27-ચૌધરીની હવેલીમાં પારોનું પુનઃ આગમન
ઠાકોર ભૂવન ચૌધરીની હવેલીથી જાણે ખુશીઓ છીનવાઈ ગઈ હતી. પ્રથમ તો ઘરનાં મોભી ચૌધરીની અણધારી ચિર વિદાય બાદ હવેલીમાં જાણે સમય થંભી ગયો હતો. ઠાકોર ભુવન ચૌધરી હતા ત્યાં સુધી હવેલીમાં ભારે ચહલ-કદમી હતી. લોકોનું આવાગમન અવિરત ચાલતું હતું. હવેલી હરહંમેશ ઘમઘમતી રહેતી હતી, પણ ચૌધરીની વિદાય બાદ હવેલીમાં સર્વત્ર સૂનકાર વ્યાપી ગયો હતો.
પણ હવે, ઘણાં મહિના પછી હવેલીમાં રોનક પાછી ફરી હતી. ખાસ કરીને શ્યામદાસની હઠની આગળ મનોરમા અને અન્ય બધાએ ઝૂકી જવું પડ્યું હતું. શ્યામદાસે દુર્ગાપૂજા ટાણે ભવ્ય ભંડારો રાખવાનું આયોજન કર્યું હતું. કાલીદાસે જ સ્મરણ કરાવ્યું હતું કે, રૂપજીવિનીનાં દ્વારની માટી સાથે દુર્ગા થાય તો એને પાવન માનવામાં આવે છે. શ્યામદાસે એ જવાબદારી કાલીદાસને સોંપી દીધી હતી. શ્યામદાસે આપેલી જવાબદારીને કારણે, કાલીદાસને તો ભાવતું હતું ને વૈદ્યે કહ્યું, જેવો ઘાટ થયો.
આ માટે ચંદ્રમુખીને હાથીપોતા લાવીને પોતાનું ધાર્યું કરવાનો કાલીદાસે મનસુબો બનાવ્યો હતો. પણ કોલકાતા પહોંચતાં-પહોંચતા કાલીદાસનાં મનસુબા પર પાણી ફરી વળ્યું હતું. ચુન્નીલાલ અને રાજશેખરે આખી બાજી ઉંધી કરી દીધી હતી. આ માટે કાલીએ અંગ્રેજ પોલીસનો સાથ લીધેલો, પણ એ એટલો કારગત નીવડયો નહીં.
કાલીદાસ વિચારી રહ્યો હતો કે, ચંદ્રમુખી અને પારો આખરે ગયા તો ગયા ક્યાં? અંગ્રેજ પોલીસે ખાંખાંખોળા કર્યા પણ, એમને કોઈ સગડ મળ્યા ન હતા.
બીજી તરફ દેવદાસનાં નિધનનાં પગલે તાલસોનાપુરમાં દ્વિજદાસ અને કૌશલ્યાદેવી દુર્ગાપૂજાને લઈ ચિંતિત હતા. ધર્મદાસે કહ્યું હતું કે, દેવબાબુએ જ્યાં આખરી શ્વાસ લીધા તે હાથીપોતા ગામ જઈને 101 બ્રાહ્મણોને જમાડીને પૂજા કરાય તો લેખે લાગે. જોકે દ્વિજદાસ અને કૌશલ્યાદેવીએ ધર્મદાસની વાતને એવું કહી ઉડાવી દીધી હતી કે, જે ગામ દેવદાસના મોતનું કારણ બન્યું હોય અને જ્યાં પારોનું સાસરિયું હોય ત્યાં વળી પૂજા કેવી રીતે કરાય?
એવામાં ક્યાંકથી દ્વિજદાસની પત્ની સૌજન્યા પણ ત્યાં આવી પહોંચી. તેણે પણ ધર્મદાસની વાતમાં સૂર પૂરાવ્યો. જોકે દ્વિજદાસે તેને આડે હાથે લઈ ચૂપ કરાવી દીધી. મંદિરનાં પૂજારી ન આવ્યા હોત તો દ્વિજદાસે સૌજન્યા પર હાથ જ ઉગામી દીધો હોત. પૂજારી આવ્યા અને એમણે કૌશલ્યાદેવીને કહ્યું કે, દેવબાબુના આત્માની શાંતિ માટે આ વખતની પૂજા હાથીપોતામાં કરીએ તો સારું! પૂજારીએ એ પણ કહ્યું કે હાથીપોતામાં તેઓ સ્વંય પૂજા કરશે.
કૌશલ્યાદેવીએ ઉદાસ નજરે દ્વિજદાસ તરફ જોયું. દ્વિજદાસે મોઢું ફેરવી લીધું. તેના ચહેરા પર ખિન્નતા સ્પષ્ટ દેખાઈ. કૌશલ્યાદેવીએ પળનોય વિલંબ કર્યા વગર એક વાક્યનો આદેશ કર્યો,
‘બધા હાથીપોતા જવાની તૈયારી કરો…’
કૌશલ્યા દેવીની વાત સાંભળીને ધર્મદાસ અને સૌજન્યા તો ઉછળી પડ્યાં, પણ દ્વિજદાસ લાચાર બન્યો. માતાનાં આદેશની સમક્ષ મને-કમને તે પણ નતમસ્તક થયો.
ચંદ્રમુખીએ ચુન્નીલાલને ચૌધરીની હવેલીમાં કાલીદાસને સંદેશો પહોંચાડવા મોકલ્યો કે, ચૌધરીની હવેલી પર ચંદ્રમુખી પૂણ્યશાળી માટી લઈને આવશે અને સંગીતનો જલસો પણ કરશે.
ચંદ્રમુખીનો સંદેશો ચુન્નીલાલે કાલીદાસને કહ્યો. કાલીદાસને પ્રથમ તો ભરોસો નહીં થયો. ચુન્નીલાલને રવાના કરી તે તો દુર્ગા માતાનો પાડ માનવા લાગ્યો. ‘વાહ માતા વાહ, મારા જેવા હરામીની પણ ઈચ્છા પૂરી કરી.’ કાલીદાસ તો રાજીનો રેડ હતો કે, માછલી સામેથી જાળમાં ફસાવા આવી રહી છે. ચુન્નીલાલની પાછળ કાલીદાસે પોતાના માણસો મોકલ્યા. ચુન્નીલાલને જરા સરખીય ગંધ સુદ્ધાં ન આવી કે કાલીદાસનાં માણસો તેનો પીછો કરી રહ્યા છે. હાથીપોતાની સીમ સુધી પહોંચી ચુન્નીલાલે પાછા ફરીને જોયું. કોઈ દેખાયું નહીં. કાલીદાસના માણસો લપાઈ ગયા હતા. તે ચાલતો-ચાલતો ચાલમાં આવ્યો. કાલીદાસનાં માણસો ભાળ લઈને પાછા હવેલી પર આવ્યા. તેમણે કાલીદાસને ખબર આપી કે, ચંદ્રમુખી અને ચુન્નીલાલની સાથે પારો પણ છે અને બધા ગામથી થોડા અંતરે આવેલી ચાલમાં રખવદાસનાં ધરે છે. કાલીદાસે તરત જ આ ખબર ઈન્સ્પેક્ટર એનરોન શેરોન સુધી પહોંચાડી. સમાચાર મળતા જ ઈન્સ્પેક્ટર શેરોન હરકતમાં આવી ગયો.
અંગ્રેજ પોલીસનો કાફલો ચાલ તરફ આવી રહ્યો હતો. રાજશેખર અને તેનાં સાથીઓએ જોયું કે અંગ્રેજ પોલીસ ચાલ તરફ આવી રહી છે, એટલે તેઓ તરત જ સાબદા થયા. ચાલની પાસેનાં રસ્તા પર અડિંગો જમાવીને બેસી ગયા. ચંદ્રમુખી અને પારોને સંદેશો કહેવડાવ્યો કે ઝટ અહીંથી નીકળી જાઓ.
રખવદાસ, સેવકરામ અને ચુન્નીલાલ આવી સ્થિતિ માટે તૈયાર જ હતા. ચંદ્રમુખી, પારો અને રૂપાલીને લઈ તેઓ બીજા રસ્તેથી ચાલની બહાર નીકળી ગયા. રાજશેખર અને તેના સાથીઓએ અંગ્રેજ પોલીસને ગુમરાહ કરી. અંગ્રેજ પોલીસ પણ રાજશેખર અને તેના સાથીઓ પાછળ લાગી ગઈ. ઈન્સ્પેક્ટર શેરોનને ખ્યાલ આવે તે પહેલાં ચાલમાંથી બધા રફુચક્કર થઈ ગયા હતા. રાજશેખર અને એના સાથીઓ પણ ઝાડી-ઝાંખરીમાં ક્યાંક આલોપ થઈ ગયા હતા.
હવેલીની નજીક પહોંચી ચંદ્રમુખીએ પારો માટે સલામત જગ્યા શોધવાની હતી. પારો જીદે ચઢી હતી કે, જો ચંદ્રમુખી નૃત્ય કરશે તો પારો પણ તેમાં સહભાગી બનશે. ચંદ્રમુખી અને રૂપાલીએ પારોની દલીલનો વિરોધ કર્યો. ચંદ્રમુખીએ કહ્યું,
‘જો, કાલીને જરા સરખી પણ ગંધ આવશે કે, પારો સાથે છે તો એ ગંદી રમત રમશે. પારો, એ તારા પર હુમલો પણ કરી શકે છે.’
‘ચંદા, હવે મારે ભાગવું નથી. હું મારી જાતને સંભાળી શકું છું. બસ, આજે આ કાલીદાસનાં બાર વગાડવા છે.’
‘પારો, તું શું કહી રહી છે એનું તને ભાન નથી. તારી હાલત કેવી છે અત્યારે? હું ક્યારેય તને હવેલીની અંદર સાથે લઈ જઈ શકું નહીં.’
‘ના, હું આવીશ ચંદા... આજે તો આર યા પાર થવા જ દે. દુર્ગા માએ મોકો આપ્યો છે, તો મને સાટું વાળી લેવા દે...’
ચંદ્રમુખી વિવશ બની. રૂપાલી વિસ્ફારીત નેત્રોથી તાકતી રહી.
ચંદ્રમુખીએ સૂઝાવ આપ્યો કે પારોને એવી રીતે તૈયાર કરીએ કે તેની ઓળખ છતી ન થઈ જાય.
**************************************************************
હવેલીમાં મહેમાનો સહિત ગામલોકોનો જમાવડો જામી રહ્યો હતો. થોડીવારે શ્યામદાસે હવેલીનાં દ્વાર પર દર્શન દીધા. જોકે પારોની નજરો કોઈક ચહેરાને શોધી રહી હતી. પારોને વ્યાકુળ થતી જોઈને ચંદ્રમુખીએ પૂછ્યું.
‘કોને શોધે છે પારો?’
‘ભાનુને...’ પારોએ ટૂંકો ઉત્તર આપ્યો. તેની નજર સતતને સતત ભાનુને ખોળવા મથી રહી હતી. ભાનુ ક્યાંય દેખાઈ રહ્યો ન હતો. ભાનુ એક એવો સહારો હતો, જેના થકી પારો આસાનીથી હવેલીમાં જઈ શકતી હતી.
થોડીક જ વારમાં ચુન્નીલાલ અને સેવકરામ સાથે કાલીદાસ આવતો દેખાયો. ચંદ્રમુખીએ પારો અને રૂપાલીને ઝૂંપડાની આડશ લઈ ઊભા રહેવાનો સંકેત કર્યો. પારો અને રૂપાલીએ એમ જ કર્યું.
ચંદ્રમુખીની પાસે આવી કાલીદાસે એ જ ખંધા હાસ્ય સાથે કહ્યું, ‘નોમોસ્કાર ચંદારાણી... પધારો અને અમારી હવેલીની શોભામાં અભિવૃદ્ધિ કરો.’ ચંદ્રમુખીએ આડશમાં સંતાયેલી પારો તરફ નજર ફેંકી. તે કશું પણ બોલ્યા વગર કાલીદાસ સાથે ચાલવા લાગી.
પ્રવેશદ્વાર પર મહેમાનોને સત્કારી રહેલા શ્યામદાસ પાસેથી ચંદ્રમુખી પસાર થઈ રહી હતી ત્યારે જ શ્યામદાસ બરાડ્યો હતો,
‘ભાનુ, તને કેટલીવાર કહ્યું કે આ સમય રમવા-કૂદવાનો નથી. સખણો રહે.
‘દાદા... પણ...’
ભાનુ કશુંક કહેવા માગતો હતો, પણ શ્યામદાસે તેને ચૂપ કરાવી દીધો. શ્યામદાસે એનું મોઢું થોડું વાકું કર્યું. ભાનુ આખરે તો બાળક જ હતો એટલે શ્યામદાસની નજર ચૂકવીને તે હવેલીમાંથી બહાર આવ્યો.
પારોની નજર ભાનુ પર પડી. તેણે રૂપાલીને કહ્યું, ‘જા, જલદીથી ભાનુને તેડી લાવ.’ ઝટપટ રૂપાલી ભાનુ પાસે પહોંચી અને તેણે ભાનુને પ્રેમથી કહ્યું.
‘ભાનુ...’
ભાનુએ આશ્ચર્ય સહિત રૂપાલી તરફ જોયું.
‘પારોમાને મળવું છે?’ પારોનું નામ સાંભળીને ભાનુના બાળ ચહેરા પર ખુશી છલકાઈ. અજાણી મહિલા પારોમા પાસે લઈ જશે એ વિચારી તે રાજીનો રેડ થયો. તે ઝડપથી રૂપાલી સાથે ચાલવા લાગ્યો.
ઝૂંપડાની આડમાં ઊભેલી પારોની પાસે ભાનુ દોડતો આવ્યો. પારોએ તેને બાથમાં ભીડી લીધો.
‘પારોમા…’ કહી ભાનુ ધ્રુસ્કે-ઘ્રુસ્કે રડવા માંડ્યો. પારોએ પણ એના પર મમતાનો ધોધ વરસાવ્યો.
‘ક્યાં હતા આટલા દિવસ પારોમા? મને તમારી બહુ યાદ આવતી હતી. હવે હું તમને ક્યાંય નહીં જવા દઉં…’
‘હા બેટા, હવે તારી પારોમા ક્યાંય નહીં જાય.’ ભાનુ અને સ્વંયનાં અશ્રુ લૂછી પારોએ ભાનુને હવેલીમાં લઈ જવાનું કહ્યું.
પારોનો હાથ પકડીને ભાનુ એને હવેલીમાં લઈ જવા તૈયાર થયો. પારોએ ફરી વાર ઠાકોર ભુવન ચૌધરીની હવેલીમાં પ્રવેશ કર્યો પણ આ વખતે મુખ્ય દ્વારથી નહીં રસોઈઘરનાં દરવાજેથી એક ચોરની જેમ...
(ક્રમશઃ)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર