24-પારો-ચંદ્રમુખીની વિપદા
ચંદ્રમુખીનાં કોઠા પર દુર્ગાપૂજાની તડામાર તૈયારીઓ ચાલી રહી હતી. ફૂલ, અબીલ-ગુલાલ, કંકુ, શ્રીફળ, ધૂપસળી, પ્રસાદ અને ભંડારાની વ્યવસ્થા થઈ રહી હતી. ભિક્ષુકોને અન્ન મળી રહે તેના માટે સોનાગાછીનાં દ્વારે-દ્વારેથી ભિક્ષુકો અને સાધુ-બાવાઓને તેડાવ્યા હતા. કોઠાને રોશનીનાં ઝગમગાટમાં નવરાવી દેવામાં આવ્યો હતો.
ચંદ્રમુખી, પારો અને રૂપાલીએ નવા પરિધાનો ધારણ કર્યા હતા. રાજશેખર તો પોતાની મસ્તીમાં હતો. તે કામને અલગ-અલગ રીતે વહેંચી રહ્યો હતો. સેવકરામ પણ કામને હાથો-હાથ લઈ રહ્યો હતો. કોઠા પર વર્ષો પછી આવી રીતે આવેલી વસંતને સેવકરામ વધાવી રહ્યો હતો. ભક્તિનાં ભાવનો અજબ કલશોર હતો. આજુબાજુની રૂપજીવિનીઓ અને લોકો આવી પહોંચ્યા હતા.
સેવકરામે પ્રસાદનો થાળ મૂકી મજૂરને કહ્યું કે થાળને ભંડારા પાસે મૂકી દે. રાજશેખર તેની નજીક જ ઊભો હતો. રાજશેખર તરફ ફરીને સેવકરામે કહ્યું કે, ‘ચુન્નીબાબુ દેખાયા નથી. તેઓએ આવવાનું કહ્યું હતું. હું બજાર જાઉં છું અને ચુન્નીબાબુને પણ સાથે લેતો આવુ છું.તમે જરા ધ્યાન રાખજો.’
‘વારુ… મોડું ન કરતા સેવકારામ. વહેલા આવજો.’ રાજશેખરે કહ્યું. રાજશેખર પાસેથી નીકળી સેવકરામ ઝડપથી કોઠાની બહાર નીકળી ગયો. કોઠાની બહાર પગ મૂકતાં તેણે જોયું તો ફૂલોનાં ટોપલા લાગેલા હતા. કોલકાતામાં દુર્ગાપૂજા બહુ જ આસ્થાપૂર્વક મનાવાય છે. સેવકારામને લાગ્યું કે આખુંય કોલકાતા નવોઢાનાં રૂપ ધારણ કરી ચૂક્યું છે. તે બજારની તરફ જવા લાગ્યો. થોડુંક ચાલતા તેણે દિશા બદલી અને ચુન્નીલાલને શોધવા લાગ્યો. જ્યાં ચુન્નીલાલ કાયમ ઉઠતા-બેસતા હતા ત્યાં તેણે પૂછપરછ કરી. ચુન્નીલાલ મળ્યો નહીં. સેવકરામે ફરી બજારની વાટ પકડી. ચીજ-વસ્તુઓ ખરીદી સેવકરામ કોઠા પર પરત ફરી રહ્યો હતો ત્યાં એની નજર પડી પોલીસની ગાડીઓ પર પડી. એક પછી એક પોલીસની ગાડીઓ પૂરપાટ ઝડપે જઈ રહી હતી. સેવકરામને ધ્રાસ્કો પડ્યો. તે કોઠા તરફ ભાગ્યો. સેવકરામનો ધ્રાસ્કો પળવારમાં થડકારમાં પરિણમ્યો. પોલીસની ગાડીઓ કોઠા ભણી જ જઈ રહી હતી. તેણે હાથમાંની ચીજ-વસ્તુઓ ફંગોળી અને આંધળી દોટ મૂકી. નજીકનાં વળાંકે પોલીસની ગાડીને રસ્તો ન મળ્યો. સેવકરામે પોલીસની ગાડીને પાછળ મેલી દીધી. તે દોડતો ગયો અને કોઠાનાં બારણા પાસેથી જ ચિચિયારીઓ પાડી.
‘પોલીસ... પોલીસ… આ તરફ જ આવી રહી છે પોલીસ… રાજબાબુ, પોલીસ આવી રહી છે.’
સેવકરામની ચીસાચીસથી રાજશેખર સહિત સૌ કોઈ ચોંક્યા. રાજશેખર, પારો અને ચંદ્રમુખી સાવધ થઈ ગયા. અન્ય કોઈનાં સમજમાં વાત ન આવી કે શું થઈ રહ્યું છે? પારો અને રાજશેખર હેબતાઈ ગયા. કોઠાનાં મુખ્ય દ્વારને વાસી દેવામાં આવ્યો.
ચંદ્રમુખીનાં ચહેરા ઉપર પણ વ્યગ્રતા છવાઈ ગઈ. રાજશેખર આવી સ્થિતિમાં ઘડાયેલો હતો. તેણે પારો અને રૂપાલીને કહ્યું, ‘ઝટ નીકળવું પડશે. નહીંતર નાહકમાં ચંદ્રમુખીજીએ પણ ભોગવવાનો વારો આવશે. પારો, તમે રોકાવાના હો તો કંઈ નહીં પણ મારા કારણે મહિલાઓ અને આટલા બધા લોકોનો જીવ જોખમમાં નાંખવાનું મને પોષાશે નહીં.’
‘રાજ બાબુ... લડીશું તો પણ હવે સાથે અને જઈશું તો પણ સાથે.’ આ વખતે ચંદ્રમુખીનો કડક અવાજ આવ્યો.
‘નહીં, ચંદ્રમુખીજી... આવું નહીં કરતા. પહેલેથી જ પારોજી અને રૂપાલી મારા કારણે દર-દરની ઠોકરો ખાઈ રહ્યા છે. હવે વધારે જોખમ લેવાની ઈચ્છા નથી. મારું શું? મા ભોમનો સાદ સુણી લાલ કફન પહેરી નીકળી પડ્યો હતો. બીરભૂમિ મારી રાહ જોઈ રહી હોય એવું લાગે છે. તમારો-મારો સાથ અહીં સુધી જ લખાયો હતો.’
‘ના… રાજબાબુ... સાથ તો હવે પ્રાણ પંખેરુ સાથે જ ઉડશે. રહી વાત અંગ્રેજ પોલીસનો સામનો કરવાની તો આજે મા દુર્ગાની પૂજા છે. બધું સમુંસૂતરું થશે.’
‘મને કોઈ દેવી-દેવતાની દુહાઈ ન આપો. હું તો બસ એટલું જાણું છું કે અખંડ બંગ માટે મારા પ્રાણ આપવા પડે તો પણ હું ખચકાઈશ નહીં. હવે અંગ્રેજો સાથે બબ્બે હાથ કરવાનો સમય પાકી ગયો છે. અહીં રહીને હું અંગ્રેજો સાથે બાથ ભીડવાના મતનો નથી. હું અહીંથી બહાર નીકળીને અંગ્રેજો સાથે લડી લેવામાં માનું છું.’
‘તો પછી અમે પણ બંગાળની નારીઓ છીએ. આવવા દો અંગ્રજોને. આજની દુર્ગાપૂજાનું તિલક મારા લોહીથી થશે અથવા તો અંગ્રેજ રાક્ષસોનું લોહી મા દુર્ગાને ચઢાવી દેવામાં આવશે.’
રાજશેખર, પારો, ચંદ્રમુખી, રૂપાલી અને સેવકરામે પ્રતિજ્ઞા લીધી કે, જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી તેઓ અંગ્રેજો સામે જંગ લડશે.
મુખ્યદ્વાર પર રાજશેખરે નજર કરી. પોલીસની ગાડી આવીને અટકી. એક પછી એક પોલીસની ગાડીઓનો ખડકલો કોઠાની ફરતે ગોઠવાઈ ગયો. આરપારની લડાઈ થવાની દહેશત ઊભી થઈ ગઈ. સોનાગાછીમાં સળવળાટ થયો.
પારો પણ ભયભીત હતી. તેને પહેલાથી જ પીડા થઈ રહી હતી છતાં તેણે હિંમત એકઠી કરી રાખી હતી. વારંવાર દર્દનાં સિસકારા નીકળી જતા હતા. રાજશેખરે પારો અને ચંદ્રમુખી તરફ જોયું.
‘તમે લોકો આમ માનવાના નથી. જુઓ પરિસ્થતિ વિપરીત છે. હકીકતનો સ્વીકાર કરો. તમે લોકો જે ભગવાનમાં વિશ્વાસ રાખો છો તેનો વાસ્તો છે મને જવાદો.’
રાજશેખરની વિનંતીઓ બાદ પણ પારો અને ચંદ્રમુખી પોતાની વાતે અડગ રહ્યા. રાજશેખરે જોયું તો ઈન્સપેક્ટર એનરોન શેરોન સહિતનો પોલીસ કાફલો સાથે કોઠામાં પ્રવેશે છે. રાજશેખરે ઉપસ્થિત લોકો પર દૃષ્ટિ ફેંકી. પારો અને ચંદ્રમુખીને જોયા અને તેણે વાટ પકડી મુખ્ય દ્વાર તરફની. પારો અને ચંદ્રમુખી કંઈક સમજે તે પહેલાં તો રાજશેખરે પોતાના બંને હાથ ઊંચા કરીને અંગ્રેજ પોલીસને આત્મસમર્પણનાં સંકેત આપ્યા. પારો અને ચંદ્રમુખી તેની પાછળ દોડે તે પહેલાં તો રાજશેખર ઈન્સ. શેરોનની સમીપ પહોંચી ગયો હતો.
રાજશેખરે પાછા વળીને જોરથી કહ્યું, ‘જીવનમાં ફરી મળવાનું લખાયું હશે તો અવશ્ય મળીશું. હાલ તો મારા કારણે કોઈને પણ ઘસરકી ન લાગે તે જોવાનું કામ મારું છે. મને માફ કરજો. મારી પાસે આવી કટોકટીમાં બીજો કોઈ વિકલ્પ ન હતો. હું આત્મસમર્પણ કરું છું, પણ મને આનંદ રહેશે કે હું તમારા લોકો માટે કશુંક કરી શક્યો.’
રાજશેખરે ત્યાર બાદ પાછા ફરીને જોયું નહીં. તે ચાલ્યો જઈ રહ્યો હતો. ઈન્સ.શેરોન પાસે પહોંચીને તેણે આત્મસમર્પણ કરી દીધું. પારો, ચંદ્રમુખી અને રૂપાલીની આંખમાંથી અશ્રુધારા વહેવા માંડી.
ઈન્સ. શેરોને જોયું તો પારો અને ચંદ્રમુખી પણ સાથે છે. તો એણે બધાને પકડી લેવાનો હુકમ કર્યો. પારો અને ચંદ્રમુખીએ નક્કી કર્યું કે, પોલીસનાં હાથમાં નહીં આવીશું. રાજશેખરે ઈન્સ.શેરોનને કહ્યું.
‘એમને જવા દો... એમનો કોઈ વાંક નથી.’
ઈન્સ.શેરોને ક્રુર હાસ્ય વેરી કહ્યું, ‘જેના માટે આખો કાંડ થયો તેને છોડી દઉં...? પારોની સાથે ચંદારાણી હશે એટલે કાલીબાબુ ખૂબ ખુશ થશે અને દ્વિજદાસ પણ! મારે બંનેનો આભાર માનવો પડશે કે, તેમણે પારો અને ચંદ્રમુખીને પકડી પાડવા માટે ખાસ કહેણ મોકલાવ્યું. ઠેકાણું પણ કાલીદાસે જ બતાવ્યું છે. કેમ કાલીબાબુ...’ આટલું સાંભળતા જ પોલીસની ગાડીમાં બેઠેલા કાલીદાસે ડોકીયું કર્યું.
ચહેરા પર એ જ નકસલી હાસ્ય વેરીને કાલીદાસ તાડુક્યો, ‘બિલકુલ ખરું, ઈન્સ. સાહેબ... ચંદારાણી અને માતારાણીના ઘમંડને ચકનાચૂર નહીં કરી નાંખું તો મારું નામ કાલીદાસ નહીં. શેરોન સાહેબ, બસ એક જ કામ બાકી છે.’
‘બોલો… કાલીબાબુ શું કામ બાકી છે?’
‘ઈન્સ. સાહેબ, ચંદારાણીને આજે હાથીપોતા લઈ જઈ મુજરો કરાવવો છે. તમારી પરવાનગી હોય તો… અમારામાં એવી માન્યતા છે કે ગણિકાનાં ઉંબરની માટીથી દુર્ગાપૂજાનો પ્રારંભ કરવામાં આવે તો એ બહુ પૂણ્યશાળી ગણાય છે. પૂજાની પૂજા, મુજરાનો મુજરો અને તમારું પણ કામ થઈ જશે. એક કાજ, ત્રણ પક્ષી… બોલો, મંજૂર છે?’
રાજશેખર જોરથી બરાડ્યો, ‘નાલાયક, મેં તારા જેવો ગદ્દાર જોયો નથી. નીચતાની હદ વટાવી નાંખી છે તે તો.’
રાજશેખરના બરાડાથી ક્રોધે ભરાયેલા ઈન્સ. શેરોને તેને જોરથી લાકડી ફટકારી. રાજશેખર ઘાયલ સિંહની જેમ બંનેને જોઈ રહ્યો. કાલીદાસે રાજશેખરનાં વાળ પકડી ખેંચ્યા.
‘બંગને અખંડ કરવા નીકળ્યો છે. હવે તું પોતે અખંડ નહીં રહે. હું જોઉં છું કે પારો અને ચંદ્રમુખીને તું કેવી રીતે બચાવે છે? અને તું પોતે પણ કેવી રીતે બચે છે?’
બીજી તરફ પારો અને ચંદ્રમુખીને પકડવા પોલીસ કાફલો લાગી ગયો હતો. પારો, ચંદ્રમુખી, રૂપાલી અને સેવકરામ કોઠાનાં ગુપ્ત દ્વાર ભણી દોડવા લાગ્યા. કોઠામાં ગુપ્ત દ્વાર હતો, જેનો કટોકટી સમયે ઉપયોગ કરવામાં આવતો હતો. પોલીસનાં હાથે ઝડપાઈ જવાના બદલે ચારેય દ્વાર ભણી દોડી રહ્યા હતા. કોઠામાં હાજર ગણિકાઓ અને અન્ય લોકોને પોલીસે ગિરફતાર કરી લીધા હતા.
ભારે દોડધામ કર્યા બાદ પણ ચારેય જણા ગુપ્ત દ્વાર સુધી પહોંચી ન શકયા. પોલીસે ચારેયને ઘેરી લીધા. પારોની હાલત અત્યંત ખરાબ થઈ રહી હતી. યેનકેન રીતે ચંદ્રમુખી અને રૂપાલી તેને સાચવી રહી હતી. પોલીસનો ઘેરો અને પારોની હાલતને લઈ ચંદ્રમુખી અને રૂપાલીની પણ હિંમત જવાબ આપી ગઈ. પોલીસે ચારેયને હિરાસતમાં લઈ લીધા. રાજશેખરે જોયું કે ચારેય પોલીસનાં હાથમાં આવી ગયા છે તો તેણે પોલીસનાં જાપ્તામાંથી છટકવાની કોશિશ કરી પણ ફાવ્યો નહી. પોલીસવાળાએ તેને જોરથી ફટકો માર્યો. તે બેભાન થઈ ઢળી પડયો. કાલીદાસ અને ઈન્સપેક્ટર એનરોન શેરોન મૂછમાં ક્રુર રીતે હસી રહ્યા હતા.
કોઠામાં દુર્ગાપૂજાની તૈયારીઓ પળવારમાં ભેંકાર બની ગઈ હતી. ચારે બાજુ વિંધતો સન્નાટો વ્યાપી ગયો હતો. પ્રકાશિત થતી બત્તીઓ પણ સૂનકારમાં, કોઈની વિદાયમાં નિસાસા નાંખતી હોય તેમ ઝબૂક-ઝબૂક થઈ રહી હતી. ચંદ્રમુખીના કોઠા પર એક વેરાની પથરાઈ ગઈ ગઈ હતી.
(ક્રમશઃ)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર