17 ચંદ્રમુખી અને પારોનું મિલન
માનવનાથનાં લોહી નીગળતા નિષ્પ્રાણ શરીરને ખભા પર ઉંચકી રાજશેખર દોડવા લાગ્યો. તેણે કોઈ પણ કાળે અંગ્રેજોના હાથમાં પકડાઈ નહીં જવાનું નક્કી કર્યું હતું. માનવનાથની શહીદીની વાત તાલસોનાપુરમાં વાયુવેગે ફરી વળી. રાજશેખર, પારો અને રૂપાલીએ અંગ્રેજો સામે બાથ ભીડી એ જાણીને તાલસોનાપુરના લોકોને પણ જુસ્સો ચઢ્યો. લોકોએ અંગ્રેજ પોલીસને ચારે તરફથી ઘેરી લીધી. રાજશેખર માટે હવે અહીંથી છટકવાનું આસાન થઈ ગયું. પણ ઈન્સ્પેક્ટર એનરોન શેરોનની બાજ નજર રાજશેખર પર જ હતી. તેણે ફરી રિવોલ્વરમાંથી ગોળી છોડી. આ વખતે ગોળી રાજશેખરના પગમાં વાગી. રાજશેખર ગબડી પડ્યો તો પારો અને રૂપાલીએ ટેકો આપ્યો. રાજશેખર બોલ્યો, ‘માનવનાથને અંગ્રજોના હાથે કોઈ પણ રીતે નહીં ચઢવા દઉં.’ પારો તરફ બંદૂક લંબાવીને હટાવી લીધી અને રૂપાલી તરફ ફરીને રાજશેખર બોલ્યો.
‘જો કોઈ સંજોગોમાં હું અંગ્રજોના હાથમાં આવી જાઉં એવું લાગે તો મને ગોળીએ વિંધી નાંખજો. પારોજીથી આ કામ નહીં થાય એટલે રૂપાલી હું આ કામ તને સોંપુ છું.’
રૂપાલીએ કહ્યું, ‘રાજબાબુ, કાં આવું બોલો છો? મારાથી પણ નહીં....’ રાજશેખરને વધુ લમણાઝીંકમાં પડવાનું ઔચિત્ય ન લાગ્યું. માનવનાથનાં ક્રિયાકાંડ પણ કરવા હતા. રાજશેખરે પાછળ વળીને જોયું તો તાલસોનાપુરમાં અખંડ બંગ કાજે લોકોને માથે ઝનૂન સવાર થયેલું દેખાયું. ઈન્સ્પેક્ટર એનરોન શેરોને કિમીયો કર્યો. દ્વિજદાસને વચ્ચે લાવીને તેણે ગામલોકોના જુસ્સા પર ઠંડું પાણી રેડી દીધું. ગામ લોકો માંડમાંડ શાંત થયા.
આ તકનો લાભ લઈ રાજશેખર, પારો અને રૂપાલી તાલસોનાપુરમાંથી છૂમંતર થવામાં સફળ થઈ ગયા. અંધારું થવા આવ્યું હતું. રાજશેખરે માનવનાથના શરીર પર લાલ કફન ઓઢાડ્યું. નદી કિનારે ચિતા તૈયાર કરીને તેની અંત્યેષ્ટિ કરી. રાજશેખર એક ગીત ગાઈ રહ્યો હતો.
‘અમી ચે બંગ… બંગ.... અમી ચે બંગ… બંગ...
તોમારે લાલ સલામ… તોમારે લાલ સલામ...’ તેણે માનવનાથની ચિતાને કોમરેડ પરંપરા અનુસાર લાલ સલામ આપી. કલાકો સુધી તે ચિતા પાસે બેસી રહ્યો.
‘માનવનાથ, તારું બલિદાન એળે નહીં જાય. બંગાળ તારું ઋણી રહેશે દોસ્ત.’
દૂરથી પારો અને રૂપાલી રાજશેખરને જોઈ રહ્યા હતા. ચિતાનો અગ્નિ ઠરતા બંને રાજશેખર પાસે આવ્યા. રાજશેખરે ઉંડો નિ:શ્વાસ નાંખ્યો. તેણે કાળા ડિબાંગ વાદળો તરફ ઈશારો કર્યો.
‘જુઓ, પેલો જે તારો દેખાય છે એ મારો માનવનાથ છે...’ રાજશેખર રડમસ થયો. પારો અને રૂપાલીએ સાંત્વના આપી. બંનેની આંખમાં પણ આંસુ હતા. અસ્થિઓ ઉંચકીને રાજશેખર ત્યાંથી ચાલવા લાગ્યો. પારો અને રૂપાલીએ થોડે દૂર ચાલીને રાજશેખરને પૂછ્યું.
‘રાજબાબુ, હવે ક્યાં જઈશું?’
‘પારોજી, મારે પેલા ઈન્સ્પેક્ટર એનરોન શેરોનને પાઠ ભણાવવો છે. તમે હવે નાહક પરેશાન ન થતા. તમારે ક્યાં જવું છે એ કહો. હું તમને મૂકી દઈશ. હું નથી ઈચ્છતો કે મારે કારણે તમે વધુ મુશ્કેલીમાં મૂકાઓ. બસ, આપણો સાથ હવે પૂરો થશે. બોલો ક્યાં જવું છે?’
રૂપાલીએ પારો તરફ જોયું. પારોએ કહ્યું, ‘ફરી તાલસોનાપુર જઈએ તો?’
‘પાગલ થઈ ગયા છો તમે? મરવાની ઉતાવળ છે તમને? પેલો ઈન્સ્પેક્ટર એનરોન શેરોન તમારા બંનેની ખાલ ઉખેડી નાંખશે. જલ્લાદ છે સાલો...’
પારો ચૂપ થઈ ગઈ. ક્યાં જવું તેની પારોને ગતાગમ ન હતી. ત્યાં જ રાજશેખર બોલ્યો,
‘સારું, હું કોલકાતા જાઉં છું. તમે પણ સાથે ચાલો કોઈ રસ્તો જરૂર નીકળશે.’
પારો અને રૂપાલીએ ઓહ! કહી ઠંડા શ્વાસ ભર્યા. એ ત્રણેય નજીકના રેલવે સ્ટેશન પર પહોંચ્યા. આગગાડીમાં બેઠા અને ત્રણેય જણાએ વધુ એક મંજિલ તરફ ગતિ માંડી. આ વખતે મંજિલ હતી કોલકાતા.
રાજશેખરના પગમાંથી નીકળતા લોહીને બંધ કરવા પારોએ હાથવગી વસ્તુઓથી પાટપિંડી કરી. રાજશેખરને દર્દ થઈ રહ્યું હતું. ખોડંગાતી ચાલે પણ તે ચાલ્યો હતો. આગગાડીમાં બેઠા બાદ ત્રણેય ઘસઘસાટ ઊંઘી ગયા.
***
સવારના ખુશનુમા વાતવરણમાં કોલકાતા જોવાનો લહાવો જ કંઈક ઔર હોય છે. સૂર્ય પ્રથમ નમસ્કાર કરે તો અહીંથી તેના કિરણો ચોમેર પ્રસરી જાય છે. કોલકાતા નામની પાછળનો ઈતિહાસ એવો છે કે પુરાતનકાળમાં મા કાલીની પ્રદેશ તરીકે કોલકાતાનું વર્ણન કરવામાં આવેલું છે. શહેરની વચ્ચોવચથી પસાર થતી હુગલી નદી. કોલકાતાનાં લોકો આનંદ-પ્રમોદી છે. આવા શહેરમાં પારોનું આગમન થઈ રહ્યું હતું. લાંબા વ્હીસલ સાથે આગગાડીની રફતાર મંદ થઈ. રસગુલ્લાની મીઠી-મીઠી સુંગંધ આવી રહી હતી. અહીંના લોકોના ચહેરા પર સદૈવ એક અલૌકિક તાજગી હોય છે. રાજશેખરની આંખ ખૂલી. તેણે ચોમેર નજર ફેરવી. ડબ્બામાં ખાસ્સી ચહલપહલ હતી. પ્લેટફોર્મ પર ઠેર-ઠેર અંગ્રેજો દેખાતા હતા. સાબદા થઈ રાજશેખરે સતર્કતા ધારણ કરી લીધી.
તેણે ચહેરાને ઢાંકી લીધો. તેણે પારો અને રૂપાલીને જગાડ્યા. બંનેએ જાગીને જોયું તો કોલકાતા આવી ગયું હતું. રાજશેખરે તેમને સતર્ક રહેવાની સૂચના આપી. પારો-રૂપાલી સમજી ગઈ. ત્રણેય આગગાડીમાંથી ઉતર્યા. ધીમેધીમે તેઓ રેલવે સ્ટેશનની બહાર જવા લાગ્યા. અંગ્રેજ અધિકારીએ રાજશેખરને અટકાવ્યો. રાજશેખર સહિત પારો અને રૂપાલીને ફાળ પડી કે કોઈ નવી મુસીબત આવી પણ અંગ્રેજ અધિકારીએ ચહેરો જોઈ કશુંય પૂછ્યા વગર તેને જવા દીધો. ત્રણેયએ હાશકારો અનુભવ્યો અને રેલવે સ્ટેશનથી બહાર આવ્યા.
રેલવે સ્ટેશનથી બહાર આવ્યા બાદ ત્રણેય જઈ રહ્યા હતા ત્યાં જ પારોની નજર કાલીદાસ પર પડી. છાશવારે કાલીદાસ કોલકાતા આવતો હતો. અહીં કાલીદાસ રાતોની મિજલસો માણતો. કોઠાઓ પર જઈને તવાયફો સાથે ઐયાસી કરતો. પારોને ફડક પેસી ગઈ. નજર ચૂકવી પારો જવા માગતી હતી ત્યાં જ કાલીદાસની નજર પારો પર પડી. કાલીદાસે બૂમ પાડી પણ પારોએ આંખ આડા કાન કર્યા અને કશું સાંભળ્યું નહીં હોય તેમ ચાલવા લાગી. કાલીદાસ તેની પાછળ પડી ગયો.
પારોએ ચાલતા-ચાલતા રાજશેખરને કાલીદાસ અંગેની હકીકતથી વાકેફ કર્યો. રાજશેખરે પાછા વળીને જોયું તો કાલીદાસ તેમનો પીછો કરી રહ્યો હતો. રાજશેખરે તરત જ ટાંગાવાળાને હાંક પાડી. ટાંગામાં બેસી ત્રણેય કાલીદાસથી છૂટકારો મેળવવા માગતા હતા. પણ કાલીદાસે બીજા ટાંગામાં તેમનો પીછો ચાલુ રાખ્યો.
રાજશેખરે વિચાર્યું કે, જો આ માણસ ખબરી નીકળ્યો તો પોલીસને એમના સુધી પહોંચતા વાર નહીં લાગે. હવે કાલીદાસને ચકમો આપ્યા વગર છૂટકો ન હતો. રાજશેખરે ટાંગાને ગલીમાં વાળવાનું કહ્યું અને પારો તથા રૂપાલીને ઉતારી ક્યાંક લપાઈ જવાનું નક્કી કર્યું. રાજશેખરે કહ્યું, ‘હું અહીં જ આવીને મળીશ. ટાંગામાં હું બેસીને નીકળું છું. કાલીદાસનો પીછો છોડાવવો જરૂરી છે.’ રાજશેખરે આજુબાજુ નજર ફેરવી. એક ભવ્ય મકાન દેખાયું. રાજશેખરે કહ્યું,
‘પારોજી, આ મકાનમાં લપાઈ જાઓ. હું કાલીદાસને ચકમો આપું છું.’
રાજશેખરે ટાંગાવાળાને હાંકવાનું કહ્યું. ટાંગો ફરી ગલીમાંથી બહાર નીકળ્યો. પારોએ જોયું તો કાલીદાસનો ટાંગો પણ રાજશેખની પાછળ જ જઈ રહ્યો હતો.
પારો અને રૂપાલીએ પળનોય વિલંબ કર્યા વગર મકાનમાં જવાનું મુનાસિબ માન્યું. ગભરાટ સાથે મકાનની સાંકળ ખખડાવી. થોડીવાર બાદ મકાનમાંથી કફની પાયજામો પહેરેલો માણસ આવ્યો. પારોએ વિનંતી કરી કે તેમણે થોડી વાર માટે અહીં રોકાવું છે. જાનનું જોખમ છે. પેલા માણસે આનાકાની કરી. એમની રકઝક ચાલતી હતી ત્યાં અંદરથી અવાજ આવ્યો,
‘સેવકરામ, કી ઘોટન ? કે જનાના હોયા ?’ અવાજ કોઈ મહિલાનો હતો.
‘માઈ, કોઈ બાઈ છે. કહે છે વખતની મારી છે. થોડા સમય માટે રોકાવાનું કહે છે અને પછી ચાલી જઈશ એવું પણ કહે છે. શું કરું?’
‘સેવકરામ, એને કહો કે બદનામ ઘરોમાં ઈજ્જતદાર મહિલાને પણ ડાધ લાગી જાય છે. આ કોઈ છૂપાવાની જગ્યા નથી. બીજું ઘર શોધી લે. અને કહી દે કે, વખત મારે તો સહન કરી શકાશે પણ અહીં રહીશ તો જીવતે જીવ મરી જશે. આ કોઈ ધર્મશાળા કે આશ્રમ નથી.ચંદ્રમુખીનો કોઠો છે.’
નામ સાંભળી પારોના મગજમાં ઝબકારો થયો. દેવદાસને છેલ્લી ક્ષણો સુધી સાથ આપનારી આ જ મહિલા તો નથી. અનેક વખત દેવદાસે ચંદ્રમુખીના નામનું રટણ કર્યું હતું. એક-વાર તો છંછાડાઈ પણ ગઈ હતી. દેવદાલે પારોને વાળી લીધી હતી અને ચંદ્રમુખી પાસે નહીં જાય તેવા સૌગંધ આપ્યા હતા. ચંદ્રમુખીનું નામ સાંભળતા જ પારોથી જોરથી બોલાઈ ગયું.
‘દેવદાસ...’
અંદરથી મહિલાએ વિહવળતા પૂછ્યું, ‘કોણ…? કોણ છે…?’
પારોએ ફરી કહ્યું, ‘દેવદાસ…’
અત્યાર સુધી અંદરથી વાત કરતી મહિલા બહાર નીકળી. તેણે પારો તરફ જોયું.
‘દેવદાસ…?’
પારોએ કહ્યું, ‘હા, દેવદાસ...’
તરત જ ચંદ્રમુખીએ કહ્યું, ‘પારો…’
‘હા… ચંદ્રમુખી..’
વર્ષો પછી મળ્યા હોય એમ પારો અને ચંદ્રમુખી એકબીજાને વળગીને ભેટી પડ્યા. બંનેની આંખમાં બાઝેલા ઝળઝળિયાં ધોધમાર વરસી પડ્યા. રૂપાલી બંનેનાં મિલનને સાક્ષીભાવે જોઈ રહી હતી.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર