1- દેવદાસનું મૃત્યુ

02 May, 2015
10:43 AM

mamta ashok

PC:

દેવ....

આ નામ જાણે તેના આત્મા સાથે વણાઈ ગયું હતું. પણ હવે દેવદાસ નથી એ માનવા માટે એનું મન જરાય તૈયાર ન હતું. બસ, રાત-દિવસ દેવના નામની રટ લગાવીને કદી આમ તો કદી તેમ, બહાવરી બનીને ઘૂમ્યા કરતી હતી. જો ભૂવન ચૌધરીની દીકરીએ પારોને ઝડપથી પોતાની તરફ ખેંચી લીધી ન હોત તો એ સીધી હવેલીના પ્રાંગણમાં ધડામ દઈને પટકાઈ હોત અને તેની પાંસળીઓનો ભૂક્કો થઈ ગયો હોત. દિવસના આઠે પ્રહર તેની દૃષ્ટિ વડના ઝાડ પર જ મંડાયેલી રહેતી હતી. એ પોતાના બંને હાથોને ફેલાવીને જ્યારે દેવના નામનો સાદ પાડતી ત્યારે આખીય હવેલીમાં કંપન દોડી જતું . રાત હોય કે દિવસ, એ માત્ર દેવના નામની જ માળા જપ્યાં કરતી. રક્તકણોની જેમ દેવ પારોની રગેરગમાં પ્રસરી ગયો હતો.

પણ એ પગલીને કોણ સમજાવે કે દેવદાસ હવે પાછો આવવાનો નથી. એ તો ચાલ્યો ગયો છે તેની માને એકલી છોડીને, પોતાની આલિશાન હવેલીને ભેંકાર મૂકીને, પારોના પ્રેમને તરસતો છોડીને! લાચાર અને નિઃસહાય પારોની દુનિયા લૂંટાઈ ગઈ હતી. કોણ સમજાવે એ પ્રેમઘેલી પારોને? જગત જેને પાગલ-દીવાની સમજી રહ્યું હતું એ તો હકીકતમાં દેવદાસના પ્રેમમાં સર્વસ્વ સ્વાહા કરવાની ઝંખના લઈને મરવા તૈયાર હતી.

આ વડનું વૃક્ષ એ જ છે કે જ્યાં દેવદાસે અંતિમ શ્વાસ લીધા હતા. દેવદાસે વચન આપ્યું હતું કે જીવનલીલા સમાપ્ત થાય તે પૂર્વે એક વાર જરૂરથી પારોને મળવા તેના સાસરે હાથીપોતા ગામ ચોક્કસ આવશે. પારોને જોયા વિના મરવું પણ મંજૂર ન હતું દેવદાસને! જો કે દેવદાસે વચન પાળ્યું. ચૂનીલાલ જ્યારે કલક્તાથી દેવદાસને ગંભીર હાલતમાં દેવદાસના ગામ તાલસોનાપુર લઈ જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં જ દેવદાસને લાગ્યું કે હવે તે વધુ જીવી શકે એમ નથી. આ હાલતમાં તેના મનમાં માત્ર પારો જ ઘુમરાતી હતી એટલે ચુનીલાલને ટ્રેનમાં ઊંઘતો છોડીને દેવદાસ અધવચ્ચે ઊતરી ગયો અને સીધો હાથીપોતા પહોંચી ગયો હતો.

જો કે જેમજેમ તે પારોના ઘરની નજીક પહોંચતો ગયો તેમ તેમ તેનામાં રહેલી શક્તિઓનો નાશ થઈ રહ્યો હતો. ધીરે ધીરે તેના પ્રાણ ઉડી રહ્યા હતા અને દેવદાસ હવે તેના સુધબુધ ખોઈ રહ્યો હતો. એવામાં તે ગામના પાદરે પડના ઝાડ પાસે ફસડાઈ પડ્યો. તેને ઝાડ પાસે પડેલો જોઈને તેની ફરતે લોકોનું ટોળું એકત્ર થયું હતું. ઠાકોર ભૂવન ચૌધરી કામ અર્થે નજીકના ગામે ગયા હતા.

દેવદાસની હાલત જોઈને ગામ લોકોના સિસકારા નીકળી રહ્યા હતા. કોઈ કહેતું કે સારા ઘરનો લાગે છે તો કોઈ કહેતું કે હશે કોઈ બિનવારસી માણસ. તાલસોનાપુર ગામનો શ્રીમંત ઘરાનાનો દેવદાસ મુખરજી હાથીપોતા ગામના લોકો માટે એક વણઉકેલ્યો કોયડો બની ગયો હતો.

દેવદાસની હાલત પર કોઈ તરસ ખાઈ રહ્યું હતું તો કોઈ દયા ભાવના દાખવી રહ્યું હતું. તો વળી કોઈ દેવદાસને ભિખારી સમજી રહ્યું હતું. ભલું થજો પૂજારી જટા શંકરનું કે એમણે દેવદાસના મુખમાં ગંગા જળનાં ટીપાં મૂક્યા.

દેવદાસે માંડ-માંડ ગંગાજળ ગ્રહણ કર્યું.

પૂજારી જટાશંકર બોલ્યા, 'આ આગંતુકનો પ્રાણ જરૂર કશાકમાં અટકેલો છે.'

ગામના વયોવૃદ્ધ એવા સેવા બાબુએ સૂચન કર્યું કે એના કાનમાં સગપણોને પ્રતિસાદ આપો, જેથી કરીને કોઈ સગપણમાં પ્રાણ અટકેલો હશે તો મૃત્યુની પીડામાંથી મુક્તિ મળી જશે. કોઈ આગળ ન આવ્યું. છેવટે પૂજારીએ દેવદાસના કાનમાં માતા-પિતા, ભાઈ-બહેન સહિત બધાનાં સગપણ કહી મુક્ત થવાનો સાદ કર્યો. પણ દેવદાસના પ્રાણ કોઈ સગપણમાં અટકયા ન હતા. દેવના પ્રાણ તો એની પારોમાં જ અટ્ક્યાં હતા.

એક તરફ દેવદાસ અંતિમ શ્વાસ લઈ રહ્યો હતો ત્યારે હવેલીમાં પારોની દશા કલ્પી ન શકાય તેવી બની ગઈ હતી. નોકરાણીએ હવેલીમાં આવીને ખબર આપી કે કોઈ રાજવી ઘરાનાની લાગતી રૂઆબદાર વ્યક્તિ વડના ઝાડ પાસે અંતિમ શ્વાસ ગણી રહી છે. નોકરાણીની વાત સાંભળીને પારો બેબાકળી થઈ ઉઠી. પારોના પગ તળેથી જમીન સરકી જતી હોય એવું લાગ્યું.

તેનું મન કહેવા લાગ્યું કે નોકરાણી જે વ્યક્તિના સમાચાર લઈને આવી છે તે નક્કી દેવદાસ જ હોવો જોઈએ. પારોમાં અદમ્ય તલસાટ વ્યાપી ગયો. ઉપલા મજલેથી દોડીને પારો હવેલીના મુખ્ય દ્વાર તરફ દોડી. નોકરો અને દરવાને તેને અટકાવવાની કોશિશ કરી પણ પારો પર તો દેવદાસને જોવાનું ઝનૂન સવાર થઈ ગયું હતું. નોકરોને દૂર હડસેલી પારો તો સડસડાટ દોડતી પહોંચી ગઈ વડના ઝાડ પાસે. તેની શંકા સાચી પડી હતી. વડના ઝાડ પાસે બીજુ કોઈ નહીં પણ દેવદાસ જ હતો.
                                                          ***************************************

દેવદાસના શ્વાસ અટકી-અટકીને ચાલી રહ્યા હતા. પારોની આંખોમાંથી અવિરત આંસુઓ વહી રહ્યા હતા. દેવદાસને જોઈને તે ચિત્કારી ઊઠી...

'દેવ બાબુ...'

પારોના ચિત્કારે ગામ લોકો પણ હલબલી ગયા. પારો બોલ્યે જતી હતી,

'દેવ... દેવ... દેવ..બાબુ...'

દેવદાસે ઘણી મુશ્કેલીથી તેની પાંપણો ખોલી. તેણે પારો તરફ માંડ-માંડ જોયું. પોતાના અર્ધ ખૂલેલા નેત્રોથી દેવદાસે પારોને જોઈ. પારો અને દેવદાસના મિલનની સમગ્ર સૃષ્ટિ સાક્ષી બની.

દેવદાસના હોઠ ફફડયા, તેણે કશુંક બોલવાનો પ્રયત્ન કર્યો પણ તેને તકલીફ થઈ રહી હતી. બીજી તરફ પારો 'દેવ, દેવ...' કહીને આર્તનાદ કરી રહી હતી. બે-એક વાર ઠાકોર ભૂવન ચૌધરીની દીકરી મનોરમાએ પારોને ખેંચવાનો પ્રયાસ કર્યો પણ પારોએ તેને ઝનૂનપૂર્વક દૂર હડસેલી દીધી.
પારોને આ રીતે પરાયા મર્દ સાથે જોઈને ગામના લોકો જાતજાતની વાતો કરવા મંડી પડ્યા હતા. લોકોને જાણે કૂથલીનો નવો વિષય મળી ગયો. એ પણ ગરમાગરમ! લોકો એકબીજાના કાનમાં ગુસપુસ કરવા લાગ્યા.

'ઘોર કળિયુગ છે. આવી દોંગાઈ ક્યાંય જોવા મળી નથી. બાઈ થઈને પરપુરુષ માટે આટલો લગાવ?'

'હે રામ, આ તો હડહડતો કળજુગ.'

બીજાએ કહ્યું, 'બાપ રે બાપ, ભુવન ચૌધરીની તો લાજ રસ્તે આવી ગઈ.'

તો વળી કોઈ બોલ્યું 'પ્રેમી છે કે શું?'

પૂજારી જટાશંકરે ગામ લોકોને ટપાર્યા અને કહ્યું કે કોઈ મનુષ્યના અંતિમ સમયે આવી વાતો અશોભનીય અને અમાનવીય છે. તમે લોકો જે વિચારો તેવા સંબંધો ન પણ હોય અને હોય તો પણ આવા સમયે લૂલી બંધ રાખવી જોઈએ.

થોડા જ સમય પહેલાં દેવદાસને બિનવારીસ કહેનારા ગામના લોકો હવે અચંબામાં ગરક થઈ ગયા. ભુવન ચૌધરીની ઘરવાળી આ માણસને ઓળખે છે? સૌ સડક હતા. પારોનો વ્યવહાર ગામ લોકો માટે અચરજ પમાડનારો હતો. ગામ લોકો મોંમાં આંગળા નાંખી ગયા. હાથીપોતા ગામમાં દેવદાસ મુખરજીને જોવા માટે લોકોના ઝુંડ એકત્ર થઈ ગયા હતા.

પણ આજે પારોને ગામ લોકો કે બીજી કોઈ પણ વસ્તુની પરવા ન હતી. પારોએ દેવદાસનાં માથાંને પોતાના ખોળામાં લઈ લીધું અને ફક્ત એટલું જ બોલી, 'દેવ... તે આ શું કરી નાંખ્યું?'

દેવદાસે તેના હોઠ ફફડાવ્યા પણ તેને બોલવામાં અસહ્ય વેદના થઈ રહી હતી. પારો દેવદાસના હોઠ સુધી તેનો કાન લઈ ગઈ. તે મહામુસિબતે માત્ર 'પા...રો...' એટલું જ બોલી શક્યો.

રડતાં-રડતાં પારો બોલી, 'હા, દેવ... હું આવી ગઈ છું...'

દેવદાસે કૃષ સ્વરે કહ્યું, 'પા... રો....પા... રો..'

દેવદાસનું શરીર કંપી રહ્યું હતું. તેના ધબકારાની આવન-જાવન જોરમાં થતી હતી. તેને હાંફ ચઢી રહી હતી. એક એક શબ્દ બોલવામાં તેને મુશ્કેલી થઈ રહી હતી. પણ તેણે બોલવું હતું. તે આ દુનિયા હંમેશને માટે છોડે એ પહેલા તેણે પારોને કંઈક કહેવું હતું. દેવદાસે જોર લગાવ્યું, તેણે પારોના હાથમાં પોતાનો હાથ મુકવાની કોશિશ કરી તો પારોએ હાથ ધરી દીધો. દેવદાસે ઊઠવાનો યત્ન કરી જોયો પરંતુ તેનું શરીર તેને સાથ આપતું ન હતું. તે ફરી જમીન પર પટકાયો. દેવદાસે જમીન પર આંગળી ફેરવીને કંઈક લખવાની કોશિશ કરી. તકલીફ અને દર્દ સાથે જમીન પર આંગળી ફેરવી દેવદાસે લખ્યું, 'ઓયાદા' (વાયદો)

તેણે આંગળીથી ઈશારત કરી કે, 'તને મળવા હું આવ્યો છું અને હવે જાઉં છું.'

આ સમયે પારોનું કલ્પાંત પાષાણ હ્વદયીને પણ પિગળાવી જાય એવું હતું. દેવદાસે ઊંડા શ્વાસ ભર્યા. તેના હ્રદયના ધબકારા મંદ પડવા લાગ્યા. ગામ લોકો એકીટશે દેવદાસને જોઈ રહ્યા હતા. દુનિયાને અલવિદા કહેવાની વસમી પળ આવી ગઈ હતી. તેના ચહેરા પર આછું-આછું સ્મિત આવ્યું. અંતિમ વખત તેના હોઠ ફફડયા. દેવદાસના મોઢામાંથી તેના આખરી શબ્દ નીકળ્યા,
'પા... રો...'

દેવદાસની આંખોમાં શૂન્યતા વ્યાપી રહી હતી. આંખ સામે ધુમ્મસ વ્યાપી રહ્યું હતું. તેનું શરીર ધીમે ધીમે ઠંડુ પડી રહ્યું હતું. દેવદાસ ધીરે ધીરે કોઈ બીજી દુનિયામાં પ્રવેશી રહ્યો હતો. આખરે એ પળ આવી. તેનું શરીર સાવ ઠંડુ થઈ ગયું. દેવદાસે છેલ્લા શ્વાસ લીધા અને સદૈવ માટે આંખોં મીંચી દીધી.

                                                                                                                                                                            (ક્રમશ:)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.