પડઘા પડછાયાના (પ્રકરણ 21)
‘અંશુમન તું માને છે કે આપણો જન્મ આપણા માહ્યલાને ઓળખવાના ઉદ્દેશ્યથી થયો હોય છે?’ પેરીસમાં Seine નદીમાં ચાલી રહેલી બોટમાં ઊભી રહીને અનુષ્કા આ સવાલ અંશુમનને કરી રહી હતી.
‘અનુષ્કા દેવી! તમે ફરી પ્રગટ થયા...’ અંશુમનને તરત જ મજાક સૂઝી આવી. અંશુમનની સાથે અનુષ્કાથી પણ મલકાઈ જવાયું.
‘તું આવી બધી વાતો કરે પણ, મને કંઈ જ ન સમજાય અનુષ્કા, માન્યું કે તને સેલ્ફ એક્સ્પ્લોરિંગ કરવું ગમે છે પણ એનો અર્થ એ કે તું હંમેશાં આવી વાતોમાં જ ડૂબેલી રહે? હું તને બે વર્ષ પછી મળી રહ્યો છું, તારે પૂછવું પણ નથી કે આ બે વર્ષમાં શું થયું મારી સાથે?’ અંશુમન થોડો અકળાઈ રહ્યો હતો.
‘અંશુમન... તું મને ગિલ્ટી ફીલ કરાવવા માગે છે.’ અનુષ્કા ઉપર અંશુમનની અકળામણની અસર નહોતી થઈ રહી. તે એકદમ શાંત મને અંશુમન તરફ જોઈ રહી.
‘તારી સાથેની રિલેશનશીપમાં રહેવાના થોડા ટાઈમ પછી મને સમજાવા લાગ્યું હતું કે, તારી અને મારી લાઈફને જોવાની લાઈફને જીવવાની સ્ટાઈલ ખૂબ જ અલગ છે, મેં ઘણી વાર ટ્રાય કરી જોઈ તારી રીતે મારી લાઈફ જીવવાની પણ હું ગુંગળામણ સિવાય બીજું કંઈ જ ન મેળવી શકો.’
આ બાબતમાં તારો કે મારો કોઈનો દોષ નથી. અંશુમન, આપણા બંનેના વિચારોની લેંગ્વેજ મળી નથી શકતી. જસ્ટ લાઈક હમણા જ મેં કહ્યું કે, આપણા જીવનનો ઉદ્દેશ્ય Soul Exploring હોય તો તે આ વાતનો કોઈ જ જવાબ આપવા કરતાં 'અનુષ્કા દેવી'ના સંબોધનથી વાતને ત્યાં જ અટકાવી દીધી. આવું પહેલા પણ થતું જ રહેતું અને આ કારણથી હું તારી સાથે આવી વાતો કરવાનું ટાળતી રહેતી. કારણ એ નથી કે તું મજાકમાં લેતો હતો. કારણ એ હતું કે મારી વાતો તારા સુધી પહોંચતી જ નહોતી." અનુષ્કા સામે ઝળહળી રહેલા એફીલ ટાવરને જોઈને જ બોલી રહી હતી. જાણે બોલતી વખતે તે જૂના સમયમાં પહોંચી ચૂકી હતી.
"મારો પ્રેમ ખોટો નહોતો અંશુમન, આઈ હેવ લવ્ડ યુ વીથ ધ કમ્પ્લીટ પ્યોરીટી અને મને તારા પ્રેમ ઉપર પણ કોઈ પ્રશ્ન ન હતો. સવાલ લવનો નહોતો જ, સવાલ હંમેશા હોય કે લવ થઈ ગયા પછી એ લવમાં તમારો ગ્રોથ થઈ રહ્યો છે કે પછી પડતી થઈ રહી છે? કે પછી ટ્રેડમીલ ઉપર દોડતા હોઈએ તેમ એકની એક જ જગ્યા ઉપર દોડતાં હોઈએ અને આગળ નીકળવાની તમામ શક્તિ એમાં જ વેડફાઈ જતી હોય."
