પડઘા પડછાયાના (પ્રકરણ ત્રણ)
‘આ સ્ટાર્સ બધા પોતાની જાતને સમજતાં શું હશે?’ રાતના 1 વાગ્યે પથારીમાં સૂતી-સૂતી અનુષ્કા તેની રૂમમેટ કમ ફ્રેન્ડ જ્યાદા એવી નૈના સામે પોતાની અકળામણ ઠાલવી રહી હતી.
‘કેમ વળી પાછું શું થયું અનુષ્કાજી તમને?’ નૈનાએ મોઢાં ઉપરથી ચાદર હટાવતા અનુષ્કાની સામે જોયું.
અનુષ્કા અને નૈના ત્રણ વર્ષથી અંધેરી ઈસ્ટમાં 1BHK શેર કરીને રહેતા હતા, નૈના પણ અનુષ્કાની સાથે એમ.ટી.વી.માં જ કામ કરતી હતી. લોન્ચનો પ્રોગ્રામ પત્યો પછી બંને એક રેસ્ટેરાંમાંથી ડિનર પેક કરાવી ઘરે પહોંચીને જમીને સૂતાં સૂતાં વાતો કરી રહ્યાં હતાં.
‘અંશુમન મળવા આવ્યો ત્યારે તું ક્યાં હતી?’ અનુષ્કાએ નૈણ ઉંચા કરી પ્રશ્ન કર્યો. નાઈટ લેમ્પની આછી પીળી લાઈટમાં અનુષ્કાનો ગોરો ચહેરો આછો આછો ચમકી રહ્યો હતો. મેક અપ વગરનો આછો ગુલાબી ચહેરો જોતાં જ કોઈના પણ હોશ ઉડાવવા પૂરતો હતો.
‘ક્યાં હતી એટલે? હું કંઈ તારી જેમ સ્ટેજ ઉપર પ્રોગ્રામ પતે એટલે ફ્રી થોડી થવાની હોઉં? કામમાં હતી, પેકઅપ કરાવતી હતી.’ નૈના એમ.ટી.વી.માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરતી હતી.
‘ઠીક છે મેડમ સુનૈનાં...’ આંખો નચાવતાં ચિઢાતી હોય તેમ અનુષ્કા બોલી.
‘અરે ઠીક છે વાળી, બોલ તો ખરી શું કર્યું હતું અંશુમને?’
ફ્લર્ટીંગ કરવાની એક પણ રીત બાકી નહોતી રાખી અંશુમને... વાતવાતમાં ખભો પકડ્યો, જાણે વર્ષોની ફ્રેન્ડશીપ હોય એમ મજાક મશ્કરી કરી... પણ આપણે કંઈ ઓછી માયા નથી, આ બધા જ તરીકા જુના થઈ ગયા મલ્હોત્રાજી... કંઈ નવું આવડે તો કહેજો! કોણીથી માથું ટેકવીને નૈના તરફ ફરી અનુષ્કા જંગ જીતીને આવી હોય તેવી અદાથી બોલી રહી હતી.
‘ઓ મેડમ... તમે એને ફ્લર્ટ કહેતાં પહેલાં પોતાની વાત કરો...’ નૈનાએ અનુષ્કાના કપાળ ઉપર ધીરેથી એક ટપલી મારી.
‘કેમ મારી શું વાત?’ અનુષ્કા આંખો ત્રાંસી કરી વિચારતી રહી.
‘અંશુમનને સામેથી આવતો જોઈને તારી બોલતી બંધ થઈ ગઈ હતી ભૂલી ગઈ?’ નૈનાએ યાદ કરાવ્યું...
‘શ્વાસ તાળવે ચોંટી ગયા હતા. અમારા બધાના અને મેડમ તો ‘ટીકુર ટીકુર’ અંશુમનને જોવામાંથી જ ઉંચા નહોતા આવતા. ‘ટીકુર ટીકુર દે ધના ધન...’ નૈનાએ સાથે સાથે ગીત પણ ગાઈ સંભળાવ્યું.’
‘કેટલી મિનીટ સુધી હું એમ બાઘાની જેમ ઊભી હોઈશ નૈના? અનુષ્કાએ બેસીને પલાંઠી વાળતા પૂછ્યું.’
‘પેલો સ્ટેજ ઉપર તારી સામે આવીને ઊભો ન રહ્યો ત્યાં સુધી... પૂરી બે મિનીટ જતી રહેલી તારા એ બલ્ફમાં...’
‘પરાગ સરને તો હાર્ટ અટેક જ આવવાનો બાકી હતો ને તારું મોઢું ખૂલ્યું... નહીં તો આજે તારા રામ રમી જવાના હતા અને તારા અંશુમનની આંખો જોઈ હતી? નીચે ઉભેલા એના સેક્રેટરીને ત્યાં જ ઊભોઊભો બાળતો હોય એવા તીખારા ઝરતાં હતા એની આંખોમાંથી... મને તો નવાઈ લાગે છે કે તારી કમ્પ્લેઈન કરવાને બદલે તને મળવા આવ્યો એ!’ નૈના કપાળ ઉપર આંગળી મૂકી વિચારવાનું નાટક કરવા લાગી.
‘ઓહ... આટલો બધો ગુસ્સો હતો એની આંખોમાં?’ અનુષ્કા ગણગણી.
‘એનો ગુસ્સો દેખાય છે... સરનું ટેન્શન નથી દેખાતું? સવારે ઑફિસ જઈને પહેલું કામ સર પાસે જઈને સોરી કહેવાનું કરજે... હવે સૂઈ જા નહીં તો સવારે ઉઠવામાં પ્રોબ્લેમ.’ નૈનાએ પીલો ઉપર માથું ટેકવી બાજુમાં નાઈટ લેમ્પની સ્વિચ બંધ કરી.
* *
‘રાજુ... સર ક્યાં છે?’ ઘરનો દરવાજો ખૂલતાં જ બહારથી આવતા જીગ્ગીએ રાજુને પૂછ્યું.
‘સર તો ઉપર એમના રૂમમાં હશે... હું તો ક્યારનો નીચે જ...’ વધારાના શબ્દોની જરૂર નથી એમ માની રાજુ બોલતો બંધ થઈ ગયો.
‘કેટલી વારથી સર ઉપર જ છે?’ જીગ્ગીએ થોડું અકળાઈને પૂછ્યું. રાજુને તરત જ પોતાની ભૂલ સમજાણી ને તે નીચું જોઈ ગયો.
‘ડોબા, તને સમજાતું નથી આટલું બધું થઈ ગયા પછી પણ... નીચે શું દાટ્યું છે કે તને સર ઉપર એકલા શું કરે છે એ પણ ખબર નથી.’ જીગ્ગીનો ગુસ્સો વધી રહ્યો હતો.
‘પણ... જીગ્ગી સર... સર ઉપર એકલા નથી.’ રાજુએ સમજાવવા પ્રયત્ન કર્યો.
બેડરૂમની અંદર સ્પાઈરલ દાદર સુધી પહોંચી ગયેલા જીગ્ગીએ અટકીને પાછળ ફરી રાજુ સામે પ્રશ્નાર્થ નજરે જોયું.
‘તો કોણ છે એમની સાથે?’
‘રિદ્ધિમા મેડમ આવ્યા છે, બે કલાકથી બંને ઉપર જ છે, હું જ્યૂસ અને નાસ્તો આપી આવ્યો પછી મેડમે કહ્યું કે, એ બોલાવશે એટલે હું નીચે છું.’ રાજુએ તેના નીચે હોવાની વાત સમજાવી.
‘ઠીક છે જા...’ જીગ્ગીએ શાંત થતાં કહ્યું. રાજુ ઉંધો ફરી ચૂપચાપ બહાર નીકળી ગયો.
* *
‘હાય અંશુમન... હાઉ આર યુ?’
દાદર ચડતાં જ પોતાનું મોંઘુ ડિઝાઈનર પર્સ બેડ પાસેની ચેર ઉપર મૂકી રિદ્ધિમા આમતેમ ફરીને અંશુમનને શોધવા લાગી. શોધતી શોધતી તે બાલ્કનીમાં આવીને બહાર આથમતો સૂરજ જોતી ઊભી રહી ગઈ. અંશુમન રૂમમાં કોઈનો અવાજ સાંભળી બાથરૂમમાંથી ફટાફટ બહાર નીકળી બાલ્કનીના ઉંબરે આવીને ઊભો ઊભો પાછળથી રિદ્ધિમાને જોઈ રહ્યો. 5 ફૂટ 6 ઈંચ હાઈટ અને પરફેક્ટ મોડેલિંગ માટેનું ફીગર જાળવી રાખેલું. ઑફ વ્હાઈટ ટોપ અને બ્લેક જીન્સ જેવા સાદા કપડામાં પણ તે કેટલી આકર્ષક લાગતી હતી. તેના ભૂખરા વાળ ધીમા વહેતા પવનના કારણે ઉડી રહ્યા હતા. અંશુમન ધીમા પગલે આગળ વધી સામે ઉંધી ઊભેલી સ્ત્રીને પાછળથી કમરથી પકડી વળગી પડ્યો.
‘અન્નુ...’ કેટલા દિવસ લગાવ્યા તે આવવામાં. તારા વગર મારી શું હાલત છે ખબર છે તને?’ રિદ્ધિમાના ખભા ઉપર માથુ ટેકવી તેના વાળની લટોમાં મોઢું છુપાવી અંશુમન ઊભો રહ્યો. રિદ્ધિમા પાછળથી વળગી પડેલા અંશુમનની વાતો સાંભળીને ત્યાં જ ખોડાઈને ઊભી હતી. તેનામાં હલવાના પણ હોશ બાકી ન હતા. અંશુમનનું આટલું નજીક હોવું તેને ખૂબ જ ગમતું હતું, અંશુમનના શ્વાસ રિદ્ધિમાની ડોક ઉપર અથડાતા હતા. પણ તેના બોલાયેલા શબ્દોથી પોતાના હૃદયમાં પડેલા કાપા ખૂબ જ દર્દ આપી રહ્યાં હતાં. તેમજ ઊભા રહી તેણે અંશુમનના ગાલ ઉપર પોતાનો હાથ પંપાળ્યો. આંખમાંથી નીકળતાં આંસુ વર્તમાનની સચ્ચાઈ બતાવતાં હતાં તો અંશુમનનું વહાલ તેને પોતાના સપનામાં લઈ જતું હતું. તે જાણતી હતી કે, આ વહાલ પોતાના માટે નથી છતાં તેણે અંશુમનની હૂંફને માણવી હતી. થોડી વાર એમ જ ઊભા રહી તે અંશુમનના હાથ કમર ઉપરથી હટાવી ઉંધી ફરી તેની સામે જોઈને ઊભી રહી.
‘અંશુમન... રિદ્ધિમાથી આગળ બોલવું અઘરું થઈ પડ્યું. ગળે ભરાઈ ગયેલા ડુમામાં બાકીના શબ્દો ગૂંગળાઈ રહ્યા.
અંશુમનની આંખો હજી બંધ હતી, ધારેલા અવાજ કરતાં અલગ અવાજ સંભળાતાં તેના ભવાં સંકોચાયા અને તરત જ આંખ ખોલી સામે જોયું. રિદ્ધિમા પોતાના ગાલને બંને હાથેથી પકડીને આંસુવાળી આંખો સાથે પોતાની સામે જોતી ઊભી રહી. અંશુમનથી અજાણ્યે જ બે ડગલાં પાછળ હટી જવાયું. રિદ્ધિમાના હાથમાંથી અંશુમનનો ચહેરો હટીને દૂર થઈ ગયો, તેની આંખોમાં તગતગી રહેલા આંસુ બુંદ બની બાલ્કનીની ફર્શ ઉપર ટપકી પડ્યાં.
‘રિદ્ધિમા... તું?
(ક્રમશઃ)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર