પડઘા પડછાયાના (પ્રકરણ બે)

11 Aug, 2016
12:05 AM

શ્વેતા સુતરીયા

PC:

હજારો લોકોની વચ્ચેથી અંશુમન રેડ કાર્પેટ ઉપર કોન્ફીડન્ટ પગલે સ્ટેજ તરફ આગળ વધી રહ્યો હતો. આજુબાજુથી હાથ લંબાવતા ફેન્સની સામે મીઠડી સ્માઈલ આપી તે આગળ વધી રહ્યો હતો. સ્ટેજ નજીક આવતા સ્ટેજ ઉપર નજર ગઈ ત્યારે અંશુમનની ચાલ આપોઆપ જ ધીરી પડી ગઈ. સામે ઊભેલી અનુષ્કાની નજરો પણ અંશુમનની નજર સાથે મળેલી હતી. અનુષ્કાનું ગળુ સુકાઈ ગયું. ધીમા પગલે અંશુમન સ્ટેજ ઉપર પહોંચી ચૂક્યો હતો. બંને વચ્ચે હવે લગભગ એક હાથનું જ અંતર હતું. અનુષ્કાના કાન પાછળ લગાવેલા નાનકડા ઈયરફોનમાંથી તેના મેનેજરનો અવાજ આવી રહ્યો હતો. સ્ટેજની આગળ ગોઠવેલ સાઉન્ડ સીસ્ટમ પાસે બેસીને તે અનુષ્કાને સૂચનો આપી રહ્યો હતો. અંશુમન સ્ટેજ ઉપર આવે તે પહેલા અનુષ્કાએ તેનું સ્વાગત કરતી ચાર-પાંચ લાઈનો બોલવાની હતી. પણ અનુષ્કા તો અંશુમનને તાકવામાંથી જ ઉંચી નહોતી આવતી. 23 વર્ષની બ્લેક ટ્રાઉઝર ઉપર વ્હાઈટ શર્ટ પહેરેલી અનુષ્કા હમણા કોઈ ટીનેજરની જેમ અંશુમનની સામે ઊભી હતી. અંશુમનને સ્ટેજ ઉપર પહોંચી ગયેલો જોઈને નીચે ઊભેલું ટોળું હવે વધુ જોરથી ચિચિયારીઓ પાડી રહ્યું હતું. અંશુમને થોડા ઈરિટેટ થઈને નીચે ઊભેલા જીગ્ગી તરફ જોયું.

'આ છે તારી બેસ્ટ એન્કર?' અંશુમનની નજરોથી કહેવાયેલા શબ્દો જીગ્ગી બરાબર રીતે સાંભળી ગયો હતો. ખીસ્સામાંથી રૂમાલ કાઢી કપાળ ઉપર વળેલો પરસેવો લૂછી તે મેનેજર તરફ દોડ્યો.

અનુષ્કાના કાને ટોળાની ચિચિયારીઓ સંભળાઈ અને તે ઝબકીને વાસ્તવિકતામાં આવી. અચાનક યાદ આવ્યું કે તે હજારો લોકોની વચ્ચે 'અંશુમન મલ્હોત્રા'ની સામે ઊભી હતી.

'લેડિઝ એન્ડ જેન્ટલમેન... પ્રઝેન્ટીંગ ટુ ડુ, સૂરો કા સરતાજ, હંમેશાં ટોપ થ્રી મેં જીનકે ગાને રેકોર્ડ બનાતે હૈ, પૂરી દુનિયા મેં હમારી કંટ્રી કા નામ જીસને રોશન કિયા... અંશુમન મલ્હોત્રા...!' અનુષ્કા હવે તેના કેરેક્ટરમાં પાછી આવી ચૂકી હતી. 2 મિનિટ પહેલા બોલવાની લાઈન્સ એણે હમણાં બોલીને પોતાની ભૂલ સુધારી લીધી હતી. નીચે જીગ્ગી પણ મેનેજરની પાસે પહોંચે કે એ પહેલા જ તેણે અનુષ્કાનો અવાજ સાંભળ્યો અને મેનેજરની સાથે સાથે તેનો પણ શ્વાસ નીચે બેઠો.

અંશુમનના આલબમ 'ફિરંગી પ્યાર'નું લોન્ચ એકદમ ધાર્યા પ્રમાણે જઈ રહ્યું હતું. લોકોને તેણે સંભળાવેલું ગીત પણ ખૂબ જ પસંદ આવ્યું અને 'વન્સ મોર'ના નારાથી ગીતને વધાવવામાં પણ આવ્યું. અનુષ્કા સાચે જ સ્ટેજ ઉપરથી ઓડિયન્સ અને અંશુમનને બાંધી રાખવા માટે બેસ્ટ એન્કર સાબિત થઈ રહી હતી.

'એની બોલવાની છટા, એની સ્માઈલ, એનું... એનું મારી સામે જોઈને હજારો ઓડિયન્સની સામે મારું નામ બોલવું... એક એક વાત યાદ છે, મને એ પહેલીવાર મળી હતી ત્યારથી લઈને મેં એને...' અંશુમન ડાર્ક બ્રાઉન લાંબી ચેરની સિલાઈમાં પોતાના નખ ભેરવવાના પ્રયત્નો કરતો આપમેળે જ બોલી રહ્યો હતો. બોલતી વખતી તેનો અવાજ ખૂબ જ ઊંડેથી આવતો હોય તેવો સંભળાતો હતો. તેની આંખો સિલિંગના પી.ઓ.પી.ની ડિઝાઈનના ચોસલામાં ફર્યે જતી હતી. ડિઝાઈનના એક કિસ્સામાં અટવાઈને ગોળ ગોળ એ જ ડિઝાઈનને તે ભાવવિહીન કોરી ધાકોર આંખોએ તાકતો બોલી રહ્યો હતો. પાછળનું વાક્ય પૂરું નહોતું કરવું એણે. જાણે એ વાક્ય અધુરું મૂકીને વાત બની જ નહોતી એમ જતાવવા માગતો હોય.

ડૉ. આકાશ અરોરા છેલ્લા ચાર મહિનાથી અંશુમનના મનની ગૂંચ ઉકેલવામાં પડ્યા હતા. ચાળીસેક વર્ષના ડૉ. આકાશ મોટી મોટી સેલિબ્રિટીઝના કેસીસ ગુપ્ત રીતે સંભાળવામાં માહેર હતા. તેમના પેશન્ટસમાં એવા એવા નામો હતા કે જો એ નામો ઉજાગર થાય તો સભ્ય સમાજના એ બધા સભ્ય લોકોની સાચી ઓળખથી હોબાળો મચી જાય. સભ્ય લોકોના દિમાગી કાળા નાણાંની સ્વિસ બેંક કહી શકાય ડૉ. આકાશ અરોરાને! જો કે આ કાળું ધન ડૉ. આકાશના ક્લિનિક સુધી જ સીમિત રહે તો જ સારું! મૂળ પંજાબના ડૉ. અરોરાને નાનપણથી જ માનવ મનના ઉતાર-ચઢાવ ખૂબ જ આકર્ષિત કરતાં. તેમના ઘરના બાકીના પુરૂષોએ મિલિટરીની તાલીમ શરૂ કરી. જ્યારે આકાશે મુંબઈ આવી સાઈકૉલોજીમાં તાલીમ લઈ અહીં જ સેટલ થઈ કન્સલ્ટિંગ શરૂ કર્યું હતું. શરૂઆતના દિવસોમાં થોડી તકલીફ જરૂર પડી પણ ચપળ આકાશે કોલેજના દિવસોથી જ અમુક વિકસાવેલી ઓળખાણોના કારણે હાઈ પ્રોફાઈલ લોકોના કેસ તેની પાસે આવવા લાગ્યા હતા. સાઈકોલોજીમાં તેનું જ્ઞાન અને કેસ હેન્ડલ કરવાની આવડત તેને બીજા સાઈકોલોજિસ્ટથી અલગ પાડતાં હતાં. અંશુમનનો કેસ હાથમાં આવતાં જ તેમને ખ્યાલ આવી ગયો હતો કે આ કેસમાં થોડી વાર જરૂર લાગશે પણ રિઝલ્ટ ચોક્કસ મળશે જ.

અંશુમન જે વાતો કહી રહ્યો હતો એ તેઓ પહેલી વાર નહોતા સાંભળી રહ્યા. અંશુમન પાછલા ચાર મહિનામાં ત્રણ વાર આ જ વાતો સંભળાવી ચૂક્યો હતો અને આ ચોથી વાર હતું. ડૉ. આકાશ સમજતાં હતાં કે આમ કરીને અંશુમન તે સમયમાં જ રહેવા માગતો હતો. આગળના બનાવો જાણે એના ન બોલવાથી અટકી જવાના હોય.

'અંશુમન.... તારો એ આલબમ 'ફિરંગી પ્યાર' તો બે વર્ષ પહેલા ખૂબ જ હીટ થયેલો ને?' ડૉ. આકાશ વાત આગળ વધારવા માગતા હતા. તેમણે એ જ આશાએ આ સવાલ કર્યો હતો. આ સવાલના રિએકશન તેઓ જોઈ રહ્યા હતા. અંશુમનના કાને 'ફિરંગી પ્યાર' આ બે શબ્દો સાંભળતાં જ તેની બોડી લેન્ગવેજ બદલાઈ રહી હતી.

'ફિરંગી પ્યાર...' ના જ લોન્ચમાં મળ્યો હતો ને હું અનુષ્કાને પહેલીવાર... તેના મોઢેથી જ્યારે મારું નામ બોલાતું સાંભળતો ત્યારે મને મારા નામનો અર્થ જ અલગ સમજાતો હતો. લોન્ચના દિવસે મેં ગાયેલું લવ સોન્ગ ગાતા ગાતા સબકોન્શીયસલી હું તેની સામે જોઈને શરમાઈને ગાવા લાગતો હતો. પહેલી વાર જ મળી હતી મને તે ત્યારે. આવું થવાના કોઈ જ કારણ શક્ય નહોતા. જોકે એ તો મારી એ બધી એકશન્સને મારી યાદ કરીને આવેલી એક્ટ જ સમજતી હશે. સ્ટેજ ઉપર લવ સોંગ્સ ગાતી વખતે કરાતા એક્સ્પ્રેશન્સ હંમેશાં ઈનેક્ટ જ કરવામાં આવતા હોય છે. યુઝયલી, દુનિયા સામે દેખાડવાના હાથીના દાંતની જેમ કલાકારોની પણ મોટી મોટી ફેક ઈમ્પ્રેશન્સ બનતી હોય છે. અંશુમને આ વાતને પણ અનુષ્કા સાથે જોડી દીધી. એ હજુ બે વર્ષ જૂની ઘટનાઓમાં જ રાચવા મથતો હતો, તેણે ડૉ. અરોરાને આગળ વાત સંભળાવી...

*******

લોન્ચનો પ્રોગ્રામ વાઈન્ડઅપ થઈ રહ્યો હતો. અનુષ્કા બેક સ્ટેજ તેના મેનેજર સાથે ઊભી હતી. ત્યાં જ અંશુમન નીકળતા પહેલા જીગ્ગી સાથે તેને મળવા પહોંચ્યો હતો. જીગ્ગી પણ મનોમન વિચારી રહ્યો હતો કે સર કોઈ દિવસ પ્રોગ્રામ પતે પછી તે જગ્યા પર કોઈને પણ મળવા ઊભા રહેતા નથી, પછી ભલેને તે કેટલી પણ મોટી હસ્તી ન હોય! અને આજે આટલા સોફ્ટ બિહેવિયર સાથે અહીં આવીને ઊભા છે!

'એક્સ્ક્યુઝ મી... અનુષ્કા...' અનુષ્કાની પાછળ ઊભા રહી અંશુમન તેને બોલાવી રહ્યો હતો.

'ઓહ અંશુમન સર... યુ આર રીયલી અમેઝીંગ... તમારા અવાજમાં શું જાદુ છે!' અનુષ્કા તરત જ અંશુમનને જોઈ ઉછળી પડી.

'રિલેક્સ... પ્રોગ્રામ ઈઝ ઓવર નાવ! હવે તમે મારા શૉના એન્કર નથી... મારા વખાણ કરવાની કોઈ જરૂર નથી!' અંશુમને હસીને અનુષ્કાને ખભા પર હાથ મૂકી તેને થોડી સાંત્વના આપતો હોય તેમ કહ્યું. પોતાના ખભા ઉપર અંશુમનનો હાથ લાગતા અનુષ્કાના હાવભાવ તત્ક્ષણ પૂરતાં થોડા બદલાયા અને તેનાથી અનાયાસ જ એક ડગલું પાછળ ખસી જવાયું. અંશુમનનું ધ્યાન એ તરફ ગયું અને આંખોને ગોળ ફેરવી તેણે તરત જ હાથ પાછો ખેંચી લીધો.

'મને વખાણ કરવાનાં જ પૈસા મળે છે સર!' અનુષ્કાએ વાતાવરણમાં આવી ગયેલા ભારને થોડો હળવો કરવાનાં ઉદ્દેશથી કહ્યું.

'ઓહ... એમ વાત છે? પાળેલા પોપટના શબ્દોનો કોઈ મોલ નથી હોતો અનુષ્કાજી...' અંશુમન પણ થોડા હળવા મિજાજમાં હતો આજે.

'જ્યોતિષીઓને પાળેલા પોપટ જ કામ લાગતા હોય છે. ભવિષ્ય ભાખવા માટે...' અનુષ્કા એક તીરે અંશુમનના બધા જ નિશાનાઓ નિષ્ફળ બનાવીને ત્યાંથી ઉંધુ ફરી નીકળી ગઈ. નીકળતાં નીકળતાં અવાક થઈ ચૂકેલા અંશુમનને હાથ લંબાવી હેન્ડશેક પણ કરતી ગઈ હતી.

જીગ્ગી બોઘાની જેમ ઊભો ઊભો બંનેની વાતો સાંભળતો વિચારી રહ્યો હતો.

'યે ક્યા દોનો પોપટ મૈના કી બાતે કર રહે હૈ?' ત્યાં જ અંશુમનના મોં માંથી શબ્દો સરી પડ્યા.

'ઉફ્ફ... મિર્ચી લગા ગઈ...'

(ક્રમશઃ)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.