છેલ્લું વાક્ય બોલી તે અંશુમન તરફ ફરી. અંશુમનની આંખોમાં અજંપો હતો. જે વાંચતી હોય તેમ તેની સામે થોડીવાર જોઈ રહી વળી પાછી પાણી તરફ જોઈ અનુષ્કાએ બોલવાનું ચાલુ રાખ્યું. તેને આજે અંશુમન સમક્ષ પોતાનો પક્ષ મૂક્યો હતો. છેલ્લા બે વર્ષથી અંશુમનને કોન્ટેક્ટ કરવામાં પોતે અસમર્થ રહી હતી.
"આઈ નો તું વિચારતો હોઈશ કે આ કાયરતા હતી, લવ હતો, છતાં પણ તને છોડીને નીકળી ગઈ. અંશુમન, તારી સાથે પેરીસ આવ્યા પછી મેં તને રીધ્ધિમા સાથે જોયો, તું તેની સાથે જે રીતે મન ખૂલ્લું કરીને રહી શકતો હતો તે મારી સાથે નહોતું થતું. મને ખબર છે તું હંમેશા મને કમ્ફર્ટેબલ ફીલ કરાવવામાં જ મથતો રહેતો. મેં તને રીધ્ધિમા સાથે વાત કરતાં સાંભળ્યો હતો."
"શું સાંભળ્યું હતું તેં? અને અનુષ્કાજી. જતાં પહેલા આ બધુ જ્ઞાન મારા સુધી પહોંચાડવું તમને જરૂરી ન લાગ્યું? તે તો મને કોઈ અજાણ્યા માણસની જેમ લાઈફમાંથી કાઢીને ફેંકી દીધો." અંશુમનને ગુસ્સો આવી રહ્યો હતો. અનુષ્કાના ગયા પછી રિજેકશનમાંથી બહાર આવવામાં તેને તકલીફ થઈ રહી હતી.
જે અંશુમનને દુનિયામાં લાખો ફેન્સ એક વાર મળવા તલસતા હોય તેને અનુષ્કા રિજેક્ટ કરીને નિકળી ગઈ હતી જે અંશુમન માટે ખૂબ જ અઘરું સાબિત થયું હતું. અનુષ્કાના કોન્ટેક્ટમાં ઓછા રહેવા લાગવાના કારણે તેણે રીધ્ધિમા સાથે ઘનિષ્ઠતા વધારી હતી. એમાં પણ મનને સાંત્વના મળી રહે તે જ વધારે મહત્વનું હતું. અંશુમનના મગજમાં અનુષ્કાનું રિજેકશન ખૂબ જ ગડમથલ મચાવી રહ્યું હતું. આ જ કારણે રીધ્ધિમા અંશુમનને ડૉ. અરોરાના સંપર્કમાં લાવી હતી. રીધ્ધિમા સમજતી હતી કે અંશુમનનું સ્વિકાર કરવું ખૂબ જ જરૂરી હતું કે અનુષ્કા હવે તેની લાઈફમાં રહેવા નથી માંગતી.
અંશુમનની સામે હમણા એ બધા જ સવાલોના જવાબ હાજર હતા, આજે તેને બધી જ વાત જાણવી હતી.
"અંશુમન, મારી થીયરી ઑફ લાઈફ સીમ્પલ છે. આઈ બીલિવ ઈન 'સોલ' અને એ પણ માનું છું કે આત્મા દરેક જન્મમાં એક યાત્રા કરતો હોય છે. મારું ક્લીયર માનવું છે કે, જીવનમાં આવતા તમામ લોકો આ યાત્રામાં કોઈને કોઈ ભાગ ભજવતા હોય, કોઈ ક્યાંક આ યાત્રા ધીમી પાડવામાં કારણભૂત બનતું હોય તો કોઈ ફક્ત સાથે ચાલવાવાળા હોય અને અમૂક લોકો હોય જે તમારી આ જર્નીને આગળ વધારવામાં ખૂબ જ યૂઝફુલ રહેતા હોય, હું સમજુ છું ત્યાં સુધી એ છે કે મારી અને તે વ્યક્તિની આત્માની યાત્રામાં અંતર કેટલું ઓછું ઘટતું તે પ્રમાણે તે વ્યક્તિની અસર તમારી આ યાત્રા ઉપર પડતી હોય. હું કોઈપણ હિસાબે મારી યાત્રાને ધીમી પાડતીવ્યક્તિ સાથે એક હદથી વધારે સમય ચાલી જ ન શકું, અંશુમન." અનુષ્કા એક સાથે આ બધુ બોલી ગઈ. તેની આંખોમાં એક ગજબનું ઉંડાણ હતું.
અંશુમન અવાક રહી અનુષ્કાને સાંભળતો રહ્યો, તેને અનુષ્કાની બધી જ વાતો સમજાય રહી હતી. પણ હજુ તેનું મન અનુષ્કા પોતાની થઈ શકે એમ નથી તે માનવા જ તૈયાર નહોતું.
"અંશુમન, તું એમ જરા પણ નહીં વિચારતો કે હું તને પ્રેમ નથી કરતી. I do love you અને હંમેશા કરતી રહીશ પણ મારું કોન્શીયસ મને તારી સાથે રહેવા નથી દેતું. તારાથી આટલો સમય દૂર રહી એટલા સમયમાં થયેલા મારા ઈનર ગ્રોથ પ્રમાણે હવે હું ઈચ્છું તો પણ તારી પાસે આવી શકું તેમ નથી અંશુમન. તું જે અનુષ્કાને ઓળખતો હતો એ હું નહોતી, બે વર્ષ પહેલાની અનુષ્કા અને આજે જે તારી સામે ઉભી છે તે અનુષ્કામાં ખૂબ જ ફર્ક છે. હા ઉદ્દેશ્ય હજુ એક જ છે, મારી જર્ની આગળ વધારતી જાઉં છું." અનુષ્કામાંથી નીકળતો ઓરા, તેની સચ્ચાઈ અંશુમન અનુભવી શકતો હતો. તે જાણતો હતો કે અનુષ્કા જે કંઈ પણ કહે છે તે સાચુ જ કહે છે, અને આ વાતો અંશુમનને ખૂબ જ દુઃખ પણ આપી રહી હતી, છતાં અંશુમન પાસે અનુષ્કા સાતે આર્ગ્યુમેન્ટ કરવા હવે કોઈ કારણ નહોતું. હમણાં તેને પોતાની બધી જ વિચારધારાઓ ખૂબ જ નાની લાગી રહી હતી. અનુષ્કાપાસે વિશાળ બ્રહ્માંડ હતું, જ્યારે પોતાની પાસે અનુષ્કાના નામની વૃદ્ધિ, જેનો તે ચાંદ બની ક્યારેક અડધો તો ક્યારેક પૂરો થતો આસપાસ ચક્કર લગાવી રહ્યો હતો.
મનમાં આટલા સમયથી રહેલી રિજેકશનની ફીલિંગ હવે ઓછી થઈ રહી હતી. આટલા સમયથી જે અનુષ્કાને અંશુમન પકડીને બેઠો હતો હકીકતમાં હવે તેનું અસ્તિત્વ જ નથી તે રિયાલિટી હવે અંશુમનને સમજાય રહી હતી. તેની અંદર એક અલગ જ પ્રકારનો ખાલિપો જગ્યા લઈ રહ્યો હતો અને એ ખાલિપાની સાથે અંશુમનને પજવતો બધો જ અજંપો વિદાઈ લઈ રહ્યો હતો.
* *
ડૉ. આકાશ અરોરા રાતથી તેમના ક્લિનીક ઉપર જ હતા તે વાતની કોમલને જરા પણ જાણ નહોતી. અનીતાજીના મૃત્યુના સમાચાર આપવા સાંજે સાત વાગ્યે ડૉ. અરોરાએ જાતે જ ફોન કર્યો હતો.
"કોમલ, શી હેઝ લેફ્ટ મી... અનીતા ઈઝ નો મોર" ડૉ. અરોરાનો અવાજ સુચવી રહ્યો હતો કે તેઓ એકદમ ભાંગી પડ્યા હતા. કોમલ વિચારતી રહી કે તે કઈ રીતે ડૉ. અરોરાની મદદે આવી શકે.
"સર, આઈ એમ સો સોરી ફોર યોર લોસ... હું તમારી પાસે આવું, ઈફ યુ નીડ મી ફોર એનીથિંગ?"
"ના કોમલ અહીં મારી પાસે મારું ફેમિલી આવી ચૂક્યું છે, તું બસ થોડા દિવસ ક્લિનિક સંભાળી લેજે." આટલું કહી ડૉ. અરોરાએ ફોન કટ કરી નાખ્યો હતો.
સવારે આઠ વાગ્યે કોમલ ક્લિનિક જવા નિકળી રહી હતી. આગલી સાંજે ડૉ. અરોરાએ ઘરે આવવાની ના પાડી હોવા છતાં તે ડૉક્ટરના ઘરે જઈ પછી ક્લિનીક જવાનું વિચારી તેમના ઘર તરફ જઈ રહી હતી.
પહેલા બે વાર તે ડૉ. અરોરાના ઘર પાસે આવી ચૂકી હતી પણ હજી સુધી અંદર એક પણ વાર ગઈ નહોતી. કોમલને ક્લિનિક જોઈન કર્યે અગિયાર મહિના જ થયા હતા. આ અગિયાર મહિનામાં તે અનીતાજીને ક્યારેય મળી નહોતી શકી, જેનો તેને અફસોસ થઈ રહ્યો હતો. ડૉ. અરોરાની કેબિનમાં જતાં આવતાં ક્યારેક ડૉક્ટરને અનીતાજી જોડે ફોન ઉપર વાત કરતાં સાંભળ્યા હતા તે પ્રમાણે કોમલે અનીતાજીને ખૂબ જ ખૂશમિજાજી ધારી લીધા હતા. જો કે, ફોન ઉપર પણ પાછલા અગિયાર મહિનામાં કોમલની વાત ક્યારેય અનીતાજી જોડે થઈ નહોતી. આ બધુ વિચારતી કોમલ ડૉક્ટરના ઘરના દરવાજે આવીને ઉભી રહી.
દરવાજાની સામે ડૉરબેલ વગાડી તે થોડીવાર રાહ જોતી ઉભી રહી. બે મિનીટ થઈ છતાં દરવાજો ન ખૂલતાં તેણે ફરીથી બેલ વગાડી તેને નવાઈ લાગે કે કાલે ડૉક્ટરના કહેવા પ્રમાણે તેમનું ફેમિલી તેમની પાસે આવી ચૂક્યું છે તો કોઈ ખોલતું કેમ નથી. બીજી બે મિનીટ જવા દઈ તે ફરી બેલ વગાડવા જઈ રહી હતી ત્યાં જ ડૉ. અરોરાના ફ્લેટની સામેના ફ્લેટનો દરવાજો ખૂલ્યો, તેમાંથી બે છોકરાઓની સાથે તેમની પાંત્રીસ વર્ષની મમ્મી અને તેમની કેરટેકર બહાર આવ્યા. છોકરાઓને તેમની કેરટેકર દીદી સાથે લિફ્ટમાં મોકલી તેઓ સામે વ્હાઈટ ડ્રેસમાં ઉભેલી કોમલને જોતા ઉભા રહ્યા.
દરવાજો ન ખૂલવાથી થયેલું કુતૂહલ કોમલે સામે ઉભેલી સ્ત્રી સમક્ષ મૂક્યું.
'એક્સક્યુઝ મી, ડૉક્ટર સહાબ કે વહાં સે કોઈ દરવાજા નહીં ખોલ રહા, કલ હી ઉનકી વાઈફ કી ડેથ હુઈ હૈ, મેં વહાં...' કોમલની વાતને વચ્ચેથી કાપી તે સ્ત્રી તરત જ બોલી.
'મિસિસ અરોરા કી ડેથ કો તો દો સાલ બીત ગયે જી, કલ તો ઉનકી બરસી થી...'
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર