સલ કરી હતી માટે કોઈની આવવાની સંભાવના નહોતી. માટે કોમલ શાંતીથી પોતાની ચેર ઉપર બેસીને ફાઈલ સ્ટડી કરવા લાગી.
અંશુમન મલ્હોત્રા 'ધ ફેમસ સિંગર ઑફ ઈન્ડિયા' પાછલા છ મહિનાથી ડૉ. અરોરા પાસે આવી રહ્યો હતો. કોમલ જાણતી હતી કે અંશુમન બાયપોલર ડિસઓર્ડરનો આઈડિયલ કેસ હતો. તે સમયનું ભાન ભૂલી પોતાને મન ફાવે તેમ વર્તવા લાગતો. જ્યારે રિદ્ધિમા તેને પહેલી વાર ડૉ. અરોરા પાસે લઈને આવી હતી ત્યારે અંશુમન પોતાના કરિયરની ટોચ ઉપર હતો. તેના એક પછી એક એમ બે આલબમ્સ સુપર હીટ રહ્યા હતા. તે ઉપરાંત બોલિવુડની લગભગ બધી જ ફિલ્મ તેના ગાયેલા ગીત વગરની નહોતી રહેતી. બાયપોલરના દર્દીઓને થાય તેમ ક્યારેક એકદમ નોર્મલ વર્તન કરતો તો ક્યારેક તે જ અંશુમન પોતાના વિચારો કાબૂમાં કરવામાં અસફળ રહેતો.
'રિદ્ધિ, મને આ રીતે નથી જીવવું, હું મારો કાબુ ગુમાવી રહ્યો છું, મને સમજાય છે કે જે હું બિહેવ કરું છું તે હું નથી, મને તેમ બિહેવ નથી કરવું પણ આઈ કાન્ટ હેલ્પ ઈટ રિદ્ધિ પ્લીઝ ડુ સમથિંગ.' બોલતી વખતે અંશુમનના ચહેરાના હાવભાવ અને હાથની તંગ થઈ ગયેલી નસો જોઈ રિદ્ધિમા ખૂબ જ ગભરાઈ ગઈ હતી. અંશુમનની મદદ કરવા રિદ્ધિમા તેને ડૉ. અરોરા પાસે લઈને આવી હતી. પાછલા 6 મહિનાથી તે થોડો કાબૂમાં રહેવા સક્ષમ હતો. તેમ છતાં તે ફક્ત એ જ વિચારોમાં જીવતો કે અનુષ્કા તેની સાથે જ છે. બે વર્ષ પહેલા બની ચૂકેલી ઘટનાઓ હમણાં ફરી ઘટી રહી છે અને એ પોતે તેમાં જ જીવી રહ્યો છે. તે જ વર્તન રહેતુ અંશુમનનું. આ સ્થિતીને કાબૂમાં રાખવા ડૉ. અરોરા અંશુમનને એન્ટીસાઈકોટિક ડ્રગ 'Risperdal' આપતા જે ઘણા ખરા અંશે અંશુમનના મગજને શાંત રાખવા મદદ કરતી. આ દવાનો ડોઝ ખૂબ જ ઓછો નક્કી કરવામાં આવ્યો હતો. અંશુમનને પોતાની વાતો સાંભળવા કોઈ મળી જાતું તો તેનું મગજ શાંત રહેતું. માટે જ ડૉ. અરોરા સાથે તેની એક અઠવાડિયામાં બે વાર અપોઈન્ટમેન્ટ્સ નક્કી રહેતી. અઠવાડિયાના તેના બે કલાકના બે સેશન્સ રહેતા. જેના પછી બાકીના દિવસોમાં દર બે દિવસે Risperdal લેવાની રહેતી. ડૉ. અરોરાએ એન્ટીબાયોટિક્સનો ડોઝ દર બે દિવસે નક્કી કર્યો હતો. જે સ્થિતી કાબૂમાં રાકવા પૂરતો હતો.
અંશુમન માનસિક રીતે બિમાર છે તે વાતની ખૂબ જ ઓછા લોકોને જાણ હતી. તેનું સિંગિંગ કરિયર હજી સ્ટ્રોંગ જ હતું. હા, પહેલાની જેમ તેના અવાજમાં રણકો નહોતો. પણ અવાજમાં ઘૂંટાતું મનનું દર્દ એક અલગ જ માહોલ સર્જતું. જીગ્ગી અંશુમન માટે કામ શોધવા સક્ષમ હતો પણ અંશુમનનો જુસ્સો ગાયબ હતો. ચાવી દીધેલા પૂતળાની જેમ કામ કરવું પડે માટે કરીને આવી જતો.
કોમલ અચાનક તેની ચેરમાંથી ફાઈલ બંધ કરી ઊભી થઈ અને અંશુમન તરફ પોતાની કેબિનમાં જવા આગળ વધી...
(ક્રમશઃ)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર